- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'પપ્પા, તમારા જેવા કન્ટ્રીમેનનું અહીં કામ નથી. તમારું ઇન્ડિયન કન્ટ્રીટાઈપ માઈન્ડ અહીં અમેરિકામાં નહીં ચાલે. ભારતીય પ્રેમ તમને મુબારક. અહીં આવવાની કોશિશ ના કરશો.'
'શિ યાળાના દિવસ ! સૂર્યાસ્ત હવે હાથવેંતમા. સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ ! છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક. સૂરજ એકનો એક. અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે છે. સૂર્યનો અસ્તકાળ શું વેદનાની પરિભાષા ઘૂંટતો હશે !' વેદાંતકુમાર બાંકડા પર બેઠા બેઠા વિચારી રહ્યા હતા...
ત્યાં નાનકડા મોન્ટુએ બૂમ મારી : 'વેદાંતદાદા, લો આ તમે મંગાવેલી બ્રેડ. બેકરીવાળાએ કહ્યું કે આજે એક માણસ બધી વાસી બ્રેડ એકસામટી ખરીદીને લઈ ગયો એટલે વાસીને બદલે તાજી બ્રેડ લાવ્યો છું.'
'અરે બેટા, મેં તને વાસી બ્રેડ જેટલા જ પૈસા આપ્યા હતા... તું તાજી બ્રેડના પૈસા ક્યાંથી લાવ્યો ?' વેદાંતકુમારે પૂછ્યું.
'દાદા, મારી મમ્મીએ નાસ્તા માટે મને પૈસા આપ્યા હતા એટલે તેનો ઉપયોગ મેં તમારા માટે કર્યો. હું એક દિવસ નાસ્તો નહીં કરું તો કંઈ પાતળો નહીં થઈ જાઉં. અને દાદા હું પણ તમારી સાથે થોડી બ્રેડ ખાઈ લઈશ.' કહીને મોન્ટુ વેદાંતકુમારની કોટે વળગી પડયો.
મોન્ટુની વાત અધવચ્ચે કાપી નાખતાં વેદાંતકુમારે કહ્યું : 'અરે દીકરા, મારા જીવવાના દહાડા તો પૂરા થઈ ગયા છે. હરખભેર જીવાડનારા ન હોય એવા જીવતરમાં માણસને રસ પણ ક્યાંથી પડે ? પણ તું મને મળવા રોજ આવતો રહેજે... તને જોઉં છું... અને...' વેદાંતકુમાર આગળ ન બોલી શક્યા.
મોન્ટુએ ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢી વેદાંતકુમારનાં આંસુ લૂછતાં કહ્યું : 'દાદા, તમે એકલા છો ? દાદીમા ક્યાં ગયા છે ? અને મારા જેવો કોઈ પૌત્ર તો હશે જ ને ?'
વેદાંતકુમાર કશું જ બોલ્યા વગર મોન્ટુનો વાંસો પંપાળતા રહ્યા. વેદાંતકુમારને થોડાક સ્વસ્થ થયેલા જોઈ મોન્ટુએ કહ્યું : 'દાદા, ગુડનાઈટ. હું ઘેર જાઉં ?... મમ્મી રાહ જોતી હશે. કામકાજ હોય તો કહેજો. હું સામેના મકાનમાં જ રહું છું.'
અને બાય બાય કહી વિદાય લેતા મોન્ટુને વેદાંતકુમાર સતૃષ્ણ નજરે નિહાળી રહ્યા. સૂર્યાસ્ત થતાં પક્ષીઓ ગગનગોખેથી પાછા વળી પોતપોતાના માળામાં પાછા ફરી ચૂક્યાં હતાં.
વેદાંતકુમારની સ્મરણયાત્રા શરૂ થઈ.
'વેદુ ઓ વેદુ...'
'હા મા, શું કામ હતું ? હું લેસન કરતો હતો એટલે તારો અવાજ મને ના સંભળાયો.'
વેદાંતકુમારની સમક્ષ હાજર થયો કૌશલ્યા મા નો વાત્સલ્ય નિતરતો ચહેરો... પપ્પાજીનું મોં જોવાનો તો બાળ વેદુને મોકો જ મળ્યો નહોતો. કૌશલ્યા મા જ એને મન પિતા-કાકા-મામા-ફોઈ બધું જ હતી.
કૌશલ્યા મા કહેતી : 'બેટા, તું કેવું નસીબ લઈને જન્મ્યો છે કે નજીકનું સગું-વહાલું તારી દરકાર રાખે તેવું કોઈ હયાત નથી. ન કરે નારાયણ ને મને કશું...'
'મારા સમ છે મા, તું આગળ કશું બોલે તો. હું ભણી ગણીને સારી નોકરી મેળવી તને એટલું બધું સુખ આપીશ કે... લોકો જોતા જ રહી જશે.' વેદુ કહેતો.
દિવસો વહી ગયા. હવે વેદુ શાળામાં વેદાંતના નામે ઓળખાતો થઈ ગયો. વર્ગમાં શિક્ષકો ભણાવે ત્યારે એકાગ્ર થઈ બધું સાંભળતો. શાળા છૂટયા પછી પણ રોકાઈને શાળાના બાંકડે બેસીને લેસન કરતો. લાઈબ્રેરી બંધ થવાના એકાદ કલાક અગાઉ તે ગ્રંથાલયમાં પહોંચી જતો અને વ્યક્તિત્વ ઘડતરનાં પુસ્તકો વાંચતો.
પોતાની આર્થિક સ્થિતિનો અંદાજ હતો એટલે વેદાંતે આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવી બપોરના સમયે નોકરી શરૂ કરી... કૌશલ્યામા ને કળ વળી. દીકરાએ ઘરની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી.
'તારા જેવા શાણા પુત્રની મા બનીને હું જન્મારો તરી ગઈ છું બેટા. મને તો ધરતી પર જ મોક્ષ મળી ગયો છે. તું તો મારો શ્રવણકુમાર છે.' કૌશલ્યામા કહેતા... પણ માના નસીબમાં ઠરવાનું લખાયેલું નહોતું. બીજે દિવસે વેદાંતનો જન્મદિવસ હતો. વહેલી સવારે ઊઠીને દેવપૂજા કરી વેદાંત માટે ઢગલાબંધ દુવા માગવા કૌશલ્યામા મંદિરે પહોંચી ગયા હતા. પૂજા કરાવી પ્રસાદ અને દેવને અર્પિત ફૂલ લઈને તેઓ પગથિયાં ઊતરી રહ્યા હતા ત્યાં જ ચક્કર આવ્યા અને કૌશલ્યામા ભોંય પર પટકાયા.
..... માથામાં ગંભીર ઇજા થઈ હતી.
વેદાંતને ખબર આપવામાં આવી. એમ્બ્યુલન્સ દ્વારા મને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. મા ભાનમાં આવી પણ એના એક હાથ-પગે લકવાની અસર થઈ ગઈ હતી. વેદાંત પર આભ તૂટી પડયું. એણે માની સારવારની ઉત્તમ વ્યવસ્થા ગોઠવી દીધી પણ લકવાની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડયો.
ગ્રેજ્યુએટ થયા પછી માંના આગ્રહને કારણે વેદાંતે સાદી વિધિથી લગ્ન કરી લીધાં. મા ની સારવારમાં ખાસ્સો ખર્ચ થવાને કારણે વેદાંતે પોતાના ઉમળકા પર કાપ મૂકી દીધો હતો... અને વેદાંતમાંથી વેદાંતકુમાર બની ગયો.
શ્રીમતી વેદાંતકુમાર બન્યા પછી તૃષ્ણાએ દામ્પત્ય તો શરૂ કર્યું પણ જાતજાતના અભાવ વચ્ચે ઉછરેલી તૃષ્ણાના મનમાં જિંદગી જીવવાના કોડ હતા. પોતાનાં સાસુની સેવા પ્રત્યે એને નફરત નહોતી. પણ પોતાની જાત અને સુખો પણ એટલા જ વહાલાં હતા. એને સુંદર વસ્ત્રો પહેરીને નાટક સિનેમા જોવા જવું, મોટા રેસ્ટોરન્ટમાં ડીનર કે લંચ લેવું, ફરવા જવું, મોજ મસ્તીમાં રહેવું... વગેરે જેવા સ્વપ્નો મનમાં પાળી રાખ્યા હતા. લગ્ન પછી આ બધું સુખ પતિના ઘરમાં મળી રહેશે એ આશાથી એણે વેદાંત જોડે લગ્ન કર્યા હતા.
પણ વેદાંતે માના કહેવાથી લગ્ન કર્યા હતા. માએ કહ્યું હતું : 'બેટા, હું તો છું સૂકું પાન. ક્યારે ખરી પડીશ તેનો શો ભરોસો ? તને ભરોસાપાત્ર જીવનસંગિનીના હાથમાં સોંપીને હું આંખો બંધ કરું, તો શાંતિથી મરી શકીશ. તારો ડર હું સમજી શકું છું. તારા મનમાં ભય છે કે તારી પત્ની મને સુખ નહીં આપે, મારી સેવા નહીં કરે તો ? પણ દીકરા ઘડપણ એ કશું લેવાની નહીં, પણ આપવાની વસ્તુ છે. અને તમને સુખી જોવાં એ પણ મારા માટે એક લહાવો છે. મારી સખી વૃંદાની દીકરી તૃષ્ણા એક મધ્યમવર્ગની દીકરી છે એટલે તારું ઘર સારી રીતે ચલાવશે અને મારી સેવા પણ કરશે.'
કૌશલ્યામા ના આ શબ્દો પર તો વેદાંતે તૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા. તૃષ્ણાએ સાસરે આવીને જોયું કે વેદાંતના મન પર કૌશલ્યામા સંપૂર્ણપણે છવાયેલા છે. ઊંઘતા મા, જાગતાં મા, હરતાં-ફરતાં મા ની જ વાત, જ્યારે પણ વેદાંત નવરો પડે, એક જ ધમકી 'તૃષ્ણા, જે દિવસે માને તું નારાજ કરીશ, તે દિવસે તારો પગ આ ઘરમાં નહીં હોય.'
તૃષ્ણાને ધીરે ધીરે લાગવા માંડ્યું કે કૌશલ્યામા જ પોતાના સુખના માર્ગમાં કાંટો છે. વેદાંતની હાજરીમાં મા પ્રત્યે અત્યંત લાગણી દેખાડતી તૃષ્ણા, વેદાંત ઓફિસે જાય, એટલે માના માથે ત્રાસની પરંપરા શરૂ કરી દેતી. છતાં કૌશલ્યા મા અસંતોષ કે ફરિયાદનો અણસાર વેદાંતને આવવા દેતા નહી.વેદાંતની હાજરીમાં તૃષ્ણા સાસુની સેવાનો ડોળ કરતી અને વેદાંત ઓફિસ જાય કે તરત જ નોકરાણીને સાસુમાની સેવાનો ચાર્જ સોંપીને ખરીદી માટે, સહેલીઓ સાથે પિક્ચર જોવા કે કીટી
પાર્ટીમાં મોજમજા માટે નીકળી પડતી. ઘરખર્ચ અને અન્ય જવાબદારીઓને પહોંચી વળવા વેદાંત 'ઓવરટાઈમ' કામ કરતો... અને તેના ઘેર આવતા અગાઉ તૃષ્ણા ઘરે હાજર થઈ જતી.
કૌશલ્યા મા એ લકવાગ્રસ્ત સ્થિતિમાં પાંચ વર્ષ ખેંચી કાઢ્યા, પછી ચિરવિદાય લીધી. એ દરમિયાન માતા બનેલી તૃષ્ણાનો પુત્ર અધિકાર ચાર વર્ષનો થઈ ચૂક્યો હતો. તૃષ્ણાનો ભાઈ ગર્વ યુએસમાં રહી બિઝનેસ કરતો હતો. એટલે તૃષ્ણાએ અધિકાર સાથે યુએસમાં રહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું.
ખર્ચને પહોંચી વળવા માટે પોતાના એક મિત્ર સાથે એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં ભાગીદાર બનવાની ઓફર વેદાંતને મળી. ત્યારે તૃષ્ણાએ વેદાંતને ભાગીદાર બનાવા માટે બહુ દબાણ કર્યું. અને અનિચ્છાએ પણ વેદાંતે મકાન ગીરો મૂકીને, પીએફની લોન લઈને પોતાની સમગ્ર મૂડી ઇમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસમાં લગાવી દીધી.
બે-ત્રણ વર્ષ વેદાંતના મિત્ર એ નફો દેખાડયો એટલે વેદાંતના આનંદનો પાર નહોતો. તૃષ્ણાએ ઉપાડ પેડે આડેધડ પૈસા લઈને જલસા કરવા માંડયા. અને તેના પોતાના પ્લાન મુજબ પૈસા ભેગા થયા એટલે અધિકારને લઈને તૃષ્ણા યુએસ પોતાના ભાઈને ત્યાં પરદેશમાં ચાલી ગઈ. પેઢીમાં ભાગીદાર છતાં વેદાંતે નોકરી ચાલુ જ રાખી. મોટી મૂડી એકઠી કરીને વેદાંત પણ યુએસ જઈને તૃષ્ણા તથા અધિકાર સાથે નિરાંતે જીવવા ઇચ્છતો હતો.
વર્ષો વહેવા માંડયા...
વેદાંત વિશ્વાસે વહાણ ચલાવવામાં માનનારો સાદો-સીધો માણસ હતો. ધંધાની આંટી-ઘૂંટીઓ એની સમજ બહારની વસ્તુ હતી. વેદાંતનું ભોળપણ તેના મિત્ર માટે વરદાન સાબિત થયું. અને ધીરે ધીરે ધંધાની આવક પોતાનાં ખાતાઓમા ંટ્રાન્સફર કરવા માંડી અને અંતે કંપનીને દેવામાં ડૂબેલી જાહેર કરી. ગીરો મૂકેલા મકાન પરની લોનના હપ્તા અને અંગત સંબંધથી વ્યાજે લીધેલી રકમનું વ્યાજ પણ વેદાંત આપી ન શક્યો અને તેનો મિત્ર હાથતાળી આપી અદ્રશ્ય થઈ ગયો.
બેંકે વેદાંતના મકાનનો કબજો લઈ લીધો એટલે રહેવાનો પ્રશ્ન મુશ્કેલ બની ગયો. વેદાંતે પોતાની બદલાયેલી પરિસ્થિતિ વિષે પોતાના સાળા ગર્વ અને પત્ની તૃષ્ણાને વાત કરી. પણ 'હમણાં ધંધો નબળો ચાલતો હોઈ ભાઈનો હાથ ભીડમાં છે.' નું બહાનું કાઢી તૃષ્ણાએ હાથ અધ્ધર કરી દીધા.
તૃષ્ણાએ ફોનમાં કહ્યું કે 'હમણાં ઉછીના-પાછીના કરીને કામ પતાવો. સગવડ થયે હું પૈસા મોકલીશ.' વેદાંત પડી ભાંગ્યો. દેવાદાર બનવાને કારણે એને નોકરીમાંથી પણ પાણીચું પરખાવી દેવામાં આવ્યું હતું.
યુએસમાં તૃષ્ણા ભાઈના ઘરે જલસા કરતી હતી અને તેનો પુત્ર અધિકાર પણ પૂરો વિદેશી બની ગયો હતો. અને તેને પોતાના પપ્પાની જરાપણ પડી નહોતી.
ધીરે ધીરે તૃષ્ણાએ વેદાંત સાથેનો સંપર્ક ઘટાડી નાખ્યો હતો. વેદાંત ફોન કરતો તો તૃષ્ણા અપમાનજનક શબ્દોમાં તેની સાથે વાત કરતી હતી. અને વેદાંત જેવા સંકુચિત મનોવૃત્તિવાળા અને વૈતરું કરવામાં જીવનની સાર્થકતા શોધનાર સર્વ રીતે લૂઝર માણસ જોડે લગ્ન કરીને પોતે પસ્તાઈ છે. એવું ધરાર કહેવામાં તૃષ્ણા પાછી પાની કરતી નહોતી.
પુત્ર અધિકાર પણ ફોનમાં કહેતો હતો : 'પપ્પા, તમારા જેવા કન્ટ્રીમેનનું અહીં યુએસમાં કામ નહીં. તમારું ઇન્ડિયન કન્ટ્રીટાઈપ માઈન્ડ અહીં નહીં ચાલે. ભારતપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ તમને મુબારક. અહીં આવવાની કોશિશ પણ ના કરશો.'
વેદાંત સાથે નોકરી કરી ચૂકેલા એક મિત્રને વેદાંતની દયા આવી અને એક રૂમ-રસોડાનું નાનકડું મકાન એને વગર ભાડે રહેવા આપ્યું. બે-ત્રણ વર્ષમાં પેટગુજારા માટેની રકમ પણ ખર્ચાઈ ગઈ હતી. મિત્રની પૂત્રવધૂ વેદાંતને એક સમય જમાડતી હતી. અને સાંજે બ્રેડના ટુકડા પાણી સાથે ગળે ઉતારી વેદાંત વાર્ધક્યના કપરા દિવસો વિતાવતો હતો. પૈસા બચાવવા એ તાજી બ્રેડને બદલે વાસી બ્રેડ ખરીદીને કામ ચલાવતો હતો.
મોન્ટુએ લાવીને આપેલું બ્રેડનું પેકેટ લઈ વેદાંતકુમાર સ્વપ્નોમાં ખોવાયેલા છે.... અને એકાએક બાંકડા પરથી નીચે ઢળી પડે છે. બંધ મુઠ્ઠીમાં પકડી રાખી છે એક બ્રેડ, ધરતી પરનું રળતર તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું છે. રસ્તેથી પસાર થતા લોકો એકઠા થઈ જાય છે. પણ વેદાંતકુમાર જિંદગીનું ઝેર પચાવી-પચાવીને થાકી ગયા હતા. જ્યાં હવે તેમને નહોતી પુત્ર અધિકારની જરૂર કે નહોતી પત્ની તૃષ્ણાની આવશ્યકતા. વેદાંતકુમાર જેવા નેકદિલ ઇન્સાનોની રિબામણી જ શું ભાગ્યવિધાતાના લેખનનો એકમાત્ર રસનો વિષય હશે ?ં


