Get The App

માણસાઈની અંબોળ .

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
માણસાઈની અંબોળ                                   . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- અનાજ તોલવાની પણ કેવી પદ્ધતિ !! ચામડાનાં ત્રાજવાં. એક મણ અનાજ લાવીએ એટલે શેર-બશેર વધારે જ મળે. તોલનાર નમતું જોખે. નમતું જોખવાની પ્રથા હતી

'અં બોળવું' શબ્દનો અર્થ ઉમેરણ કરવું એમ થાય છે. તોલ કે માપમાં કશુંક ખૂટે ત્યારે એમાં ઉમેરણ કરવા માટે 'અંબોળવું' શબ્દ વપરાય છે. ઓછું હોય તો પૂર્ણ કરવા માટે જે ઉમેરણ કરવાનું હોય તે અંબોળવું. પ્રવાહી કે ઘન પદાર્થોમાં એ ઉમેરણ થાય. નરસિંહ મહેતાના ગરમ પાણીમાં ઠંડુ પાણી અંબોળવાથી ન્હાવા લાયક બન્યું હતું. ત્યાં થોડોક જુદો અર્થ છે - સમતોલ કરવા માટેનો. પરંતુ 'અંબોળ' શબ્દનો એક વિશિષ્ટ અર્થ પણ છે જે શબ્દકોશમાં નોંધાયો નથી. શાકવાળી શાક વેચવા માટે આવે ત્યારે ઉપરથી વધારામાં બે બોર, બે સિંગોડાં, કાકડીનો કટકો છોકરાના હાથમાં આપે તેને અંબોળ કહે છે. અંબોળ આપે તેવી શાકવાળી પાસેથી જ લોકો વધારે શાક લેતાં. શાક બાજરી-ઘઉંના બદલામાં લેવાતાં. સસ્તુ શાક હોય તો બાજરીનું બેવાર શાક મળે. સરખો ભાવ હોય તો એકવાર એટલે સાટે મળે, અને મોંઘુ શાક હોય તો 'અર્ધીના' મળે. એટલે અનાજ અડધું કરીને મળે. એક પલ્લાનું શાકવાળી લઈ લે, પછી જે બચ્યું હોય તેના બદલામાં મોંઘુ શાક તોલે - તે અડધીના - કહેવાય. શાકવાળી તો સામાન્ય હતી પણ એનામાં રહેલી ભાવના અસાધારણ હતી.

અનાજ તોલવાની પણ કેવી પદ્ધતિ !! ચામડાનાં ત્રાજવાં. એક મણ અનાજ લાવીએ એટલે શેર-બશેર વધારે જ મળે. તોલનાર નમતું જોખે. નમતું જોખવાની પ્રથા હતી. 'નમતું જોખવું' એવો રૂઢિપ્રયોગ પણ જાણીતો થઈ ગયો છે. પ્રવાહીનું માપ પણ એવું. કોઈ ઢોર રાખનારને ત્યાંથી દૂધ મળે, દૂધ લેવા કોઈ જાય તો ટોપલીનું માપિયું  હોય, અચ્છેર - પાશેર. માપ ઉપરાંત થોડુંક રેડી આપે, વધારાનું આપે જ, એ અંબોળ. આ 'અંબોળ'નો પણ ઘણો મહિમા હતો. આપનારની દિલાવરી ભાવનાનાં તેમાં દર્શન થતાં હતાં. ગામડાના નાના-અભણ માણસોમાં પણ જે દયા-આદર-કરૂણાની ભાવના હતી તે અનન્ય હતી !

આજે માણસાઈ શૂન્ય થઈ છે ત્યાં અંબોળની તો વાત જ ક્યાં રહી ? ગામડાના નાના માણસોમાં પણ આવી લેવડદેવડમાં તે ભાવના દેખા દેતી. દાન કરવાથી જ દાનેશ્વરી થવાય એવું નથી, આવા નાના નાના દાનવીરો પણ ગામડામાં આજેય મળે છે.

કોઈના ખેતરમાં શાકભાજી થયાં હોય, ખેડૂત હાજર ના હોય તો જાતે-તોડીને લઈ લેવામાં કોઈ બાધ નહિ, કોઈ ગુનો નહિ. ખેડૂત હાજર હોય તો ખેડૂત જાતે તોડીને આપે જે તમારી અપેક્ષા કરતાં વધારે જ હોય... એ રિંગણ હોય, ભીંડા કે મરચાં હોય, કોબી, ફલાવર કે ટામેટાં... અરે આંબા પરથી કેરીઓ પણ પાડીને આપે... આ દિલદારી નહિ તો બીજું શું ? વિયાયેલી કૂતરીને શીરો ખવડાવવો, માંદા બળદને જીવની જેમ જાળવવો, ઝેરી સાપને પગે લાગી જવા  દેવો. આ કેવી ભાવના ? ખેડૂતના ખેતરમાં ખળું હોય, ખળામાં મોલ તૈયાર થાય. અનાજની પૂમડી થઈ હોય, તોલવા માટે ગામમાંથી કોઈ ભાઈ આવ્યા હોય.... કોથળા ભરાતા જાય. એક પછી એક એક થયું ને બે થયાં... ત્રીજુ ભઈલા ચાર થયાંને પાંચે પરમેશ્વર આમ તોલા ગણાતા જાય... પ્રત્યેક ત્રાજવું નમતું જ હોય... પાંચમણનો કોથળો હોય પણ પાંચશેર - સાતશેર અનાજ વધારે જ હોય, વળી ભાગિયો, બ્રાહ્મણ, વસવાયાં આવે ને હક્ક પ્રમાણે લઈ જાય.

આજના મોલ સિસ્ટમના વજનકાંટામાં એકગ્રામ પણ વધારે ના મળે !! દિલદારી તો ખેડૂતની જ. મોટા ખેડૂતને ત્યાંથી બાજરી કે જુવારના પૂળા કે ઘઉનાં પૂળિયાં ખરીદવાનાં હોય તો સો નંગ પ્રમાણે ભાવ નક્કી થયેલો હોય તો પણ ઉપરથી બે પાંચ પૂળિયાં-પૂળા વધારાના તે આપે જ - એ અંબોળ. કુંભારને ત્યાંથી ઈંટો અને નળિયાં પણ ગણતરી કરતાં વધારે જ મળે. આ ગામડાના માણસોની દાતારી હતી... માણસાઈનાં ત્યાં દર્શન થતાં, એ અંબોળ.

ગાયો ભેંસો રાખનારાં વલોણાના દિવસે સૌને બોલાવી-બોલાવીને ઘટ્ટ છાસ મફતમાં વ્હેંચે. લોકો હોંશથી લઈ જાય. - આને શું કહીશું ? કોઈ આવક જ ના હોય એવાં પરિવારો પણ ગામડે નભી જતાં. કોઈ ને કોઈ વ્યવસ્થા થઈ જતી. આવી સરસ સમાજવ્યવસ્થા હતી... કોઈને ત્યાં મહેમાન આવ્યા હોય અને ઘરમાં ખાંડ-ચા ના હોય તોબાજુના ઘરમાં જઈ માંગી લાવતા... મહેમાન સચવાઈ જતા. પ્રસંગો કાઢવા-કઢાવવા ભાઈઓ-કુટુમ્બીઓ ટેકો કરતાં. આ ભાવના હવે લુપ્ત થવાને આરે છે - મૂળ વાત તો એ છે કે વ્યાપક માનવ ભાવનાનું પોષણ કેવું થતું ? તેનો ખ્યાલ કરવાનો છે. બાળકોમાં એ ભાવનાનું પોષણ થતું. તાલીમ મળતી અને આમ માણસાઈનાં સમાજમાં વાવેતર થતાં.

ગામડે બળતણ કોઈ વેચાતું લાવે નહિ - ગમે તેના ખેતરમાંથી, રસ્તામાંથી વીણી લાવે... રોજ લાવે રોજ રંધાય.. રોજ ખવાય. બળતણ માટે કોઈ ના પણ ના પાડે. આને શું કહેશો ? ગામમાં પાણી ન આવતું હોય ત્યારે કોઈના કૂવે, મશીને, બોરે પાણી ભરવા જાઓ, ભેંસો - ગાયો પાવા જાઓ - કપડાં ધોવા માટે જાઓ તો કોઈ ક્યારેય ના પાડે જ નહિ. આને તમે શું કહેશો ? ઓચિંતાનું બે માણસને બહાર જવાનું થાય કે દવાખાને જવાનું થાય તો નાનાં બાળકો પડોશીને ત્યાં જ રહે. ખાય-પીએ- નિશાળે જાય.... આમાં કોઈ સપાડાં ન્હોતાં ચઢતાં ! પડોશમાં એક કરતાં વધારે મહેમાન ભેગા થઈ ગયા હોય તો ચા-પાણી કરાવવા કે નાવાધોવા માટે બબ્બે બબ્બે મહેમાન મહોલ્લાના ભાઈઓને ત્યાં વહેંચાઈ જતા... કામ પૂર્ણ થઈ જતાં આવા. જીવનના વ્યવહારોમાં કેવાં માનવમૂલ્યો વણાયેલાં હતાં ! આવી ઘટનાઓને જ માણસાઇની અંબોળ કહું છું, જે આજે દિન પ્રતિદિન હોલવાઈ રહી છે, ત્યારે સમાજ વ્યવસ્થાનાં આવાં પરિવર્તનોને વ્યથિત કરે છે, પણ થાય શું ? આ પ્રકારની તાલીમ ભાવિ બાળકો ક્યાંથી મેળવશે એ યક્ષ પ્રશ્ન બની રહે છે.