Get The App

વૃક્ષોમાં વસતો નગરપ્રેમ .

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
વૃક્ષોમાં વસતો નગરપ્રેમ                                . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- 2007માં બઁગાલુરુ પ્રત્યેના પ્રેમથી શરૂ થયેલ આ કામ આજે હજારો શહેરીજનો અને લાખો ખેડૂતોની જિંદગીમાં પરિવર્તન લાવનારું બની રહ્યું છે

છ ત્તીસગઢના રાયપુરમાં જન્મેલા કપિલ શર્મા એન્જિનિયર બનવાનું સ્વપ્ન લઈને વતન છોડીને ૨૦૦૧માં પ્રવેશ પરીક્ષા આપવા બઁગાલુરુ આવ્યા. ઘરથી ચૌદસો કિમી. દૂર બઁગાલુરુ આવતા કપિલના મનમાં ઘણા પ્રશ્નો, મૂંઝવણ અને ઉત્સુકતા હતા. શહેર કેવું હશે? પરીક્ષા કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચાશે? જેવા પ્રશ્નો સાથે બઁગાલુરુ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળ્યા અને જોયું તો માર્ગની બંને બાજુ કતારબંધ વૃક્ષો હતા. એક પણ રસ્તો એવો નહોતો કે જેની બાજુમાં વૃક્ષ ન હોય. પરીક્ષા ખંડમાં પંખો નહોતો તે જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે રાયપુરમાં તો ૪૫-૪૬ ડિગ્રી ગરમી રહેતી હતી અને અહીં તો ગરમીનો કોઈ અહેસાસ પણ નહોતો. તેને થયું કે અહીંની જ કોઈ કૉલેજમાં પ્રવેશ મળી જાય તો સારું અને એની ઇચ્છા ફળી. એને ડૉ. આંબેડકર ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં મનપસંદ વિષય કમ્પ્યૂટર સાયન્સમાં પ્રવેશ મળી ગયો. બઁગાલુરુનગરના પ્રેમમાં પડેલા કપિલ શર્માને ટોરી હેરિસ બિઝનેસ સોલ્યૂશનમાં નોકરી મળી ત્યારે એના આનંદનો પાર ન રહ્યો.

કપિલ શર્માએ જોયું કે રસ્તાને આચ્છાદિત કરતાં વૃક્ષો એકાએક કપાઈ રહ્યાં હતાં. આ જોઈને તેને ઊંડો આઘાત લાગ્યો. રસ્તાઓ પહોળાં કરવા માટે સેંકડો વર્ષ જૂના, ચાળીસ-ચાળીસ ફૂટ ઊંચા વૃક્ષો કપાઈ રહ્યાં હતાં. તેને લાગ્યું કે બઁગાલુરુને પ્રદૂષિત શહેર બનતા અટકાવવું જોઈએ. તેણે સરકારી અધિકારીઓને પૂછયું કે એક નાગરિક તરીકે તેઓ પોતાના પ્રિય શહેર માટે શું કરી શકે? કેટલાય અધિકારીઓ અને લોકોને મળ્યા પછી કપિલ શર્માને લાગ્યું કે તેના હાથમાં કંઈ નથી. બહુ બહુ તો તે વધુમાં વધુ વૃક્ષો વાવી શકે. ૨૦૦૭માં તેણે પોતાના ઘરની બહાર બદામનો એક છોડ વાવ્યો અને અભિયાન શરૂ કર્યું 'સેટ્રીઝ' (જીચઅ ાિીીજ). તેણે નક્કી કર્યુંં કે જે વૃક્ષ કે છોડ વાવવામાં આવે તેની સંભાળ લેવી જોઈએ તો જ તે લાંબાગાળે વૃક્ષમાં પરિવર્તિત થાય.

સરકારના વનવિભાગના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું કે રસ્તાના કિનારે ભલે વૃક્ષો કપાઈ રહ્યાં છે, પરંતુ એવા ઘણાં સ્થળો છે જ્યાં વૃક્ષો ઉગાડી શકાશે. કપિલ શર્મા શનિ-રવિની રજાઓમાં સરકારી સ્કૂલો, હાસ્પિટલો, બગીચાઓ, સરોવરના કિનારા જેવી જગ્યાઓ શોધતા રહ્યા. તેમની સાથે ઘણા પ્રકૃતિપ્રેમી સ્વયંસેવકો જોડાતા ગયા. પરિણામે ૨૦૦૮માં તેમણે એકસો છોડ વાવ્યા. તેમને લાગ્યું કે જે ઝડપથી વૃક્ષો કપાઈ રહ્યાં છે તેની સામે શનિ-રવિમાં તો કેટલાં વૃક્ષો વાવી શકાય? તેમણે કોર્પોરેટ ક્ષેત્રને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી અને સફળતા મળી, ધીમે ધીમે ઘણા લોકો જોડાતા ગયા. આજે પચીસ હજારથી વધુ પ્રકૃતિપ્રેમી અને ચારસોથી વધુ કોર્પોરેટ પાર્ટનર 'સેટ્રીઝ' સાથે જોડાઈ ગયા છે. છેલ્લાં પંદર વર્ષમાં આ સંગઠને બઁગાલુરુ સહિત કેટલાય શહેરો અને ગામડાંઓમાં પચાસ લાખથી પણ વધારે કેરી, જાંબુ, લીમડો, ગુલમહોર, ફણસ, બદામ, વાંસ અને મહોગની જેવાં ફળ અને ઇમારતી લાકડું દેનારા છોડ વાવ્યા છે. 'સેટ્રીઝ' દ્વારા વાવવામાં આવેલા છોડની સંભાળ લેવાય છે, તેથી એંસી ટકા છોડ વૃક્ષમાં પરિવર્તિત થાય છે. ૨૦૨૨માં નયનદહલ્લી રેલવે સ્ટેશનની આસપાસ ૯,૮૨૫ વૃક્ષો વાવવામાં આવ્યાં છે, જેનાથી ટેમ્પરેચર ઓછું થયું છે અને હવાની ગુણવત્તા સુધરી છે. તેઓ મિયાવાકી પદ્ધતિથી જંગલ ઊભું કરી રહ્યા છે. તેનાથી બાયોડાયવર્સિટીમાં ફેર પડશે એટલું જ નહીં પરંતુ હવાની ગુણવત્તા પણ સુધરશે. આવાં જંગલો ઉગાડવાથી દસ ગણો ફાયદો થાય છે તેથી ૨૦૧૬ પછી તેમણે બઁગાલુરુમાં એક સો જગ્યાએ બેથી પાંચ હજાર છોડ વાવીને મિયાવાકી પદ્ધતિથી નાનાં જંગલો ઊભાં કર્યા છે. તેઓ ખેડૂતોને કેરી અને આંબલીના છોડ મોકલાવે છે. આંધ્રપ્રદેશમાં આવી પહેલથી છ ટન કેરીનું વેચાણ કર્યું છે. તેઓ ખેડૂતોને આંબાના છોડ આપે છે.

વૃક્ષો વાવવા ઉપરાંત ૨૦૧૭થી તેઓ તળાવ કે સરોવરના પુનરુદ્ધારનું અને જળસંરક્ષણનું કામ કરે છે. તેમણે છવ્વીસ એકરમાં પથરાયેલું ચૂડાસંદ્રા લૅકમાં ભંગાર, કાટમાળ અને નીંદણ હતું તે સાફ કર્યું અને હવે તેનાં પંદર કરોડ લીટર પાણીનો સમાવેશ થશે. બઁગાલુરુની નજીકમાં બસો વર્ષ જૂના કૂવાને પણ પુનર્જીવિત કર્યો છે. કપિલ શર્મા ૨૦૩૦ સુધીમાં ત્રણસો તળાવને પુનર્જીવિત કરીને ૨૦૩૫ સુધીમાં એકસો બિલિયન લીટર પાણીનો સંગ્રહ કરવા માગે છે. તેઓ ૨૦૩૫ સુધીમાં એક અબજ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખે છે અને વીસ લાખ હેક્ટર ખેતીની જમીનથી વીસ લાખ ખેડૂતોને લાભાન્વિત કરવા માગે છે. તેમણે ભારતમાં એક સો ગ્રીન ઝોન સ્થાપ્યા છે. તેઓ આજે અમેરિકાની ફાયનાન્સિયલ કંપની ગોલ્ડમેન સૅશમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. આ બધી યોજનાઓ માટે સી.એસ.આર. દ્વારા ફંડ એકત્રિત કરે છે. તેઓ કહે છે કે પૃથ્વી ગ્રહને બચાવવાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી, તેને માટે અનેક લોકોને સાથસહકાર જોઈએ. ૨૦૦૭માં બઁગાલુરુ પ્રત્યેના પ્રેમથી શરૂ થયેલ આ કામ આજે હજારો શહેરીજનો અને લાખો ખેડૂતોની જિંદગીમાં પરિવર્તન લાવનારું બની રહ્યું છે.

યુદ્ધ વચ્ચે શાંતિપથ

જીવન એક દિવસ તો પૂરું થવાનું જ છે તો પછી વતન માટે કામ કરવાથી એવું તો ન લાગે કે લક્ષ્યવિહીન જીવન નથી જીવી. કોઈ પક્ષ સાથે એમને દુશ્મનાવટ નથી

આ જથી આશરે પિસ્તાળીસ વર્ષ પહેલાં યમનના શારબ અસ-સલામ જિલ્લાના એક ગામમાં માઈન અલ-ઓબૈદીનો જન્મ થયો હતો. તે સમયે છોકરીઓને અભ્યાસ કરવા પર પ્રતિબંધ નહોતો, પરંતુ ત્યારે ગામડાંઓમાં સ્કૂલો નહોતી. વૃક્ષની નીચે જ વર્ગ રહેતો અને બાળકો અભ્યાસ કરતા. માઈનનું પ્રાથમિક શિક્ષણ આ રીતે જ પૂરું થયું, પરંતુ માઈનની હોશિયારી અને બુદ્ધિમત્તા જોઈને પરિવારે એને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું. જોકે ૧૯૯૪માં યમનની રાજધાની સનામાં સત્તારૂઢ બે પક્ષો વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો અને હિંસા વધવા લાગી. અભ્યાસ ચાલુ રહેશે કે કેમ તેની માઈનને ચિંતા થવા લાગી અને આવી પરિસ્થિતિમાં તે અભ્યાસ કરે તે પરિવારને પણ મંજૂર નહોતું, પરંતુ માઈનના સદ્નસીબે આંતરરાષ્ટ્રીય દબાણો અને સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપથી શાંતિ સ્થપાઈ અને માઈનનો અભ્યાસ ચાલુ રહ્યો. 

તેમણે ઇજિપ્તની એસિયટ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન પબ્લિક લૉનો અભ્યાસ કર્યો અને જ્યારે તેમને ખબર પડી કે યમનમાં જ તાઈઝ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરાવવાનું શરૂ થયું છે તો તેણે તરત જ તેમાં પ્રવેશ મેળવી લીધો અને ૨૦૦૩માં યુનિવસટીમાં પાંચમા નંબર સાથે કાયદાની ડિગ્રી હાંસલ કરી. તેમણે 'હ્યુમન રાઇટ્સ ઍન્ડ ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લા' પ્રોજેક્ટ પર કામ કર્યું. તેમનું મુખ્ય લક્ષ્ય સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ કરીને તેમને ગૌરવ અને સમાનતા મળે તેવું હોવાથી તેઓ તે માટે સતત કામ કરતા હતા. તેમણે યમન મહિલા સંઘ સાથે મળીને સ્ત્રી કેદીઓ માટે કામ કર્યું. કેટલીય વાર તેમને હત્યાની ધમકીઓ પણ મળી, પરંતુ તેઓ ડર્યા વિના કે ભય પામ્યા વિના વકીલ તરીકે ઘણી મહિલા કેદીઓને ન્યાય અપાવ્યો. સ્ત્રી વકીલોની ટીમના સભ્ય તરીકે અને યમન મહિલા સંઘના અધ્યક્ષ તરીકે નિ:સહાય અને અસુરક્ષિત સ્ત્રીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું. ૨૦૧૦માં વકીલોની સિન્ડીકેટ કાઉન્સિલમાં પ્રવેશ મેળવનારા યમનના પ્રથમ મહિલા બન્યા. ન્યાય અને માનવમૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જોઈને ૨૦૧૧માં અરબ સ્પ્રિંગ ક્રાંતિ દરમિયાન તાઈજ શહેરમાં થયેલી હિંસક ઘટનાઓની તપાસ સમિતિમાં તેમને એક સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા.

શાંતિના પથ પર ચાલનારા માઈન ૨૦૧૫માં યમનમાં શરૂ થયેલા ગૃહયુધ્ધથી દુ:ખી અને વ્યાકુળ બની ગયા. આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત સરકાર રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદ અને હુથીઓના સર્વોચ્ચ રાજનીતિક પરિષદ વચ્ચે સત્તા હાંસલ કરવા સંઘર્ષ શરૂ થયો. એક હવાઈ હુમલામાં અનેક બાળકોનાં મૃત્યુ થયાં. તેમનો પરિવાર અને ઘર પણ લશ્કરના વિસ્તારમાં જ હતું. શહેરમાં વધતી હિંસાને કારણે પોતાની એક માત્ર નાની પુત્રી સાથે આખા પરિવારને અન્ય સ્થળે મોકલી દીધા, પરંતુ માઈન તો તાઈઝ શહેરમાં જ રહ્યા અને માનવ અધિકાર કમિશન સાથે કામ કરતા રહ્યાં. તે પોતાના પરિવારને અને પુત્રીને મળવા દર પંદર દિવસે ગામડે જતા હતા. તેમણે જોયું કે દુશ્મનો પોતાના સુધી પહોંચી ન શકે તે માટે એક પક્ષે ઘણી જગ્યાએથી રસ્તાઓ તોડી નાખ્યા હતા. તેમણે અને તેમના સાથીઓએ સૌથી પહેલાં તો આ રસ્તાઓનું સમારકામ કેવી રીતે થાય તે વિચાર્યું, કારણ કે સામાન્ય માનવી અને ખાસ કરીને દર્દીઓ માટે રસ્તા સારા હોય તે જરૂરી હતું. કોઈને તાત્કાલિક સારવાર કે અઠવાડિયે ડાયાલિસિસ કરાવવાનું હોય તે દર્દી આવા ઉબડખાબડ રસ્તા પરથી કેવી રીતે જઈ શકે? તેમને કેટલીય મુશ્કેલી ઊભી થાય. તેમણે મધ્યસ્થતા કરીને બંને પક્ષને રસ્તા ચાલુ કરવા સમજાવ્યા. યુનાઇટેડ નેશનના યમનના રાજદૂતને પણ આ અંગે વાકેફ કર્યા.

માઈને ગૃહયુધ્ધ દરમિયાન લોકોની આંખોમાં મૃત્યુનાં બે સ્વરૂપ જોયાં - એક ભૂખથી અને બીજું યુધ્ધથી થનારું મૃત્યુ. તેમણે યુધ્ધ કરનાર પક્ષ અને રાજનીતિક દળો સાથે સંવાદ કરવાનું શરૂ કર્યુ, જેથી તે બંને વચ્ચે સુલેહ થાય અને શાંતિનો કોઈ માર્ગ નીકળી શકે. કેટલાય લોકોને વિદ્રોહ કરનારા પાસેથી છોડાવ્યા. જોકે કેટલીક વખત નિષ્ફળતા પણ મળી. જે લોકો આ સંઘર્ષમાં મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહો તેમના પરિવારજનોને મળે તે માટે સતત પ્રયાસ કરતા રહ્યા, જેથી તેઓ તેમની અંતિમવિધિ યોગ્ય રીતે કરી શકે. યમનનો માનવવિકાસ સૂચકાંક અને ગ્લોબલ પીસ ઇન્ડેક્સ સૌથી ઓછો છે. અત્યંત રૂઢિચુસ્ત સમાજમાં જન્મેલા, ગામડાંની સામાન્ય છોકરીની જેમ ઉછરેલા, નાનપણમાં ખેતરમાં હળ પણ ચલાવ્યું છે તેવા માઈન અલ-ઓબૈદી આજે પણ હિંમતથી યમનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમની મિત્રની ધોળે દિવસે શરીરમાં વીસ બુલેટ ધરબી દઈને હત્યા કરવામાં આવી તે છતાં તેઓ પોતાના શાંતિ પ્રયાસોને ડર્યા વિના આગળ ધપાવી રહ્યા છે. તેઓ યમન છોડીને સુખશાંતિ ભર્યું જીવન જીવી શક્યા હોત, પરંતુ તેઓ માને છે કે જીવન એક દિવસ તો પૂરું થવાનું જ છે તો પછી વતન માટે કામ કરવાથી એવું તો ન લાગે કે લક્ષ્યવિહીન જીવન નથી જીવી. કોઈ પક્ષ સાથે એમને દુશ્મનાવટ નથી. એમનું તો એક જ લક્ષ્ય છે - કોઈ પણ નાગરિકના માનવ અધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ.