18 વર્ષની યુવતીએ બે સદી પહેલાં દુનિયાની પહેલી સાયન્સ ફિક્શન નોવેલ લખીને ઈતિહાસ રચ્યો!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ગુજરાતી સહિત અઢળક ભાષાઓમાં અનુવાદિત એ ટ્રેન્ડસેટર બેસ્ટસેલર પુસ્તક 200+ વર્ષથી કદી આઉટ ઓફ પ્રિન્ટ નથી થયું!
- વાર્તાથી પણ વધુ વળાંકોવાળું જીવન જીવીને પહેલી જ નવલકથા ફ્રેન્કેન્સ્ટાઇન મેરી શેલીએ એવી લખી કે આજ સુધીમાં એના પર વિવિધ ભાષાઓમાં ૪૩૬ ફિલ્મો, ૨૧૨ શોર્ટ ફિલ્મો, ૮૫ ટીવી સિરીઝ અને ૩૪૦ એપિસોડસ ઉપરાંત વિડીયો ગેઈમ ને રમકડાંઓ બન્યા, એમાંથી અનેક સર્જકોએ સર્જનની પ્રેરણા મેળવી
ફ્રે ન્કેન્સ્ટાઇન. સિર્ફ નામ હી કાફી હૈ ! આ એક એવી કથાનું આ નામ છે જેના પરથી ઓલરેડી ઓસ્કાર વિનર એવા ટેલેન્ટેડ ડાયરેક્ટર ગુલિરેમો ડેલ ટોરો આજે પણ ખર્ચાળ નેટફ્લિકસ મૂવી બનાવે છે, જે પર્સનલી ૧૯૯૪માં કેનેથે બનાવેલા બેનમૂન વર્ઝન કરતા ઘણું નબળું લાગ્યું હોવા છતાં એવોર્ડ માટે પણ ખાસ્સી હવા ઉભી કરી જાય છે ! એવી વાર્તા જેમાંથી ફિલ્મો ને ટીવી બધું ગણો તો વિધવિધ ભાષાઓમાં એક હજારથી વધુ એડેપ્ટેશન થયા છે! 'યંગ ફ્રેન્કેન્સ્ટાઇન', 'આઈ, ફ્રેન્કેન્સ્ટાઇન', 'વિક્ટર ફ્રેન્કેન્સ્ટાઇન' અને 'લિઝા ફ્રેન્કેન્સ્ટાઇન' જેવી ટાઈટલમાં એનું નામ ધરાવતી ફિલ્મો છોડો - ટીમ બર્ટન જોની ડેપની ક્લાસિક 'એડવર્ડ સીઝરહેન્ડ્સ' હોય કે એમા સ્ટોનને ઓસ્કાર અપાવતી 'પુઅર થિંગ્સ'... એક્સ મશીના' હોય કે 'ટર્મિનેટર' બધે ફ્રેન્કેન્સ્ટાઇનની છાપ દેખાય ! યુનિવર્સલ સ્ટુડિયોએ એપિક નામનો થીમ પાર્ક નવો અમેરિકાના ઓર્લાન્ડોમાં આ વર્ષે ખુલ્લો મુક્યો એમાં પણ ડાર્ક યુનિવર્સ ખાતે ફ્રેન્કેન્સ્ટાઇનની થ્રિલ રાઈડ છે. જેનો લ્હાવો પણ જાતે લીધો છે!
કેવો હશે આ કમાલની કથાનો જાદૂ ! ગુજરાતીમાં રમણલાલ સોનીએ 'નરાસુર' નામથી એનો અનુવાદ વર્ષો પહેલા કર્યો એ બાળપણમાં વાંચ્યો અને બે વર્ષ પહેલા યુકેના રોમનોએ વસાવેલા બાથ ગામમાં જઈ હવે મ્યુઝિયમમાં ફેરવાયેલા મેરી શેલીના ઘરની રેપ્લિકાની પણ ભોજન સ્કીપ કરીને મુલાકાત લીધી એવી એની મોહિની છે. પણ આ કથા પાછળની કથા એવી છે કે એના પરથી એક ફિલ્મ બની શકે ને ૨૦૧૭માં સારી રીતે બની પણ છે ! જસ્ટ થિંક, ઘણા લોકોને ૫૦ વર્ષે પાંચ લીટી ફેસબુક પર લખતા પણ નથી આવડતું, ત્યારે પુરુષપ્રધાન વિક્ટોરિયન યુગમાં બસ્સો વર્ષ પહેલાના સમાજમાં એક માત્ર વાઈલ્ડ ટીન ગણાતી છોકરી પુરુષોને હંફાવી દેતી એક ઓરિજીનલ વાર્તા, એ પણ આજે પણ સ્ત્રીઓને ઓછો રસ છે એવા સાયન્સ ને હોરર એલિમેન્ટ સાથે રચી કાઢે એ પોતે જ અજાયબ ઘટના છે.
પણ ફ્રેન્કેન્સ્ટાઇન જેવી કૃતિની પ્રસુતિ કરાવનાર મેરી શેલીની જીવનકથા રોમાંચક છે, એટલી જ કરુણ છે. એ સ્ત્રીએ સુખ ને દુ:ખ બંને જોયા. અને જવાનીમાં બેધડક આજના જમાનાને પણ બોલ્ડ લાગે એમ પ્યાર ખાતર જીવી. નાની ઉંમરે માતાપિતા જો બુદ્ધિમાન અને સક્ષમ હોય ને સંતાનને ટિપિકલ સ્કૂલ લાઈફને બદલે ઘેર જ સાહિત્ય કલાની દુનિયા બતાવે ને યુવા થઈને એક જગ્યાએ બેઠા રહેતા પંતુજીને બદલે સાહસ કરીને દુનિયા ફરવા નીકળો તો કેવું ઘડતર થાય કે તમારું નામ અમર બની જાય એની સાહેદી પણ મેરી શેલીના જીવનમાં જડે ! આવો, એક વાંચતી ના હોય એવી આખી પેઢી નેટફ્લિકસ ફિલ્મ જોઈ ઇમ્પ્રેસ થતી હોય તો એમને સાહિત્યના સાગરમાં ધુબાકો મરાવીએ. એ પણ જેવીતેવી લેખિકા નહિ - જેની મનોરંજક કથાએ એકઝાટકે પૃથ્વી પર નવી ધારાનો પ્રચંડ પ્રવાહ સર્જી દીધો એવી મહાન !
***
૩૦ ઓગસ્ટ ૧૭૯૭ની સાલમાં મેરીનો જેમના ઘેર જન્મ થયો એ મમ્મી પપ્પા બંને તેજસ્વી, પ્રતિષ્ઠિત અને ઠીક ઠીક શ્રીમંત. માતા ને પિતા બેઉ લેખન કરતા એટલે વારસો જાણે ગળથૂથીમાંથી મળ્યો. પણ કમનસીબે ડોકટરના એ સમયના ગ્લવ્ઝ વગરના હાથમાંથી લાગેલા ચેપને લીધે એને જન્મ આપ્યાના માત્ર ૧૧ દિવસ બાદ માતા મૃત્યુ પામી. એનું નામ પણ મેરી એટલે દીકરીનું નામ એની યાદમાં જ મેરી રખાયું. કદાચ માએ જ સ્વર્ગમાંથી દીકરીને અમર રહેવાના આશિષ પાઠવ્યા હશે. આમ પણ એ સ્વતંત્ર મિજાજની ક્રાંતિકારી મહિલા લગ્નને તો 'પ્રેમનું કબ્રસ્તાન' માનતી ! પણ વિલિયમ ગોલ્ડવિન સાથેના અફેરમાં મેરીની પ્રેગ્નન્સી રહી જતા એણે લગ્ન કરેલા.
મેરી શેલીની માતા મેરી વોલ્સટનક્રાફ્ટનું જીવન બિનપરંપરાગત હતું; ગરીબીમાંથી છટકીને (યુવાનીમાં થોડો સમય બાથ ગામમાં રહીને), પ્રેમપ્રકરણો કરીને, ફ્રાન્સમાં રહીને અને પ્રતિભાશાળી હોવાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ૧૭૯૨માં મેરી વોલ્સટનક્રાફ્ટે તેમનું સૌથી પ્રખ્યાત પુસ્તક, 'અ વિન્ડિકેશન ઓફ ધ રાઈટ્સ ઓફ વુમન' પ્રકાશિત કર્યું, જેમાં તેમણે દલીલ કરી હતી કે તેમના સમયની શિક્ષણ પ્રણાલી જાણીજોઈને સ્ત્રીઓને તુચ્છ અને અસમર્થ બનવાની તાલીમ આપતી હતી, અને સ્ત્રીઓને પુરુષો જેટલું જ શિક્ષણ મળવું જોઈએ. આ પ્રકાશને વિવાદ સર્જ્યો પણ આજે મેરી વોલ્સટનક્રાફ્ટને આધુનિક નારીવાદના સ્થાપકોમાંના એક ગણવામાં આવે છે.
ઇગ્લેન્ડની મેરી વોલ્સટનક્રાફ્ટ ૧૭૯૨માં પેરિસ જવા માટે અમેરિકન સૈનિક કેપ્ટન ગિલ્બર્ટ ઈમ્લે સાથે રહી. ૧૭૯૪ની વસંતઋતુમાં તેણે પુત્રી ફેનીને જન્મ આપ્યો. પછીના વર્ષે, ઈમ્લે સાથેના સંબંધો તૂટી જવાથી વ્યથિત થઈને, વોલ્સટનક્રાફ્ટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ૧૭૯૬માં તેણે વિલિયમ ગોડવિન સાથે સંબંધ શરૂ કર્યો હતો. મેરી શેલીના પિતા વિલિયમ ગોડવિન, એક રાજકીય સિદ્ધાંતવાદી અને તત્વચિંતક હતા. એનાર્કી યાને અરાજકતાવાદી સિદ્ધાંતોનું નિરૂપણ આપનાર પ્રથમ ! તે યુગના ક્રાંતિકારીઓ તેમના રાજકીય વિચારો સાંભળવા માટે આ ફિલસૂફના ઘરે આવતા હતા. ગોડવિન વૈકલ્પિક શિક્ષણ પ્રણાલીના હિમાયતી હતા જેમાં બાળકના વ્યક્તિત્વ અને સેલ્ફ એક્સપ્રેશનને પ્રોત્સાહન મળે ! સમર્પિત પરંતુ કડક પિતા હતા. ૧૮૦૧માં, વિધુર વિલિયમે તેમની પડોશણ સાથે લગ્ન કર્યા. તે તેના બે બાળકો, જેન અને ચાર્લ્સને સાથે લાવી. તેણી અને વિલિયમને પાછળથી એક પુત્ર થયો, જે જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યો. મેરીનો તેની સાવકી મા સાથેનો સંબંધ કડવો રહ્યો.
પિતાના બીજા લગ્ન વખતે મેરીની સાવકી બહેન, ક્લેર (જેનું નામ પહેલા જેન ક્લેરમોન્ટ હતું) મેરી કરતા માત્ર આઠ મહિના નાની હતી. બેઉ બહેનો વચ્ચે આજીવન ગાઢ પણ ઉતાર ચડાવવાળો એવો સબંધ રહ્યો જેને માટે મેરીએ એકવાર લખ્યું હતું, 'તે મારા જીવનનો શ્રાપ છે.' ઘરના બધા બાળકોની જેમ, ક્લેર પર પણ ગોડવિનના ક્રાંતિકારી વિચારોનો ભારે પ્રભાવ હતો. શી વોઝ નેચરલ ફોર્સ. નાટકીય, એકાગ્ર અને જોરદાર હોશિયાર. તે ફ્રેન્ચ, ઇટાલિયન અને રશિયન સહિત સાત ભાષાઓ લખતી બોલતી !
મેરીનો ઉછેર એવા ઘરમાં થયો હતો જ્યાં નામાંકિત કવિઓ, રાજકારણીઓ, ક્રાંતિકારીઓ અને વૈજ્ઞાનિકોની અવરજવર રહેતી હતી. મેરી શેલીને સાવકી માને લીધે ઔપચારિક શિક્ષણ ન મળ્યું ! પરંતુ તેના પિતાના પ્રોત્સાહનથી, તેણે ઘરના વિશાળ પુસ્તકાલયનો ઉપયોગ ભરપૂર કર્યો. મેરી તેના પિતાના ઘરે આવતા વિવિધ પ્રખ્યાત રાજકારણીઓ સમક્ષ વાંચવા માટે ભાષણો લખતી હતી અને ૧૮૦૭માં, દસ વર્ષની ઉંમરે, તેણે તેની પહેલી કવિતા બીજા એક કોમિક ગીતમાંથી પ્રભાવિત થઈને લખી. જ્યારે મેરી ચૌદ વર્ષની હતી ત્યારે તે મિત્રો સાથે રહેવા સ્કોટલેન્ડ ગઈ હતી. અને ૧૮૩૧ના 'ફ્રેન્કેન્સ્ટાઇન'ની પ્રસ્તાવનામાં એણે લખ્યું : 'ત્યાંના વૃક્ષો નીચે કે નજીકના વેરાન પર્વતોના ઉજ્જડ પણ રમ્ય ઢોળાવો પર, મારી કલ્પનાની મુક્ત ઉડાન જન્મી અને વિકસી.'
૧૧મી નવેમ્બર ૧૮૧૨ના રોજ ઘરે ટૂંકી મુલાકાત દરમિયાન, ત્યારે ફક્ત ૧૫ વર્ષની મેરી, સુખ્યાત રોમેન્ટિક કવિ એવા જુવાન પર્સી બાયશી શેલીને પ્રથમવાર મળી, જેઓ તેમની નવી પત્ની હેરિયેટ વેસ્ટબ્રુક સાથે આવ્યા હતા. મેરીથી થોડાક જ વર્ષ મોટા પર્સી શેલીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે એક મૃત બિલાડીને ફરીથી જીવંત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. થોડા સમય પછી, 'મેડ શેલી' તરીકે જાણીતો થયો. એની નાસ્તિકતાને લીધે એને યુનિવર્સિટીમાંથી બહાર કાઢવામાં આવેલો. એ જ વર્ષે તેે સોળ વર્ષની હેરિયેટ વેસ્ટબુ્રક સાથે લગ્ન કરીને ભાગી ગયેલો ને એમાં એના બાપ સાથે એને ભળ્યું નહિ.
૧૮૧૪માં, પર્સી મેરીને લંડનમાં બીજી વાર મળ્યો. મેરી સોળ વર્ષની હતી, પર્સી બાવીસ વર્ષનો હતો. પર્સીની પત્ની હેરિયેટ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહી હોવા છતાં, પર્સીએ યુવાન મેરીમાં રસ પડયો અને એને એ 'ચાઈલ્ડ ઓફ લાઈટ એન્ડ લવ' કહેતો !
પર્સી અને મેરીનો ગુપ્ત સંબંધ ખીલ્યો. તેઓ ઘણીવાર મળતા, સેન્ટ પેન્ક્રાસ ચર્ચયાર્ડમાં મેરીની માતાની કબર પાસે વિજ્ઞાન, સાહિત્ય અને તત્વજ્ઞાનની ચર્ચા કરતા, જ્યાં મેરીને તેની માતાનો આછો આત્મા અનુભવાતો ! મેરી ઝડપથી પર્સીના બાળકથી ગર્ભવતી બની.
જ્યારે તેમના સંબંધોની જાણ થઈ, ત્યારે મેરીના પિતા વિલિયમે પર્સીને તેને મળવા પર પ્રતિબંધ મૂક્યો. પર્સી પિસ્તોલ અને ઝેરનો ડોઝ લઈને ઘેર પહોંચ્યો, અને આત્મહત્યાની ધમકી આપી. અઠવાડિયાઓ પછી તેણે લાઉડેનમ (આલ્કોહોલ અને અફીણ) નો ઓવરડોઝ લીધો પણ તે બચી ગયો. જુલાઈ ૧૮૧૪માં મેરી અને પર્સી, ક્લેર સાથે, ફ્રાન્સ ભાગી ગયા, અને પોતાને 'રોમેન્ટિક નવલકથાના પાત્રો જેવા' માનતા હતા. આ ત્રિપુટીએ યુરોપમાં વ્યાપક પ્રવાસ કર્યો, પરંતુ ટૂંક સમયમાં જ તેમની પાસેના ભંડોળ ખૂટી ગયા. આ સમય દરમિયાન શેલીએ, તેના 'ફ્રી લવ'ના સિદ્ધાંતને અનુસરીને મેરી અને ના ગમતું હોવા છતાં, ક્લેર સાથે રોમેન્ટિક સંબંધ વિકસાવ્યો. એક મિત્રએ 'શેલી અને તેની બે પત્નીઓ' તરીકે બેઉ સ્ટેપ સિસ્ટર્સને ઓળખેલી !
ત્રણે જર્મનીમાં હતા ત્યારે, તેમણે આજે પણ ટુરિસ્ટ સ્પોટ એવો નદીકિનારે ઊંચા મિનાર જેવો ફ્રેન્કેન્સ્ટાઇન કિલ્લો જોયો. જે એક સમયે એક વૈજ્ઞાનિકનું ઘર હતું જેણે ગુપ્ત અભ્યાસો કર્યા હતા, 'જીવનના અમૃત' બનાવવાની કોશિશ કરેલી. એને ઈશનિંદા (બ્લાસફેમી), મદદનો અભ્યાસ કરવા કબરો લૂંટવા અને 'શેતાન સાથે સંગત રાખવા' બદલ એ પ્રયોગશાળામાં કેદ કરવામાં આવ્યો હતો.
મેરી, પર્સી અને ક્લેર સપ્ટેમ્બર ૧૮૧૪માં લંડન પાછા ફર્યા. મેરીના પિતાએ તેને તેમના ઘરમાં પાછા આવવાની મંજૂરી આપી ન હતી અને લગભગ અડધા વર્ષ સુધી તેની સાથે વાત પણ કરી ન હતી. પર્સીના પિતા, સર ટિમોથી શેલીએ પણ આ દંપતીનો ત્યાગ કર્યો,
એટલે પ્રબુદ્ધ પ્રેમી પંખીડાને માળો જ ના રહ્યો !
સગર્ભા મેરી અને પર્સી ક્લેર સાથે રહેવા ગયા. પર્સીની ત્યારની સત્તાવાર પત્ની હેરિયટ થકી પુત્રપ્રાપ્તિ થઇ. ૨૨મી ફેબુ્રઆરી ૧૮૧૫ના રોજ, મેરીએ સમયથી વહેલી એક પુત્રીને જન્મ આપ્યો. એ થોડા દિવસોમાં ગુજરી ગઈ. મેરીને બાળકના મૃત્યુના દુ:ખમાં ડિપ્રેશન આવ્યું.
મેરીએ જાન્યુઆરી ૧૮૧૬માં બીજા બાળકને જન્મ આપ્યો, તેનું નામ તેના પિતા વિલિયમ પરથી રાખ્યું. દરમિયાન, ક્લેરે એક અભિનેત્રી બનવા અંગે સલાહ લેવા માટે લફરાં બાબતે જાણીતા અને પ્લેબોય ઈમેજ ધરાવતા કવિ લોર્ડ બાયરનને પત્ર લખવાનું શરૂ કર્યું હતું. તરત એ એના પ્રેમમાં પડી ગઈ. રંગીલા સ્વભાવના બાયરનને ક્લેર માટે થોડો જ સાચો લગાવ હતો, તેને ટૂંક સમયમાં આ સંબંધમાંથી રસ ઉડી ગયેલો.
શેલીથી પાંચેક વર્ષ મોટા ને મેરીથી દસેક વર્ષ મોટા જ્યોર્જ ગોર્ડન બાયરનનો જન્મ ૨૨મી જાન્યુઆરી ૧૭૮૮ના રોજ લંડનમાં થયો હતો. કોમ્પ્લેક્સ નેચરનો, ક્રોધી પણ બુદ્ધિશાળી, રૂપઘેલો સમર્થ સર્જક બાયરન હંમેશા આનંદની શોધમાં રહેતો હતો પણ સમાજ તરફ બેપરવા. ખતરનાક મૂડ સ્વિંગ ધરાવતો બાયરન તુમાખીવાળો હોવા છતાં સ્ત્રીઓ એના માટે આકર્ષિત થઇ જતી. એના કાવ્યસંગ્રહ બહાર પડયા બાદ ૧૮૧૨થી તો એનું સેલિબ્રિટી સ્ટેટ્સ હતું. અનેક ખૂબસુરત પ્રેમિકાઓ એકસાથે હતી એની કોઈ ફેમસ ફિલ્મસ્ટારની જેમ ! ૧૮૧૪માં, બાયરનની સાવકી બહેન ઓગસ્ટાએ પણ તેની પુત્રીને જન્મ આપ્યો. પછીના વર્ષે બાયરને એનાબેલા મિલબેન્ક સાથે લગ્ન કર્યા, જેનાથી પણ તેને એકમાત્ર કાયદેસર સંતાન ગણાયેલી પુત્રી થઇ. પણ એક વર્ષ બાદ ૧૮૧૬માં એનાબેલાથી એ છૂટો થઇ ગયો. વિવાદાસ્પદ લફરાં અને કરજના બોજના લીધે બાયરન એપ્રિલ ૧૮૧૬માં ઇંગ્લેન્ડથી ભાગી ગયો અને ક્યારેય પાછો ફર્યો નહીં.
એ બાયરનના બાળકને ગર્ભમાં ઉછેરતી સાવકી બહેન ક્લેરે મેરી અને પર્સીને સૂચન કર્યું કે તેઓએ સ્વીટઝરલેન્ડના જિનીવામાં બાયરન સાથે રહેવું જોઈએ. પર્સી પણ વધુ મોટી ઉંમરના પરિપક્વ પ્રખ્યાત કવિને મળવા માંગતો હતો.
***
એપ્રિલ ૧૮૧૫માં ઇન્ડોનેશિયામાં થયેલા માઉન્ટ તામ્બોરા જ્વાળામુખીના ભયંકર વિસ્ફોટને કારણે વાતાવરણમાં રાખના ઘટ્ટ વાદળો છવાઈ ગયા. આ વિસ્ફોટને કારણે પછીનું આખું વર્ષ યુરોપમાં એકધારા વરસાદ, કાળા આકાશ અને ઠંડા તાપમાનથી ઘેરાયેલું રહ્યું. આ જ સમયગાળા દરમિયાન, મે ૧૮૧૬માં, મેરી અને પર્સી, તેમના નવજાત પુત્ર વિલિયમ અને પ્રેગ્નન્ટ ક્લેર સાથે, સ્વિટ્ઝર્લન્ડ પહોંચ્યા. તેઓ હોટેલ ડી'એન્ગ્લેટરમાં રોકાયા, જ્યાં પાછળથી લોર્ડ બાયરન અને તેના ડોક્ટર મિત્ર ડૉ. જોન પોલિડોરી પણ જોડાયા. હવામાન તો અંધકારમય, ભેજવાળું અને અસહ્ય જ રહ્યું.
શેલી અને બાયરન એકબીજાનાં ઘનિષ્ઠ દોસ્ત બની ગયા. બાયરન ક્લેર તરફ ને પર્સી મેરી તરફ ઓછું ધ્યાન આપતો એટલી બેઉ મિત્રો ફિલોસોફીની ચર્ચાઓ કર્યા કરતા ! લંડનના પ્રેસમાં, આ જૂથ 'લીગ ઓફ ઇન્સેસ્ટ' જેવા ચકચારી નામથી ઓળખાતું. કોઈ જાતની મર્યાદા વિનાના સંબંધો ધરાવતા ને લગ્ન વિના પણ સાથે રહેતા હોઈને રૂઢિચુસ્ત સમાજમાં જાણીતા છતાં અળખામણા નામો હતા એ ! કાંડની બદનામીના ડરથી હોટેલ ડી'એન્ગ્લેટરે ટૂંક સમયમાં જ તેમના આ રંગીનમિજાજી આશિક યુવકયુવતીઓને બીજે જતા રહેવા કહ્યું.
આ રંગીલાછબીલા લવ ગુ્રપે જિનીવા લેક ક્રોસ કરીને અને કોલોગ્ની ગામમાં વિલા ડાયોડાટી નામનું મોટું મકાન લીધું. ત્યાં, તેઓ ભૂતની વાર્તાઓના પુસ્તકો, ફૅન્ટાસ્મેગોરિયા દ્વારા મનોરંજન કરતા હતા. આ 'ફૅન્ટાસ્મેગોરિયા' સિનેમાનું પૂર્વજ હતું ! મેરીને એના શો એણે વાંચેલી મેરીએ ઘણી અલૌકિક ગોથિક યાને બ્રિટનના પેલા કમાનવાળા ઝરૂખાની ભૂતિયા હવેલીઓની હોરર વાર્તાઓને લીધે બહુ ગમતા. ફૅન્ટાસ્મેગોરિયા ભયાનક દ્રશ્યો જેમ કે રાક્ષસો અને ભૂતોને દીવાલો, ધુમાડા અથવા અર્ધ-પારદર્શક પડદા પર મેજિક લેન્ટર્ન કે પોર્ટેબલ પ્રોજેક્ટરનો ઉપયોગથી પ્રોજેક્ટ કરતુ હતું. નાટક જ અલ્ટીમેટ મનોરંજન હોય એવા એ યુગમાં આ વૈજ્ઞાનિક આવિષ્કાર જાદુઈ ને રહસ્યમય લાગતો હતો !
આ સ્થળે રોકાણ વિશે મેરીએ લખ્યું હતું : 'તે ત્રાસદાયક એવો અંધારિયો વરસાદી ઉનાળો સાબિત થયો, સતત વરસાદને કારણે અમારે દિવસો સુધી ઘરમાં પુરાઈ રહેવું પડતું. કંટાળી જતા એને લીધે' એમાં થઇ ચડસાચડસી. બેઉ પુરુષો પર્સી ને બાયરન કવિ તરીકે નાની વયે જ પ્રખ્યાત સાહિત્યકારો હતા. એમનાથી તો બેઉ પ્રેયસી બહેનો આકર્ષાઈને ભેગી જ ભાગી જ આવેલી. પણ સ્ત્રીઓ તો એમની મ્યુઝ, એમની પ્રતિભાને લીધે ખેંચાઈ આવતી ને સર્જનમાં બળ આપતી તિતલીઓ લાગતી એમને. આજે પણ એવું જ છે.
એટલે ટાઈમપાસ કરવા અંતાક્ષરી રમીએ આપણે, એમ ભેદી વાતાવરણને લીધે બાયરને ચેલેન્જ મૂકી. 'ચાલો, બધા ભૂતપ્રેતની વાર્તા લખીએ. જોઈએ કોણ સારું લખે છે.' શેલીએ બહુ ઓછું લખ્યું, પરંતુ એના પરથી 'પ્રોમિથિયસ અનબાઉન્ડ'ની શરૂઆત કરી. બાયરને એક ટૂંકો 'ખંડ' લખ્યો, જેને ડોક્ટર પોલિડોરીએ પાછળથી ધ વેમ્પાયર: અ ટેલ તરીકે ફરીથી લખ્યો. ૧૮૧૯માં તેના પ્રકાશન પછી વિવેચકોએ નોંધ્યું કે તેના ખલનાયક, લોર્ડ રુથવેનનું ઇમ્પ્રેસિવલી ડેન્જરસ ચિત્રણ બાયરનનું જ નિરૂપણ હતું. ઉસ્તાદ, મોહક, અંહકારી, સૌંદર્યપ્રેમી, ફરેબી, ઘાતક, વિદ્વાન પણ ગુસ્સાવાળો શિકારી. આ પુસ્તકમાં પહેલી વાર વેમ્પાયરની કલ્પના એક ભયંકર પિશાચને બદલે એક સુસંસ્કૃત ઉમરાવ તરીકે થયેલી. આ જ છબીને બ્રામ સ્ટોકરે ૭૦ વર્ષ પછી જ્યારે ડ્રેક્યુલા લખી ત્યારે માંજીને મજબૂત કરી !
પણ ત્યારે માત્ર ૧૮ વર્ષની એવી મેરીને આ બે પુરુષો લેખક તો ગણતા નહિ, છતાં એને પણ એક વાર્તા લખવાનો વિચાર આવ્યો. એ વાર્તા જેણે પાછળથી વિકસીત થઈને જુલે વર્નથી લઈને એચ.જી.વેલ્સ, આઈઝેક એસિમોવથી લઈને આર્થર સી. ક્લાર્ક સુધીના સર્જકો માટે માર્ગ મોકળો કર્યો જે સ્ટીવન સ્પીલબર્ગ કે ક્રિસ્ટોફર નોલાન સુધી વિસ્તરતો ગયો. જેણે સાયન્સ ફિક્શન જોનર ડેવલપ કરીને પશ્ચિમી સાહિત્યની તાસીર ફેરવી નાખી. જે નામ મટી વિશેષણ થઇ ગયું એવું પુસ્તક એમાંથી બન્યું, પણ એની જોડે મેરીની જિંદગીમાં પણ એવું બનતું ગયું કે જાણે વિધાતાએ એના માટે એક્સક્લુઝીવ ડ્રામા લખ્યો હોય...
તો એમાં કેવી રીતે રચાઈ ફ્રેન્કેન્સ્ટાઇન ? મોટા થવાની પ્રક્રિયામાં એવું શું જાણેલું કે જેને લીધે મેરીને એટલી યુવાન વયે આ કથાના વિચારો આવેલા ? શું થયું આટલી નાની ઉંમરે વિશ્વમાં બેજોડ કથાની લેખિકા બન્યા બાદ મેરીનું ? કેમ વશીકરણ થયું એ કથાનું પેઢીઓ સુધી ? શું છે એનો સંદેશ ? ચૂકતા નહિ આ સ્ટોરી ઓફ મેરીનો ઉત્તરાર્ધ, આવતા રવિવારે અહીં સ્પેક્ટ્રોમીટરમાં.
ફાસ્ટ ફોરવર્ડ
'સ્ત્રી પુરુષ પર પ્રભુત્વ જમાવે એવું હું નથી ઈચ્છતી , હું તો ચાહું છું કે સ્ત્રી ખુદ પોતાના (ચંચળ લાગણીશીલતા કે સમાજ પરિવારથી ડરીને દબાઈ જવાની વૃત્તિ કે પ્રેમની પસંદમાં ખોટા માણસમાં બરબાદ થવાની ભૂલ વગેરે ) ઉપર જ પ્રભુત્વ જમાવે. આઈ વિશ વિમેન હેવ પાવર ઓવર ધેમસેલ્વ્ઝ ફર્સ્ટ, ધેન ઓવર મેન.' (મેરી શેલી)

