- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- નિએવાના માર્ગદર્શનને કારણે ભારતના સૌથી વધુ નવ બોક્સરો ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયા હતા : હવે ભારતીય બોક્સિંગને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે તેઓએ કમર કસી છે
દ રેક રમતમાં કોચની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. કોચ ખેલાડીઓેને નવા પડકારો માટે તૈયાર તો કરે જ છે, સાથે સાથે તેની પ્રતિભામાં આત્મવિશ્વાસનું આરોપણ કરે છે. જેેના કારણે ખેલાડી મેદાનમાં સર્જાતા પડકારોનો સામનો કરવાની અને તેનો ત્વરીત ઉકેલ કાઢવાની કોશીશ કરે છે. જ્યારે ખેલાડીનું માનસિક રીતે અસરકારક ઘડતર થાય છે, ત્યારે તેની પ્રતિભાના વૈશ્વિક વિકાસને કોઈ અટકાવી શકતું નથી. જોકે તેની સફળતાના પાયામાં તો ગુરુએ સિંચેલા સંસ્કાર અને તેમણે બતાવેલી રાહ જ હોય છે, જે ખેલાડીને મહાનતાની ઉંચાઈ સુધી પહોંચાડી શકે છે.
ઓલિમ્પિક જેવા મહા-રમતોત્સવમાં ભારતીય બોક્સરોએ છેલ્લા પાંચ ઓલિમ્પિકમાંથી ત્રણ ઓલિમ્પિકમાં ચંદ્રકો જીતવામાં સફળતા મેળવી છે. બેઈજિંગ ૨૦૦૮માં વિજેન્દર સિંઘે ભારતીય બોક્સિંગના ઈતિહાસના સૌપ્રથમ ઓલિમ્પિક ચંદ્રક તરીકે કાંસ્ય સફળતા મેળવી હતી. જે પછી મેરી કોમે ૨૦૧૨માં પહેલીવાર ઓલિમ્પિકમાં સમાવાયેલી મહિલા બોક્સિંગની રમતમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. રિયો ડી જેનેરોમાં યોજાયેલા ૨૦૧૬ના ઓલિમ્પિકમાં ભારત માત્ર બે જ ચંદ્રક જીત્યું હતુ, જેમાં એક બેડમિંટન અને એક કુસ્તીનો હતો. જ્યારે ૨૦૨૧માં યોજાયેલા કોરોના કાળ પછીના ટોકિયો ઓલિમ્પિકમાં ભારતને લવલીના બોર્ગોહેને મહિલા બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો. પણ આ પછી છેલ્લે ૨૦૨૪માં રમાયેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બે પુરુષ અને છ મહિલા બોક્સરોને રિંગમાં ઉતાર્યા હતા, પણ ભારતને એક પણ ચંદ્રક મળી શક્યો નહતો.
બોક્સિંગમાં ભારતનું નામ ફરી વખત ગુંજતુ કરવા માટેના પ્રયાસો શરુ થઈ ગયા છે અને તેના જ ભાગ રુપે સ્વિડનના સાન્ટીએગો નિએવાને ફરી વખત ભારતીય બોક્સિંગમાં કોચ તરીકે પુનરાગમન કર્યું છે. ભારત પાસે મહિલા વર્લ્ડ ચેમ્પિયન બોક્સર્સની ભરમાર છે અને હવે તેમને ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા બનાવવાનું બીડુ નિએવાએ ઝડપી લીધું છે. આર્જેન્ટીનામાં જન્મેલા સ્વિડિશ બોક્સિંગ કોચ નિઈવા માટે ભારતીય બોક્સિંગ નવી નથી. તેઓ ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી ભારતીય પુરુષ ટીમના હાઈપર્ફોર્મન્સ ડાયરેક્ટર રહી ચૂક્યા છે.
છેલ્લે રમાયેલા પેરિસ ઓલિમ્પિકમાં કુલ મળીને જુદા-જુદા પ્રકારની ૩૨ રમતો સામેલ હતી. જોકે ભારતીય ઓલિમ્પિકના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માત્ર આઠ જ રમતોમાં ચંદ્રક જીતવામાં સફળતા મેળવી શક્યું છે અને તેમાં બોક્સિંગની રમત પણ સામેલ છે. હવે જે રમતોમાં ભારત ઓલિમ્પિક ચંદ્રક જીતી ચૂક્યું છે, તેને વધુ મજબુત બનાવવાની સાથે નવી રમતોમાં સફળતાને હાંસલ કરવા માટે કદમ આગળ વધારવાની જરુર છે.
કોચ તરીકે નિએવાનું વિઝન વિશિષ્ટ છે. તેઓ માને છે કે, ભારતે એવી મજબુત વ્યવસ્થા જ ગોઠવવી જોઈએ કે, જેમાંથી બહાર આવનારા બોક્સરો સ્હેજ પર ગભરાયા કે તનાવમાં આવ્યા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ભિક દેખાવ કરી શકે. આ માટે માત્ર એકાદ-બે નામ પર આધાર રાખવાને બદલે એક આખી ટીમ તૈયાર કરવી જોઈએ, જેના કારણે જ્યારે ખરા સમયે ટોચના ખેલાડીઓ કોઈ કારણોસર સારો દેખાવ ન કરી શકે તો તેના સ્થાને અન્ય બોક્સરો દેશને ગૌરવ અપાવવા માટે તૈયાર જ હોય. તેમની આ જ ફિલસૂફીના કારણે જ ભારતીય બોક્સિંગનો થોડા વર્ષો પહેલા આગવો દબદબો જોવા મળતો હતો.
સાન્ટીએગો નિએવાનો જન્મ આર્જેન્ટીનાના કોર્ડોબા ખાતે થયો હતો. જો કે તેમના જન્મ બાદ તેમના પરિવારે આર્જેન્ટીના છોડીને યુરોપીયન દેશ સ્વિડનને અપનાવ્યું હતુ. જ્યાં તેમનું બાળપણ અને યુવાવસ્થા પસાર થઈ. સાન્ટીએગો અને તેના મોટાભાઈ ફેબ્રિસીયોને બાળપણથી જ બોક્સિંગનું ઘેલું લાગેલું અને સ્થાનિક કલબમાં ફિટનેસ સુધારવાની સાથે સાથે તેેઓ બોક્સિંગ પર પણ હાથ અજમાવતા. આ જ કારણે સ્વિડનનમાં જુનિયર સ્તરની સ્થાનિકથી લઈને નેશનલ ચેમ્પિયનશિપમાં બંને ભાઈઓ વચ્ચે આમને- સામનેના મુકાબલા ખેલાઈ ચૂક્યા હતા.
યુવાવસ્થામાં પણ સાન્ટીએગોએ એમેચ્યોર બોક્સિંગમાં કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું અને તેણેે પ્રભાવશાળી દેખાવ જારી રાખતા એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ એસોસિએશન્સ ઓફ બોક્સિંગ (એઆઈબીએ)માં વર્લ્ડ નંબર વનનુ સ્થાન મેળવ્યું હતુ. જ્યારે સાન્ટીએગો નિએવા ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાથી થોડા માટેે ચૂકી ગયા. વળી, તેમની કારકિર્દીને ઈજાનું ગ્રહણ પણ લાગ્યું હતુ. સ્હેજ માટે ઓલિમ્પિકમાં ચૂકી જવાનો રંજ તેમજ અત્યંત ગંભીર ઈજાઓને કારણે તેણે કારકિર્દી પર પૂર્ણવિરામ મુકવાનો કપરો નિર્ણય લીધો. આ પછી તેઓ આર્જેન્ટીના જતા રહ્યા અને ત્યાં બોક્સરોને તૈયાર કરવા તરફ ધ્યાન આપવાનું શરુ કર્યું.
સ્વિડિશ બોક્સિંગ ટીમને નવા કોચની તલાશ હતી અને તેમણે આ માટે સાન્ટીએગોનો સંપર્ક સાધ્યો. આ સાથે તેમની બોક્સિંગ કોચ તરીકેની કારકિર્દીનો પ્રારંભ થયો. તેઓએ આઠ વર્ષ સુધી સ્વિડિશ બોક્સિંગ ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી. તેમણે સ્વિડનના બોક્સિંગ કોચ તરીકે તેમના તાલીમાર્થીઓને વિશ્વસ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કર્યા અને તેની સાથે સાથે તેમને ખુદને પણ કોચિંગનો અનુભવ મળ્યો. આ પછી વર્ષ ૨૦૧૭માં તેઓ વૈજ્ઞાનિક અભિગમની સાથે નવીનતમ તકનિકોની સાથે ભારતીય ટીમના હાઈ પર્ફોર્મન્સ ડાયરેક્ટર તરીકે જોડાયા.
તેમના આગમનની સાથેે ભારતીય બોક્સિંગમાં એક નવું જોશ જોવા મળ્યું. તેમના જ પ્રયાસોના કારણે ૨૦૧૯માં અમિત પંઘાલે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક હાંસલ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક કાંસ્ય પણ મેળવ્યો હતો અને લવલીનાનો ૨૦૨૧ના ટોકિયો ઓલિમ્પિકનો કાંસ્ય પણ તેમના કાર્યકાળની ઉપલબ્ધી સમાન બની રહ્યો છે. આ ઉપરાંત તેમની સખત મહેનતના કારણે ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના ઈતિહાસમાં સૌથી વધુ નવ બોક્સરોએ ક્વોલિફાય થવામાં સફળતા મેળવી હતી, જેમાંથી પાંચ પુરુષ બોક્સરો હતા. જોકે, ભારતીય બોક્સિંગના વહિવટમાં પરિસ્થિતિઓ કથળી અને આ કારણે તેમણે ભારતને અલવિદા કહીને ઓસ્ટ્રેલિયાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી લીધી.
આ દરમિયાન ભારતની મહિલા બોક્સરોએ તો આગવો દબદબો પ્રસ્થાપિત કર્યો, પણ પુરુષ બોક્સિંગમાં ભારતની પીછેહઠ જોવા મળી. તેમાંય પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો એક પણ બોક્સર ચંદ્રક જીતી શક્યો નહતો અને આ કારણે ભારતીય બોક્સિંગે ફરી વખત સાન્ટીએગો તરફ આશાભરી મીટ માંડી. તેઓએ પણ ઓસ્ટ્રેલિયાના હેડ કોચ તરીકેના કાર્યકાળ પર પૂર્ણવિરામ મુકીને ભારતની મહિલા બોક્સિંગ ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સ્વીકારી લીધી છે.
હવે તેમની સાથે ભારતની મહિલા બોક્સરોને ઓલિમ્પિક જેવા મેગા સ્ટેજ પર ચમકાવવાનો પડકાર છે. ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સરોમાં લવલીનાની સાથે નિખત ઝરીનની સાથે નીતુ ઘંઘાસ, સ્વીટી બૂરા, જાસ્મીન લામ્બોરિયાનો સમાવેશ થાય છે. હવે સાન્ટીએગો સામે ભારતની આ વર્લ્ડ ચેમ્પિયન બોક્સરોને ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક વિજેતા બનાવવાનો પડકાર છે.


