તિબેટના સિદ્ધયોગી મિલારેપા અલૌકિક યોગસિદ્ધિઓ ધરાવતા હતા
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મિલારેપાએ એમનો બદલો તો લઇ લીધો પણ તેમને તેમની ભૂલનો અહેસાસ થયો
- સાચેસાચ, આત્મહત્યા જેવું બીજું કોઇ પાપ નથી. તમે હજુ થોડી ધીરજ રાખો. બધું સારું થશે. આવી આકરી કસોટીઓ પછી મારપાએ દીક્ષા આપી.
તિ બેટના મહાન સિદ્ધયોગી અને આધ્યાત્મિક કવિ જેત્સુન મિલારેપા અનેક પ્રકારની યોગ સિદ્ધિઓ ધરાવતા હતા. વિશ્વમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ કૈલાસ પર્વતના શિખર પર જઇ શકી છે. એવી વ્યક્તિઓમાં મિલારેપાની ગણતરી થાય છે. તિબેટની ભૂમિ અધ્યાત્મ અને દિવ્ય ચેતનાને ઉજાગર કરવા નિરંતર સમર્પિત રહી છે. અહીં અનેક મહાપુરુષો આત્મજ્ઞાાન પ્રાપ્ત કરી દૈવી સિદ્ધિઓને પામ્યા છે. મહાયોગી મિલારેપા આવા મહાસિદ્ધ પુરુષોમાં અગ્રગણ્ય સ્થાને બિરાજે છે.
જેત્સુન મિલારેપા (૧૦૫૨-૧૧૩૫)નો જન્મ એક સંપન્ન પરિવારમાં થયો હતો. તે ૭ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મરણ થઇ ગયું હતું. પરિવારમાં મા અને બહેન સાથે મિલારેપા એકલા પડી ગયા. એમના કાકાએ એમની બધી સંપત્તિ હડપ કરી લીધી. તેમની માતાએ સંપત્તિ પાછી મેળવવા અનેક પ્રયાસો કર્યા પણ એમાં સફળતા ના મળી. એમ કરતાં થોડા વર્ષો વીતી ગયા. મિલારેપા ૧૩ વર્ષની ઉંમરના થયા ત્યારે એક દિવસ તે ગીત ગાઈને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે તેમની માતાએ ગુસ્સે ભરાઈને તેમનો ઉઘડો લઇ નાંખ્યો અને તેમને કહ્યું - 'તું કેવો પુત્ર છે? શું તારું લોહી ઉકળતું નથી? તારા માતા-પિતાના અપમાનનો બદલો લેવાને બદલે તું ખુશ થઇને ગીતો ગાઈ રહ્યો છે. તું જીવનમાં કંઇ કરવા માંગતો હોય તો પહેલાં આનો બદલો લે. આ વાત મિલારેપાના મનમાં ઘર કરી ગઇ અને બદલો લેવા માટે તેેમણે તંત્ર સાધનાની મદદ લેવાનું વિચાર્યું. તે માટે તેમણે તિબેટના તંત્ર ગુરુઓ પાસેથી તંત્ર વિદ્યા શીખી લીધી. એવું કહેવાય છે કે મિલારેપાએ એમની માતાએ કહ્યું હતું તે રીતનો કાકાએ જે સંપત્તિ છીનવી લીધી તેનો બદલો લેવા તાંત્રિક વિદ્યા અજમાવી હતી. એમના કાકાને ઘેર લગ્ન પ્રસંગે મિજબાની ચાલી રહી હતી ત્યારે એકાએક એમનું ઘર તૂટી પડયું હતું અને તેમાં કાકાના બધા દીકરાઓ સહિત પાંત્રીસ માણસો દટાઈને મરી ગયા હતા. એ પછી મિલારેપાએ તંત્ર-મંત્રનો પ્રયોગ કરી હિમવર્ષા વરસાવી કાકાના ખેતરોનો ઊભો પાક બાળી નાંખ્યો હતો.
મિલારેપાએ એમનો બદલો તો લઇ લીધો પણ તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. તેમના મનમાં પશ્ચાતાપ થયો. તે આ દોષથી મુક્ત થવા ઇચ્છતા હતા એટલે તેમણે અધ્યાત્મનું શરણ લીધું. તે અધ્યાત્મ ગુરુની તપાસ કરી રહ્યા હતા ત્યારે કોઇએ ભારતથી યોગ શીખીને આવેલા ગુરુ મારપા વિશે કહ્યું. તે વિખ્યાત ગુરુ નરોપાના શિષ્ય હતા.
મિલારેપાના પાપ ધોઇ કાઢવા એમને સમર્થ યોગી અને ઉત્તમ સંત બનાવવા મારપાએ એમની પાસે કઠોર તપશ્ચર્યારૂપ પરિશ્રમ કરાવ્યો. તેમને ભયંકર યાતનાઓ પહોંચે તોય નિર્દય જેવા થઇને પશુ પાસે કરાવાય એનાથી પણ વધારે ભાર ઉચકાવતા, મહેનત કરાવતા. એકલા હાથે મકાન બનાવડાવતા, એને તોડાવી નંખાવતા અને ફરી પાછું બીજી રીતે બનાવડાવતા. આ રીતે ૧૩ વર્ષો વીતી ગયા પછી પણ તેને જ્ઞાાન આપ્યું નહીં. મારપાની પત્ની દમેમાને મિલારેપાની હાલત પર દયા આવી ગઈ. તેણે એક ખેતર તેમને આપીને કહ્યું - આ મારપાના શિષ્યને આપી દો તો તે તમને દીક્ષા આપશે. તેમણે તેમ કર્યું તોય તેમને જ્ઞાાન આપવા છતાં આત્મસાત્ થયું નહીં. મારપાને આ વાતની ખબર પડી એટલે તેમણે મિલારેપાને કાઢી મૂક્યા. તે આત્મહત્યા કરવા જતાં પણ દમેમાએ એમને રોક્યા અને કહ્યું - સાચેસાચ, આત્મહત્યા જેવું બીજું કોઇ પાપ નથી. તમે હજુ થોડી ધીરજ રાખો. બધું સારું થશે. આવી આકરી કસોટીઓ પછી મારપાએ દીક્ષા આપી.
મારપાએ તેમને હિમાલયની ગુફાઓમાં અને કૈલાસ પર્વતની ટોચ પર બેસીને ધ્યાન કરવાની સલાહ આપી. આ રીતે મિલારેપાની યોગસાધના ઉત્કટ થવા લાગી. ઇ.સ. ૧૦૯૩માં તેમણે કૈલાસ યાત્રા શરૂ કરી. કૈલાશ પર પશ્ચિમ તરફથી ચડવામાં આવે ત્યારે સૌથી પહેલો ગુર્લાસેહી નામની જગ્યા આવે છે. તે આ જગ્યાએ પહોંચ્યા ત્યારે દેવોએ એમનું સ્વાગત કર્યું. તે પછી માનસરોવર પાસે રોકાયા ત્યારે તેમની મુલાકાત નારોવાન ચુમં સાથે થઇ. તે બોન ધર્મના પ્રચારક હતા. કૈલાસ પર જવા અંગે તે બન્ને વચ્ચે વિવાદ થયો. બન્નેમાથી જે પહેલાં પહોંચે તેનો અધિકાર એમ નક્કી થયું. છેવટે મિલારેપા જ તેમના કરતા વહેલા પહોંચ્યા. મિલારેપાએ કૈલાસના શિખર પરથી થોડો બરફ ઉઠાવીને નીચે ફેંક્યો જેનાથી એક નાનો પર્વત બની ગયો. મિલારેપાએ એ પર્વત નારોવાનને આપીને કહ્યું - આ બોન ધર્મ માટે છે જ્યાંથી તમે હમેશા કૈલાસને જોઈ શકો છો. પહેલાના સમયમાં આ પર્વતને ગેંગચુમ એટલે 'નાના કૈલાસ' નામથી ઓળખવામાં આવતો હતો.
કૈલાસ પર્વત પર સાધના પૂરી થઇ ગયા બાદ મિલારેપા મારપા પાસે પાછા આવી ગયા. એક દિવસ એક દેવીએ તેમને દર્શન આપીને કહ્યું - તમારી સાધના હજુ થોડી અધૂરી છે. હજુ થોડું જ્ઞાાન થવું બાકી છે. મારપા મિલારેપાને લઇને એમના ગુરુ નારોપા પાસે ગયા. તે મિલારેપાને જોઇને આનંદિત થયા. તેમણે કહ્યું 'અંધકારમાં ડૂબેલા ઉત્તરમાં છેવટે એક નાનો સરખો પ્રકાશ થયો છે.' પછી તેમણે મિલારેપાને તેમના જીવનમાં જે ખૂટતું હતું તે જ્ઞાાન પ્રદાન કર્યું. તેનાથી તે આંતરસુખ અને પૂર્ણજ્ઞાાનને ઉપલબ્ધ કરી અમૃતત્વને પ્રાપ્ત થયા.
ત્સાંગન્યોન હેરુકાના પુસ્તક 'હન્ડ્રેડ થાઉસન્ડ સોંગ્સ ઓફ મિલારેપા'એ બાબતનો ઘટસ્ફોટ કરે છે કે મિલારેપાએ એમના જીવનમાં એક લાખ ગીતોની રચના કરી હતી. એમના અનેક ગીતો તિબેટમાં આજે પણ ગવાય છે. હિમાલયની ગુફામાં તે મોટેભાગે સફેદ પાતળુ વસ્ત્ર (રેપા) પહેરી રાખતા. એટલે જ એમને મિલારેપા તરીકે ઓળખવાનું શરૂ થયું હતું. એમના ગુરુ મારપા પણ મિલારેપાને આત્મ જ્ઞાાન અને પરમ તત્વનો સાક્ષાત્કાર થયા બાદ એમના શિષ્ય બની ગયા હતા. સિદ્ધ યોગી મિલારેપા કોઇ પણ રૂપ ધારણ કરી શકતા હતા. સૂક્ષ્મ શરીરથી આખા બ્રહ્માંડમાં વિહાર કરી શકતા હતા. એકમાંથી અનેક રૂપ એક સાથે ધારણ કરી લેતા, પણ એમને યોગસિદ્ધિઓ પરત્વે નહીં, બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો ધ્યેય હતો. એટલે જ્ઞાાન અને ધ્યાનની પ્રક્રિયામાં જ સતત નિરત રહેતા હતા. કહેવાય છે કે દેવો પણ શિષ્ય બનવા આવતા હતા.
ઇ.સ. ૧૧૩૫માં ૮૪ વર્ષની વયે મિલારેપાએ મહા સમાધિ લીધી. એ વખતે દેવ-દેવીઓએ એમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી અને આકાશમાં દિવ્ય સંગીત ગૂંજી ઉઠયું હતું. એમનો દેહ રાખવામાં આવ્યો હતો તે ચિતાએ અષ્ટદલ કમલનો આકાર ધારણ કરી લીધો હતો. તેમણે સળગતી ચિતામાંથી બેઠા થઇ છેલ્લો ઉપદેશ આપ્યો હતો. છેવટે ચિતાએ વિહારનો આકાર ધારણ કરી લીધો હતો જેમાં દ્વાર, ઘુમ્મટ, ધ્વજા-પતાકા, વૃક્ષો, બેઠક વગેરે દેખાયા હતા. સ્વર્ગમાંથી દેવ-દેવીઓએ અમૃતનો અભિષેક કર્યો હતો. એમના દિવ્યધામ ગમન પછી પણ મિલારેપા કૈલાસની કોઇ ગુફામાં ધ્યાન કરતા જોવા મળે છે. એવું મનાય છે કે મિલારેપા એમના દિવ્ય સ્વરૂપથી અત્યારે પણ સાધનારત છે.