- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
૧૯ ૬૭માં આવેલી સુપરફિલ્મ 'ફર્ઝ'ને ભારતની પહેલી 'જેમ્સ બોન્ડ ટાઇપ' મુવી ગણવામાં આવે છે ! કહેવાનો મતલબ એમ કે જ્યારે હોલીવૂડવાળા ઓલરેડી 'ડૉ.નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડ ફીંગર અને થંડર બોલ જેવી ઇન્ટરનેશનલ લેવલની જાસૂસી અને રૃંવાડા ખડા કરી દે એવાં હાઇ-ફાઇ સ્ટંટ બતાડી રહ્યા હતા ત્યારે ભારતમાં આપણા જિતુભાઈ (જીતેન્દ્ર) બબિતા સાથે 'હમ તો તેરે આશિક હૈ' ગાતા ગાતાં વચ્ચે વચ્ચે 'બોન્ડગિરી' કરી રહ્યા હતા !
***
જો કે એવી સરખામણીઓ કરવાની જ ના હોય, કેમ કે, ફિલ્મોમાં સાઉન્ડ આવ્યો પછી હોલીવૂડે જે પહેલી ફિલ્મ 'ધ જાઝ સિંગર' (૧૯૨૭) બનાવી જેમાં માત્ર બે જ ગાયનો હતા અને ફિલ્મની લંબાઈ ૯૬ મિનિટની હતી. એની સામે ભારતમાં બનેલી બીજી જ બોલતી ફિલ્મ 'ઇન્દ્રસભા' પુરી ૨૧૧ મિનિટની (જી હા, ૩ કલાક અને ૩૧ મિનિટની) હતી ! એ તો ઠીક, એમાં ગાયનો કેટલાં હતાં ખબર છે ? પુરાં બોત્તેર !!
કહેવાનો મતલબ એટલો જ કે 'દેશી ફિલ્મને દેશી ચશ્મા વડે જ જોવાની હોય !'
***
હવે ચશ્માંની વાત નીકળી છે તો 'ફર્ઝ'ના સિનેમેટ્રોગ્રાફર કમ દિગ્દર્શક રવિકાન્ત નગાઈચની વાત કરવી જ પડે. સાઉથ ઇન્ડસ્ટ્રીના આ સાહેબની ફિલ્મો જોતાં તમને જરૂર ભ્રમ થાય કે બોસ, આપણે કંઈ ભળતા જ ચશ્મા પહેરીને નથી બેઠાં ને?
કેમ કે, રવિ નગાઇચની ફિલ્મોમાં ભડકદાર ગુલાબી, ધેરો જાંબુડી અને ઝેરી લીલા રંગની ઠેરઠેર છોળો જ ઊડતી દેખાશે ! આ 'ફર્ઝ' ફિલ્મમાં તો વિલનના અંડરગ્રાઉન્ડ અડ્ડામાં ગુલાબી રંગ પથરાયેલો છે ! એ તો ઠીક, ધાબા ઉપર ચાલી રહેલી એક ફાઇટમાં ભડકદાર ગુલાબી પ્રકાશ છવાયો છે!) (સાલુ જેનું હજી બાંધકામ અધૂરું હોય એવા બિલ્ડીંગનો કયો કોન્ટ્રાક્ટર એટલો રોમેન્ટિક હશે કે છેક ધાબા ઉપર જાલિમ ગુલાબી કલરની લાઇટો મુકાવે ?)
***
સાઉથના આ ભડકીલા લાઇટિંગ માટે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એક જોક ચાલતી હતી : ડિરેક્ટર કેમેરામેનને કહી રહ્યો છે કે 'હિરોઇન કે ઉપર એક સાઇડ સે પિંક લાઇટ ડાલો, દૂસરી સાઇડ સે બ્લુ લાઇટ ડાલો, પીછે સે ગ્રીન લાઇટ લગાઓ ઓર... આગે સે બ્લેક લાઇટ લગવા દો !'
***
નોંધવા જેવી વાત એ પણ એ છે કે ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું અને ૧૯૬૫માં પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ ચૂક્યું હતું... છતાં ફિલ્મમાં માત્ર 'દુશ્મન' શબ્દ વપરાયો છે ! મજાની વાત એ પણ ખરી કે 'દુશ્મન' તરીકે ચીતર્યા છે એ વિલનો પણ ભારતની ખૂફિયા એજન્સી માટે 'દુશ્મન' શબ્દ વાપરે છે! બોલો.
***
'ફર્ઝ'માં આપણી દેશી જાસૂસી એજન્સીની ગરીબી પણ જોવા જેવી છે.. જે 'ચીફ' છે (ડેવિડ) તેની કેબિનમાં સામે બેસવા માટે બે નેતરની જાળીવાળી લોખંડની ખુરશીઓ છે ! ટેબલ પર એક જ કાળો લેન્ડલાઇન ફોન છે અને આખી ફિલ્મમાં 'ચીફ' સાહેબ એક જ કોટ પહેરીને ડયૂટી બજાવે છે !
***
બીજી એક 'ગરીબી' પણ જોરદાર છે. જ્યાં વિદેશી ફિલ્મોમાં ગુનેગારો ઉપર સર્વેલન્સ (ચાંપતી નજર) રાખવા માટે મસ્ત હાઇફાઇ વાન રહેતી હતી એની સામે અહીં જિતેન્દ્ર અને મુકરી એક લાલ રંગનો ખટારો લઈને જાય છે ! અને તાડપત્રી ઊંચી કરીને 'નજર' રાખે છે !
***
એમ તો એક બે 'અમીરી' પણ બતાડી છે. દક્ષિણ ભારતનો એક ડેમ ઉડાડવાની કોશિષ કરનારા લોકોના ફોટા એક એજન્ટ ઇમ્પોર્ટેડ 'કોડાક ઇન્સ્ટન્ટ' કેમેરા વડે પાડે છે ! (પણ પછી એનો 'રોલ' ડેવલપ કરવા માટે કેમ ભઈ, ઇન્સ્ટન્ટ કેમેરામાં તો તરત જ પ્રિન્ટ નીકળતી હતી.)
બીજી 'અમીરી' એ કે, ચેન્નાઈથી આ એજન્ટ દિલ્હી ફોન કરે ત્યારે ચીફ ડેવિડ કહે છે, 'ફૌરન યહાં આ જાઓ...' ત્યારે આપણો દેશી એજન્ટ ટ્રેનમાં નહીં, બસમાં નહી, વિમાનમાં નહી, પણ કેડીલેક કાર લઈને 'બાય રોડ' નીકળી પડે છે ! (પેટ્રોલ સસ્તું હતું ને ??)
***
અચ્છા એ સમયની ભારતીય ટેક્નોલોજીને કમ ના સમજતા ! અહીં એક ગુન્ડાએ સળગાવી નાખેલા 'ગુપ્ત મેસેજ'ના કાગળોની રાખ વીણી લેવામાં આવ છે, અને પછી એની ઉપર કેમિકલ રેડવાથી એ રાખમાંથી કાગળ 'બેઠો' થાય છે !
***
એમ તો બિચારા ચાઇનિઝ વિલન પાસે પણ સાવ દેશી ટેક્નોલોજીઓ જ છે, આપણને રીતસર દેખાઈ આવે કે ચાંપ દબાવ્યા પછી જે દરવાજો 'ઓટોમેટિક' રીતે સરકી રહ્યો છે તે આઠ એમએમ પ્લાયવૂડનું પાટિયું જ છે ! અને તેને સેટની પાછળથી દોરી વડે બે જણા ખેંચતા લાગે છે !
***
એ જ રીતે એન્ડમાં જે ચીની વિલન જે વિમાન વડે ભાગી છૂટવાની કોશિષ કરી રહ્યો છે તે વિમાન, રીતસર દેખાય છે, કે આ તો કોઈ પ્રાયવેટ 'ફ્લાઇટ ક્લબ'નું ટુ-સિટર પ્લેન છે, જેનું ઇંધણ એક કલાકથી વધારે ચાલતું જ નથી !
જો કે ફોટોગ્રાફી રવિ નગાઈચની વિલનોના મશીનોમાં કમ સે કમ બે ડઝન જુદા જુદા કલરની લાઇટો ઝબૂકતી તો જોવા મળશે ? પણ સોરી, એમાં અમે નિરાશ થયા.
***
જો કે, નગાઈચ સાહેબે જેમ્સ બોન્ડનું દેશીકરણ કરવામાં 'ઇન્ડિયન ટચ' જરૂર જાળવી રાખ્યો છે. જેમ કે, જેમ્સ બૉન્ડની મુવીમાં જ્યારે 'ચીફ' તેને યાદ કરે ત્યારે અચૂક તે કોઈ સુંદરી સાથે પથારીમાં પ્રેમક્રીડા કરતો
દેખાશે... પરંતુ અહીં આપણા જિતુભાઈ ખુલ્લા મેદાનમાં અરુણા ઇરાની સાથે 'મસ્ત બહારો કા મેં આશિક...' ગાયન ગાતાં ગાતાં વચ્ચે 'કુક્કુઉઉ !' એવી ત્રાડ પાડીને હવામાં ફ્રીઝ થઈ જવાનું યોગાસન કરવાની પ્રેક્ટિસ કરતા બતાડયા છે !
એ જ રીતે, જેમ્સ બોન્ડને ફસાવવા અને ઝેર આપીને મારી નાખવા એકાદ વિષકન્યાને મોકલવાનો રીવાજ છે... તો અહીં એ કામ એક સાઇડ હિરોઇન દ્વારા માત્ર એક ડાન્સથી પતાવી દેવાયું છે. (આ જા આ જા મેરે પાસ... ફિલ્મનું એકમાત્ર ગાયન જે હિટ નહોતું થયું. બાકીના પાંચે પાંચ હિટ હતા)
અને જેમ્સ બોન્ડ મૂવીના અફર રીવાજ મુજબ જ્યાં સુધી બોન્ડની પ્રેમિકા વિલનના હાથમાં ફસાઈ ના હોય ત્યાં લગી બોન્ડ વિલનને કશું જ કરતો નથી... એનો તો અહીં ડબલ-ડોઝ છે ! હિરોઇન બબિતા અને સાઇડ હિરોઇન (કંચન- સાઉથ) બબ્બે છોકરીઓને છોડાવવાની છે !
***
બાકી, આજે જો આ ફિલ્મને એન્જોય કરવી હોય તો એક જ રીત છે ફિલ્મના ગાયનોનું વિડીયો આલ્બમ યુ-ટયુબમાં મસ્તીથી જોઈ લેવું.. અને ફિલ્મ વિશેના આ લેખ ફરીથી વાંચી લેવો ! યે તો બતાના મેરા 'ફર્ઝ' થા...
= 'ફર્ઝ' એ તેલુગુ ફિલ્મ 'ગુડાચારી ૧૧૬'નો રિમેક છે જેમાં હિરો ક્રીષ્ના અને હિરોઇન જયલલિતા હતી.
= આ ફિલ્મ જિતેન્દ્રની કરિયરનો ટર્નિંગ પોઇન્ટ હતી. કહેવાય છે કે મુંબઈમાં બારમા સપ્તાહ પછી જ્યારે 'ફર્ઝ' થિયેટરોમાં ઢીલી પડતી લાગી ત્યારે ખુદ જિતેન્દ્રએ ગણત્રીપૂર્વકનું 'ઇન્વેસ્ટમેન્ટ' સમજીને તેની ટિકીટો ખરીદીને 'ફર્ઝ'ને સળંગ હાઉસફૂલ રખાવી હતી.
= હિરો તરીકે ફીરોઝખાનને લેવા માટે ઓરીજીનલ તેલુગુ ફિલ્મ તેને બતાડવામાં પણ આવી હતી. પરંતુ છેવટે નસીબ જિતેન્દ્રનું ચમક્યું હતું.
= ૧૯૬૭ની આ ત્રીજા નંબરની હિટ ફિલ્મ હતી.
= જિતેન્દ્રને હતું કે, 'બુંદ જો બન ગઈ મોતી' હિટ થશે અને 'ફર્ઝ' ખાસ નહીં ચાલે, પરંતુ બોક્સ ઓફિસ પર ઉલટું થયું...
= 'કુક્કુઉ...' વાળી ત્રાડ પાડીને હવામાં ફ્રીઝ થઈ જવાની હિટ એક્શનને કારણે આ ફિલ્મ પછી જ જિતેન્દ્રને 'જમ્પિંગ જેક'નું બિરુદ મળ્યું હતું !


