- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- 'આમ કાવતરાં કરવામાં તમારી શોભા નથી. મને મારવો હોય તો છડેચોક ફરું છું. ખૂણામાં ભરાઈ રહેતો નથી. સામા મોંએ આવો! મારી ખાંભી અહીં ખોડાવાની હોય, તો ભલે ખોડાય, હું ડરતો નથી'
સ રદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ જન્મશતાબ્દીના અવસરે ચિત્તમાં અનેક સ્મરણો જાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની કેટલીક ઘટનાઓ જાણીતી છે, તો કેટલીક સાવ અજાણી રહી ગઈ છે. એવી એક ઘટના પર કાળની રાખ વળી ગઈ છે. આજે એ રાખ સંકોરીને અગ્નિ પેટાવવો છે.
જે પવિત્ર ધ્યેયને ખાતર નરસિંહ એવા સરદારે સામે મોંએ પડકાર ફેંક્યો હતો અને જે સમયે બબ્બે દૂધમલ જુવાનિયા શહીદ થયેલા, એ પ્રસંગ ભૂલ્યો કેમ ભુલાય ? એને અંજલિ આપ્યા વગર જમાનો આગળ ચાલે, તો જમાનાની કદરદાનીને ખોટ લાગે.
ભાવનગરનો ખારગેટ દરવાજો. ભાવનગરની એ નગીના મસ્જિદ.
ભાવનગરમાં કાઠિવાયાડ રાજકીય પરિષદ ભરાવાની હતી, અને એના પ્રમુખ તરીકે સમર્થ રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વરણી થઈ હતી. ભારતના ઇતિહાસના એ તેજસ્વી પુરુષની દ્રઢ પ્રતિભા દેશની ડોલતી નૈયાને આફતના ઉદધિમાંથી પાર ઉતારવા જરૂ૨ની હતી. ચોમેર આંધી ઊઠી હતી એમાં ગાંધીની સાથે સરદાર હોય એની દેશને આવશ્યકતા હતી. સરદાર પાસે કુનેહ હતી, દૂરંદેશી હતી, દિલમાં પારાવાર વાત્સલ્ય હોવા છતાં વખત આવે દેશવિરોધી પરિબળોને ડારી શકતા હતા !
આખું ભાવનગર શણગારવામાં આવ્યું હતું ને ભાવનગર જાણે ભાવભર્યું નગર બની ગયું હતું. પ્રજાનો પ્રેમ જુવાળમાં હતો. પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલનું સ૨ઘસ જે માર્ગે થઈને પસાર થવાનું હતું, એ માર્ગનું એક એક ઘર ઘરઆંગણે વિવાહ હોય એટલો શણગાર સજાવીને બેઠું હતું. સોરઠવાસીઓની નજરે ગાંધીરાજાનો મહાન સેનાપતિ આજ કાઠિયાવાડની ધરતી પર કદમ ધરતો હતો. એના પગલે પગલે કુંકુમના સાથિયા અને અક્ષતનાં વધામણાં હતાં. જ્યારે ઘેરઘેર આ શોભા ધરીને બેઠાં હોય, ત્યારે બજારો સૂની કે શણગારવિહોણી કાં રહે ?
પ્રત્યેક બજારનાં મંડળોએ અને પંચોએ સુંદર કમાનો રચી, મંડપો ઊભા કર્યાં હતાં. એ મંડપોની નીચે ભારતના લાડીલા સેનાપતિનું સ્વાગત કરવાનો નિરધાર હતો અને એ નિરધાર મુજબ શું હિંદુ, શું મુસલમાન - અઢારે કોમના વેપારીઓ આ આનંદમાં ગરકાવ હતા. માનવમહેરામણ ઊમટયો હતો. કાઠિયાવાડના રાજ-રજવાડાંના નકશામાં ભાવનગર નોખું-અનોખું હતું. સરઘસમાં સ્વયંસેવકો હતા, નગ૨જનો હતા. પોલીસ બંદોબસ્ત પણ હતો. ને એ બંદોબસ્તના વડા પોલીસ અમલદાર પોપટલાલભાઈ હતા. ખાનદાન ગરાસિયાને માથે આજ સલામતીનો સર્વ ભાર હતો. સરઘસ શાંતિથી આગળ વધતું હતું. તોફાનની એકેય વાદળી આકાશમાં નહોતી અને પોલીસના કાન પર કોઈ સહેજ સરખી વાત કે અફવા પણ નહોતી.
હવામાં મંગલ વાદ્યોનો ધ્વનિ હતો અને વાતાવરણમાં 'મહાત્માજીની જય', 'ભારત મૈયાની જય', 'સરદારની જય' ગુંજતી હતી. અનેક કલામય કમાનોવાળા સુશોભિત મંડપોની નીચે, ઉમળકાભર્યું સ્વાગત ઝીલતી સરદાર વલ્લભભાઈ પટેલની મોટ૨ ધીરે ધીરે આગળ વધતી હતી.
સરદાર ખુશમિજાજમાં હતા. એમનાં વિશાળ ભવાંમાં વીજળીની ચમક અને અવાજમાં વજ્રનો રણકાર હતો; અને જેનાં હૈયામાં સહુથી વધુ દેશના હિરણ્યકશ્યપો માટે નરસિંહનો હુંકાર હતો, એ સરદારશ્રી કાઠિયાવાડની પછાત ગણાતી પ્રજામાં ઉછળતો દેશપ્રેમ જોઈ માર્દવમૂર્તિ બનીને બેઠા હતા - જાણે ફૂલનો બનેલો માનવી !
સરઘસ અડધું પસાર થઈ ગયું અને દાણાપીઠની ગલી સો ફૂટ દૂર રહી હતી. છેલ્લી કમાન અને છેલ્લું સ્વાગત થતું હતું, ત્યાં વાતાવરણમાં સિસોટીનો તીક્ષ્ણ અવાજ સંભળાયો. એ સ્વર કોઈને કાને પડયો ન પડયો, ને એકાએક પાસેની મસ્જિદનાં દ્વાર ખુલી ગયાં. એકાએક કેટલાક માણસો બહાર ધસી આવ્યા. ગુંડાઓ પગ પછાડી રહ્યા : ને ખુલ્લાં શસ્ત્રો સાથે મેદાને પડયા. વાઘ શિકાર પર તૂટે એવી કિકિયારી થઈ. લોકોક્તિ પ્રમાણે સબોસબ ખેંચાણી અને ધબોધબ મીંચાણી - એવું પણ થયું. લોકો જીવ લઈને નાસવા લાગ્યા. સરઘસ વીંખાઈ ગયું.
બચુભાઈ પટેલ નામનો એક જુવાનિયો - નિ:શસ્ત્ર જુવાનિયો - આ હિંસાને રોકવા સામે થયો. એણે પડકાર કર્યો અને હત્યારાઓની છરીઓ એના કલેજાને બેચાર વાર ઘૂસી ગઈ. બચુભાઈ પટેલ શહીદ થયો. એની સાથે જ જાદવજી નામનો વણિક યુવાન હતો. એ પણ ત્યાં ને ત્યાં વેતરાઈ ગયો. રક્તટપકતી બે જુવાનજોધ લાશ ત્યાં ઢળી ગઈ. અને સ૨દા૨શ્રીની મોટ૨ સાથે આવતા શ્રી નાનાભાઈ ભટ્ટને તોફાનની ગંધ આવી ગઈ. એ આગળ આવ્યા ખબર કાઢવા. પણ આ બધું આંખ મીંચીએ અને ઉઘાડીએ એટલી વારમાં બન્યું હતું. મામલો કાબૂ બહાર ગયો હતો. એ થોડા આગળ વધ્યા ને જાતે ઘાયલ થયા. એમને તરત ભાળ મળી કે કાઠિયાવાડના મેલા મુસદ્દીઓએ પ્રજામાં જાગતો દેશપ્રેમ દફનાવી દેવા ભયંકર કાવતરું કર્યું છે. આજે હિંદના પનોતા પુત્ર સ૨દા૨શ્રી માટે કાળનું નોતરું લઈને હત્યારા આવી રહ્યા છે.
કોઈ કવિએ કહ્યું છે તેમ, પાપનાં તીર હોય છે તીક્ષ્ણ, પણ લક્ષ્યવેધી હોતાં નથી. પુણ્યનાં તીર નબળાં હોય છે, પણ લક્ષ્યવેધી હોય છે.
સરદારશ્રીની મોટર સો ફૂટ દૂર રહી અને અણધાર્યા હલ્લાની આગાહી થઈ ગઈ. ભગવાને તકવાદીઓની તક નિષ્ફળ કરી. હવે સરદારશ્રીની સલામતી વિચા૨વી ઘટે, નહીં તો સોરઠને માથે કલંક લાગશે. કાઠિયાવાડના નામ પર એવી કાલિમા લાગશે કે જે ધોવા યુગો જોઈશે.
નાનાભાઈ પાછા દોડયા. સરદારશ્રીને કહ્યું, 'તોફાન છે, પાછા વળી જઈએ.' સ૨દા૨શ્રીની ગરુડ જેવી આંખ આખી વાતનો તાગ મેળવી ચૂકી હતી. તેમણે અર્જુનના ગાંડીવના ટંકાર જેવા અવાજે કહ્યું : 'પાછા નહીં ફરાય, એ જ રસ્તે આગળ વધીશું.'
એક અડોલ ખડકને વીંટી લેવા વાવંટોળ ઘૂમી રહ્યા હતા. પળેપળ વધુને વધુ જોખમી બનતી હતી, પણ સરદારશ્રી નિશ્ચલ હતા. મોટ૨માંથી ઊતરી ગલીમાં સહીસલામતી શોધવાના વિચારને ભયંકર રીતે તેમણે તુચ્છકારી કાઢયો. 'આગળ વધો, એ જ રસ્તે, એ જ માર્ગે !' સરદારશ્રીએ વીરહાક કરી. એમના ભવાં પર જાણે કાર્તિકેયનો યુદ્ધનાદ હતો, પણ બંદોબસ્તની જવાબદારી લઈને સાથે ચાલતા પોલીસ વડાની ફરજ જુદી હતી. એણે તો ગમે તે યત્ને આ માનવરત્ન જાળવી લેવાનું હતું.
પોલીસવડાનું ફરમાન થયું ડ્રાયવરને - 'મોટર વાળી લો !' ડ્રાયવ૨ ભાવનગરનો પ્રજાજન હતો. પોલીસવડાનો હુકમ એને શિરસાવંદ્ય હતો. સરદારશ્રી ના કહેતા રહ્યા ને મોટ૨ ગલીમાં વળી ગઈ. અને ગફલતની થોડી પળોને પોલીસે પૂરી જહેમતથી કાબૂમાં લઈ લીધી.
હત્યારા હંમેશાં બુઝદિલ હોય છે. તેઓએ જોયું કે પોલીસે પૂરેપૂરી નિષ્ઠાથી સામનો શરૂ કર્યો છે, એટલે ગુંડાઓ ભાગ્યા. કેટલાક મસ્જિદમાં જઈ ભરાયા, કેટલાંક પાસેના ભઠિયારખાનામાં છુપાયા.
એ વખતે ભાવનગર રાજ્યના પોલીસખાતામાં ગરાસિયા અમલદારો વિશેષ હતા ને જૂનું ક્ષત્રિવટનું લોહી એમનામાં વહેતું હતું. અચાનક આવી પડેલી આંધીને પોલીસ વડા પોપટલાલભાઈએ પળવા૨માં કાબૂમાં લીધી ને પોતાની મદદે લશ્કર બોલાવ્યું. રસાલાના ઉપરી બાપુભા સાહેબે વીજળીવેગે આવી આખી ભૂમિને કબજે કરી લીધી અને છુપાયેલા કાયરોને પકડી કેદ કર્યાં.
આખા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ. બજારોમાં ત્રણ દિવસની તાળાબંધી થઈ ગઈ. ચોરે ને ચૌટે એક જ વાત ચર્ચાવા લાગી. અરે, આ કાળાં કામો કર્યા કોણે ? ભાવનગરનો રાજા તો ધર્માવતાર છે, ક્ષત્રિયાણીનો જાયો છે, પીઠ પાછળ ઘા કદી ન કરે ? અરે ! આવો રાજવી મળવો ય દુર્લભ! ભાવનગરની પ્રજા હિંદુ
અને મુસ્લિમો - ભાઈભાઈની જેમ ૨હે છે, એની દૂર દૂર આબરૂ છે ને આ ઉશ્કેરણી કોણે કરી ?
આજ ભાવનગરને માથે કલંક બેઠું ! સુંવાળી પ્રજાના હૈયામાંથી શાપ નીકળી ગયા. હાય, આ કાળાં કામ ! રાજકીય મતભેદો અલગ વસ્તુ છે; સામાજિક મતભેદો અલગ વસ્તુ છે. પણ આ કામ તો હત્યારાનું ગણાય!
પ્રજા આનાં મૂળ શોધવા આકાશપાતાળ એક કરી રહી, પણ મુત્સદ્દીવટ દાવ ફેંકનાર પડદા પાછળ રહ્યા. એ માનવ-મુત્સદ્દીઓએ પોતાના લોહિયાળ પંજા ધોવાનીય દરકાર ન કરી.
બે નવયુવાનોની લાશ ભરબજારમાં ઢળી હતી. બપોરે એ દૂધમલિયા વીર પ્રજાજનોની સ્મશાનયાત્રા નીકળી. સરદારશ્રીએ એ યાત્રામાં ભાગ લીધો. એમનાં કદમોમાંથી એ દિવસે રજવાડાના અવળા ભાવિનો ઘંટરાવ થતો હતો, પણ મુત્સદ્દીઓ પોતાની ખુમારીમાં કાળઘંટા કયે દિવસે સાંભળે છે ?
નિયત સમયે, નિયત સ્થળે જ રાજકીય પરિષદનું અધિવેશન ભરાયું. પ્રજાએ ઊલટભેર એમાં ભાગ લીધો. તેઓએ બતાવી દીધું કે અહીં પ્રજાધર્મનો સગવડિયો લાભ લેવાયો છે, ભાવનગરની શાણી પ્રજાને આ કાળા કાવતરા સાથે જરા પણ નિસ્બત નથી !
એ પરિષદના પ્રમુખસ્થાનેથી સરદારશ્રીએ પોતાની નિર્ભય વાણીમાં પડકાર કરતાં કર્યું, 'આમ કાવતરાં કરવામાં તમારી શોભા નથી. મને મારવો હોય તો છડેચોક ફરું છું. ખૂણામાં ભરાઈ રહેતો નથી. સામા મોંએ આવો ! મારી ખાંભી અહીં ખોડાવાની હોય, તો ભલે ખોડાય, હું ડરતો નથી. સહુ કોઈને જિવાડનાર કે મા૨નાર પ્રભુ છે, પણ યાદ રાખો કે છરી, કટારી કે ગુંડાગીરીથી દેશની પ્રગતિ એક ઇંચ પણ નહીં રોકી શકાય.'
એ કાળનો અવાજ હતો ! સાચો થઈને રહ્યો. જ્યારે પ્રજાને એના રાજા દેશભક્ત શ્રી કૃષ્ણકુમારસિંહજીએ હસતે મોંએ જવાબદાર રાજતંત્ર આવ્યું, અને એનું સરઘસ નીકળ્યું ત્યારે એ જ સ૨દા૨શ્રી આગેવાન હતા અને ભાવનગરની શેરીઓમાં અને બજારોમાં સ્વાગત પામ્યા હતા, અને બંને દ્રશ્યોને જોનાર એ આંખો પણ ત્યાં હતી.
માણસ તો મર્ત્ય છે. એ જતો રહે છે પણ દિગ્દિગંત સુધી એનો અવાજ પડઘા પાડયા કરે છે. આ પડઘા હમણાં ભાવનગરનાં ખારગેટ પાસેથી પસાર થતાં મેં સાંભળ્યાં ને જેવાં સાંભળ્યાં તેવાં આલેખ્યાં છે.
ક્ષણનો સાક્ષાત્કાર
પ્રશ્નોને ઉકેલવાને બદલે એને 'કોલ્ડ સ્ટોરેજ'માં રાખીને એકઠા ક૨વાની ઘણી વ્યક્તિઓને આદત હોય છે, તો કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે પોતાની રોજિંદી સમસ્યાને પણ મહાસમસ્યા તરીકે અનુભવતી હોય છે. જેમકે કોઈની મુલાકાતે જતી વખતે દસેક મિનિટ સુધી રીક્ષા કે ઉબર ન મળે, તો વ્યક્તિ એટલી બધી અકળાઈ જાય છે કે જાણે એને એનું આખુંય જીવન સમસ્યાઓથી ઉભરાઈ ગયેલું લાગે છે.
એક બીજી બાબત એ છે કે આપણી ઇંદ્રિયોને સમસ્યા સાથે પ્રગાઢ સંબંધ છે. આપણને કાનથી કોઈક વાત સાંભળવા મળે અને પછી મનમાં એ ઘૂંટાયા કરે, એમાંથી મનમાં શંકા અને દ્વેષ જાગે, બદલો લેવાની ઇચ્છા થાય અને એ બદલો લેવાની અશક્તિ કે એનું આયોજન એ તમારી સામે સમસ્યા રૂપે ખડા થઈ જાય છે. વહેલી સવારે અખબારના સમાચારો વાંચીને તમે હળવાશ અનુભવો છો, ખરા ? પ્રભાતની નવી તાજગીનો અહેસાસ થાય છે ખરો ? કે પછી જગત આખું રાજકારણની મેલી રમતોથી, આત્મહત્યા અને બળાત્કારથી, પ્રજાની પરેશાની કે પછી પરસ્પરની દુશ્મનીથી તમને ઉભરાયેલું લાગે છે ? કદાચ આ તમારી સમસ્યા ન હોય, પણ 'જગત આખું સમસ્યાઓથી ભરેલું છે અને એમાં હું જીવી રહ્યો છું', એવો ભાવ તો જરૂ૨ થશે. આ સમસ્યાઓના જગતમાં જેમ જેમ વધુ જીવતા જઈએ, તેમ તેમ સમસ્યાઓથી વધુ ઘેરાતા જઈએ છીએ અને પછી જીવન આખુંય સમસ્યામય લાગે છે. આથી જ એક પછી એક સમસ્યાના ઉપાયની ખોજ કરવી જોઈએ. તમે અત્યંત સ્થૂળ શરીર ધરાવતા હશો તો રાતોરાત પાતળા થઈ શકશો નહીં. આથી એને સમસ્યારૂપ ગણીને ચાલવાને બદલે એનો ઉપાય શોધો. એના પ્રત્યે 'નેગેટિવ' દ્રષ્ટિએ જોવાનું બંધ કરીએ અને સમસ્યાની સામે માથું ઝુકાવી દેવાને બદલે જરા ટટ્ટાર થઈને ઊભા રહો. હતાશ, નિરાશ થઈને માથું ઢાળીને બેસી રહેનારની નિરાશા વધુ ઘેરી બને છે અને ટટ્ટાર ઊભા રહેનારના શરીરમાં એક ઊર્જા પ્રગટ થાય છે. આમ પોઝિટીવ વિચાર કરવાથી આપણા પ્રશ્નોનાં એક પછી એક ઉકેલ તરફ જઈ શકીએ છીએ અને જેમ જેમ સમસ્યાને સ્વસ્થતાથી ઉકેલતા જઈએ, તેમ તેમ સમસ્યાના ઉકેલની ઘણી નવી સૂઝ અને ઉપાય પણ મળી જશે.


