Get The App

શું ચડે - ઇમેજ કે એક્ટિંગ? .

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
શું ચડે - ઇમેજ કે એક્ટિંગ?                               . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- કમલ હાસન અને રજનીકાંતે હીરો તરીકે એક સાથે, એક જ ફિલ્મથી શરુઆત કરી હતી. રજનીકાંતે સિગરેટ ઉછાળવાનો અને ગોગલ્સ ઘુમવવાનો સ્ટાઈલિશ રસ્તો પસંદ કર્યો, જ્યારે કમલ હાસન અર્થપૂર્ણ ફિલ્મો તરફ વળ્યા. દરેક સફળતમ અદાકાર સામે આ યક્ષપ્રશ્ન ઊભો થઈ જતો હોય છે- ઈમેજમાં કેદ થઈને રહેવું છે? કે બીબાંઢાળ બન્યા વગર ખુદને ચેલેન્જ આપતા રહેવું છે?

સા ઉથ ઈન્ડિયન સુપરસ્ટાર્સની વાત આવે એટલે સામાન્યપણે આપણને 'નોર્થ ઇન્ડિયન્સ'ને આ બે નામ સૌથી પહેલાં યાદ આવે - કમલ હાસન અને રજનીકાંત. ૧૨ ડિસેમ્બરે રજનીકાંત ૭૫ વર્ષ પૂરાં કરીને ૭૬માવર્ષમાં પ્રવેશ કરશે. કમલ હસન એમના કરતાં ચાર વર્ષ નાના. રજનીકાંતે આ વર્ષે 'કૂલી' નામની ફિલ્મ કરી. કેટલી ઈન્ટરેસ્ટિંગ વાત છે કે આ બન્ને જણાએ હીરો તરીકેની શરુઆત એક સાથે, એક જ ફિલ્મથી કરી હતી. તે હતી ૧૯૭૫માં રિલીઝ થયેલી કે. બાલાચંદરની 'અપૂર્વ રાગંગલ'. કમલ હાસન આમ તો ચાર વર્ષની ઉંમરથી બાળકલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં સક્રિય હતા, પણ આ ફિલ્મ થકી તેઓ રીતસર હીરો બન્યા. રજનીકાંતની કરીઅરની આ સર્વપ્રથમ ફિલ્મ. 'અપૂર્વ રાગંગલ' પરથી 'એક નઈ પહેલી' નામની હિન્દી રિમેક પણ બની હતી, જેમાં કમલ હસન અને હેમા માલિની મુખ્ય કલાકારો હતાં. અટપટા સંબંધોની વાત કરતી આ ફિલ્મે અવોર્ડઝ અને બોક્સઓફિસના આંકડા બન્ને જીત્યા. એ વખતે કોઈએ કલ્પના કરી હશે ખરી કે કમલ અને રજની બન્ને આગળ જતા મોટા લેજન્ડ બની જવાના છે!

'મારી અને રજનીની કરીઅર સમાંતરે છતાંય બહુ જ જુદી રીતે આગળ વધતી રહી,' કમલ હાસન એક મુલાકાતમાં કહે છે, 'આ કંઈ આકસ્મિક નહોતું. અમે સભાનતાપૂર્વક પોતપોતાના રસ્તા પસંદ કર્યા હતા. હું અને રજની હજુ નવા નવા હતા ત્યારે ઘણી વાર ગપ્પાં મારતાં મારતાં ભવિષ્યનાં સપનાં જોતા. રજનીની પોતાની સ્ટાઈલ હતી - સિગરેટ ઊછાળવી, ચશ્માં ઘુમાવવા ને એવું બધું. ઓડિયન્સને એ બધું ગમતું. હું એને પૂછતો કે રજની, તું ભવિષ્યમાંય આ જ બધું કરતો રહેવાનો છે? એ કહેતો, હા. હું કહેતો કે મારે તો આગળ જતાં સિરિયસ ફિલ્મો કરવી છે. રજની કહેતો, ફાઈન, તને સિરિયસ ફિલ્મો વધારે સુટ થાય છે તો તું એ કર, મને  સ્ટાઈલિશ ફિલ્મો વધારે સુટ થાય છે એટલે હું એ કરીશ.'

કમલ હાસન અને રજનીકાંત વચ્ચે સતત તીવ્ર સ્પર્ધા રહી. બન્ને સમકાલીન હતા અને બન્નેના ગુરુ એક જ હતા - કે. બાલાચંદર. કમલ અને રજનીએ કુલ ૧૫ ફિલ્મો સાથે કરી છે, જેમાંથી આઠ કે. બાલાચંદરે ડિરેક્ટ કરી છે. ભુલેચુકેય બન્નેમાંથી કોઈમાં એકમેકને પછાડવાનો એટિટયુડ સહેજ અમથો દેખાતો તો કે. બાલાચંદર એમને ધધડાવી નાખતા.

કમલ હાસને 'એક દુજે કે લિએ'થી હિન્દી સિનેમામાં જોરદાર એન્ટ્રી તો મારી, પણ ક્યારેય મેઈનસ્ટ્રીમ હિન્દી હીરો તરીકે જમાવટ ન કરી શક્યા. આ વાતનો અફસોસ એમના આપણા જેવા ચાહકોને સતત રહ્યો છે. કદાચ તેઓ ક્યારેય મુંબઈમાં બોરિયા-બિસ્તર લઈને સેટલ ન થયા એ એક મહત્ત્વનું કારણ હતું. 'એક દુજે કે લિયે' ૧૯૮૧માં રિલીઝ થઈ હતી. એ જ વર્ષે અમિતાભની 'લાવારિસ' આવી હતી. પછી 'શક્તિ' અને 'કૂલી' આવી. ત્યાર બાદ અમિતાભ પોલિટિક્સમાં ગયા ને લાંબો વિરામ લીધો. 'એક દુજે કે લિયે'ના સુપર સક્સેસ પછીય કમલ હાસન સાઉથ ઈન્ડિયન ફિલ્મો સતત કરતા રહ્યા. કેવળ હિન્દી ફિલ્મો પર તેમણે ક્યારેય સંપૂર્ણપણે ફોકસ ન કર્યું. ખેર. બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને કમલ હસન બન્ને મહત્ત્વનાં પાવર સેન્ટર હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત એ કલ્પનાનો વિષય છે. કમલ હસનને જુદી જુદી ટેક્નિક્સનો ઉપયોગ કરીને  જાતજાતના વેશ કાઢવાની આદત છે. ક્યારેક એ ઠીંગુજી બનશે, ક્યારેક સ્ત્રી તો ક્યારેક બીજું કંઈ. 'દશાવતાર'માં એમણે દસ રોલ કર્યા હતા. એમ તો અમિતાભે 'પા'માં પોતાના લૂક સાથે સરસ પ્રયોગ કર્યો હતો.

કમલ હસને તે વખતે કહેલું, 'હા, કદાચ મારી અને અમિતજી વચ્ચે એવી તુલના કરી શકાય ખરી. હું બડાશ નથી હાંકતો, પણ અમિતાભે 'પા'માં જે કર્યું એવું હું વર્ષોથી કરતો આવ્યો છું. અમિતજીએ કરીઅરની પહેલી ઈનિંગ્સ દરમિયાન પોતાની ખ્યાતિ અને ઈમેજની કેદમાં બંધાઈ રહેવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું. 

તેઓ ધારત તો આસાનીથી બીજો રસ્તો પકડી શક્યા હોત. પણ એમણે એવું ન કર્યું.'

કદાચ સફળતમ અદાકારો સામે આ યક્ષપ્રશ્ન હંમેશા આવીને ઊભો રહી જતો હોય છે. દાયકાઓ પહેલાં દિલીપ કુમારે એક વાર મિત્ર રાજ કપૂરને સવાલ કર્યો હતો કે તું શા માટે તારી બધી ફિલ્મોમાં ભલાભોળા આમઆદમી રાજુનો એકનો એક રોલ રીપીટ કર્યા કરે છે? કંઈક નવું કેમ નથી કરતો?

આ સવાલનો જવાબ કદાચ સ્ટાર અને એક્ટર વચ્ચેની ભેદરેખા દોરી નાખે છે. અલબત્ત, આ બન્ને કંઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે કે એકમેકથી સાવ વેગળી કેટેગરી નથી. કમલ હસન, અમિતાભ બચ્ચન ઇત્યાદિ સ્ટાર-એક્ટર્સ છે. તેઓ જેટલા જબરદસ્ત અભિનેતા એટલી જ જબરદસ્ત સ્ટાર વેલ્યુ પણ ધરાવે છે. રજનીકાંત પોતાની સ્ટાઇલાઇઝ્ડ ઇમેજને વફાદાર રહ્યા. એ ઇમેજ, જેની પાછળ ચાહકોની એકાધિક પેઢીઓ પાગલ છે. રજનીકાંત કહે છે, 'એક્ટિંગ એ કંઈ 'જોબ' નથી. આ તો જીંદગીભરનું પેશન છે. પાંચ-પાંચ દાયકાથી કામ કરું છું, તોય હું થાક્યો નથી. મને તો એવું જ લાગે છે કે મારી કરીઅરને દસ-પંદર વર્ષ માંડ થયા છે.'    

પોતાનામાં રહેલા અભિનેતાને પોષણ આપવું કે સ્ટારડમની ઝળહળતી આભા તીવ્ર બનાવતા જવું - આ પસંદગી બધી પેઢીઓના સફળ કલાકારોએ કરવી પડે છે. શાહરૂખ-સલમાન-આમિરની ત્રિપુટીમાંથી આમિર ખાન બીબાંઢાળ બની જવાને બદલે સભાનતાપૂર્વક, જોખમ ઉઠાવીને અલગ અલગ શૈલીની ફિલ્મો કરી ખુદની ક્ષિતિજો વિસ્તારતા રહેવાનો પ્રયત્નો કરતો રહ્યો. આમિર એક સમયે એક જ ફિલ્મ કરવાનું કમલ હાસન પાસેથી શીખ્યો છે.

શાહરુખે એક વખત કમલ હસન વિશે સરસ વાત કરેલી, 'હું સુપરસ્ટાર ગણાઉં એટલે ચાહકો મારી સાથે હાલ મિલાવવા કે મને ભેટવા ઈચ્છતા હોય છે. આવી ચેષ્ટા હું પોતે કોઈના માટે ન કરું. ફક્ત એક અપવાદ છે - કમલ હાસન. હું એમને પહેલી વાર મળ્યો હતો ત્યારે પૂછયું હતું કે સર, કેન આઈ ટચ યુ? કમલ હાસન જે રીતે પડદા પર સ્પેસનો ઉપયોગ કરે છે એ કમાલનું છે. વૃદ્ધ માણસ બન્યા હોય તો એમની ઊભા રહેવાની રીત જ એવી હોય કે ઓડિયન્સ વગર કહ્યે કિરદારની ઉંમર પામી જાય. એમના એક્સપ્રેશન્સ અને મુદ્રાઓ એટલાં અદભુત હોય કે મેકઅપ ન કરે તો પણ એ વૃદ્ધ માણસ જ દેખાય.  એ તમારી સામે માત્ર એક નજર ફેંકીને રડાવી શકે છે. કમલ હાસન ખુદનું પ્રતિબિંબ ડસ્ટિન હોફમેનમાં જુએ છે (જેમણે 'રેઈનમેન', 'ટૂટસી', 'ક્રેમર વર્સસ ક્રેમર' જેવી ફિલ્મો કરી છે), પણ મારી દ્રષ્ટિએ તો કમલસર હોફમેન અને રોબર્ટ દ નીરોના સરવાળા કરતાંય ઊંચા છે. કમલસર, બચ્ચનજી, નસીરુદ્દીન શાહ... ધે આર ગોડ્સ ઓફ એક્ટિંગ. કમલસર બરાબર જાણે છે કે ઓડિયન્સને શું જોઈએ છે. એમના જેવા બ્રિલિયન્ટ ટેક્નિશીયન્સ બહુ ઓછા છે ઈન્ડસ્ટ્રીમાં.'

કમલ હાસન હવે પછી 'ઇન્ડિયન-૩'માં દેખાશે. રજનીકાંતની આવતા વર્ષે 'જેલર-ટુ' અને ૨૦૨૭માં 'થલાઈવર ૧૭૩' નામની ફિલ્મ આવશે. ૭૫ વર્ષની વયે પણ ધીમા પડવાનું નામ ન લેતા આવાં ધરખમ વ્યક્તિત્વોનો એક બર્થડે જ નહીં, વર્ષના તમામ ડે હેપી-એન્ડ-હેપનિંગ હોવાના.

શો સ્ટોપર

ઇન્ટેલિજન્ટ લોકો સાથે કામ કરવું આસાન છે, પણ જિનીયસ માણસ સાથે કામ કરતી વખતે બહુ સતર્ક રહેવું પડે.

- રજનીકાંત