- સરદાર @150-હસિત મહેતા
- વલ્લભભાઈએ જજનું ધ્યાન દોર્યું કે ત્રીસ વર્ષ પહેલાં નવ મહિનાની થયેલી સજા વિશે સુપ્રિટેન્ડન્ટે વિચાર કર્યા વગર ચાર્જશીટમાં ગુનો ગણાવી દઈને, પોતાના અસીલ વિરુદ્ધ સાવ ખોટો કેસ ઉભો કર્યો છે
બો રસદમાં, મોટપણે, વકીલકાળે, બે સંતાનોના પિતા હોવા છતાં, મોટા માણસનો ઠસ્સો મળ્યા પછી પણ, વલ્લભભાઈનો તોફાની સ્વભાવ પ્રસંગોપાત માથું ઊંચકીને બહાર આવતો રહ્યો છે.
ઘણી વખત તો કોર્ટમાં ચાલી રહેલાં ગંભીર મુકદમામાં પણ વલ્લભભાઈએ રમૂજી રીતભાત અખત્યાર કરેલી. સાવ ટીખળી લાગે તેવી ઉલટ તપાસ, તોફાની દલીલો, મશ્કરી ભરેલી અવળવાણીથી ફરિયાદને રજૂ કરવાની વિચક્ષણતા વલ્લભભાઈ વારેવારે અજમાવતા. આવો જ એક દાખલો તેમની પાસે આવેલા રેલ્વેના એક પોલીસ ઈન્સ્પેક્ટરના કેસનો હતો.
બનેલું એવું કે તેમના કોઈક સંપર્કવાળા ભાઈ રેલ્વેમાં પોલીસ ઈન્સ્પેક્ટર હતા. તેમને એમના ઉપરી પોલીસ સુપ્રિટેન્ડન્ટએ બનાવટ કરીને ચોરીના સામાન્ય કેસમાં ફસાવી દીધા હતા. એના માથે આરોપ લગાવેલો કે રેલ્વેના વેગનમાંથી બળતણનાં લાકડાં પોતાના નોકર પાસે ચોરાવ્યાં છે. એ લાકડાની કીંમત તો માત્ર એક રૂપિયો જ હતી, પરંતુ રજનું ગજ કરીને પેલા ઈન્સ્પેક્ટરને જેલમાં પુરાવવા સુપ્રિટેન્ડન્ટ સાહેબ અધિરા થયા હતા.
હવે આ આખો કેસ વલ્લભભાઈ પાસે આવ્યો. વલ્લભભાઈએ અસીલ પાસેથી જાણી લીધેલું કે તેનો ઉપરી એવું સમજાવે છે કે જો તું(અસીલ) અગાઉ કોઈ સજા થઈ હોય તેની કબૂલાત કરી દઈશ તો હું તને આ ગુનામાંથી છૂટો કરાવી દઈશ. આમ કરીને પેલા ઉપરીની મનસા આ ઈન્સ્પેક્ટરને વધારે ફસાવવાની હતી. તેને અગાઉ આવી જે કોઈ સજા થઈ હોય તેની વિગતો આ વખતના મામુલી કેસમાં જોતરી દઈને બરાબરની સજા પડાવવી હતી.
આ સાંભળીને વલ્લભભાઈને એક તુક્કો સૂઝયો. તેમણે પોતાના અસીલને પેલા ઉપરી અધિકારી જોડે મોકલ્યો, અને પોતાને અગાઉ ત્રીસ વર્ષ પહેલાં નવ મહિનાની એકાંત કોટડીની (સોલિટરી કન્ફાઈન્મેન્ટ) સજા થઈ હોવાનું કહેવડાવ્યું. ઉપરી તો આ સાંભળીને ગેલમાં આવ્યાં, અને લાંબો વિચાર કર્યા વગર ચાર્જશીટમાં એ લખી બેઠા.
આ તરકટ રચતાં અગાઉ વલ્લભભાઈએ પોતાના અસીલને પૂછેલું કે તારી પાસે જન્મનો દાખલો છે? જવાબ હા મળ્યો, એટલે વલ્લભભાઈએ અસીલની જન્મ તારીખમાંથી નવ મહિના બાદ કરીને એક ભેદી પ્રકારની અરજી (પુરસીસ) તૈયાર કરી. જનમના એ નવ મહિનાનો અંદાજ લઈને તેમાં લખ્યું કે પાતાને અમુક તારીખે સજા થયેલી અને અમુક તારીખે છૂટકારો થયેલો. આ અરજી વાંચીને તેની તારીખો કે સમય જોયા વગર કોર્ટમાં દલીલો થવા માંડી કે આ તોહમતદાર તો રીઢો ગુનેગાર છે, તેને ચોરીઓ કરાવવાની પહેલેથી જ ટેવ છે.
કમનસીબે નીચલી અદાલતમાં આ કેસ ચાલ્યો ત્યારે વલ્લભભાઈ બીમાર હતા, તેથી તેમના વતી આરોપી તરફે વિઠ્ઠલભાઈ કોર્ટમાં ઉભા રહ્યાં હતા. તેમને તો આ વિશે કાંઈ ખબર નહોતી. આરોપીને છ માસની સજા થઈ, અને કોર્ટે આવા ચોર આરોપીના બચાવમાં બોલનાર વિઠ્ઠલભાઈની પણ ટીકા કરી.
પોતાનું તોફાન ઊંધુ પડયું, તેથી વલ્લભભાઈ અકળાયા.તેમણે અસીલ પાસે અમદાવાદ કોર્ટમાં અપીલ કરાવી. તે કેસમાં અમદાવાદના પ્રખ્યાત બેરિસ્ટરને ખસેડીને વલ્લભભાઈએ દલીલોનો દોર પોતાના હાથમાં લીધો. પોતાના અસીલને નીચલી કોર્ટે અગાઉની નવ મહિનાની સજાનો ઉલ્લેખ કરીને રીઢો ગુનેગાર કહ્યો હતો, પેલી વલ્લભભાઈએ ઉભી કરેલી બનાવટી અરજી (પુરસીસ)ને આધારે.એ અરજી બતાવીને વલ્લભભાઈએ કોર્ટના કઠેડામાં ઉભેલા આરોપીને પૂછવા માંડયું :
વકીલ : તમે આ અરજી તમારા ઉપરી અમલદારને આપી છે?
આરોપી : હા
વકીલ : એમણે તમને અગાઉના ગુનાની કબૂલાત કરી લો તો છોડી મૂકીશ એમ કહેલું?
આરોપી : હા
વકીલ : તમને અગાઉ નવ મહીનાની કયા ગુનામાં સજા થયેલી?
આરોપી : બધાને થાય છે એવા જ ગુનામાં.
વકીલ : બધાને કેવા ગુનાની સજા થાય છે?
આરોપી : મને, તમને, મારા ઉપરીને, મેજિસ્ટ્રેટને, બધાને નવ મહિના તો માના પેટમાં રહેવાની કાળકોટડીની સજા થાય જ છે ને?
આખી કોર્ટ હસી પડી. વલ્લભભાઈએ જજનું ધ્યાન દોર્યું કે ત્રીસ વર્ષ પહેલાં નવ મહિનાની થયેલી સજા વિશે સુપ્રિટેન્ડન્ટે વિચાર કર્યા વગર ચાર્જશીટમાં ગુનો ગણાવી દઈને, પોતાના અસીલ વિરુદ્ધ સાવ ખોટો કેસ ઉભો કર્યો છે. છેવટે એક રૂપિયાના લાકડાં બીજા પાસે ચોરાવ્યા હોવાનો ક્ષુલ્લક કેસ ઉભો કરનાર ઉપરી અધિકારી સામે પગલાં ભરવા, વિઠ્ઠલભાઈ માટે કરેલી ટીકાઓ રદ કરવા અને આરોપીને નિર્દોષ છોડી મૂકવા વલ્લભભાઈએ ધારદાર દલીલો કરી. તેમાં સફળ થયાં અને અસીલ કેસ જીતી ગયો.
આ રીતે વલ્લભભાઈ ગંભીર કેસમાં પણ પોતાની વિચક્ષણ પ્રતિભા અને નર્મમર્મ હાસ્યને સહારે તોફાનો કરી જાણતાં હતા.


