- ચંડીદાન ગઢવી
'ખોલને યાર!' અનિકેત પ્રેમભર્યો આગ્રહ કરી રહ્યો. શેફાલીએ સહજ ભાવથી પેકેટ ખોલ્યું. તેની આંખો આશ્ચર્યથી પહોળી બની સ્તબ્ધ બની ગઈ...
'વે લકમ હીરો !' કૉલેજ-ગેટમાં પ્રવેશતાં જ મિત્રવૃંદ અનિકેતને ઘેરી વળ્યું.
અનિકેત સહજ આશ્ચર્યભરી દ્રષ્ટિથી થોભી ગયો.
'તુમ તો બડે છુપે રુસ્તમ નીકલે યાર !' અશ્વિન સ્હેજ ગરદન જુકાવી તેની તરફ સ્મિત ફરકાવી રહ્યો. 'મગર હમ ભી તો કયામત કી નજર રખતે હૈં.'
અનિકેતનો ચહેરો મૂંઝવણમાં મૂકાઈ ગયો, 'પરંતુ કંઇ કહેશો કે પછી...!'
'કૉલેજની બ્યૂટી ક્વીન શેફાલી સાથે સીટી બસ સ્ટેન્ડના છાપરા નીચે બેઠા હતા ?' નરેન્દ્ર ઝીણી આંખ કરી હસી રહ્યો. 'એ તો આ જિતીયો અચાનક તમને જોઈ ગયો ને આપકા રાઝ ખુલ ગયા.'
'દોસ્ત ! માવઠું તને ફળ્યું હોં !' અશ્વિન તેની પીઠ થપથપાવી રહ્યો.
'વરસાદમાં ભીંજાતી, લગભગ દોડતી તે અંદર આવી. હાથમાંથી સરકી જતાં ચોપડાં, તેં ઝડપથી પકડી પલળતાં બચાવ્યાં. બોલો હા કે ના ?'
'હા, પણ એ તો સ્વાભાવિક જ છે ને ? કોઈપણ હોય તે આમ જ કરે ને ! એમાં કંઇ નવું નથી !' અનિકેત સહજ ભાવથી બાજુની બેન્ચ પર બેઠો.
'ચાલો, એ તો કબૂલ !' નરેન્દ્રે કાનની બૂટ પકડી. 'પરંતુ એ પછીનો એપીસોડ ! એને રિક્ષામાં બેસાડી ક્યાં લઇ ગયા ?' તે મિત્રો તરફ મર્મભર્યું હસ્યો.
'ઓહ ! એ વાત છે !' તે સ્વસ્થ બની ગયો. 'તેની કાર બગડી અને સીટી બસ બ્રેકડાઉન હતી. કોઈ ગેરેજવાળાને ફોન કરી, કાર તેને સોંપી, અંદર આવી કપડાં ખંખેરી, ઋતુચક્રની અનિયમિતતા પર બળાપો કાઢતી બેઠી.'
'પણ એમાં રિક્ષા ક્યાંથી આવી ભાઈ?' અભિજિત નાટકીય અદાથી ઝૂક્યો.
'હા, હા, એ જ કહું છું. તે વ્યાકુળતાથી આસપાસ નજર ફેરવી રહી.'
'આટલામાં ક્યાંય હોટલ કે નાસ્તાની લારી પણ નથી મને તો ખૂબ ભૂખ લાગી છે અનિકેત ! શું કરું ?' તે નિશ્વાસ નાખવા લાગી. તેને મેં રૂમ પર મારું મારું ટિફીન આવી ગયું હશે... જો તું ઇચ્છે તો...!' તેણે તુરત જ 'હા યાર ! ચાલને જલ્દી ! હું ભૂખ સહન નથી કરી શક્તી. બસ !'
'આ બધું તો જિતિયાની જુબાની કહેવાઈ ગયું છે. પણ ગંગારામ ! એ પછીની કહાની આપકી જુબાની !' અશ્વિન દરેક શબ્દ પર ભાર મૂકી રહ્યો.
'અમે અડધું અડધું વ્હેંચીને ખાઈ લીધું. તેને રિક્ષામાં બેસાડી વિદાય કરી. બસ ! વાર્તા પૂરી' અનિકેત હળવો બની બેન્ચને અઢેલી રહ્યો.
'બેટા વાર્તા તો હવે શરૂ થાય છે, અશ્વિન તેની બાજુમાં બેસી ખંભા પર હાથ મૂકી રહ્યો.' 'તે આખી કૉલેજની 'ડ્રીમગર્લ' છે. તેને પામવા ઘણા મજનુઓ ધંધે લાગ્યા છે. તે કોઇનેય ભાવ આપતી નથી. તારે તો બગાસુ ખાતાં પતાસુ આવી ગયું.'
'પતાસું ?! ભગીરથ ખંધી નજર કરી રહ્યો. 'પતાસુ નહિ, કાજુ કતરીનો આખો ડબ્બો કહો યારો !'
'અને બીજી મહત્ત્વની વાત ! તે શહેરના અગ્રણી ઉદ્યોગપતિનું એકનું એક સંતાન છે તે જેના પર કળશ ઢોળશે તેની તો પેઢીઓ તરી જશે. સંપત્તિ અને સુંદરી ! વાહ ! ક્યા તગડા હાથ મારા હૈ યાર !' અશ્વિન હાસ્ય સાથે તેનો ખભો થાબડી રહ્યો.
'જુઓ દોસ્તો !' અનિકેત ગંભીર બની ટટ્ટાર બેઠો, 'આવી મનઘડંત ઢંગધડા વિનાની ફાલતુ વાતોમાં સમય બરબાદ કરવાને બદલે, આપણે જે હેતુ માટે અહીં આવ્યા છીએ તે લક્ષ્યમાં લો ! માતા-પિતાએ જે ભોગ આપ્યો છે તેનું પૂણ્ય સમજો ! સમાજની પણ અપેક્ષાઓ પૂરી કરવાનું કર્તવ્ય છે. ...' તેને આગળ બોલતો અટકાવી અશ્વિન ઊભો થઇ કમર પર બે હાથ ટેકવી તેની તરફ સ્હેજ મૂક્યો, 'એ ભાઈ ! તારી ફિલોસોફી તારી પાસે રાખ ! તેના સ્વરૂપમાં ઉત્તેજના હતી, 'કહને-સુનને મેં અચ્છા લગતા હૈ... બાકી દુનિયાને હમકો દિયા ક્યા ? દુનિયા સે હમને લિયા ક્યા ?'' સમાજના ખડ્ડુસો એ તો તેમની સ્વાર્થપૂર્તિ માટે આપણો ઉપયોગ કર્યો છે. મોટા છાપરે ચઢાવ્યા છે. બાકી, બહાર આપણી શી સ્થિતિ છે. આ ડિગ્રીઓનાં પતાકડાં શું કામ આવે છે તે અમને ખબર છે... આજની ઘડી રળિયામણી... મોજ મસ્તી કરી લો ! ગોલ્ડન પિરીયડ ફરીથી નથી આવવાનો. કેમ દોસ્તો !' સહુએ તાળીઓથી તેને વધાવી લીધો. 'ઇટીંગ, ડ્રીન્કીંગ એન્ડ..
ફ્લર્ટીંગ !'
'લ્યો ગોલ્ડન પિરિયડ પૂરો થયો. ઘંટ વાગ્યો. હવે બોરીંગ ટાઈમ શરૂ થયો.' સહુ ભાંગેલા પગે ઉભા થયા.
***
અનિકેત સીટી બસની રાહ જોતો ઊભો હતો. ત્યાં અચાનક એક કાર આવી ઊભી રહી. સહજ કુતૂહલથી તે સ્હેજ વાંકો વળી નિરખી રહ્યો. આગળનો એક કાચ ઉતારી, એક ચહેરો સસ્મિત ડોર ખોલી તેને અંદર આવી જવા સંકેત કરી રહ્યો, 'આ તો શેફાલી !' અનિકેત સહજ આશ્ચર્ય અનુભવી રહ્યો.
ત્યાં શેફાલી રણકી, 'અનિકેત ! ચાલ આવી જા.' તે સ્હેજ વાંકી વળી. 'મારાં મમ્મી-પપ્પા તને મળવા ઇચ્છે છે. આજે લન્ચ મારે ત્યાં છે. પેલુ ટીફિન ભલે પડી રહ્યું.' તે મીઠું હસી, 'તે દિવસની ઘટના અને તારા વ્યવહારથી તે ખૂબ પ્રભાવિત થયાં.'
ગાડી પાર્ક કરી શેફાલી અનિકેતને અંદર દોરી ગઈ. 'આ મારો બંગલો.' ભવ્યાતિભવ્ય ડ્રોઇંગ રૂમમાં તેનાં માતા-પિતાને નમન કરી તે બાજુના સોફા પર બેઠો.
'અનિકેત ! શેફાલી તારાં ખૂબ વખાણ કરતી હતી.' વિદ્યાગૌરી પ્રસન્ન ચિત્તે સ્મિત કરી રહ્યાં.
'શેફાલી પહેલેથી જ છે ભૂખાળવી !' અમૂલખરાય પુત્રી તરફ નજર ફેંકી હસી રહ્યા.' અનિકેત વિવેકભર્યું સ્મિત કરી ડોક હલાવી રહ્યો.
'શેફાલી ! અનિકેતને બંગલો બતાવ... હું લંચ તૈયાર કરું છું.' વિદ્યાગૌરી ઊઠી રસોડા તરફ વળ્યાં.
'અનિકેત ! આની તમામ વસ્તુઓ... કારપેટ, ઝુમ્મર, દિવાલોનાં મશહૂર ચિત્રકારોનાં મોઘાં પેઇન્ટીંગ, છતની સજાવટ, બાથરૂમ સંડાસના નળ, ફ્લોરીંગ, ઇલેક્ટ્રોનીક ઉપકરણો બધું જ એ-વન, વિદેશી છે. બીજે ક્યાંય જોવા ન મળે તેવું દુર્લભ !' શેફાલીના સ્વરમાં ગર્વનો રણકો સ્પષ્ટ વરતાતો હતો. અનિકેત 'વાહ !' 'ખૂબ સરસ !' 'અદ્ભૂત !' જેવા ઉદ્ગારોથી તેના આનંદને પ્રોત્સાહિત કરતો રહ્યો.
ભોજન પતાવી સહુ દિવાનખાનામાં મુખવાસ લગાવી આરામથી બેઠાં ત્યાં અચાનક અનિકેત સોફામાં સહેજ આગળ સરક્યો, 'શેફાલી ! એક વાત તો તેં બતાવી નહીં ? આ મહેલ જે ભૂમિ જમીન પર ખડો છે, આપણે ઊભાં છીએ, તે જમીન કયા દેશમાંથી મગાવી છે ?'
સહુ ઘડીભર સ્તબ્ધ થઇ ગયાં. શેફાલી ઝંખવાણી પડી ગઈ. અમૂલખરાય ઝડપથી સ્વસ્થ બની ખડખડાટ હસી પડયાં. 'અનિકેત ! તેં તો ભાઈ 'ક્લીન બોલ્ડ'' કરી નાંખ્યા. વેલ ! આપણી ભારતની ધરતીને થોડી જ ભૂલાય ? તે તો આપણી મા છે... તેનું ગૌરવ છે, આપણો બેઝ છે.'
'સોરી ! અનિકેત !' શેફાલી નજર નીચી કરી ગઈ.
'અરે ! ખોટું ન લગાડતી. વાતાવરણને હળવું કરવા ટેક ઇટ ઇઝી. ઓ.કે. ?' અનિકેત મુક્ત મને હસી પડયો.
'બેટા ! તારાં માતા-પિતા પરિવાર ...!' વિદ્યાગૌરી સહજ બની ગયાં.
'માતા-પિતા તો નાની વયમાં જ ગુજરી ગયાં મામાને ત્યાં ઉછેર. પરિવારમાં નજીકનું કોઈ નહીં. મોસાળ પણ સાધારણ સ્થિતિનું માંડ માંડ બારમું પાસ કર્યું.' અનિકેત સહજ ભાવે નિખાલસતાથી બોલતો રહ્યો.
'તો પછી આગળના અભ્યાસનું...?' અમૂલખરાય પૃચ્છક દ્રષ્ટિથી સ્હેજ ટટ્ટાર થયા.
'અમારા ગામના એક શ્રેષ્ઠી ખૂબ કમાયા છે. સંતાનો વિદેશમાં સ્થાયી છે. તે પતિ-પત્ની ગામમાં જ કાયમી થયાં. ગામનો કોઈ તેજસ્વી યુવાન, આર્થિક સંજોગોને કારણે કારકિર્દિ ન બનાવી શકે તો તેનો તમામ ખર્ચ પોતે ઉઠાવે છે. ગામના કેટલાય યુવાનોનું જીવન તેમણે બનાવ્યું છે. મને પણ તેમણે જ ભણવા મોકલ્યો છે. તેમને કારણે...' અનિકેત ભાવુક બની ગયો.
'બહુ જ ઉમદાકામ ! સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ !' અમૂલખરાય પ્રસન્ન થઇ પ્રશંસી રહ્યા. 'જમવા માટે ટીફિન કોઈ હોટેલ કે લોજમાંથી...'
'અહીં મારી બાજુમાં એક વિધવા માજી એકલાં જ રહે છે. તે મારા જેવા દસ-બાર સ્ટુડન્ટસ ને ટીફિન સર્વીસ પૂરી પાડે છે. એટલે મને ઘરનું ભોજન મળે છે... આમેય મને બહારનું ખાવાનું પસંદ નથી.'
પતિ-પત્ની અને પુત્રીની આંખો વચ્ચે મૌન સંવાદ થયો. થોડીવારે અમૂલખરાય ગળું ખોંખારી ટટ્ટાર થયા. 'જો બેટા ! હું જે કહું તેમાં તારે આનાકાની કર્યા વિના હા જ પાડવાની છે. કોઈ આર્ગ્યુમેટ નહીં. મા-દીકરી પણ સંમતિ સૂચક ડોક હલાવી રહ્યાં. અનિકેત અસમંજસમાં મૂકાઈ વારાફરતી સહુના ચહેરા વિસ્મયથી
નિહાળી રહ્યો.'
'વડીલ, વાત શું છે ?...' તે તો...! અનિકેત ગૂંચવણમાં પડી ગયો. 'આવતીકાલથી તારે જમવા-રહેવાનું અમારી સાથે જ !' અમૂલખરાયના સ્વરમાં સત્તાવાહી રણકો પિતૃવાત્સલ્યની ભીનાશથી ગાજી ઊઠયો. 'કોઈ દલીલ નહીં. ધીસ માય ઓર્ડર !' અનિકેત સ્નેહની આદ્રતાને અવગણી ન શક્યો.
***
'અમૂલખ !' વિદ્યાગૌરી ગંભીર વદને પતિની પાસે બેઠાં, 'આ છોકરો કેમ લાગે છે ! લાગે છે તો સીધો, સાદો, ઠરેલ અને સમજદાર સ્પષ્ટવક્તા નિરાડંબરી.' ક્ષણભર અટકી પતિ તરફ નિહાળતી રહ્યાં, 'શેફાલી માટે કેમ રહેશે ?'
'તમારી વાત તો બરાબર છે, ગૌરી !' અમૂલખરાય છાપુ બાજુ પર મૂકી, ચશ્માના કાચ લૂછી રહ્યા. 'પરંતુ એકદમ કોઇ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરાય, આંખો મીંચીને !'
'તમારી વાત તો સાચી છે. છેવટે દીકરીની જિંદગીનો સવાલ છે.' વિદ્યાગૌરી સંમતિસૂચક ડોક હલાવી રહ્યાં. 'શેફાલી હજી નાદાન ગણાય.'
'તેને ચકાસવો પડે. ઘણીવાર માણસ જેવો દેખાય છે તેવો હોતો નથી... અને એવું પણ બને કે તે આપણી સંપત્તિ હડપ કરવા સારા અને સજ્જન બનવાનું નાટક કરતો હોય.' તે હોઠ પર આંગળી મૂકી વૈચારિક મુદ્રામાં ગંભીર બન્યા. 'વડીલ પરથી પપ્પા અને બા પરથી મમ્મી સુધી આવી ગયો છે.'
'તો તમારી રીતે બધું ગોઠવી તેનું અસલી સ્વરૂપ જાણી લો. માત્ર લાગણીમાં મહત્ત્વના નિર્ણયો ન લેવાય.' વિદ્યાગૌરી આશ્વસ્ત થઇ ઊભાં થયાં.
***
'વિદ્યા !' અમૂલખરાયના સ્વરમાં ખુશી હતી. 'બધી કસોટીમાંથી અનિકેત ફુલ્લી પાસ થયો છે. એટલે હવે વિલંબ નથી કરવો. સારો દિવસ જોઈ બંને સમક્ષ પ્રસ્તાવ મૂકીએ.'
'સરસ ! ધાર્યું હતું તેમજ થયું.' વિદ્યાગૌરી પોતાની ધારણા પર આનંદથી ઝૂમી ઉઠયાં. 'વધારામાં બંનેને એકબીજા સાથે ગોઠી ગયું છે. એટલે વાંધો નહિ આવે.'
ત્યાં તો અનિકેત આનંદિત ચહેરે અંદર આવ્યો. 'પપ્પા આજ સારો દિવસ છે. મારે શેફાલીને એક ભેટ આપવી છે. સરપ્રાઇઝ ગીફ્ટ ! તમે મારી સાથે આવો.'
'હા, હા, જરૂર ! તારી ગીફ્ટ અમને જરૂર ગમશે.' વિદ્યાગૌરી પતિ તરફ સૂચક દ્રષ્ટિથી નિરખી રહ્યાં. અમૂલખરાય પણ તેમનો સંકેત પામી ગયા. આજે જ જાહેર કરી દેવાનો મૌન આદેશ વાંચી લીધો. હકારમાં ડોકુ હલાવી રહ્યા.
'શેફાલી !' અનિકેતની આંખોમાં હાસ્ય ચમકી રહ્યું હતું.
'હા, બોલ !' શેફાલી પુસ્તક બંધ કરી બાજુ પર મૂકી, સરખી બેઠી, 'તારા માટે આ સરપ્રાઇઝ ગીફ્ટ છે.' અનિકેત પેકેટ સાથે હાથ લંબાવી રહ્યો. 'હા, હા, બેટા ગીફ્ટ જોઈ લે !' વિદ્યાગૌરી અને અમૂલખરાય એક સાથે જ ઉત્સાહથી બોલી ઉઠયાં. 'પછી અમારી ભેટ'
શેફાલી આનંદભરી મૂંઝવણ અનુભવી તેમની તરફ દ્રષ્ટિકોણ કરી રહી.
'ખોલને યાર !' અનિકેત પ્રેમભર્યો આગ્રહ કરી રહ્યો. શેફાલીએ સહજ ભાવથી પેકેટ ખોલ્યું. તેની આંખો આશ્ચર્યથી પહોળી બની સ્તબ્ધ બની ગઈ. તે વારાફરતી સહુ તરફ અતિ આશ્ચર્યથી જોઈ રહી. 'પપ્પા, મમ્મી !' તેમની તરફ ઉઘાડું બોક્સ ધર્યું. તેઓ પણ નિ:શબ્દ બની એક બીજાને વિસ્મયથી તાકી રહ્યાં.
શેફાલી અનિકેત તરફ દ્રષ્ટિ માંડી રહી. અનિકેત જમણો હાથ લંબાવી રહ્યો. 'લે, જલદી બાંધી દે ! શુભ ચોઘડિયું વીતી જાય છે.'
'ભાઈ !!' શેફાલી ઝડપથી ગળગળી અને અત્યંત ભાવુક બની તેને ભેટી પડી. કલાત્મક રાખડીને આંખે અડાડી રડતી રહી.
'હા ! મને આજે એક બહેન મળી અને તને એક ભાઈ ! મમ્મી-પપ્પા મને નફામા !' સહુની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.


