Get The App

મહર્ષિ વેદવ્યાસની સર્વપ્રથમ તાંત્રિક દીક્ષા!

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
મહર્ષિ વેદવ્યાસની સર્વપ્રથમ તાંત્રિક દીક્ષા! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

બા ળક કૃષ્ણદ્વૈપાયન વ્યાસની ઉંમર હજુ તો માંડ સાત વર્ષની હશે અને એટલી નાની વયે જ એમના પિતા મહર્ષિ પરાશર દ્વારા દક્ષયજ્ઞા વિધ્વંશ, દેવી પ્રાકટય, મહર્ષિ અગસ્ત્યની શ્રીલલિતાસહસ્ત્રનામ સાધના અને દેવાધિદેવ મહાદેવના નિર્દેશાનુસાર વિદ્યા પ્રદાન કરવા અંગેની સંપૂર્ણ કથા જણાવવામાં આવી.

મહર્ષિ પરાશરે સાવધાનીપૂર્વક ચારેબાજુ નજર કરી અને એક ગુપ્ત મુદ્રા વડે આસપાસ ધુમ્મસભર્યુ વાતાવરણ રચી દીધું. પક્ષીઓનો કલબલાટ બંધ થઈ ગયો અને તેઓ અન્યત્ર ઊડી ગયાં. હરણનું ઝૂંડ ત્યાંથી ભાગી ગયું. કંસારીનો કચૂડાટ શાંત થયો. મહર્ષિ પરાશરે પોતાના તપોબળ વડે તાપમાન ઘણું નીચું કરી દીધું હોવાને લીધે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ, જેના કારણે મોટાભાગના કીટકો આપોઆપ જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં.

'આ વિદ્યા અન્ય કોઈના શ્રવણ માટે નથી!' પરાશરે કહ્યું.

વિવેકબુદ્ધિથી સંપન્ન વ્યાસને ષિ પરાશર દ્વારા સંપૂર્ણ વિદ્યાનું જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું, જેમાં કુંડલિનીનો પણ સમાવેશ થતો હતો.

'તારે મહાદેવીની સાધના પૂર્ણ કરવી જ પડશે.' એમણે કહ્યું, 'એમની કૃપા થકી તું અનેક ગુપ્તતર વિદ્યાઓને માનવજાતિના કલ્યાણ માટે લિપિબદ્ધ કરી શકીશ. એમને વાણીની શક્તિ અર્થાત્ વાગ્વાદિની દેવી તરીકે ઓળખવામાં આવે છે. તારી જિહ્વા એમનું નિવાસસ્થાન હશે. તારે ચતુર્થ વેદનું નિર્માણ કરી, તેમાં મહાદેવીની ઉપાસના પદ્ધતિનો સમાવેશ કરવાનો છે. પૂર્ણ એકાગ્રતા, નિા, ભક્તિભાવ, અનુશાસન, ધૈર્ય અને શ્રદ્ધા સહિત એમનું આહવાન કરજે અને સઘળું આપોઆપ શક્ય બનતું જશે.'

વ્યાસે પોતાના પિતાને દંડવત્ પ્રણામ કર્યા અને દેવીસાધના સંપન્ન કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.

એમણે કહ્યું, 'પિતાશ્રી, આપના આદેશનું પાલન કરવું એ જ મારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય રહેશે.'

મહર્ષિ પરાશરે ગૌરવપૂર્વક ઘોષણા કરી, 'મારા પુત્ર, આ સંસાર ચિરકાળ સુધી તારી યશોગાથાનું ગાન કરશે. તું વેદવ્યાસ તરીકે પ્રચલિત થઈશ.'

વ્યાસે આનંદના અતિરેકમાં આવીને જયઘોષ કર્યો, 'મારા પિતાનો જયજયકાર હો! મહાશક્તિનો જયજયકાર હો!'

પરાશરે પુત્રના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, 'આ ધરતી પર તું સર્વપ્રથમ સાધક છો, જેને મહાદેવીની કુંડલિની સાધનાની દીક્ષા પ્રદાન કરવામાં આવી છે.'

વેદવ્યાસે ૧૨ વર્ષ સુધી જગતજનનીનાં સાકાર સ્વરૂપની સાધના કરી અને પછીના ૧૨ વર્ષ કુંડલિનીરૂપે એમણે પોતાના ચેતનામાં વ્યાપ્ત સુષુપ્ત ઊર્જાની નિરાકાર સ્વરૂપે સાધના કરી.

જ્યારે દેવી મા વેદવ્યાસની ત્રણ ગ્રંથિઓ - બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથિને ખોલી, ચક્રોનું વિભેદન કર્યા બાદ એમના અંતરમનમાં પ્રગટ થયાં, ત્યારે મહર્ષિ વેદવ્યાસ જ્ઞાનરૂપી પ્રકાશથી દૈદિપ્યમાન થઈ ગયા. પોતાની અંદર અસીમ શક્તિ, અબાધિત ઊર્જા અને પ્રચંડ દિવ્યતા સાથે એમણે માનવજાતિ માટે અનેક મહાકાવ્યોની રચના કરી. ચતુર્થ વેદ - અથર્વવેદની રચના થકી વેદવ્યાસે તંત્રશાસ્ત્ર ઉજાગર કર્યુ, જેના શ્લોકોમાં મહાદેવીની ગુપ્તવિદ્યાની મહિમા અને ઉપાસનાની પદ્ધતિ પ્રદાન કરવામાં આવી.

દિવ્યજ્ઞાન અને ઊર્જાથી પરિપૂર્ણ વેદવ્યાસ દ્વારા બ્રહ્માંડપુરાણની રચના કરવામાં આવી, જેમાં શ્રીલલિતાસહસ્ત્રનામનું સર્વપ્રથમ આલેખન થયેલું જોવા મળે છે. મહાદેવી હજુ પણ એમની ભીતર કાર્યરત હતાં. એવું એકપણ પરિબળ નહોતું, જે મહાનતમ વેદવ્યાસને એમનું કાર્ય કરતાં રોકી શકે. સાવ સાધારણથી માંડીને ખૂબ જટિલ કહી શકાય એવા સવિશેષ વિષયોને આવરી લેતાં ૧૮ પુરાણોની રચના પણ એમણે કરી, જેમાં ઉચ્ચતમ જ્ઞાનને સંબંધિત તમામ પાસાં આવરી લેવામાં આવ્યા. જ્યોતિષથી શરૂ કરીને ગાય-પાલન સુધીનું સઘળું એમાં સમાવિષ્ટ હતું, પરંતુ મહાદેવીનું કાર્ય હજુ પણ સંપન્ન નહોતું થયું.

ભારતીય સંસ્કૃતિના મહાનતમ ગ્રંથ - મહાકાવ્ય તરીકે પ્રચલિત 'મહાભારત'ની રચનામાં પણ વેદવ્યાસ મહારાજનું યોગદાન અનન્ય રહ્યું. પરાવિદ્યા થકી પ્રસ્ફુરણ પામી રહેલું એ મહાકાવ્ય એટલી બધી તીવ્ર ઝડપે પ્રવાહિત થઈ રહ્યું હતું કે સ્વયં વેદવ્યાસ પણ એને પહોંચી નહોતાં શકતાં. જે કોઈ જીવ એમના શબ્દોનું આલેખન કરવાની ચેષ્ટા કરતાં, તેઓ શીઘ્ર થાકી જતાં. અંતે, એમણે મહાદેવના પુત્ર શ્રીગણેશને પ્રાર્થના કરી કે તેઓ સ્વયં મહાભારતનું આલેખન કરે.

જેવી રીતે વર્ષાતુમાં હિમાલય પરથી હજારો ઝરણાં ભરપૂર વેગ સાથે નીચે ધસી પડે, એવી જ રીતે સર્જનાત્મકતાનાં અસંખ્ય વિચારો વેદવ્યાસની દિવ્ય ચેતનામાં ઉત્પન્ન થઈ રહ્યાં હતાં. અલબત્ત, આ કોઈ આશ્ચર્યજનક વાત નહોતી, કારણ કે દેવી મા હંમેશા પોતાના સાધક માટે બુદ્ધિ અને અનુકંપા સ્વરૂપે જ પ્રવાહિત થતાં હોય છે. અસ્ખલિત વેગે કાર્ય કરી રહેલાં વેદવ્યાસે ભાગવદ્પુરાણની રચના કરી. આ એ અમરકથા હતી, જે એક સમયે ભગવાન શિવ દ્વારા મા પાર્વતીને સંભળાવવામાં આવી હતી.

મહાદેવીએ અંતત: વેદવ્યાસ સમક્ષ પ્રગટ થઈને કહ્યું, 'મારા પુત્ર! તારું કાર્ય પૂર્ણ થયું. માત્ર તારા થકી જ આ પુરાણોનું આલેખન સંભવ હતું. આવ, મારા પરમધામમાં હવે શાશ્વતકાળ માટે નિવાસ કર!'

શ્રીમાતા તત્ક્ષણ વેદવ્યાસ મહારાજમાં સમાહિત થયાં અને ત્યારબાદ વેદવ્યાસના દર્શન પુન: કદીય કોઈને ન થયાં. આ સુંદર કથાનું વિગતવાર વર્ણન ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'કુંડલિની'માં જોવા મળે છે.