- કેટલાક ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ભારતની આબરૂના ધજાગરા ઉડાવે છે : એરપોર્ટના ટરમેક પર ગરબા
- હોરાઈઝન-ભવેન કચ્છી
- વિદેશની કેટલીક હોટલોની લોબીમાં ખાસ ભારતના પ્રવાસીઓ માટે જ શિસ્ત પાલનના નિયમો બતાવતું બોર્ડ મૂકવામાં આવે છે
સો શિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં વિએતનામના પાટનગર હાનોઈના એક શાંત, સંસ્કારી અને ઐતિહાસિક વિસ્તારમાં આવેલ રેલના પાટા પર કેટલાક ભારતીય પ્રવાસીઓનું એક જૂથ શાહરુખ અને મલાઈકા પર ફિલ્માંકન થયેલ 'દિલ સે' ફિલ્મના 'છૈયા છૈયા' ગીતને સામુહિક રીતે ગાતા નૃત્ય કરી રહ્યું છે. ફિલ્મમાં આ ગીત ચાલુ ટ્રેનમાં ભજવાતું હોઈ ભારતના પ્રવાસીઓને રેલના પાટા જોઈને થયું કે 'ચાલો, આપણે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકીએ અને અમારામાં કેવી સર્જનાત્મકતા છે તે વિશ્વને બતાવીએ.' તેઓ જોરથી તાળીઓ પાડીને ગીત ગાવા સાથે નૃત્ય કરતા હતાં તે દરમ્યાન સમગ્ર વિસ્તારમાં ભારે શોરબકોર થતાં સમગ્ર વિસ્તારની ગરિમાપૂર્ણ શાંતિ હણાઈ ગઈ હતી.
પ્રવાસી જૂથની મસ્તી
જયારે ભારતીય પ્રવાસી જૂથ આવી રીતે રેલ ટ્રેક પર ઝૂમી રહ્યું હતું ત્યારે આસપાસથી પસાર થતા સ્થાનિક વિએતનામીઝ નાગરિકોના ચહેરા પર આશ્ચર્ય, અકળામણ અને અણગમો સાફ દેખાતો હતો. આમ પણ રેલ ટ્રેક પર સમૂહ નૃત્ય તો ઠીક નાગરિકોએ ક્રોસિંગ સીવાય ચાલવું પણ નહીં તેવી સૂચના આપેલી હોય છે છતાં ભારતીય પ્રવાસીઓને આવા નિર્ર્દેશની કોઈ અસર નહોતી થઈ.
આ પ્રવાસી જૂથને એમ હતું કે બધા તેઓને દાદ આપશે,પણ બન્યું એવું કે જેઓએ આ રીલ જોઈ તેઓએ આ જૂથની ટીકા કરી અને ઉધડો લીધો કે 'તમારા જેવા પ્રવાસીઓને લીધે ભારત દેશની વિશ્વ સમક્ષ આબરૂ જાય છે.' વિદેશીઓએ પણ તેમના દેશમાં કેટલાક ભારતીયો કઈ હદે ગેરશિસ્ત આચરે છે તેના પ્રતિભાવ આપ્યા.
ટરમેક પર ગરબા
બરાબર આ જ અરસામાં ભારતના પ્રવાસીઓ એરપોર્ટના ટરમેક પર વિમાનની બાજુમાં સર્કલ બનાવીને ગરબો કરતા હોય તેવી પોસ્ટ વાઈરલ બની. આ પોસ્ટને પણ મોટી સંખ્યામાં ભારતીયોએ શરમજનક ગણાવીને ટીકા કરી.
આ કોઈ એકલદોકલ ઘટના નથી. સ્વિટ્ઝરલેન્ડના બરફ આચ્છાદિત પહાડો હોય, લંડનની અન્ડરગ્રાઉન્ડ ટયુબ ટ્રેન હોય, પેરિસનું મ્યુઝિયમ હોય કે ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર હોય - કેટલાક ભારતીય પ્રવાસીઓની 'હમ નહીં સુધરેંગે' વાળી માનસિકતા આજે વૈશ્વિક સ્તરે ભારતની છાપ ખરડી રહી છે. ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ પણ એક્સ પર પોતાના કડવા અનુભવો શેર કરતા લખ્યું હતું કે, વિદેશની હોટલો અને ફ્લાઈટ્સમાં ભારતીય પ્રવાસીઓનું વર્તન ઘણીવાર એટલું ખરાબ હોય છે કે એક ભારતીય તરીકે માથું શરમથી ઝૂકી જાય.
નાયગરા ફોલ બેક ગ્રાઉન્ડમાં આવે તેમ એક દક્ષિણ ભારતીય ગુ્રપે ફિલ્મ ગીત જોરથી ગાતા ડાન્સ સાથે રીલ સંતોષ ન થાય ત્યાં સુધી શૂટિંગની જેમ વારંવાર રી ટેક કરીને મોબાઈલ પર રેકોર્ડ કરી ત્યારે વિદેશી પ્રવાસીઓએ ભારે ખલેલ અનુભવ્યું.તેઓ તેમના અંગત જીવનની યાદગાર વેળાને માણવાથી વંચિત રહી નિરાશ થયા હતાં.
આજે પશ્ચિમી દેશો અને એશિયાના વિકસિત દેશોની હોટલો, રિસોર્ટ્સ અને જાહેર સ્થળો પર ખાસ હિન્દી કે અંગ્રેજીમાં ભારતીય પ્રવાસીઓને માટે જ 'શાંતિ જાળવો', 'બુફેમાં ખોરાકનો બગાડ ન કરો' અથવા 'ગંદકી ન ફેલાવો', 'કોફી કે બ્રેક ફાસ્ટ માટેના હોલમાં તમે બહારથી (આપણે ઘેરથી સમજવું) લાવેલી ખાદ્ય સામગ્રી ન આરોગતા' તેવી સૂચનાઓ સાથેનું બોર્ડ મુકવાની નોબત આવી છે.
લોબીમાં સૂચના
ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કા લખે છે કે સ્વીટઝરલેન્ડની હોટલની લોબીમાં ભારતીય પ્રવાસીઓ માટેની આવી સૂચના જણાવેલ બોર્ડ જોઈ શરૂમાં તો એક ભારતીય તરીકે અપમાન થતું હોય તેવી લાગણી અનુભવી પણ સાંજે જ્યારે લોબીમાં બેઠો હતો ત્યારે લોબીમાં ભારતીય પ્રવાસીઓના બાળકો જોરથી કિકયારીઓ પાડતા દોડાદોડી કરતા જોઈ શકાયા. ભારતીય માતા પિતા તેમના સંતાનોને અટકાવતા જ નહોતા. તેવામાં લોબીમાં આવેલ કેફેમાંથી થેપલા અને અથાણાંની સુગંધ લોબીમાં પ્રસરી ગઈ. ભારતીય પ્રવાસીઓએ કદાચ તેઓ માટે લોબીમાં મુકેલ સૂચનાઓના બોર્ડ પર નજર નહોતી નાંખી કે પછી આવી સૂચનાની ધરાર અવગણના કરી હતી. લોબીમાં બેસેલ વિદેશીઓને આવી ભારતીય સોડમ પસંદ નહોતી પડી તે જોઈ શકાયું.
સવાલ એ થાય છે કે, જે દેશ 'વસુધૈવ કુટુંબકમ' અને 'અતિથિ દેવો ભવ:' ના સંસ્કારોનો પ્રચાર કરે છે તે દેશના નાગરિકો જ્યારે પોતે અન્ય દેશમાં 'અતિથિ' બને છે ત્યારે આટલા અસંસ્કારી અને શિસ્તહીન કેમ સાબિત થાય છે?
શરમજનક કિસ્સો
થોડા સમય પહેલાં ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પરથી એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં હોટલના સિક્યુરિટી સ્ટાફે એક ભારતીય પરિવારની બેગ્સ ખોલાવી હતી. તે બેગ્સમાંથી હોટલના ટુવાલ, હેરડ્રાયર, ઈલેક્ટ્રોનિક સાધનો, સાબુની બોટલો અને શો-પીસ પણ નીકળ્યા હતા. પકડાઈ ગયા પછી તે પરિવાર હોટલના સ્ટાફને પૈસા ફેંકીને મામલો રફેદફે કરવા વિનંતી કરતો હતો, પરંતુ હોટલ સ્ટાફે ગર્વથી કહ્યું, 'મને તમારા પૈસા નથી જોઈતા, આ સભ્યતા નથી.' આ વીડિયોએ કરોડો ભારતીયોને આંતરખોજ કરવા મજબૂર કર્યા હતા.
વિમાનમાં ધીંગાણું
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ભારતીય મુસાફરો દ્વારા દારૂ પીને ધિંગાણું કરવું, સહ-મુસાફરો પર પેશાબ કરવો (જેવી શરમજનક ઘટનાઓ ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં બની), એરહોસ્ટેસ સાથે અસભ્ય વર્તન કરવું કે સીટ રીકલાઈન કરવા બાબતે મારામારી પર ઉતરી આવવું હવે સામાન્ય અખબારી અહેવાલો બની ગયા છે. વિદેશી એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ હવે ભારતીય રૂટની ફ્લાઈટ્સમાં ખાસ એડિશનલ ટ્રેનિંગ લે છે તેનાંથી વધુ શરમજનક શું હોઈ શકે.
સ્મારકો પર કોતરણી
ઈટાલીના રોમમાં આવેલા કોલોસિયમ કે પેરિસના આઈફલ ટાવરની આસપાસની દિવાલો પર પણ કેટલાક ભારતીયો 'રાહુલ વેડ્સ પ્રિયા' જેવી કળાઓ કંડારતા અચકાતા નથી. જે દેશ પોતાની ધરોહરને નથી સાચવી શકતો, તેના નાગરિકો વિદેશની ધરોહર પ્રત્યે સંવેદનશીલ કેવી રીતે હોઈ શકે? કોઈપણ રોગનો ઈલાજ કરવો હોય તો તેના મૂળ સુધી પહોંચવું પડે. ભારતીય પ્રવાસીઓની આ શિસ્તહીનતા પાછળ વર્ષો જૂની સામાજિક વ્યવસ્થા, માનસિકતા અને કેળવણીનો અભાવ જવાબદાર છે.
'મેં પૈસા આપ્યા છે'
મોટાભાગના ભારતીયો જ્યારે લાખો રૂપિયા ખર્ચીને વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેઓ એવું માની લે છે કે તેમણે આખો દેશ કે હોટલ ખરીદી લીધી છે. 'મેં પૈસા આપ્યા છે' એ વાક્ય તેમની અસભ્યતાનું લાયસન્સ બની જાય છે. તેઓ ભૂલી જાય છે કે તેઓ જે દેશમાં ગયા છે, ત્યાંના કાયદા, શાંતિ અને સંસ્કૃતિ ખરીદી શકાતી નથી.રેસ્ટોરન્ટમાં પણ અડધી પ્લેટમાં એંઠી વાનગીઓ મૂકી દેતા આપણા મનમાં એવો જ રોફ હોય છે કે 'હું પૈસા પુરા ચૂકવું છું પછી તેને આરોગવી કે એમ જ મૂકી દેવી તે મારો અધિકાર છે.'
સોશિયલ મીડિયાની ભૂખ
વિએતનામની સ્ટ્રીટ પર ગરબા ગાવા પાછળ કોઈ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરવાની ભાવના નહોતી પણ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને લાઈક્સ મેળવવાની સસ્તી ભૂખ હતી. 'જુઓ, અમે તો વિદેશમાં પણ વટ પાડી દીધો!' એવી માનસિકતા પ્રદર્શનવાદમાંથી જન્મે છે. પોતાની સંસ્કૃતિ પર ગર્વ હોવો તે સારી બાબત છે, પણ અન્ય દેશના નાગરિકોની શાંતિ હણીને સંસ્કૃતિનું પ્રદર્શન કરવું તે વિકૃતિ છે.ભારતીયો વિદેશમાં સતત એવું પુરવાર કરવા માંગે છે કે 'તમે વિશ્વના કોઈપણ ખૂણે મુકો અમે ત્યાં અમારું આગવું વિશ્વ ખડું કરીશું.' આ બધુ બંધ હોલમાં શોભે પણ વિદેશીઓની હાજરી ધરાવતા રહેણાંક વિસ્તારો કે પર્યટક સ્થળે તે વેર અને ધિક્કારનું કારણ બને છે.
શ્રમના ગૌરવનો અભાવ
ભારતમાં સદીઓથી ક્લાસ સિસ્ટમ (વર્ગ વિગ્રહ) રહી છે. આપણે ત્યાં હોટલ વેઈટર, સિક્યુરિટી ગાર્ડ કે સફાઈ કર્મચારીને 'નીચલા સ્તરના' ગણવાની માનસિકતા છે. વિદેશમાં એવું નથી. ત્યાં દરેક વ્યવસાય કરનાર વ્યક્તિ આત્મસન્માન ધરાવે છે. જ્યારે ભારતીય પ્રવાસી વિદેશની હોટલના સ્ટાફ સાથે ભારતના 'નોકર' જેવું વર્તન કરે છે, ત્યારે ત્યાં ભારે વિવાદ સર્જાય છે.
જ્યારે આપણે ભારતીયોના નકારાત્મક વર્તનની વાત કરીએ છીએ, ત્યારે આપણી સામે જાપાનના નાગરિકોનું ઉદાહરણ એક અરીસા સમાન છે. જાપાનના નાગરિકો, પછી તે પોતાના દેશમાં હોય કે પ્રવાસી તરીકે વિદેશમાં હોય, તેમનું વર્તન સમગ્ર વિશ્વ માટે પાઠશાળા સમાન છે.
જ્ઞાન પોસ્ટ
જ્યારે તમે ભારતીય સરહદ ઓળંગીને વિદેશની ધરતી પર પગ મૂકો છો, ત્યારે તમે માત્ર એક પ્રવાસી નથી હોતા, પણ તમે તમારા દેશના અઘોષિત 'બ્રાન્ડ એમ્બેસેડર' છો. તમારા વર્તનથી કાં તો ભારતનું મસ્તક ઊંચું થશે અથવા શરમથી ઝૂકી જશે.
ચાલો, વૈશ્વિક નાગરિક બનવાની દિશામાં પહેલું કદમ ઉઠાવીએ અને આપણી ભીતરી શિસ્તને એટલી મજબૂત કરીએ કે દુનિયા આપણને જોઈને એમ ન કહે કે 'જુઓ પેલા ભારતીયો આવ્યા...', પણ ગર્વથી કહે કે 'જુઓ, ભારતના સંસ્કારી નાગરિકો આવ્યા!'


