- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
શું આપણે ક્યારેય મંગળ પર માનવ વસાહત ઉભી કરી શકીશું? શું લાલ ગ્રહના વાતાવરણમાં છુપાયેલા રહસ્યો ક્યારેય ઉકેલાઈ શકશે? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે માનવજાત સદીઓથી આતુર છે. ૨૦૨૫નાં નવેમ્બરમાં એક નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. ૧૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન પર એક ઐતિહાસિક ઘટના બની હતી. એમેઝોનના અબજપતિ સ્થાપક જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને પોતાના વિશાળ ન્યૂ ગ્લેન રોકેટનું સફળ લોન્ચિંગ કરી બતાવ્યું છે. આ મિશનની સૌથી મોટી સિદ્ધિ તો લોન્ચિંગ કરતાં પણ વધારે અદ્વિતીય હતી.બ્લુ ઓરિજિને પ્રથમ વખત પોતાના રોકેટના પ્રથમ-તબક્કાના બૂસ્ટરને સફળતાપૂર્વક પરત મેળવ્યું હતું! એટલાન્ટિક મહાસાગરમાં ૩૭૫ માઇલ (૬૦૦ કિલોમીટર) દૂર તરતા બાર્જ પર આ બૂસ્ટર સીધું ઊભું થઈને ઉતર્યું હતું. જેફ બેઝોસ લોન્ચ કંટ્રોલમાંથી આ ઐતિહાસિક ક્ષણ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ખુશીના ભાવ સ્પષ્ટ હતા. અંતરીક્ષ ઇતિહાસમાં આ ઘટના કેટલું મહત્વ ધરાવે છે? પૃથ્વી ઉપર શરૂ થયેલી અવકાશ સ્પર્ધાનો ઇતિહાસ શું છે? તેના ઉપર એક નજર નાખીએ.
સ્પુટનિકથી ન્યૂ ગ્લેન સુધી
ચીની વિજ્ઞાનીઓએ પ્રથમ રોકેટ બનાવ્યું હતું. ભારતીય ખગોળશાસ્ત્રીઓએ ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો હતો. પરંતુ અવકાશમાં પહોંચવાનું સ્વપ્ન વીસમી સદીમાં સાકાર થયું. ૧૯૫૭માં સોવિયેત યુનિયને સ્પુટનિક-૧ નામનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો હતો. ૧૯૬૧માં યુરી ગગારિન અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ માનવ બન્યા હતા. ૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ માનવી તરીકે ચંદ્ર પર પગ મૂક્યો હતો. ત્યારબાદ અમેરિકાએ સફળતાપૂર્વક છ વખત ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલી ચૂક્યું છે, પરંતુ આ મિશન અત્યંત ખર્ચાળ હતા. આજની તારીખે આવાં એક જ એપોલો મિશનની કિંમત લગભગ ૨૫ અબજ ડોલર જેટલી થાય છે. ૧૯૭૨ લગભગ પચાસ વર્ષનો અંતરાલ વીતી ગયો હોવા છતાં માનવે ચંદ્ર પર બીજી વાર પગ મૂક્યો નથી. ૨૦૧૯માં નાસાએ આર્ટેમિસ કાર્યક્રમની જાહેરાત કરી છે. નાસાએ ૧૯૭૦ના દાયકામાં સ્પેસ શટલ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં પ્રથમ આંશિક રીતે પુન:ઉપયોગી થઇ શકે તેવું અવકાશયાન વાપરવામાં આવ્યું હતું. સ્પેસ શટલ પૃથ્વી પર પાછું આવી શકતું હતું, ફરીથી ઉડી શકતું હતું. જોકે શટલને ફરીથી ઉપયોગ માટે તૈયાર કરવામાં મહિનાઓ લાગતા હતા. ખર્ચ પણ ઘણો રહેતો હતો. છતાં ૧૯૮૧થી ૨૦૧૧ દરમિયાન, સ્પેસ શટલે ૧૩૫ મિશન પૂર્ણ કર્યા હતાં.
૨૧મી સદીમાં, અવકાશ ઉદ્યોગમાં નવી ક્રાંતિની શરૂ થઈ. ૨૦૦૦માં જેફ બેઝોસે બ્લુ ઓરિજિન સ્થાપી હતી. ૨૦૦૨માં એલોન મસ્કે સ્પેસએક્સ શરૂ કરી હતી. ૨૦૧૫માં સ્પેસએક્સે પ્રથમ વખત સફળતાપૂર્વક રોકેટ બૂસ્ટરને પૃથ્વી પર પાછું ઉતાર્યું હતું. આ એક ક્રાંતિકારી ક્ષણ હતી. બ્લુ ઓરિજિને તેના ન્યૂ શેપર્ડ રોકેટ સાથે સબઓર્બિટલ પ્રવાસ માટે પુન:ઉપયોગી ટેકનોલોજી વિકસાવી હતી. આર્ટેમિસ કાર્યક્રમનો મુખ્ય હેતુ ૨૦૨૬ સુધીમાં પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિને ચંદ્ર પર ઉતારવાનો છે. નાસા આ કામ ખાનગી કંપનીની ભાગીદારીથી કરવા માંગે છે. ન્યૂ ગ્લેન રોકેટનાં સફળ લોન્ચિંગથી આ સફર શરૂ થઇ રહી છે.
ન્યૂ ગ્લેનની ઐતિહાસિક ઉડાન
ન્યૂ ગ્લેન રોકેટએ એન્જિનિયરિંગનો એક અદ્ભૂત નમૂનો છે. ૩૨૧ ફૂટ ઊંચા, આ રોકેટનું નામ જ્હોન ગ્લેનના નામ પરથી રાખવામાં આવ્યું છે.૧૯૬૨માં પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરનાર જ્હોન ગ્લેન પ્રથમ અમેરિકન હતા. આ રોકેટ બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટ કરતાં પાંચ ગણું મોટું છે. ન્યૂ ગ્લેનનાં પ્રથમ તબક્કામાં સાત BE-4 બૂસ્ટર એન્જિન લાગેલાં છે. દરેક એન્જિન ૨,૪૦૦ કિલોન્યુટનની શક્તિ ઉત્પન્ન કરે છે. આ સાતેય એન્જિન મળીને એવી શક્તિ ઉત્પન્ન કરે છે, જે લગભગ ૩,૫૦૦ મધ્યમ કદની કારોને એકસાથે ઊંચકી શકે! બીજા તબક્કામાં બે BE-3U એન્જિન જોડાયેલાં છે, જે ૧,૪૨૩ કિલોન્યુટન શક્તિ આપે છે. ૧૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન પર ન્યૂ ગ્લેન રોકેટે, નાસાના એસ્કેપેડ મિશનને અવકાશમાં મોકલી આપ્યું હતું. રોકેટની આ બીજી ઉડાન હતી,જેમાં પહેલી વખત કંપનીએ કોઈ ગ્રાહકનો વાસ્તવિક પેલોડ લઈને ઊડાન ભરી છે.
સૌથી મોટી સિદ્ધિ તો બૂસ્ટર સ્ટેજ રિકવરીની હતી. બ્લુ ઓરિજિને પોતાના રોકેટના પ્રથમ-તબક્કાના બૂસ્ટરને સફળતાપૂર્વક, એટલાન્ટિક મહાસાગરમાં ૩૭૫ માઇલ દૂર તરતા ''જેકલિન'' બાર્જ પર પાછું મેળવ્યું હતું. આ બાર્જનું નામ બેઝોસની માતા જેકલિન ગાઈઝ બેઝોસના સન્માનમાં રાખવામાં આવ્યું છે. એસ્કેપેડ મિશનમાં બે જોડિયા અવકાશયાન મંગળના વાતાવરણનો અભ્યાસ કરશે. આ અવકાશયાન પ્રથમ લગ્રાન્જ પોઇન્ટ ૨ (L2) નામના સ્થાને પહોંચશે. જે પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર છે. ૨૦૨૬ના અંતમાં તેઓ મંગળ તરફ પ્રયાણ કરશે. સપ્ટેમ્બર ૨૦૨૭માં મંગળ નજીક પહોંચશે. મંગળ પર પહોંચ્યા પછી, બે જોડિયા ઓર્બિટર મંગળના ઉપરી વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્રનું નકશા તૈયાર કરવાની કામ કરશે. મિશનનો મુખ્ય હેતુ : મંગળનું વાતાવરણ ક્યાં ગયું? એ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો છે. અબજો વર્ષ પહેલાં મંગળ પર ગાઢ વાતાવરણ, પાણી, તળાવો અને નદીઓ હતા. આજે મંગળ એક સૂકો, ઠંડો, ઉજ્જડ રણ પ્રદેશ જેવો ગ્રહ છે. ભવિષ્યમાં અવકાશયાત્રીઓને મંગળ ગ્રહ ઉપર સફળતાપૂર્વક ઉતરવામાં મદદરૂપ બનશે.
જેફ બેઝોસની અસાધારણ યાત્રા
જેફરી પ્રેસ્ટન બેઝોસ : આ નામ આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ૧૯૬૪માં ન્યૂ મેક્સિકોનાં અલ્બુકર્કમાં જન્મેલા બેઝોસ બાળપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ ધરાવતા હતા. પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેઓએ વોલ સ્ટ્રીટમાં કામ કર્યું હતું. ૧૯૯૪માં તેમણે એક હિંમતભર્યું પગલું ભર્યું : પોતાની નોકરી છોડીને પોતાનાં ગેરેજમાંથી એમેઝોન નામનો ઓનલાઈન બુક સ્ટોર શરૂ કરી દીધો હતો. એમેઝોન આજે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે. જેનાથી બેઝોસ વિશ્વના સૌથી ધનાઢય લોકોમાંના એક બન્યા છે. બેઝોસ પોતે જણાવે છે કે ''પાંચ વર્ષની ઉંમરે જ્યારે તેમણે ટેલિવિઝન પર નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર ઉતરતા જોયા, ત્યારથી જ તેમના હૃદયમાં અંતરિક્ષ સંશોધન પ્રત્યે જુસ્સો જાગ્યો હતો.''
૨૦૦૦માં તેમણે બ્લુ ઓરિજિનની સ્થાપના કરી હતી. કંપનીનું નામ ''બ્લુ ઓરિજિન'' એટલે ''વાદળી ઉદ્દગમ''. જે પૃથ્વીનો ઉલ્લેખ દર્શાવે છે. કંપનીનું ધ્યેય સૂત્ર ધય્ચિગચૌસ ખીર્બિૈાીધિ છે. લેટિન ભાષામાં તેનો અર્થ થાય છે ''દરેક પગલું ઉગ્રતાથી.'' ૨૦૨૧માં બેઝોસે પોતે ન્યૂ શેપર્ડ રોકેટમાં ઉડાન ભરી અને અંતરિક્ષની શરૂઆત જ્યાંથી થાય છે, ત્યાં ગયા હતા. બ્લુ ઓરિજિનની ટીમમાં અવકાશ ઉદ્યોગના અનુભવી એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ છે. કંપનીના સીઈઓ બોબ સ્મિથ અગાઉ હનીવેલ એરોસ્પેસના પ્રમુખ હતા. તેમની પાસે એરોસ્પેસ ઉદ્યોગનો ૩૦ વર્ષનો અનુભવ છે. ન્યૂ ગ્લેન રોકેટનો વિકાસ કંપનીના હજારો એન્જિનિયરો અને તકનીશિયનોએ વર્ષોના સખત પરિશ્રમથી કર્યો છે. બેઝોસની દ્રષ્ટિ સ્પષ્ટ છે : તેઓ અવકાશને માનવજાત માટે સુલભ બનાવવા માંગે છે. તેમનું માનવું છે કે ''ભવિષ્યમાં લાખો લોકો અવકાશમાં રહેશે અને કામ કરશે. પૃથ્વી એક સુંદર રહેણાંક ગ્રહ તરીકે સાચવી શકાશે. જ્યાં ભારે ઉદ્યોગો નહીં હોય.'' તેમની આ યાત્રા માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ હજારો સમર્પિત વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોની સામૂહિક મહેનતનું પરિણામ છે.
વિજ્ઞાન અને સોશિયલ મીડિયાનું મિલન
આધુનિક યુગમાં વૈજ્ઞાનિક સંશોધન સોશિયલ મીડિયા, સમાચાર ચેનલો અને લોકપ્રિય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની ગયું છે. નાસા, બ્લુ ઓરિજિન અને સ્પેસએક્સ બધા ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટયુબ પર સક્રિય છે. રોકેટ લોન્ચિંગના લાઇવ સ્ટ્રીમ લાખો લોકો જોવે છે. નવેમ્બર ૧૩ની ન્યૂ ગ્લેન લોન્ચિંગ અને બૂસ્ટર લેન્ડિંગનો વીડિયો વાઇરલ થયો, અને વિશ્વભરના લોકોએ આ ઐતિહાસિક ક્ષણ જોઈ હતી. આજે જેફ બેઝોસ અને એલોન મસ્ક વચ્ચેની અંતરીક્ષ સ્પર્ધા લાખો લોકોને આકર્ષી રહી છે. આ સ્પર્ધાને લોકપ્રિય મીડિયામાં વ્યાપક કવરેજ પણ મળી રહ્યું છે. હોલિવૂડ ફિલ્મોએ પણ અંતરીક્ષ સંશોધન પ્રત્યે જનતાની કલ્પનાને આકાર આપ્યો છે. ''ધ માર્શિયન'' (૨૦૧૫), ''ઇન્ટરસ્ટેલર'' (૨૦૧૪), અને ''ગ્રેવિટી'' (૨૦૧૩) જેવી ફિલ્મોએ, મંગળ અને અંતરીક્ષ પ્રવાસને રોમાંચક અને સુલભ બનાવી દેખાડયો છે. આ ફિલ્મોમાં દર્શાવેલુ વિજ્ઞાન ખરેખર NASA અને અન્ય અવકાશ એજન્સીઓ સાથે સલાહ લઈને કરવામાં આવ્યું હતું. જેથી હોલીવુડની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલી વૈજ્ઞાનિક રીતે સચોટ અને વાસ્તવિક લાગે. આર્ટેમિસ કાર્યક્રમમાં વિક્ટર ગ્લોવર અને ક્રિસ્ટીના કોચ જેવા અવકાશયાત્રીઓની હાજરી પણ મહત્વપૂર્ણ છે. ગ્લોવર ચંદ્ર પર જનાર પ્રથમ અશ્વેત અવકાશયાત્રી બનશે, અને કોચ ચંદ્રની ભ્રમણકક્ષામાં જનાર પ્રથમ મહિલા બનશે. બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટે પ્રસિદ્ધ લોકો અને સેલિબ્રિટીઝને અંતરીક્ષની યાત્રા કરાવી હતી. ૨૦૨૧માં બેઝોસે પોતે પણ પોતાના રોકેટમાં ઉડાન ભરી હતી. અમેરિકન ગાયિકા કેટી પેરી જેવી સેલિબ્રિટીઓએ, પણ અંતરીક્ષ પ્રવાસનો અનુભવ લીધો છે. જ્યારે આવી પ્રસિદ્ધ વ્યક્તિઓ અવકાશમાં જાય છે, પોતાનો અનુભવ શેર કરે છે, ત્યારે લાખો ચાહકો પ્રત્યે પ્રેરિત થાય છે.પરંતુ આ સેલિબ્રિટી સંસ્કૃતિની એક નકારાત્મક બાજુ પણ છે. કેટલીકવાર પ્રસિદ્ધિ વૈજ્ઞાનિક સમજણને વિકૃત પણ કરી શકે છે. જ્યારે બે અબજપતિઓ વચ્ચેની સ્પર્ધા વધુ પડતું વ્યક્તિગત બને છે, ત્યારે વાસ્તવિક વૈજ્ઞાનિક સિદ્ધિઓ પાછળ રહી જાય છે. વ્યક્તિગત હરીફાઈ પર વધુ ધ્યાન જાય છે.


