- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- મહિના બાદ ચૈતાલી એકાએક પંકિલને અને તેનું ઘર છોડીને જતી રહી. તે પોતાના પિયર જવાના બદલે પ્રાપ્તિની મદદથી તેના જ શહેરમાં પહોંચી ગઈ...
'ચિ ન્કી જાગને યાર, જો ને પ્લીઝ એલાર્મ વાગે છે... બંધ કરી દે ને...' - પંકિલે બાજુમાં સુતેલી ચૈતાલીને થોડી હચમચાવતા કહ્યું.
'ના..પિંકુ.. આજે સન્ડે છે... આજે એલાર્મ કેમ મુક્યું... હવે તું જ જઈને બંધ કરી આવ. મને સુવા દે.' - ચૈતાલીએ પણ ઉંઘમાં જ જવાબ આપ્યો અને પંકિલે ઊભા થઈને એલાર્મ બંધ કર્યું. તેણે પાછા આવીને બેડ ઉપર લંબાવી દીધું.
લગભગ દસ વાગ્યે બંનેની આંખ ખુલી. ચૈતાલીએ જાગીને ઝીણી ઝીણી આંખ ખોલીને જોયું તો પંકિલ તેની સામે જ જોઈ રહ્યો હતો. બંને જણા અનાયાસ હસી પડયા.
બંને થોડીવાર ત્યાં જ બેડમાં એકબીજાની હુંફમાં પડયા રહ્યા અને ત્યારબાદ નિયમ પ્રમાણે પંકિલે રસોડામાં જઈને ચા બનાવવાનું શરૂ કર્યું. ચૈતાલીએ બહાર પડેલા છાપા લીધા અને બાલ્કનીમાં બનાવેલા નાનકડા આર્ટિફિશિયલ ગાર્ડન ઉપર આવીને ગોઠવાઈ.
ચૈતાલી અને પંકિલનો રવિવારનો આ નિત્યક્રમ હતો. બંને મોડા જાગતા, ચા-પાણી કરતા અને બપોર સુધીમાં પરવારીને તૈયાર થતા અને માર્કેટમાં ખરીદી કરવા, નાની-મોટી વસ્તુઓ લેવા કે ગ્રોસરી લેવા જતા અને સાંજે કોઈ ફિલ્મ જોઈને કે પછી કોઈ મોલમાં ચક્કર મારીને ક્યાંક હોટેલમાં ડિનર કરીને ઘરે આવતા. શનિ-રવિની રજા આવી જાય તો શહેરથી થોડે દૂર ક્યાંક ચક્કર મારી આવતા. સોમવારે સવારે ફરી એલાર્મ વાગતું અને બંને જાગી જતા.
એલાર્મ વાગતું જતું હતું અને ચૈતાલી હજી પણ તંદ્રામાં હતી. રવિવારના આનંદની તંદ્રામાં હતી. પિન્કુ સાથેના આનંદની તંદ્રામાં હતી પણ એલાર્મનો અવાજ વધારે કર્કશ થઈ રહ્યો હતો. તેણે આંખ ખોલી અને એલાર્મ તરફ જોયું તો ત્યાં સામે વિભુ પણ ઊભેલી દેખાઈ.
'ચૈતુ દીદી તમારી ચા બનવા મુકી દીધી છે, તમે ઝડપથી તૈયાર થઈને આવો અને બોલો શું નાસ્તો બનાવું. આજે પ્રાપ્તિ દીદી આવવાના છે તમે કહેતા હતા ને. તો તેમના માટે પણ નાસ્તો બનાવવાનો છે કે, તેઓ લન્ચ કરવાના છે.' - વિભુના સવાલોથી ચૈતાલી વાસ્તવિકતામાં આવી. તેણે આસપાસ જોયું તો પિન્કુ ક્યાંય નહોતો.
ચૈતાલી તૈયાર થવા ગઈ. આ દરમિયાન પણ તેને સતત પિન્કુનો જ વિચાર આવ્યા કરતો હતો. હવે પિન્કુ જોડેની એ સવાર ક્યાંય વધી નથી. એ વાતને પાંચ વર્ષ થવા આવ્યા. પિન્કુ હવે ક્યાંય આસપાસ નથી. માત્ર એકલતા અને અજંપો જ વધ્યા છે.
ચૈતાલી તૈયાર થઈને આવી ત્યાં તો પ્રાપ્તિ આવીને ગોઠવઈ ગઈ હતી. વિભુએ બંને માટે ગરમાગરમ ચા અને ઉપમા બનાવી દીધા હતા. પ્રાપ્તિને જોઈને ચૈતાલીના ચહેરા ઉપર થોડું સ્મિત આવ્યું.
'વિભુ બે દિવસ તારે રજા છે. હવે તું ઘરે જા. સોમવારે સવારે આવજે. બે દિવસ ચૈતુ મારી સાથે રહેવાની છે.' - પ્રાપ્તિએ ચાનો કપ હાથમાં લેતા કહ્યું અને વિભુ હરખાઈ ગઈ, ચૈતાલીના ચહેરા ઉપર આશ્ચર્ય ઉપસી આવ્યું.
'ચૈતુ પ્લીઝ, હવે આ માનસિકતામાંથી બહાર આવવું પડશે. ક્યાં સુધી પોતાની જાતને પીડા આપતી રહીશ. તું મારા ઘરે આવે છે અને તેમાં કોઈ બહાના નહીં ચાલે. તું આવે છે અને બે દિવસ આપણે મજા કરવાની છે.' - પ્રાપ્તિએ આદેશ આપી દીધો અને ચૈતાલીએ હા પાડી.
નાસ્તો કરીને બંને જણા પ્રાપ્તિના ઘરે જવા નીકળ્યા. લગભગ અડધો કલાકમાં તો બંને ત્યાં આવી ગયા. પ્રાપ્તિનો ભાઈ પણ નોઈડાથી વેકેશન માણવા આવ્યો હતો. તે ઘરે જ હતો. પ્રાપ્તિએ તેની અને ચૈતાલીની ઓળખાણ કરાવી. ચૈતાલી આમ તો કેવલને ઓળખતી હતી પણ પરિચય ખાસ નહોતો. પ્રાપ્તિ અને ચૈતાલી કોલેજમાં હતા ત્યારે કેવલ નોકરી કરવા નોઈડા જતો રહ્યો હતો. આજે બાર-પંદર વર્ષે તેમની ફરી મુલાકાત થઈ હતી.
ત્રણેય જણા સાંજે ફરવા માટે નીકળી પડયા. શોપિંગ કર્યું અને ફિલ્મ જોતા જતા પહેલાં ડિનર કરવા એક હોટેલમાં ગયા. ડિનર દરમિયાન કેવલે બે-ત્રણ વખત ચૈતાલીને અનાયાસ સ્પર્શવાનો પ્રયાસ કર્યો. ચૈતાલીને થોડું અજુગતું લાગ્યું પણ સાથે સાથે એમ થયું કે કદાચ અનાયાસ થઈ ગયું હશે. તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી.
ત્રણેય ડિનર કરીને ફિલ્મ જોવા ગયા અને ત્યાં કેવલ ચૈતાલીની બાજુમાં બેસી ગયો. થિયેટરના અંધારામાં તેણે ફરી વખત ચૈતાલીના શરીર ઉપર હાથ ફેરવ્યો. ચૈતાલી સમજી ગઈ કે કેવલ શું કરી રહ્યો છે અને કરવા માગે છે. તે એકદમ રીએક્ટ કરી શકે તેમ નહોતી. આ દરમિયાન કેવલે વધુ એક-બે વખત અવળચંડાઈ કરી. ચૈતાલી રડમસ થઈ ગઈ. ઈન્ટરવલ દરમિયાન તે બહાર દોડી ગઈ અને ત્યારબાદ ફિલ્મ ચાલુ થયા પછી અંદર આવી અને પ્રાપ્તિને કેવલની બાજુમાં બેસાડીને પોતે બહારની તરફ બેઠી.
ફિલ્મ જોઈને તેણે પોતાની ઘરે મુકી જવાનું કહ્યું. કોલેજનું એક એસાઈન્મેન્ટ ઈમર્જન્સીમાં તપાસવાનું બહાનું કાઢીને તે ઘરે જતી રહી. તે કોઈપણ ભોગે રાત્રે પ્રાપ્તિના ઘરે રહેવા માગતી નહોતી અને પ્રાપ્તિને કશું કહેવા પણ માગતી નહોતી.
ઘરે આવીને તે બેડ ઉપર ફસડાઈ અને ચોધાર આંસુએ રડવા લાગી. તેને સમજાતું હતું કે, એકલી સ્ત્રી સાથે સમાજ શું કરે છે અને હજી શું કરી શકે છે. તેના માટે આ પહેલો અનુભવ નહોતો પણ કદાચ છેલ્લોય નહોતો. આ પીડા અને ગડમથલમાં તે રડતી રડતી ક્યારે ઉંઘી ગઈ તેને ખબર જ ન પડી.
સવારે લગભગ દસ વાગ્યે આંખ ખુલી. ચૈતાલી ઘરમાં રહેવા માગતી નહોતી. તે તૈયાર થઈને બજારમાં નીકળી જેથી મગજ બીજી જગ્યાએ દોરવાય. તે એક દુકાનમાં પ્રવેશી અને બે-ત્રણ પુસ્તકો લીધા. ત્યારબાદ નાસ્તો-પાણી કરવા બાજુના જ કેફેમાં પ્રવેશી પણ દરવાજે જ થીજી ગઈ. તેણે જોયું તો ખૂણામાં પંકિલ એક યુવતી સાથે વાતો કરી રહ્યો હતો. બંને જણા હસી હસીને વાતો કરતા હતા.
ચૈતાલી તરત જ ઘરે પરત આવી ગઈ. તેના મગજમાં ફરી પાંચ વર્ષ પહેલાની વાતો ફરવા લાગી. હકિકતે પંકિલ અંગ્રેજીનો જાણીતો પ્રોફેસર અને સારો વાર્તાકાર હતો. અખબારોમાં તેની વાર્તાઓ છપાતી હતી. તેના ઘણા વાચકો અને ચાહકો તેને બિરદાવવા પત્રો મોકલતા હતા. શરૂઆતમાં ચૈતાલી આ પત્રો જોઈને ગર્વ અનુભવતી હતી પણ એક છોકરીના પત્રોએ તેના મનમાં શંકાનું બીજ વાવ્યું હતું. એ છોકરી હતી દિવ્યા.
દિવ્યા સતત પત્રો મોકલ્યા કરતી અને પંકિલના હાવભાવ, તેની બોલવાની રીત, લખાણ બધાના વખાણ કરતી. પંકિલ આ વાતને હસી કાઢતો અને સમજાવતો કે કોઈ સ્ટુડન્ટ છે જે ભાન ભુલી ગઈ છે. ચૈતાલી હવે આ પત્રોને ગંભીરતાથી લેવા માંડી હતી. તેમાંય એક વખત ભુલથી પોતાની કઝીન આગળ આ પત્રોની વાત બોલી ગઈ અને તેના મનમાં ઝેર ભરાવા લાગ્યું. તેની કઝીને પુરુષોની ભ્રમરવૃત્તિ અંગે બહુ વાતો કરી અને ચૈતાલી હવે પંકિલ ઉપર શંકા કરવા લાગી.
આ શંકાનો અગ્નિ એવો પ્રજ્વલિત થઈ ગયો કે છ મહિના ઝઘડા બાદ ચૈતાલી એકાએક પંકિલને અને તેનું ઘર છોડીને જતી રહી. તે પોતાના પિયર જવાના બદલે પ્રાપ્તિની મદદથી તેના જ શહેરમાં પહોંચી ગઈ. તેની જ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરવા લાગી. એ વાતને પાંચ વર્ષ થવા આવ્યા, તેણે આજે પંકિલને જોયો અને તે પણ કોઈ છોકરી સાથે.
ચૈતાલી ઘરે આવીને સોફા ઉપર ફસડાઈ પડી. જે ભૂતકાળ ભુલવા અને નવી જિંદગી શરૂ કરવા તે અહીંયા આવી હતી ત્યાં ફરી તે બધું સામે આવી ગયું. રડતી, વિલાપ કરતી તે સોફા ઉપર પડી રહી હતી. લગભગ કલાક પસાર થયો ને ત્યાં ઘરને બેલ વાગ્યો.
તેણે દરવાજો ખોલ્યો તો સામે પંકિલ ઊભો હતો.
'ચિન્કી તું ક્યાં ખોવાઈ ગઈ હતી યાર... તને કેટલી શોધી, કેટલા ફોન કર્યા, છાપામાં જાહેરાત આપી અને તું છેક અહીંયા મુંબઈ આવી ગઈ. મને એકલો છોડીને.' - પંકિલે ત્યાં ઊભા ઊભા જ કહ્યું. ચૈતાલીએ કોઈ પ્રતિભાવ ન આપ્યો.
'આ તો મારું નસીબ છે કે, તારી માસીની દીકરીને હું મુંબઈમાં મુકવા આવ્યો હતો. તેને હું હોસ્ટેલ મુકવા ગયો ત્યારે ખબર પડી કે તેણે જે કોલેજમાં એડમિશન લીધું છે ત્યાં જ તું પ્રોફેસર તરીકે કામ કરે છે. ત્યાંથી એડ્રેસ લઈને હું સીધો જ અહીંયા આવ્યો છું. હવે ચાલ મારી સાથે. મારાથી વધારે એકલા નહીં રહેવાય.' - પંકિલ આટલું બોલતા બોલતા ધુ્રસકે ધુ્રસકે રડી પડયો.
'પિન્કુડા મારાથી પણ નહીં રહેવાય. મને માફ કરી દે.' - ચૈતાલી પણ આટલું બોલીને પંકિલને ભેટીને રડી પડી.


