Get The App

નો સેકન્ડ ચાન્સ!

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
નો સેકન્ડ ચાન્સ! 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- અનુભવ સિંહાની 'અસ્સી' ફિલ્મમાં ભારતમાં દર 80 મિનિટે બળાત્કારનો એક કેસ નોંધાય છે તે હકીકત હાઇલાઇટ થઈ હતી, જ્યારે અનુરાગ કશ્યપની લેટેસ્ટ 'બંદર' ફિલ્મમાં પોલીસના ચોપડે ચડતા બળાત્કારના કેસોમાંથી કેટલાક બનાવટી પણ હોઈ શકે છે, તે વાત નીચે અધોરેખા કરવામાં આવી છે.  

'મ ને આ કેન્સલ કલ્ચર સામે મોટો વાંધો છે. કેન્સલ કલ્ચરમાં માણસને તક જ આપવામાં આવતી નથી. હું જુવાન થઈ રહ્યો હતો તે જમાનાની વાત કરું તો અમે બધા ભૂલો કરતા હતા, ને અમને સૌને સુધરવાનો, ખુદમાં બદલાવ લાવવાનો મોકો મળતો હતો... પણ આજે જમાનો સાવ બદલાઈ ગયો છે.' 

પોતાની લેટેસ્ટ ફિલ્મ 'બંદર'ના પ્રીમિયર પછી અનુરાગ કશ્યપ ઓડિયન્સને સંબોધીને આ કહી રહ્યા હતા. આ પ્રીમિયર છેક ગયા સપ્ટેમ્બરમાં યોજાયેલું અને તે પણ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં, પણ ફિલ્મ આપણે ત્યાં રિલીઝ નવ મહિના પછી છેક હવે, આ અઠવાડિયે થઈ છે. અનુરાગને આમેય વાયા ફિલ્મ ફેસ્ટિવલ થઈને ફિલ્મો રિલીઝ કરવાનો રુટ માફક આવી ગયો છે. એમણે એમની કરીઅરની સંભવત: સૌથી સફળ અને ૫ કલાક ૧૮ મિનિટ લાંબી ફિલ્મ, પહેલો અને બીજો એમ બન્ને ભાગને સળંગ સાંકળી લેતી 'ગેન્ગ્સ ઓફ વાસેપુર' પણ સૌથી પહેલાં કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડી હતી, ને ત્યાં પણ દર્શકોની ખૂબ વાહવાહી મેળવી હતી.  

'આશ્રમ' વેબ સિરીઝ (પહેલી સિઝન ૨૦૨૦) અને ખાસ તો 'એનિમલ' ફિલ્મ (૨૦૨૩) પછી બોબી દેઓલનો સૂરજ પાછો તપવા લાગ્યો છે. 'બંદર'નો એ મેઇન હીરો છે. ફિલ્મના ટ્રેલર પરથી જ સ્પષ્ટ થઈ જાય છે તેમ, કરણ મહેરા (બોબી) ટીવી સિરીયલોનો હીરો છે, જેની ડિમાન્ડ હવે ખાસ રહી નથી. એ ઠીકઠાક ફી લઈને લગ્નોનાં આમંત્રણો સ્વીકારે છે અને મહેમાનો સામે નાચી આવીને પૈસા કમાય છે. આવું બધું કર્યા પછીય એનું ગાડું ગબડી શકતું નથી. એની પાસે પીઠની સર્જરી કરાવવાના પૈસા નથી, ઘરના ઈએમઆઈ નિયમિત ભરી શકાતાં નથી. આટલું જાણે ઓછું હોય તેમ એક સવારે પોલીસ અચાનક એની ધરપકડ કરવા ધસી આવે છે. કેમ? કેમ કે ગાયત્રી (સપના પબ્બી) નામની સ્ત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કરણ મહેરાએ એના પર બળાત્કાર કર્યો છે! 

કરણ બઘવાઈ જાય છે. એ પોતાનો બચાવ કરતાં કહે છે કે હું અને ગાયત્રી ડેટિંગ એપ પર સંપર્કમાં આવ્યા હતાં, એકબીજાને ચાર-પાંચ વાર મળ્યા હતાં, બન્નેએ સ્વેચ્છાએ સંબંધ બાંધ્યો હતો... તો આ આખી વાતમાં બળાત્કાર ક્યાંથી આવી ગયો? આખો મામલો કોર્ટમાં જાય છે ને પછી જે થવાનું હોય તે થાય છે. ટૂંકમાં, 'મી ટૂ' મૂવમેન્ટ પછી કેટલીક કિન્નાખોર યુવતીઓએ કાયદાનો ગેરલાભ લઈને અમુક નિર્દોષ પુરુષોને બળાત્કારોના નકલી કેસમાં ફસાવી દીધા હતા તે વાત 'બંદર' ફિલ્મના કેન્દ્રમાં છે. 

ફેબુ્રઆરીમાં અનુભવ સિંહાની 'અસ્સી' ફિલ્મ આવી હતી, જેમાં ભારતમાં દર ૮૦ મિનિટે બળાત્કારનો એક કેસ નોંધાય છે તે વાત હાઇલાઇટ કરવામાં આવી હતી, જ્યારે અનુરાગ કશ્યપની 'બંદર' ફિલ્મમાં પોલીસના ચોપડે ચડતા બળાત્કારના કેસોમાંથી કેટલાક બનાવટી પણ હોઈ શકે છે, તે વાત નીચે અધોરેખા કરવામાં આવી છે. નિર્દોષ સ્ત્રીઓ પર થતા બળાત્કારો અને અમુક કેસમાં નિર્દોષ પુરુષોની સતામણી - આ બન્ને વાત સાચી છે. સમગ્રપણે પુરુષો કરતાં સ્ત્રીઓ પર થતો અત્યાચાર સરખામણી પણ કરી ન શકાય એટલી હદે વ્યાપક અને ગંભીર છે. 

આ ઓટીટીના જમાનામાં 'બંદર'ની થિયેટ્રિકલ રિલીઝ કેટલી હદે સફળ થઈ શકે છે તે એક પ્રશ્ન છે. 'બંદર'નું બોકસ ઓફિસ રિઝલ્ટ ગમે તે આવે, અનુરાગ કશ્યપની રાજકીય વિચારધારા સામે અમુક લોકોને ગમે તેટલા વાંધા હોય, પણ અનુરાગ કશ્યપ હિન્દી સિનેમાના એક ઇન્ટરેસ્ટિંગ અને મહત્ત્વના ફિલ્મમેકર છે તે હકીકત છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ એક્ટિંગ પણ કરે છે. અનુરાગ કશ્યપના બાયોડેટામાં હજુય સૌથી વધુ ઝળહળ તો 'ગેંગ્સ ઓફ વાસેપુર' (૨૦૧૨) જ કરે છે. અનુરાગને આમેય ગેંગસ્ટર્સ ખૂબ ફળ્યા છે. ૨૬ વર્ષની ઉંમરે એમણે રામગોપાલ વર્માની જે ફિલ્મનું સહલેખન કર્યું હતું તે 'સત્યા' (૧૯૯૮) પણ એક ગેંગસ્ટર ફિલ્મ હતી. 

એક રાતે સાડા દસે એક્ટર મનોજ બાજપાયીને અચાનક અનુરાગ કશ્યપનો ફોન આવ્યો: ફ્રી છે? અબ્બી હાલ મારી ઓફિસે આવી જા. એક કલાકમાં મનોજ અનુરાગની ઓફિસમાં હતા. અનુરાગે એમને 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'નો સ્ટોરી આઈડિયા સંભળાવ્યો. ફિલ્મના નાયકમાં નૈતિકતાનું નામોનિશાન નથી. એ સેક્સ મેનિયાક છે અને હિન્દી ફિલ્મનો હીરોએ જે ન કરવાં જોઈએ તે બધાં જ કામ એ કરે છે. આમ છતાંય એના વ્યક્તિત્ત્વમાં આકર્ષી લે તેવું કશુંક તત્ત્વ છે. અનુરાગે પૂછયું: બોલ મનોજ, બનીશ હીરો? મનોજે એક પળનો વિચાર કર્યા વિના કહી દીધું: યેસ્સ, કરીશ! 

અનુરાગ નાનપણથી જ સારા સ્ટોરીટેલર છે. એમને ઉત્તર ભારતનો, ખાસ કરીને યુપીનો સારો પરિચય છે. એમના પિતાજીની સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે યુપીના ઘણા શહેરોમાં રહેવાનું થયું હતું. એ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા. ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! એટલું જ નહીં, નાનકડો અનુરાગ માનવા લાગતો પોતાની સ્ટોરી એકદમ સાચી જ છે અને ખરેખરી ફિલ્મમાં મેં જે વિચાર્યું છે એવું જ હોવું જોઈએ!

અનુરાગ કોલેજકાળમાં થિયેટર કરતા હતા. એમને શરૂઆતમાં તો એક્ટર બનવું હતું, પણ એક વખત દિલ્હીમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની ભાતભાતની ફિલ્મો જોઈને વિચાર બદલાયો અને ફિલ્મમેકર બનવાનો નિર્ણય લીધો. વીસ વર્ષ પહેલાં એમણે મુંબઈમાં પગ મૂક્યો. પાછળ પાછળ નાનો ભાઈ અભિનવ કશ્યપે એમબીએ કરવા મુંબઈમાં એન્ટ્રી કરી. અનુરાગે 'પાંચ' (૨૦૦૩) નામની હાર્ડહિટીંગ ફિલ્મ બનાવી હતી, પણ એ રિલીઝ થવાનું નામ નહોતી લેતી એટલે હાલત ખરાબ થઈ ગઈ હતી. સદભાગ્યે છોટે ભૈયા 'ત્રિકાલ' અને 'ડર' જેવી ટીવી સિરિયલો લખવા અને ડિરેક્ટ કરવા લાગ્યા. ટીવીમાંથી પૈસામાંથી ઘર ચાલતું. નિરાશાઓ અને સંઘર્ષ વચ્ચે પણ અનુરાગનું પેશન ક્યારેય ઢીલું ન પડયું એટલે એમની ગાડી ક્રમશ: એમણે ઈચ્છી હતી એ દિશામાં ચાલવા લાગી.

અનુરાગ કશ્યપ 'ન્યુ વેવ ફિલ્મમેકર' ગણાયા, જ્યારે નાના ભાઈ અભિનવે વર્ષો પછી સાવ સામે છેડે જઈને 'દબંગ' (૨૦૧૦) જેવી હાડોહાડ મસાલા ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે ધમાકેદાર શરૂઆત કરી. કમનસીબે અભિનવ વન-ફિલ્મ વન્ડર બની રહ્યા. 'દબંગ' પછી તેઓ કશું જ નોંધપાત્ર કરી ન શક્યા. છેલ્લે એ ચર્ચામાં માત્ર એટલા ખાતર આવ્યા હતા કે એમણે યુટયુબ પર સલમાન ખાન વિરુદ્ધ લાંબા લાંબા ઇન્ટરવ્યુ આપીને બખાળા કાઢયા હતા. ખેર.   

'ગેંગ્સ ઓફ વાસેપુર'ની રિલીઝ પહેલાં અનુરાગ કશ્યપે એક મુલાકાતમાં કહ્યું હતું કે, 'વિશાલ ભારદ્વાજ, તિગ્માંશુ ધુલિયા અને હું ફિલ્મોમાં ગ્રામ્ય બરછટપણું પેશ કરીએ છીએ, પણ અમારા ત્રણેયમાંથી એકેયને બોક્સઓફિસ પર પ્રચંડ સફળતા આજ સુધી મળી નથી. હવે થયું છે એવું કે 'દબંગ' અને 'રાઉડી રાઠોડ'ની સુપરડુપર સફળતાને કારણે ઓડિયન્સને અમારી ફિલ્મોમાં દર્શાવાતાં પ્રમાણમાં વધારે વાસ્તવિક એવા ગ્રામ્ય માહોલમાં ધીમે ધીમે રસ પડવા માંડયો છે. ઓડિયન્સનો ટેસ્ટ કંઈ રાતોરાત એક ફિલ્મથી બદલાતો નથી. પ્રેક્ષકોને બીબાંઢાળ ફિલ્મોથી અલગ જોતાં કરવાનો જશ જો આપવો જ હોય તો તમે વિશાલ ભારદ્વાજનું નામ લઈ શકો, દિબાકર બેનર્જીનું નામ લઈ શકો.'

અનુરાગ કશ્યપને ઊંડે ઊંડે આશા હતી કે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર' કદાચ આર્ટ્સ અને કોમર્સનો સંગમ કરી શકશે. એમની આ આશા ફળી પણ ખરી. એમને પછી તો વધારે ફન્ડિંગ મળવા લાગ્યું. એમણે રણબીર કપૂર અને અનુશ્કા શર્માને લઈને 'બોમ્બે વેલ્વેટ' નામની ખર્ચાળ, મેઇનસ્ટ્રીમ ફિલ્મ બનાવી, જે ઊંધા માથે પટકાઈ. અનુરાગ ભારતીય માટીની ખૂશ્બુ ધરાવતી, સ્થાનિક સેન્સિબિલિટીવાળી ફિલ્મો બનાવવાની કદાચ વધારે ફાવટ છે. એમની 'બંદર' આમ જોવા જોઈએ તો હોડાહાડ 'અર્બન' ફિલ્મ છે. તમને શું લાગે છે - આ ફિલ્મમાં અનુરાગ કશ્યપનું અનુરાગત્વ બરાબર ખીલ્યું છે? 

શો સ્ટોપર 

જબ આપકી હૈસિયત બઢતી હૈ તો દુશ્મની ભી બઢતી હૈ... મને તો ઇન્ડસ્ટ્રીમાં બધાએ બૅન કરી છે. 

-કંગના રનૌત 

('ડોન-થ્રી'ના વિવાદમાં રણવીર સિંહની તરફેણ કરતાં)