- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- અંબરગ્રીસનું અસ્તિત્ત્વ 15 લાખ વર્ષ કરતાં પણ જુનું હોવાનું જણાયું છે. માનવી છેલ્લાં હજાર વર્ષથી સ્પર્મવ્હેલની આ પેદાશનો એક યા બીજી રીતે ઉપયોગ કરતો આવ્યો છે
કો ઈ માણસ ઊલટી કરે અને પોતે ઓકેલું એ પ્રવાહી એકઠું કરીને કોઈને વેંચવા જાય તો એને એક પૈસો પણ કોઈ આપે ખરો? અરે, એને ધક્કો મારીને ભગાડી મુકે. પરંતુ જો એ ઊલટી સ્પર્મ વ્હેલે કરેલી હોય તો એ મેળવવા સૌ પડાપડી કરે. કારણ કે સ્પર્મ વ્હેલે ઓકેલાં પ્રવાહી (અંબરગ્રીસ)ની કિંમત લાખોમાં થાય છે. સમુદ્રમાંથી મળી આવતા આ પદાર્થને એટલે જ યુરોપ-અમેરિકામાં ફ્લોટિંગ ગોલ્ડ (તરતું સોનુ) કહે છે. વ્હેલે વોમિટ કરીને બહાર કાઢેલું પ્રવાહી શરૂઆતમાં મીણ જેવું ચીકણું અને ગ્રીસી હોય છે. પરંતુ સમય જતાં સમુદ્રના પાણીની ખારાશ તથા સૂર્યપ્રકાશ પડતાં એ કઠ્ઠણ બની જાય છે. જાણે દરિયાઈ સપાટી પર તરતાં ઢેખાળાં!
આ રીતે તરતા-અટવાતા અંબરગ્રીસ સૌથી વધુ જોવા મળે છે ચીન, જાપાન અને આફ્રિકન દેશોના સમુદ્ર કિનારે, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના છુટા છવાયા ટાપુ પાસે પણ સમુદ્ર કિનારે અંબરગ્રીસ વારંવાર જોવા મળે છે.
મોટે ભાગે અંબરગ્રીસનો ગઠ્ઠો કદમાં નાનો હોય છે. પરંતુ ડચ ઇસ્ટ ઇન્ડિઝ પાસે મળી આવેલો ૬૩૫ કિલો (૧૪૦૦ પાઉન્ડ)નો ગઠ્ઠો અત્યાર સુધીમાં મળી આવેલો સૌથી મોટો જથ્થો હતો. બને છે એવું કે વિશ્વમાં કેટલાંય દેશોના માછીમારોની જાળમાં ઘણીવાર અંબરગ્રીસ પણ સલવાય છે, પરંતુ તેની વેલ્યુ ન જાણતા માછીમારો તેને ફેંકી દે છે. પરંતુ હવે તો વ્હેલની ઊલ્ટીનો ધંધો કરનારા આડતિયાઓ સમુદ્રકિનારે ફરતા રહી આવા માછીમારો પાસેથી પેલી વેલ્યુએબલ ચીજ સસ્તામાં પડાવી લે છે. તેઓ બિચારા શું જાણે કે નકામી લાગતી આ ચીજ કે પથ્થર જેવો ગઠ્ઠો આંતરરાષ્ટ્રીય બજારમાં કિલોએ એક કરોડ રૂપિયાના ભાવે વેંચાય છે.
અંબરગ્રીસનું અસ્તિત્ત્વ ૧૫ લાખ વર્ષ કરતાં પણ જુનું હોવાનું જણાયું છે. એવું માનવામાં આવે છે કે માનવી છેલ્લાં હજાર વર્ષથી સ્પર્મવ્હેલની આ પેદાશનો એક યા બીજી રીતે ઉપયોગ કરતો આવ્યો છે. પુરાણી માન્યતા એવી હતી કે સમુદ્રમાંથી ઉપલબ્ધ થતું આ તત્ત્વ દરિયાના મોજાંમાંથી ઉત્પન્ન થતું હશે અથવા કોઈ મોટા દરિયાઈ પક્ષીની અઘાર રૂપે સમુદ્રમાં પડતું હશે. એ તો જ્યારે ૧૮મી સદીમાં મોટા પાયે વ્હેલનો શિકાર શરૂ થયો ત્યારબાદ અંબરગ્રીસની ઓળખ થઈ.
એવું મનાય છે કે સ્પર્મ વ્હેલ મોટી માત્રામાં દરિયાઈ જળચર સ્કવીડ (રંગારો)ને ઓહિયા કરી જાય છે. આ સિવાય ભૂખાવરી વ્હેલ દરિયામાં તરતી એવી કેટલીક અપાચ્ય ચીજો ખાઈ જાય છે જેને લીધે તેની પાચનક્રિયામાં અવરોધ ઊભો થતાં તેને ઊલ્ટી થાય છે. આ રીતે અપચાને કારણે વ્હેલ જ્યારે ઊલ્ટી કરે ત્યારે બહાર ઓકી નાંખેલું ઘટ્ટ પ્રવાહી કાળક્રમે ગઠ્ઠો બનીને દરિયાની ઊપલી સપાટી પર તરવા લાગે છે. અમુક વિજ્ઞાનીઓ એવું પણ માને છે કે વ્હેલના ગુદા માર્ગે ડિસ્ચાર્જ થતાં 'વેસ્ટેજ'માં અંબરગ્રીસ પણ હોય છે. સમુદ્રમાંથી તાજું મળેલું અંબરગ્રીસ ખૂબ દુર્ગંધ મારે છે પરંતુ જેમ જેમ તે સુકાતું જાય પછી તેમાંથી મનમોહક 'મસ્કી' સુવાસ આવે છે. અંબરગ્રીસ સુકાયા પછી શ્વેત અથવા કાળોભૂખરો રંગ ધારણ કરે છે. પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે શ્વેત અંબરગ્રીસ વપરાય છે કારણ કે તેની સુવાસ ક્વોલીટી ઉચ્ચ કક્ષાની હોય છે.
વ્હેલ માછલીની વિવિધ પ્રજાતિ છે પરંતુ માત્ર સ્પર્મ માછલીના પેટમાં અંબરનું સર્જન થવા પામે છે. સ્પર્મ વ્હેલના આંતરડામાંથી ઝરતા અંત: સ્ત્રાવથી અંબર સર્જાય છે. માત્ર એકાદ ટકો માછલીના પેટમાં રહેલુ અંબર મોંમાંથી બહાર આવે છે.
આગળ જણાવ્યું તેમ અંબરનો ઉપયોગ પરફયુમ ઉધોગમાં થાય છે. તેની સુવાસ કસ્તુરી મૃગ જેવી હોય છે. અંબર મિશ્રિત પરફયુમની કિંમત ખુબ મોંઘી હોય છે. તેની સુવાસ લાંબો સમય ટકી રહે છે. ખાદ્ય સામગ્રી અને મસાલામાં તેમજ ઔષધ તરીકે નબળાઈ, નાર્મદાઈ, આંચકી, અપસ્માર, મૃચ્છા, ક્ષય અને મગજની નબળાઈમાં પણ દવા તરીકે તે વપરાય છે.યુરોપીયન સંસ્કૃતિ અને દંતકથાઓમાં તેનો ઉલ્લેખ છે. અંબરની દાણચોરી પર હોલીવુડમાં ફિલ્મો બની ચુકી છે. યુરોપમાં જયારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે લોકો અંબરના નાના ટુકડા સાથે રાખીને ફરતા હતા જેથી તેની સુવાસથી પ્લેગ ફેલાતો અટકે!
આપણા દેશમાં જેમ ઘોડાની નાળને શુકનવંતી માનવામાં આવે છે તેવી રીતે અખાતી દેશોમાં અંબર શુકનવંતુ મનાય છે. અંબરને લઈને સમુદ્ર ખેડતા ખારવાઓમાં પણ કથાઓ છે કે જો અંબર મળી જાય તો ખારવાની સાત પેઢી તરી જાય.
અંબર એ સ્પર્મ વ્હેલનો ઉત્સર્જીત પદાર્થ હોઈ તેના વેંચાણ પર પ્રતિબંધ નથી પરંતુ અંબર મેળવવાની લ્હાયમાં સ્પર્મ વ્હેલનો શિકાર થતો હોઈ અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ છે.
મુખ્યત્વે પરફ્યુમ ઉદ્યોગ આ માટે જ આ મટીરીયલ વાપરે છે. કોઇપણ પરફ્યુમની સુવાસ લાંબો સમય ટકી રહે તે મહત્ત્વનું છે. વળી આ સુગંધ પરફ્યુમ સ્પ્રે કર્યા પછી જલદી ઉડી ન જવી જોઇએ. પરફ્યુમનો આ ગુણ વધારવા ફિક્સેટીવ તરીકે જે એજન્ટ વપરાય છે તે અમ્બર ગ્રીસ હોય છે. અમ્બરગ્રીસ વ્હેલ માછલીના આંતરડામાંથી કાઢવામાં આવે છે. કેમ કે તે તત્વ સૌથી ઓછી સ્પીડે ઇવોપરેટ થાય છે. હકીકતે તો વ્હેલ આ તત્વને પોતાના આંતરડામાં રહેલા ખોરાકને પચાવવા વાપરે છે. સ્પર્મ વ્હેલ તેને ચયાપચયની ક્રિયા માટે વાપરે છે. પરંતુ પરફ્યુમ બનાવતી કંપનીઓ એવો દાવો કરે છે કે આ તત્વ વ્હેલ માછલી દ્વારા બહાર થૂંકી કાઢેલું તત્વ છે જે પાણી પર તરે છે. આપણા દેશમાં લોકો એનો ઉલ્લેખ વ્હેલની ઊલ્ટી તરીકે કરે છે. વ્હેલ માછલી આવું તત્વ થૂંકી કાઢે અને તે પાણીની સપાટી પર તરે ત્યારે જ તેમાંથી પરફ્યુમ બને એટલી રાહ જોવા પરફ્યુમ ઉદ્યોગ તૈયાર નથી હોતો. હકીકત તો એ છે કે સ્પર્મ વ્હેલને મારીને આ તત્વ મેળવવામાં આવે છે. ૧૯૭૭થી તેને મારવા પર પ્રતિબંધ છે છતાં નોર્વે અને જાપાનમાં હજારોની સંખ્યામાં હત્યા થાય છે. આ દેશોમાં થતી વ્હેલની હત્યાને ફ્રાંસ ભલે વખોડતું હોય પણ વિશ્વમાં માત્ર ફ્રાંસ પાસે એવી સવલત છે કે તે એમ્બરગ્રીસની પ્રોસેસ કરે છે અને તે માટે ઉપરોક્ત બંને દેશો પાસેથી તે ખરીદે છે. એમ્બરગ્રીસની વર્ષે ચાર ટનની ડીમાન્ડ છે.અમેરીકા અને ઓસ્ટ્રેલીયમાં એમ્બરગ્રીસના વેપાર પર પ્રતિબંધ છે પરંતુ યુરોપના પરફ્યુમ બનાવનાર પોતાની પાસે બહું જુનું એમ્બરગ્રીસ છે એમ કહીને વાપરે છે. હકીકત તો એ છે કે ૯૬ ટકા એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલ્સને મારીને મેળવાય છે. જ્યારે માત્ર ૬ ટકા તણાઇને કિનારા પર આવે છે.
કેટલીક ફ્રેન્ચ કંપનીઓ વિશ્વભરમાં એનીમલ પ્રોડક્ટનો વેપાર પર પ્રતિબંધ હોવા છતાં એમ્બરગ્રીસનો વેપાર કરે છે. કોઇને પણ એમ્બરગ્રીસ કિનારા પર મળી આવે તો તે કાયદેસર તેને વેચી શકે નહી. ૧૯૭૦માં સ્પર્મ વ્હેલને લુપ્ત થતી પ્રાણીઓની જાતિઓમાં સમાવવામાં આવી હતી. ૧૯૭૩માં અમેરિકાએ લુપ્ત થતી જાતિઓને રક્ષણ આપવાની વાત કરી ત્યારે સ્પર્મ વ્હેલ અને તેની પ્રોડક્ટને રક્ષણ મળવાની આશા ઉભી થઇ હતી. અમેરિકાએ ઘડેલા કાયદા અનુસાર લુપ્ત થતી પ્રાણીઓની જાતિના વેચાણ, તેનું પરિવૃત, તેના વેપાર, તેને વહાણમાં લઇ જવી વગેરેને ગેર કાયદે ગણાવ્યું હતું. એનો અર્થ એવો પણ હતો કે અમેરિકામાં પરફ્યુમ બનાવતી કંપનીઓ પણ આવા તત્વો ધરાવતા પરફ્યુમને વેચીના શકે !! ઓસ્ટ્રેલિયાએ પણ ૧૯૮૧થી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્પર્મ વ્હેલ સાથે સંકળાયેલી પ્રોડક્ટ અને સ્પર્મ ઓઇલની આયાત પર યુરોપીય સંઘે પ્રતિબંધ મૂક્યો છે.
જો કે કુદરતી તત્વો સમાવતા પરફ્યુમ અને જરૂરિઆત વાળા તૈલી તત્વો સાથેના પરફ્યુમ અમેરિકામાં વેચાય છે. આવી કંપનીઓ ઇન્ટરનેટ પરની વેબસાઇટ દ્વારા જાહેરમાં પરફ્યુમ વેચે છે. જેમાં એમ્બરગ્રીસ તત્વ હોય છે. હજારો વ્હેલ માછલી મારીને મેળવેલા તત્વનો કોઇ અર્થ નથી એવી દલીલોને કંપનીઓ ગાંઠતી નથી એક અંદાજ અનુસાર ત્રણ લાખ જેટલી સ્પર્મ વ્હેલ બચી છે. સ્પર્મ વ્હેલની માફક જ બીજા કેટલાંક પશુ-પક્ષીના શરીરમાંથી પ્રાપ્ત થતા સુગંધી તત્ત્વોને મેળવવા તેમની મોટા પાયે હત્યા થાય છે. ૧૯૭૮માં પશ્ચિમના દેશોમાં ૧૫ લાખ ગ્રીનપીસ પક્ષી હતા. યુરોપ અને નોર્થ અમેરિકામાં મળતા રમતીયાળ સ્વભાવના આ પક્ષી દિવેલ જેવી ક્રિમી સપાટી હોય છે તેની ગુદાના ભાગ પર એક ખાસ પ્રકારની સ્મેલ આવે છે. યુરોપ અને નોર્થ અમેરિકામાં મળી આવતા આ પક્ષીને પરફ્યુમમાં ફીકસર તરીકે વપરાય છે. આમ તો તેમના શરીરની આ ગંધ પરથી મેલ-ફિમેલ ઓળખાય છે. અને પોતાના વિસ્તારની હદ નક્કી કરવા પણ વાપરે છે. બીજી તરફ આ ગંધ જ તેમના સામુહિક નિકંદન માટે પણ કારણભૂત બન્યું છે. આ પક્ષીની બે જાતો બચી છે. તેમની ગુદામાંની ગંધના કારણે તેમનો શિકાર થઇ રહ્યો છે. તેમને સુકવી નખાય છે. અને કેસ્ટોરીયસ પરફ્યુમ મેળવવા તેને આલ્કોહોલમાં મૂકવામાં આવે છે. તેમના પરફ્યુમ ગેરકાયદેસર હોવા છતાં ઇન્ટરનેટ પર તેનો ધૂમ પ્રચાર થાય છે.
ગીના પીગ પ્રકારનું અને હાથીના જેવું લાગતું પ્રાણી હેરેક્સમાંથી હેરેસીયમ મળે છે. હેરેક્સનું માથું હાથી જેવું અને પેટ ઘોડા જેવું હોય છે.
તેના હાડકાનું માળખું ગેંડા જેવું હોય છે. તેના પગ ડુક્કર જેવા હોય છે. તેના ઉપલા જડબામાં ઉંદર જેવા દાંત હોય છે જ્યારે બે દાંત હીપોપોટેમસ જેવા હોય છે.હાથીના દાંત જેવા દાંત પણ જડબામાં જોવા મળે છે.
હેરેક્સના યુરીનમાંથી હેરેસીયમ મળે છે.તેનું યુરીન પ્રવાહી નથી હોતું પણ જેલી જેવા પદાર્થ વાળું હોય છે. હેરેક્સના યુરીનના તત્વોમાંથી હેરેસીયમ બને છે. આ પ્રાણી મૃત્યુ ના પામે ત્યાં સુધી પાંજરામાં રાખવામાં આવે છે. કેટલાક અઠવાડીયા માટે રો-મટીરીયલ આલ્કોહોલમાં મૂકી રાખીને ટીંચર તૈયાર કરવામાં આવે છે.
પરફ્યુમ ઉદ્યોગનો શિકાર બનતા અન્ય એક પ્રાણીનું નામ મસ્ક ડીયર (કસ્તૃરી મૃગ) છે. આ હરણ લુપ્ત થઇ રહ્યા છે. જે રીતે તેમનો સંહાર થઇ રહ્યો છે તે જોતાં આગામી પાંચ વર્ષમાં તેની જાતિ સાવ લુપ્ત થઇ જશે. આ નાના હરણને શિંગડા નથી હોતા ગોળ આકારના કાન હોય છે, અને નાના દાંત હોય છે. દિવસ દરમ્યાન તે જંગલમાં છૂપાતા ફરે છે. અંધારુ થતાં જ તે ખોરાક મેળવવા બહાર આવે છે. તેમના જીવન કાળ દરમ્યાન તે તેમની સરહદમાં જ રહે છે. મેલ કસ્તુરી મૃગ બે વર્ષનું હોય ત્યારથી જ કસ્તુરીની સુગંધ આવે છે. તે કસ્તુરી તત્વ બહાર કાઢીને પોતાની સરહદ નક્કી કરે છે તેમજ ફીમેલને આકર્ષવા તેનો ઉપયોગ કરે છે. દરેક કસ્તુરીના ગઠ્ઠાનું વજન ૧૫ ગ્રામ જેટલું હોય છે. આ ગઠ્ઠાની પરફ્યુમના ઉદ્યોગને (મસ્ક પરફ્યુમ બનાવવા) જરૂર હોય છે.
દ૨ વર્ષ ૪૦૦૦ જેટલા પુખ્તવયના કસ્તુરી મૃગને મારી નખાય છે. વિશ્વમા કુલ કસ્તુરીના ૧૫ ટકા જેટલું તો ફ્રાંસનો પરફ્યુમ ઉદ્યોગ વાપરે છે. ૧૯૭૯થી ઇન્ટરનેશનલ સીઆઇટીઇસ કરાર હેઠળ તમામ કસ્તુરી મૃગને રક્ષવામાં આવે છે. તેમ છતાં એશિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૦ ટકા વાઇલ્ડ લાઇફ પોપ્યુલેશનનો નાશ થયો છે. ભારતમાં ૧૯૮૬માં ૩૦,૦૦૦ કસ્તુરી મૃગ હતા આજે ૩૦૦૦ છે.
મેલ કસ્તુરી મૃગ મેળવવા પાંચ થી છ મૃગને ફસાવવામાં આવે છે. નર મૃગમાં કસ્તુરીનો ગઠ્ઠો મોટો હોઇ કિલો ગ્રામ કસ્તુરી મેળવવા ૪૦ નર કસ્તુરી મૃગની હત્યા થાય છે. શિકારીઓ તેને ફસાવવા સ્ટીલની જાળીનો ઉપયોગ કરે છે. તે પકડાયેલા પ્રાણીને જીવતા કાપીને તેમાંથી જોઇતા તત્વ લઇને તેને મરવા માટે છોડી દે છે. હિમાલયમાં આવા કપાયેલા પ્રાણીઓ હજારોની સંખ્યામાં જોવા મળે છે. શિકારીઓની સંખ્યા વધી છે. મોટી ઉંમરના કોઇ કસ્તુરી મૃગ બચતા નથી. ઘણાં સ્થળોએ શિકાર પર પ્રતિબંધ છે પણ પરફ્યુમ કંપની કોઇને ગાંઠતી નથી.
આવી જ રીતે પરફ્યુમ ઉદ્યોગ ફીક્સેટીવ તરીકે વાપરવા જે પ્રાણીનો ઉપયોગ કરે છે તેમાં પોલ-કેટ નો સમાવેશ થાય છે. બિલાડીને મળતાં આવતા આ પ્રાણીના શરીર પર ટપકાં હોય છે અને આફ્રિકા તેમજ દક્ષિણ-પૂર્વ એશિયામાંથી મળી આવે છે. તેના પૂંછડીના ભાગે રહેલી ગ્રંથિ મેળવવા તેને મારી નખાય છે. ઇથોપીયામાં આ પ્રાણીને વર્ષો સુધી નાના પાંજરામાં પુરી રખાય છે. તેની ગુદાની જગ્યા પરની ગ્રંથિ મેળવવા તેના માલિક ગુદાની અંદર ચમચો નાખીને ગ્રંથિ કાઢી લે છે. જે ખૂબ પીડાદાયક પ્રોસેસ હોય છે. વર્લ્ડ સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ એનીમલ્સે તેની તપાસ કરી હતી. તેને પકડીને મારી નાખવામાં આવે છે. અને ગુદા-ગ્રંથિ કાઢી લેવામાં આવે છે. અન્ય પરફ્યુમમાં ડુક્કર અને અન્ય પ્રાણીની ચરબી વપરાય છે. ફુલોમાંથી તેમની સુવાસ ખેચી લેવાય છે.ત્યારે ફુલો પણ બદલાયેલા દેખાય છે. જરૂરિયાતનું ઓઇલ મેળવવા ગ્રીસ અને ચરબીને આલ્કોહોલમાં ઓગાળવામાં આવે છે. આ બંનેની માત્રા પરફ્યુમ, યુડીકોલોન અને ટોયલેટ માટેની બનાવટ માટે નક્કી થાય છે.
સ્પર્મ વ્હેલનું સંપૂર્ણ નિકંદન નીકળી ન જાય તેવી કોઈ કાનૂની યંત્રણા ગોઠવવી જોઈએ. પશુપ્રેમીઓ એવી દલીલ આગળ કરે છે કે પ્રાણીઓમાંથી ઓઇલ ખેંચીને તેમનો વિનાશ કરવાના બદલે સિન્થેટીક ઓઇલનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ પરફ્યુમ ઉદ્યોગ ફેરફાર માટે તૈયાર નથી. જ્યાં સુધી તેમના પર કડક પ્રતિબંધો નહી લદાય ત્યાં સુધી કોઇ ફર્ક પડવાનો નથી.


