Get The App

માનવસમાજ વિશ્વનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
માનવસમાજ વિશ્વનું મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- દુનિયામાં કેટલાય ક્ષેત્રોમાં અસમાનતાની ખીણ સતત ઊંડી થતી જાય છે. અનેક પ્રયાસો છતાં સામાજિક-આર્થિક અસમાનતા દૂર થતી નથી

- પશ્ચિમ જગતના દેશો સંપત્તિમાં આળોટે છે તો આફ્રિકાના મોટાભાગના દેશો ગરીબીમાં ગળાડૂબ છે. આવકની અસમાનતાના કારણે જગતમાં બીજી કેટલીય મુશ્કેલીઓ સર્જાય છે. આટલા વર્ષો પછી પણ આર્થિક સમાનતા લાવી શકાઈ નથી

જ ગતના ૧૯૩ રાષ્ટ્રોને માનવસમાજનું મેનેજમેન્ટ કરતા આવડયું નથી. હાલમાં ૮૩૦ કરોડની વસતી ધરાવતા જગતની વસતી ૦.૮૬ ટકાના દરથી વધે છે. પરંતુ જગતનું અર્થકારણ સરાસરી ૩ ટકાના દરથી આગળ વધી રહ્યું છે. એટલે જગતનું અર્થકારણ ખાડે નથી ગયું. તેથી માનવજાત માટે હજી જીવતા રહેવાની આશા છે પરંતુ જગતના રાષ્ટ્રો વચ્ચે પારાવાર અસમાનતા છે અને દરેક સમાજમાં સ્ટેટસની અસમાનતા તો છે જ.

પશ્ચિમ જગતના દેશો સંપત્તિમાં આળોટે છે તો આફ્રિકાના મોટાભાગના દેશો ગરીબીમાં ગળાડૂબ છે. જગતના દેશોની કુલ રાષ્ટ્રીય આવક વચ્ચે જેમ આર્થિક અસમાનતાની ઊંડી ખાઈ છે તેવી માથાદીઠ સરાસરી વાર્ષિક આવકની બાબતના પણ તેવી જ અસમાન સ્થિતિ પ્રવર્તે છે. જગતમાં સૌથી વધુ જીડીપી (રાષ્ટ્રીય આવક) ધરાવતો દેશ અમેરિકા છે અને તેની જીડીપી ૩૦.૫ ટ્રીલીયન છે જે પછી ચીનની જીડીપી ૧૯.૨૩ ટ્રીલીયન ડોલર્સ, જર્મનીની ૪.૭ ટ્રીલીયન ડોલર્સ, ભારતની ૪.૧૯ ટ્રીલીયન ડોલર્સથી થોડીક વધારે, તે પછી જાપાનની ૪.૧૯ ટ્રીલીયન ડોલર્સ છે અને આપણા પર એક જમાનામાં રાજ કરતા યુ.કે.ની ૩.૮૪ ટ્રીલીયન ડોલર્સ હવે ભારતથી પણ ઓછી છે. ફ્રાંસની ૩.૨૧ ટ્રીલીયન ડોલર્સ, ઇટાલીની ૨.૪૨ ટ્રીલીયન ડોલર્સ અને કેનેડાની ૨.૨૩ ટ્રીલીયન ડોલર્સ છે પરંતુ ભારતની સૌથી મોટી સમસ્યા૧૪૬ કરોડથી પણ વધુ વસતી છે જેથી ભારતની સરાસરી માથાદીઠ આવક ૨૮૧૩ ડોલર્સ છે જ્યારે અમેરિકાની માથાદીઠ સરાસરી આવક ૯૪,૪૩૦ ડોલર્સ પર પહોંચી ગઈ. તેની સરખામણીમાં સરાસરી માથાદીઠ આવક કીડી જેટલી નાની છે. જો અત્યારે ભારતની વસતી યુ.કે.ની વસતી જેટલી હોત તો ભારતની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક બ્રિટનની સરાસરી માથાદીઠ આવક કરતાં પણ વધારે હોત. 

આર્થિક અસમાનતા

જગતના જુદા જુદા દેશોમાં માત્ર જીડીપી (રાષ્ટ્રીય આવક)ની બાબતમાં નહી પરંતુ સરાસરી માથાદીઠ વાર્ષિક આવકમાં જબરજસ્ત તફાવતો છે. જગતમાં કેટલાક દેશોની માથાદીઠ વાર્ષિક આવક અને કેટલાક ગરીબ સરાસરી દેશોની વાર્ષિક માથાદીઠ આવક વચ્ચેના તફાવતો આપણે બેભાન કરી દે તેવા છે.

જગતના મોટા સમૃદ્ધ દેશોની સરાસરી માથાદીઠ આવક નીચે મુજબ (આઈએમએફ ૨૦૨૬) છે. જે સ્વીત્ઝર્લેન્ડની ૧,૨૬,૧૭૭ ડોલર્સ, સીંગાપોર ૧,૦૭,૭૫૮ ડોલર્સ, નોર્વે ૧,૦૫,૮૭૭ ડોલર્સ, યુએસએ ૯૪,૪૩૦ ડોલર્સ, ડેનમાર્ક ૮૩,૪૪૫ ડોલર્સ, નેધરલેન્ડ ૭૯,૯૧૮ ડોલર્સ, ઓસ્ટ્રેલિયા ૭૫,૬૪૪ ડોલર્સ, ઇઝરાયેલ ૬૯,૮૦૪ ડોલર્સ, જર્મની ૬૫,૩૦૩, ડોલર્સ, ફ્રાંસ ૫૨,૦૮૩ ડોલર્સ, યુ.કે. ૬૧,૦૫૬ ડોલર્સ અને ભારતની સરાસરી માથાદીઠ આવક  ૨૮૧૩ ડોલર્સ છે. અને પાકિસ્તાનની ૧૬૯૬ ડોલર્સ છે. ભારતીય જનતાનું સરાસરી આયુષ્ય ૭૨ વર્ષ (૨૦૨૩ ના વર્ષમાં) હતું જ્યારે તે જ વર્ષે જગતનું જગતના તમામ લોકોનું સરાસરી આયુષ્ય ૭૩.૬૦ વર્ષ હતું. બાય ધ વે, જાપાનનું તો ૮૪ વર્ષ, સ્વીત્ઝર્લેન્ડનું ૮૪.૧ વર્ષ, ઓસ્ટ્રેલિયાનું ૮૪.૧ વર્ષ અને ભોગપ્રધાન અમેરિકાનું તો ૭૯ વર્ષ હતું. ત્યાગપ્રધાન ભારતના ટૂંકા જીવવા કરતા ભોગપ્રધાન અમેરિકાનો લાંબુ જીવવુ વધારે ઇચ્છવા યોગ્ય ગણી શકાય. 

જગતના કેટલાક ગરીબ દેશોની સરાસરી માથાદીઠ આવક દયા ઉપજાવે તેટલી નીચી છે. જગતના સૌથી ગરીબ દેશ બુરૂન્ડી છે તેની માથાદીઠ સરાસરી (વાર્ષિક) આવક ૨૫૬ ડોલર્સ છે. કટ્ટરપંથી અફઘાનિસ્તાનની સરાસરી માથાદીઠ આવક ૩૭૮ ડોલર્સ છે, સેન્ટ્રલ આફ્રીકન રીપબ્લીકની ૩૯૦ ડોલર્સ, માડાગાસ્કરની ૪૫૩ ડોલર્સ, મલાવીની ૫૫૨ ડોલર્સ, કોંગોની ૫૫૫ ડોલર્સ, સુદાનની ૫૮૨ ડોલર્સ, મોઝામ્બીકની ૬૦૪ ડોલર્સ છે.

ભારતના સીક્યુલારીઝમ અને સોસીયાલીઝમ (જે ભારતના કોન્સ્ટીટયુશનના આમુખમાં છે) આ તે માનતું નથી વળી જગતના કેપીટલીઝમ વિરૂદ્ધ સામ્યવાદ, નીયોલીબરાલીઝમ વિરૂદ્ધ જમણેરી ફાસીવાદી ધર્મ કેન્દ્રે વિચાર યુદ્ધે ચડી છે. જગત વધારે જમણેરી રાજકારણ ફેલાઈ ગયું છે.

અત્યારના જગતમાં દેશની અંદર અને દેશોની વચ્ચે એટલી બધી આર્થિક અસમાનતા છે કે તેમાં રહેતા ગરીબ લોકોને પેલી હિન્દી કવિતાની પંક્તી યાદ આવે કે 'રહેના નહી દેશ વિરાના હૈ'. ક્યાં એમેરિકાની ૯૦,૦૦૦ ડોલર્સની પણ વધારે સરાસરી માથાદીઠ આવક, સ્વીત્ઝર્લેન્ડની અને લક્ઝમબર્ગની એક લાખ ડોલર્સથી વધારે અને ક્યાં ભારતની ૩૦૦૦ ડોલર્સથી પણ ઓછી છે. માથાદીઠ આવક અને પાકિસ્તાનની તો આપણાથી ય ઓછી! 

જગતનું મિસમેનેજમેન્ટ

જગતમાં સેન્ટ્રીફ્યુગલ (કેન્દ્રવિભાગી) અને સેન્ટ્રીપીટલ (કેન્દ્રગામી) પરિબળો સદાય ચાલ્યા કરે છે. બલુચીસ્તાન પાકિસ્તાનથી અલગ થવા માગે છે તે કેન્દ્રવિભાગી પરિબળ છે જ્યારે ટ્રમ્પ કેન્દ્રગામી બનીને કેનેડાને પડાવી લેવા માગે છે. જગતના દેશો અંદરઅંદર લડયા જ કરે છે અને પાડોશી દેશોના પ્રદેશ પડાવી લેવા સદાય તત્પર રહે છે. અમેરિકાએ કેનેડા અને ગ્રીનલેન્ડને પડાવી લેવું છે. જે સેન્ટ્રીપીટલ ફોર્સ છે. અને પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તો વેનેઝુએલા અને ક્યુબાને પણ પોતાના પ્રદેશમાં ભેળવી દેવા માગે છે. રશિયાએ સેન્ટ્રીપીટલ ફોર્મને અનુસરીને યુક્રેનને પડાવી લેવું છે. ચીને તાઈવાન અને ભારતના લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશને પચાવી પાડયા છે, સદ્દામ હુસેને કુવૈતને પડાવી લેવું હતું, ઉત્તર કોરિયાના જુલ્મી શાસક કીમ જોંગ સાઉથ કોરીયાને પડાવી લેવા માગે છે, આફ્રિકાના ઘણા ટ્રાયબલ દેશો એકબીજાના પ્રદેશને પડાવી લેવા સતત યુદ્ધો કરે છે, યુરોપીયન પ્રજાએ એક જમાનામાં રેડ ઇન્ડિયન્સનો પ્રદેશ ગણાય તેને પડાવી લઈ અમેરિકા નામનો દેશ ઊભો કર્યો તો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ ત્યાંની મૂળ પ્રજાઓનું નિકંદન કાઢી નાખ્યું. ભારત બીજા દેશોને પડાવી લેવા માગતુ નથી પરંતુ હિન્દુકેન્દ્રી રાજકારણ લધુમતીઓને 'માર્જીનલાઈઝ' કરવા સદાય તત્પર રહે છે.

જગતના દરેક રાષ્ટ્રમાં અસમાનતા

જગતના દેશો વચ્ચે અસમાનતા વધતી જાય છે અને સાથે સાથે જગતના દરેક દેશમાં પણ આર્થિક અસમાનતા વધતી જાય છે. ભારતમાં આર્થિક અસમાનતા હિમાલયના શિખર જેટલી ઊંચી છે. થોમસ પીકેટીના અભ્યાસ અનુસાર અમેરિકામાં આર્થિક અસમાનતા વધતી જાય છે. આર્થિક અસમાનતા કોઈપણ દેશમાં મોટી સામાજીક અસમાનતાઓ વિષમતા ઊભી કરે છે તે સૌ કોઈ જાણે છે.

ઉપસંહાર

માનવજાતને હજી પોતાની 'સ્પેસી'નું મેનેજમેન્ટ આવડયું નથી. જગતમાં હજારો અને લાખો સ્પેસીઝે આ પહેલા જન્મ લીધો છે અને નાશ પામી છે. માનવજાત પણ એક 'સ્પેસી' તરીકે પોતાની મૂર્ખામીને કારણે નાશ પામે તે શક્ય છે. તેથી તેનું સ્થળ ભવિષ્યમાં કદાચ દરિયાઈ વહેલ કે મગર, જેવું જળચર પ્રાણી (વહેલ અને મગર ઉત્ક્રાંતિના માનવજાત કરતા પણ જૂના છે) લે તે શક્ય છે. અથવા કૂતરા (કૂતરો માનવજાત પછી સૌથી વધુ ઇન્ટેલીજન્ટ સ્પેસી છે) કે તે પ છી તે સ્થાન જળચર કે ભૂમિચર પ્રાણીને બદલે આકાશમાં ઊડતું અને બુદ્ધીવાળું પક્ષી ઘૂવડ પણ લઈ શકે છે.

ત્રીજા વિશ્વયુદ્ધ બાદ કદાચ પાંચ છ હજાર માણસો બચી જશે તો પણ તેઓ અંદર અંદર લડશે. આ યુદ્ધ પથ્થરો અને ગોફણોથી લડાશે કારણ કે ત્રીજાં વિશ્વયુદ્ધે જગતના તમામ શસ્ત્રો, વીજળીમથકો, પાણીના સ્રોતોનો નાશ કરી દીધો હશે.