- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- ઉપનિષદ સાથે ગીતાનો સંબંધ છે અને એ વાત તો ઉપનિષદ ગાય અને ગીતા દૂધ છે તેમાં પ્રગટ થઈ ગઈ. ઉપનિષદની અનેક વિદ્યાઓનો સમાવેશ ગીતામાં થાય છે
ક ઈ વ્યક્તિના જીવનમાં શોક હોતો નથી ? કોઈકને સ્વજનોના વિયોગનો શોક હોય છે, તો કોઈને પોતાની ચોપાસ ટુકડેટુકડા થઈ જતાં જીવનનો શોક હોય છે. અંગત સિદ્ધિ, પ્રણયભંગ કે વ્યક્તિગત તૃષ્ણા એના શોકનું કારણ હોય છે. 'શ્રીમદ્ ભગવદ્ગીતા' શોકયુક્ત જીવનને શ્લોકયુક્ત કઈ રીતે બનાવવું એનું પથદર્શન કરે છે. ભગવદ્ગીતાની બીજી બાબત તે એના બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર છે. પરમતત્ત્વનું યથાર્થ જ્ઞાન અને પરપ્રાપ્તિ તરફ લઈ જવા પ્રવૃત્તિની કળા શીખવતું શાસ્ત્ર એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. આથી જ સર્વ ઉપનિષદો ગાયો છે અને ગોપાલનંદન કૃષ્ણ એ ગાયને દોહનાર છે. અર્જુન વાછરડો છે. જ્ઞાની ભોક્તા છે અને ગીતારૂપી અમૃત ઉત્તમ દૂધ છે. આ રીતે ઉપનિષદ એ ગાય અને ગીતા એ દૂધ એમ કહેવાયું છે.
ગીતા દ્વારા જીવનના શોકનો નાશ કઈ રીતે થાય ? 'શ્રીમદ્ ભગવદ્ગીતા' કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ એ ત્રણેને પુરસ્કારે છે. એના છ-છ અધ્યાય કર્મ, ભક્તિ અને જ્ઞાનનો પુરસ્કાર કરે છે. આથી જ પ્રત્યેક વ્યક્તિ એની પ્રકૃતિ અનુસાર જ્ઞાનસાધના કરે. કર્મસાધના કરે કે ભક્તિસાધના કરે, કિંતુ શ્રીમદ્ ભગવદ્ગીતા એમ સ્પષ્ટપણે કહે છે કે જીવનમાં આ ત્રણ માર્ગમાંથી એક માર્ગનું પ્રાધાન્ય હોય અને એની સાથે બીજા બે માર્ગો પણ હોવા જ જોઈએ. મારી દ્રષ્ટિ(કુમારપાળ દેસાઈ)એ વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર એક માર્ગને અપનાવવો, પરંતુ સાથોસાથ બીજા બે માર્ગની સહેજે ઉપેક્ષા કરવી નહીં.
આમ તો શ્રીમદ્ ભગવદ્ગીતા એ મહાભારતના ભીષ્મપર્વનું અંગ છે. ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે. આઠમી સદીના અંત સમયે શ્રીમદ્ શંકરાચાર્ય પાસે ગીતાનો એ જ પાઠ હતો, જે આજે ઉપલબ્ધ છે. આશરે દસમી સદીમાં ભીષ્મપર્વનું જાવા ટાપુની ભાષામાં અનુવાદ થયો. આ અનુવાદમાં ગીતાના મૂળ શ્લોકો સુરક્ષિત છે. ડો. બેલવેલકરના કહેવા પ્રમાણે જાવા ટાપુની પ્રાચીન ગીતામાં માત્ર સાડા એક્યાસી શ્લોક સંસ્કૃતમાં લખાયેલા છે. ગીતાની ગણના 'પ્રસ્થાનત્રયી' તરીકે કરવામાં આવે છે. જેમાં ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર સંમિલિત છે. આનો અર્થ જ એ કે ભારતીય પરંપરા અનુસાર જે સ્થાન ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું છે એવું જ સ્થાન શ્રીમદ્ ભગવદ્ગીતાનું છે.
ઉપનિષદ સાથે ગીતાનો સંબંધ છે અને એ વાત તો ઉપનિષદ ગાય અને ગીતા દૂધ છે તેમાં પ્રગટ થઈ ગઈ. ઉપનિષદની અનેક વિદ્યાઓનો સમાવેશ ગીતામાં થાય છે. આમ વેદોનો બ્રહ્મવાદ અને ઉપનિષદોનો અધ્યાત્મ-એ બંનેની વિશિષ્ટ સામગ્રી ગીતામાં મળે છે.
ગીતાનો પ્રથમ ઉપદેશ છે કે તમે તમારી આસપાસની પરિસ્થિતિને બદલી શકતા નથી. તમારા સંજોગોમાં ફેરફાર કરી શકતા નથી. તમારી આસપાસ વીંટળાયેલો સંસાર બદલી શકતા નથી. આવી પરિસ્થિતિમાંથી શોક જન્મે તો ચિત્ત સદાય શોકમાં ડૂબેલું રહે છે. ગીતા કહે છે કે તમે સઘળી પરિસ્થિતિને બદલી શકો તેમ નથી. એને બદલે એ પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. પરિસ્થિતિમાં પરિવર્તન ન લાવી શકાય તો તેની વ્યાકુળતા ત્યજી દેવી. આને માટે ધ્યાન અને સ્મરણ એ જીવનના રાજમાર્ગો છે. ઈશ્વરનું સ્મરણ વ્યક્તિ એના અહમ્ને કા૨ણે ભૂલી જાય છે. એક સમયે સ્વયં અર્જુનના ચિત્તમાં એવો અહમ્ જાગ્યો કે આ વિશ્વમાં એના જેવો સમર્થ માનવી બીજો કોઈ નથી, કારણ કે એનો ૨થ સ્વયં શ્રીકૃષ્ણ ચલાવે છે. શ્રીકૃષ્ણ જેના સારથિ હોય તે વ્યક્તિ કેટલી મહાન !
સ્વયં શ્રીકૃષ્ણને અર્જુનના અહમ્નો ખ્યાલ આવી ગયો. એક વાર વનમાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે, 'મને થાક લાગ્યો હોવાથી થોડો વિશ્રામ કરવો છે. તમે આ જંગલમાં વસતા મહાતપસ્વીઓના દર્શન કરી આવો.' શ્રીકૃષ્ણ તો કોઈ ઝરણાને કાંઠે ઠંડા પાણીમાં પગ બોળીને વાંસળી વગાડવા લાગ્યા.
જંગલમાં ફરતાં ફરતાં અર્જુને એક તપસ્વીને જોયા. એમની આસપાસના વૃક્ષો પરનાં પાંદડાં સૂકાઈ ગયેલાં હતાં. અર્જુન વિચારમાં પડયો. આ તપસ્વીને તાજાં અને લીલાં પર્ણો કે ફળો નહીં મળતા હોય. તેઓ કઈ રીતે સૂકા પાંદડાંનું ભોજન કરતાં હશે ? અર્જુને સવાલ પણ કર્યો કે તમે લીલા પાંદડાં કેમ ખાતા નથી ? ત્યારે એ મહાતપસ્વીએ કહ્યું કે, 'આ લીલા પાંદડાઓમાં જીવન હોય છે, આથી હું સૂકા પાંદડાં ખાઈને અને ઝરણાનું મીઠું પાણી પીને આહાર લઉં છું.'
આ તપસ્વીના અપરિગ્રહને જોઈને અર્જુનને અતિ આદર થયો. પરંતુ એવામાં એ મહાતપસ્વી પાસે પડેલી ત્રણ મોટી તલવારો જોઈ. અર્જુનને અપાર આશ્ચર્ય થયું. લીલા પર્ણોમાં નરી આંખે ન દેખાતાં જીવજંતુઓની ચિંતા કરતાં આ મહાતપસ્વી શા માટે તલવાર રાખતા હશે અને તે પણ એક કે બે નહીં પણ ત્રણ ત્રણ. અર્જુને આનું કારણ પૂછતાં. યોગીરાજે કહ્યું કે, 'આ એક તલવાર દ્રૌપદીને મારી નાખવા માટે, બીજી પ્રહ્લાદને મારી નાખવા માટે અને ત્રીજી અર્જુનને હણી નાખવા માટે ૨ાખી છે.'
આનું કારણ પૂછતાં યોગીએ કહ્યું કે, 'દ્રૌપદીએ ભગવાનને ખુલ્લા પગે દ્વારકાથી બોલાવ્યા હતા. પ્રહ્લાદને ભગવાનને લોખંડના થાંભલામાં પ્રગટ કર્યાં અને અર્જુને આવા ભગવાનને સારથિનું કામ સોંપ્યું.' અર્જુન પ્રણામ કરીને તરત જ પાછો ફર્યો. એને મનમાં ભય હતો કે આ યોગી કદાચ એમને ઓળખે અને કોપાયમાન થઈને એનો કદાચ વધ કરે તો શ્રીકૃષ્ણ એની રાહ જોતા બેસી રહેશે. અર્જુન ઝડપભેર શ્રીકૃષ્ણ પાસે ગયો. શ્રીકૃષ્ણે પૂછયું, 'અર્જુન ! કેમ આટલા જલદી પાછા આવ્યા ? કુશળ તો છો ને ?'
અર્જુને ઉત્તર આપ્યો, 'આપની લીલા આપ જ જાણો.'
આમ શ્રીમદ્ ભગવદ્ગીતા એક ઉત્કૃષ્ટ કોટિની કૃતિ છે. તેમાં ઉપનિષદોની 'પ્રજ્ઞા પુરાણી'ને કેન્દ્રમાં રાખીને જીવનને સમગ્રતયા અવલોક્યું છે. આને પરિણામે આ ગ્રંથ એ યોગ અર્થાત્ પરમતત્ત્વ કે ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. કઈ રીતે ઈશ્વર સાથે અનુસંધાન સાધી શકાય તો એનો ઉત્તર એ છે કે ઈશ્વર સાથે જોડવાની પદ્ધતિ તે જ્ઞાનપ્રધાન હોય શકે, ભક્તિપ્રધાન હોય શકે અને કર્મપ્રધાન પણ હોય શકે, પરંતુ તે ક્રમે ક્રમે વ્યક્તિને ૫૨મતત્ત્વની પ્રાપ્તિ સુધી અર્થાત્ ધ્યેયપ્રાપ્તિ સુધી લઈ જાય છે. ઉપનિષદ ગાય અને ગીતા એનું દૂધ એનો અર્થ જ એ કે ઉપનિષદમાં જે અધ્યાત્મવિદ્યા હતી, તેનો ભગવદ્ગીતા સર્વાંશે સ્વીકાર કરે છે.
ઉપનિષદની અનેક વિદ્યાઓ શ્રીમદ્ ભગવદ્ગીતામાં છે જેમકે સંસારના સ્વરૂપ સાથે સંબંધ ધરાવતી અશ્વવિદ્યા, આનાદિ અજન્મા બ્રહ્મના વિષયની અવ્યયપુરુષ વિદ્યા, પરા, પ્રકૃતિ કે જીવના વિષયની અક્ષરપુરુષ વિદ્યા અને અપરાપ્રકૃતિ અથવા તો ભૌતિક જગતને આલેખતી ક્ષરપુરુષ વિદ્યા. આ રીતે વેદનો બ્રહ્મવાદ અને ઉપનિષદનો અધ્યાત્મવાદ એ બંનેની વિશિષ્ટ સામગ્રી શ્રીમદ્ ભગવદ્ગીતામાં સમાવિષ્ટ છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના અઢાર અધ્યાયોના નામ અપાયા છે. આ અઢાર અધ્યાયો છે (૧) અર્જુનવિષાદયોગ, (૨) સાંખ્યયોગ, (૩) કર્મયોગ, (૪) જ્ઞાનયોગ, (૫) કર્મસંન્યાસયોગ, (૬) ધ્યાનયોગ, (૭) જ્ઞાનવિજ્ઞાનયોગ, (૮) અક્ષર બ્રહ્મયોગ, (૯) રાજવિદ્યારાજગુહ્યયોગ, (૧૦) વિભૂતિયોગ, (૧૧) વિશ્વરૂપદર્શનયોગ, (૧૨) ભક્તિયોગ, (૧૩) ક્ષેત્ર ક્ષેત્ર વિભાગયોગ, (૧૪) ગુણત્રયવિભાગયોગ, (૧૫) પુરુષોત્તમયોગ, (૧૬) દેવસુરસંપદવિભાગયોગ, (૧૭) શ્રદ્ધાત્રયવિભાગયોગ અને (૧૮) મોક્ષસંન્યાસયોગ.
યોગીશ્રી અરવિંદના જીવનમાં ગીતાદર્શનનું પ્રાગટય જોવા મળે છે. યોગીશ્રી અરવિંદનું શ્રીમદ્ ભગવદ્ગીતાનું દર્શન જેલવાસ દરમિયાન એમની એકાંત સાધના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણે એમને જે જ્ઞાનામૃતનું પાન કરાવ્યું અને ત્યારબાદ પોંડિચેરીમાં એકાંતમાં સાત વર્ષની સાધના દ્વારા એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એના પરિપાક રૂપે પ્રગટ થયું છે. માનવચેતનાના દિવ્ય વિકાસમાં શ્રી અરવિંદે ભગવદ્ગીતાના યોગનું મહત્ત્વ દર્શાવીને જે નૂતન દર્શન આપ્યું છે, તે સદાય માનવજાતિને દિવ્ય જીવન માટેનું પથદર્શન કરતું રહેશે.


