- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મારા જીવનની અનેક ઘટનાઓ 7 અંક સાથે ગજબનાક સંયોગ ધરાવે છે. એકવાર મેં રેસકોર્સની ઘોડાદોડમાં પૈસા લગાવ્યા ત્યારે પણ સાતનો અંક મારી સાથે ને સાથે હતો...
હં ગેરિયન- બ્રિટિશ વિચારક, તત્ત્વચિંતક, પત્રકાર અને લેખક આર્થર કોસલર (Arthur Koestier) સંયોગ (Coincodence) ને એક સાધારણ યોગાનુયોગ બનેલી ઘટના માનતા નથી તેને તેમણે મનોવિજ્ઞાન/ વિજ્ઞાન અને રહસ્યવાદના દ્રષ્ટિકોણથી જોવાનો સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે 'ધ રૂટસ ઓફ કોઇન્સિડન્સ' (The Roots of Coincidence) નામના પ્રસિદ્ધ પુસ્તકમાં આની વિસ્તૃત છણાવટ કરી છે તે કહે છે Coincidence is the meeting point of the known and the unknown : અર્થાત્ સંયોગ એવી જગ્યા છે જ્યાં જ્ઞાત અને અજ્ઞાત એકમેકમાં મળી જાય છે. તે માનતા હતા કે કેટલાક સંયોગ એવા હોય છે જે સામાન્ય સંભાવના (probablity) થી અનેકગણા વધારે અસંભવ લાગે છે. તે કોઈ પ્રચ્છન્ન (છૂપી) પેટર્ન કે અર્થ તરફ ઇશારો કરે છે.
કોસલર (કોએસ્ટલર/ કોસ્ટલર) માનતા હતા કે મન અને પ્રકૃતિ વચ્ચે કોઈ અદ્રશ્ય સંબંધ છે. તે મહાન મનોવિજ્ઞાની કાર્લ જુંગ (Carl Jung) ના સીન્ક્રોનિસિટી (Synchronicity) એટલે કે અર્થપૂર્ણ સંયોગ, સમક્રમિકતાના સિદ્ધાંતથી પ્રભાવિત હતા. તે માનતા હતા કે કેટલાક સંયોગ એવું સ્પષ્ટ દર્શાવે છે કે ચેતના (Consciousness) બ્રહ્માંડની ઊર્જા અને આપણા માનસિક તરંગો એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છે તે અને બ્રહ્માંડનો છૂપો ક્રમ (Hidden Order in the universe) કહેતા હતા. સમક્રમિકતા (Synchronicity) એ સ્થિતિ છે જ્યાં બે અથવા વધારે ઘટનાઓ પરસ્પર કોઈ ભૌતિક કારણ - પરિણામ સંબંધ ધરાવતી નથી, તેમ છતાં તે અર્થપૂર્ણ રીતે એક સાથે બને છે અને તેમને સંયોગ કહીને નજર અંદાજ કરવી મુશ્કેલ બને છે તે એમ જણાવે છે કે સંયોગ આપમેળે સર્જાતા પણ એ બનવા પાછળ ઇશ્વર, પ્રકૃતિ કે અજ્ઞાત સત્તાની ગોઠવણી હોય છે.
આયર્લેન્ડના ડબ્લીનમાં રહેનાર એન્ટની ક્લેન્સીના જીવનમાં ૭નો અંક અસાધારણ રીતે મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. જીવનના દરેક તબક્કે તે કામ કરતો હતો. તેણે તેના પોતાના વિશે આ આગવી વિશેષતાની વાત કરતાં લખ્યું હતું - અઠવાડિયાના સાતમા દિવસે, મહિનાની સાતમી તીરીખે, વર્ષના સાતમા મહિને અને સદીના સાતમા વર્ષે મારો જન્મ થયો હતો. હું મારા માતાપિતાનો સાતમો પુત્ર છું મારા પિતા પણ મારા દાદાના સાતમા પુત્ર હતા. મારા જીવનની અનેક ઘટનાઓ ૭ અંક સાથે ગજબનાક સંયોગ ધરાવે છે. એકવાર મેં રેસકોર્સની ઘોડાદોડમાં પૈસા લગાવ્યા ત્યારે પણ સાતનો અંક મારી સાથે ને સાથે હતો. મારો ઘોડો રેસમાં સાતમા નંબરે આવ્યો હતો. મેં ઘોડા પર જે રકમ લગાવી હતી તે સાત શિલિંગ હતા. ઘોડો સાત નંબરનો હતો અને તેનું નામ પણ હતું - 'સેવન્થ બહિશ્ન' મારા જીવનમાં સાત અંક મારા પડછાયાની જેમ મારી જોડે રહ્યો છે.' શું આને કેવળ સંયોગ કહેવાય ?
જગત અને જીવન અત્યંત રહસ્યમય છે. કેટલીક ઘટનાઓ એવી વિચિત્ર હોય છે જેનો બૌદ્ધિક ખુલાસો આપવો અઘરો મુશ્કેલ બને છે. કેટલીકવાર સાવ અજાણ્યા લોકોના જીવનમાં પણ એવી સમાનતા જોવા મળતી હોય છે જેને કેવળ સંયોગ માની ન શકાય અને કુદરતની અકળ લીલા માનવી પડે. તે કોઈ અજ્ઞાત સત્તાએ ગોઠવેલી વ્યવસ્થાથી જ બન્યું હોય એમ સ્વીકારવું પડે.
ઓગણીસમી સદીના ઇટાલીના રાજા ઉમ્બર્ટો - પ્રથમ અને ઇટાલીના એક હોટલ માલિક વચ્ચે જોવા મળેલી સમાનતા પણ વિસ્મય ઉપજાવે એવી હતી- બન્નેના શારીરિક કદ, રંગ, ચહેરા અને વર્તણૂંક એક સમાન તો હતા જ, પણ જીવનની બીજી ઘણી બધી બાબતોમાં પણ ગજબનાક સામ્ય હતું. બન્ને નામ પણ ઉમ્બર્ટો હતા. હોટલ માલિક ઉમ્બર્ટો ને રાજાનું હૂબહૂ પ્રતિરૂપ માનવામાં આવતો હતો. જો બન્નેને એક સરખા વસ્ત્રો પહેરાવીને ઉભા રાખવામાં આવે તો બીજા તો શું એમની પત્નીઓ પણ ઓળખી ના શકે એ બેમાંથી એમનો પતિ કોણ છે ?
સમ્રાટ ઉમ્બર્ટો- પ્રથમનો જન્મ ૧૪ માર્ચ, ૧૮૪૪ના રોજ સવારે ૧૦.૩૦ વાગે થયો હતો. હોટેલ માલિક ઉમ્બર્ટોનો જન્મ પણ એ જ દિવસે અને બરાબર એ જ સમયે થયો હતો. સમ્રાટનો જન્મ ટૂરિનના રાજમહેલમાં થયો હતો તો હોટલ માલિકનો જન્મ એક ઝૂંપડામાં થયો હતો. ૨ એપ્રિલ ૧૮૬૬ના રોજ સમ્રાટ ઉમ્બર્ટો- પ્રથમના લગ્ન થયા હતા. એમની પત્નીનું નામ માર્ગારિટા હતું હોટેલ માલિક ઉમ્બર્ટોના લગ્ન પણ એ જ દિવસે થયા હતા અને એની પત્નીનું નામ પણ એ જ માર્ગારિટા હતું.
એક જ દિવસે યુવરાજ ઉમ્બર્ટો સિંહાસન પર બેઠા અને પેલા ઉમ્બર્ટોએ હોટલની શરૂઆત કરી હતી. ૨૮ જુલાઈ ૧૯૦૦ના રોજ કોઈએ હોટેલ માલિક ઉમ્બર્ટોની ગોળી મારીને હત્યા કરી નાખી. એ જ દિવસે બરાબર એ જ સમયે ઇનામ વિતરણ સમારંભમાં સમ્રાટ ઉમ્બર્ટોની - પ્રથમ કોઈએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આમ જન્મ, લગ્ન, પદગ્રહણ અને મરણ જેવી મહત્ત્વની બાબતોમાં પણ દેખાવ, સ્વભાવ, વર્તણૂંક તેમની વચ્ચે પૂર્ણ સમાનતા હતી. આ બધી ગજબનાક સામ્યતાનો માત્ર સંયોગથી ઉદ્ભવેલ માની શકાય ?
ડૉ. રીસનેરેન અને આર્મસ્ટ્રોન્ગ નામની બે વ્યક્તિઓમાં પણ જીવનની ઘણી બધી સમાનતા જોવા મળી હતી. જ્યારે તે બન્નેની મુલાકાત પ્રથમવાર થઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કેમ કે બન્નેનો દેખાવ એકસરખો જ હતો. ઘણીવાર એક સરખા ચહેરાવાળા લોકો તો મળી જ આવે છે, પણ આ બન્ને વચ્ચે ઘણી બધી સમાનતા હતી. જ્યારે તેમણે જાણ્યું કે તેમની જન્મ તારીખ અને જન્મ સમય પણ એક સરખો જ છે તો તે બન્ને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. બન્નેના જીવનની પણ અનેક ઘટનાઓ પણ એક જ દિવસે બની હતી. બન્નેનું મરણ પણ એક જ દિવસ અને પાછું એક જ સમયે જુદી જુદી જગ્યાએ પણ એક જ રીતે કાર એક્સિડન્ટથી થયું હતું. આટલી બધી અદ્ભુત સમાનતાઓ કેવળ સંયોગથી બને જ નહીં.


