જાપાનમાં ગણેશ, કુબેર અને ઋષિ ઋષ્યશૃંગ
- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- ગણેશજીનાં અનેક રૂપો ભારતમાં જોવા મળે છે. એવી જ રીતે જાપાનમાં પણ ગણેશની મૂર્તિનું એક સાવ ભિન્ન સ્વરૂપ જોવા મળે છે
મ હિમાગાનમાં અને જયજયકારમાં આપણને ભારે રસ અને જબરી રુચિ છે, પરંતુ એ મહિમાના સ્વરૂપનો ભીતરમાં જઈને અભ્યાસ કરવાની કોઇ રુચિ નથી. ભારતીય સંસ્કૃતિનો આપણે ચોમેર ડંકો વગાડીએ છીએ. દેશમાં એને માટે કે એને નામે કેસરિયાં કરનારા 'બહાદુરો' પણ વસે છે, પરંતુ આ ભારતીય સંસ્કૃતિએ અર્થાત્ ભારતીય જીવનપ્રણાલી અને એની તત્ત્વધારાએ ભારતની બહાર જુદા જુદા દેશમાં સર્જેલા પ્રભાવો વિશે આપણે ભાગ્યે જ ગંભીરતાથી કશું વિચારીએ છીએ.
આજના વિશ્વમાં જાપાનની પરંપરાની ભવ્ય જાળવણી, આશ્ચર્યકારક ઔધોગિક પ્રગતિ અને એના નાગરિકોની પ્રામાણિકતાથી આપણે વાકેફ છીએ, પરંતુ એ જાપાનની આ આગવી પ્રાચીન સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિના પ્રભાવ વિશે બહુ ઓછો અભ્યાસ થયો છે. હકીકત તો એ છે કે ઇતિહાસકારો, તત્ત્વવિદો અને સાચા દિલથી પ્રવાસ ખેડનારાઓ એમ માને છે કે જાપાન પાસે આજે જે ભવ્ય સંસ્કૃતિ છે, તેના પાયામાં ભારતીય સંસ્કાર રહેલાં છે.
ભારતમાં ઉદ્ભવેલાં બૌદ્ધ ધર્મએ જાપાન પર અવર્ણનીય પ્રભાવ પાડયો અને બૌદ્ધ ધર્મગ્રંથોના ભાષાંતરે ભારતથી હજારો માઈલ દૂર આવેલાં, દૂર-અતિ દૂરનાં ટાપુઓમાં આ બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો. કલ્પનાએ કરીએ કે કેટલીય ઊંડી ખીણો, વિશાળ ખેતરો, ઊંચા પર્વતો, સપાટ મેદાનો અને અફાટ સમુદ્રને પાર કરીને આ બૌદ્ધ ધર્મ એશિયાના છેક પૂર્વ છેડે આવેલાં આ ટાપુઓમાં પહોંચ્યો, પરંતુ એની સાથોસાથ એમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ પણ ભળી ગઈ અને તેથી જાપનમાં વૈદિક ધર્મ (હિંદુ ધર્મ) અને જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે. કદાચ આ જ સંસ્કારોને કારણે જાપાનમાં સંસ્કૃત ભાષા, પાલી ભાષા અને ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વિશાળ છે.
માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં, બલ્કે ભારતીય દેવો અને ઋષિની ભક્તિ પણ જાપાનની ઓળખ બની ગઈ છે. બન્યું એવું કે બૌદ્ધ ધર્મના કર્મકાંડમાં ધીરે ધીરે ભારતીય દેવો પૂજાવા લાગ્યા. ભારતના પ્રથમ વેદ 'ઋગ્વેદ'માં દેવોના રાજા એવા ઇન્દ્રના ૨૫૦ સૂક્ત છે અને આ ઇન્દ્ર એ સુખ, સંપત્તિ, બળ અને બુદ્ધિ ઉપરાંત ગર્જનાસહિત વરસાદ વરસાવનાર દેવરાજ છે. એને આપણે ત્યાં 'શક્ર' કહેવામાં આવે છે. જાપાનમાં પણ આર્યોના શત્રુઓના સંહારક એવા આ જ ઇન્દ્રને દેવોના દેવ એવા 'તૈશકેતુ' અથવા તો 'શક્ર'ને નામે પૂજાય છે.
'ઋગ્વેદ''માં અને એ પછીના સમયમાં ભારતીય સંસ્કૃતિમાં દેવરાજ ઇન્દ્રનો ઘણો પ્રભાવ જોવા મળે છે અને એ પછી વિષ્ણુનો પ્રભાવ જોવા મળે છે. આ ઇન્દ્રનો પ્રભાવ છેક જાપાન સુધી પહોંચ્યો. એનાથીયે એક મહત્ત્વની બાબત ભારતીય પૌરાણિક દંતકથાઓમાં મળતી ઋષ્યશૃંગ ઋષિની કથા છે. રામાયણમાં ઋષ્યશૃંગ ઋષિની વાત મળે છે અને એમના આશ્રમની વાત 'મહાભારત'ના વનપર્વ (અધ્યાય ૧૧૦-૧૧૧)માં મળે છે.
આ વાતનું જરૂર તમને આશ્ચર્ય થાય. આ ઋષ્યશૃંગ ઋષિ કશ્યપ કુળના વિભાંડક નામના ઋષિના પુત્ર હતા. એકવાર અંગ દેશમાં દુષ્કાળ પડયો હતો, ત્યારે ત્યાંના રાજા ચિત્રરથ અને લોમપાદે આ ઋષ્યશૃંગ ઋષિને પોતાના રાજ્યમાં બોલાવીને તેમનું પૂજન કર્યું હતું અને તેને પરિણામે વરસાદ વરસ્યો હતો. રાજાએ પ્રસન્ન થઈને એમની શાંતા નામની કુંવરીને ઋષિને પરણાવી હતી અને એ શાંતાને પુત્ર જન્મ્યો હતો. એ પછી ઋષિ આશ્રમમાં પાછા આવ્યા અને અયોધ્યા જઈને મહારાજ દશરથ પાસે પુત્ર કામેષ્ટિ નામે યજ્ઞા કરાવ્યો. જેને પરિણામે રાજા દશરથને ત્યાં રામ આદિ પુત્રો જન્મ્યાં.
પૌરાણિક કથાઓ પ્રમાણે આ ઋષિ હવે પછીનાં સપ્તર્ષિમાં સ્થાન પામશે. જ્યારે 'મહાભારત' અનુસાર ઋષ્યકુંડ આશ્રમ કુશિ (કૌશિક) નદીની નજીક અને ચંપાથી ચોવીસ માઈલ દૂર આવ્યો હતો. ત્યાં ઠંડા અને ગરમ પાણીના ઝરા ધરાવતું ઋષિકુંડ સરોવર હતું અને એના ઉત્તર દિશામાં ઋષિ ઋષ્યકુંડ અને એમના પિતા વિભાંડક ઉપાસના કરતા હતા. આજે પણ ભાગલપુર પાસે અઠયાવીસ માઈલ પશ્ચિમે ઋષિકુંડ આવેલો છે, જે પુરાતન ઋષ્યકુંડ આશ્રમ હતો.
ઋષ્યશૃંગ ઋષિની આટલી માહિતી દર્શાવવાનો અર્થ એ કે જાપાનનું પ્રખ્યાત 'કબુકી' નાટક 'નરુકામી' આના પર આધારિત છે અને આ પૌરાણિક દંતકથા બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથોમાં પણ સમાવિષ્ટ કરાઈ છે અને જાપાનમાં ઘણી પ્રચલિત છે. વળી ભારતીય મૂળના આ ઋષિને જાપાનમાં સંત માનવામાં આવે છે અને એટલે આ સંતની પ્રતિમા આજે ઇક્કાકુ સેન્નીન એટલે કે ઇકાસરંગા (શૃંગાશ્વ) તરીકે જાણીતી છે.
આપણાં દેશમાં ગણપતિનાં તો કેટકેટલાં રૂપ છે. આ બુદ્ધિદાતા ગણેશ જાપાનમાં પવિત્ર દેવ ' શો-ડેન' નામે જાણીતા છે. આ દેવનું મસ્તક સૂંઢ સાથે હાથીનું છે અને બાકીનું અંગ માનવીનું છે. જાપાનનાં મંદિરોમાં જઈને લોકો પોતાની ઇચ્છાતૃપ્તિની ઇશ્વર પાસે યાચના કરતા હોય છે. એ દૃષ્ટિએ જાપાનમાં ગણેશ ઉર્ફે શો-ડેનને લોકો પ્રેમની બાબતમાં સુખ આપનાર દેવ તરીકે પૂજે છે.
ગણેશજીનાં અનેક રૂપો ભારતમાં જોવા મળે છે. એવી જ રીતે જાપાનમાં પણ ગણેશની મૂર્તિનું એક સાવ ભિન્ન સ્વરૂપ જોવા મળે છે. જેમાં નર અને નારી એટલે કે વિનાયક અને વિનાયકીની એકબીજાને આલિંગન આપતી (મૈથુન) પ્રતિમા જોવા મળે છે. ભારતમાં પ્રાચીન સમયથી નાગની પૂજા થતી રહી છે. એમ પણ કહેવાય છે કે ભારતમાં વસતી દ્રવિડ જાતિમાં નાગ પૂજા પ્રચલિત હતી. ભારતીય પ્રાચીન સાહિત્યમાં છેક 'શતપથ બ્રાહ્મણ' ગ્રંથમાં 'નાગ' શબ્દ 'મહાનાગ'ના અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે, પરંતુ એ પછી 'બૃહદારણ્યક ઉપનિષદ' અને 'ઐતરેય બ્રાહ્મણ'માં એનો સ્પષ્ટ રૂપે 'સર્પ' એવો અર્થ કરવામાં આવ્યો છે.
સૂત્રોમાં પૌરાણિક 'નાગ'નો જે ઉલ્લેખ છે, એની પૂજા થતી હતી અને સમય જતાં હિન્દુ ધર્મમાં સર્પ-પૂજાએ સ્થાન લીધું. નોંધપાત્ર બાબત એ છે કે બીજા ઘણાં ધર્મોમાં પણ આ પ્રકારની સર્પપૂજા દૃષ્ટિગોચર થાય છે. કેટલીક જાતિ અને વંશે પણ 'નાગ'નો પોતાના ધર્મચિહ્ન તરીકે સ્વીકાર કર્યો છે. ભારત અને ચીનમાં નાગની ઉપાસના છે, તો એની સાથોસાથ જાપાનમાં પણ ખલાસીઓ દ્વારા પૂજાતા દરિયાઈ સર્પને જાપાની લોકો 'રીયુજીન'ના નામથી ઓળખે છે. ભારતમાં શાકિની-ડાકિની મળે છે.
તો જાપાનમાં પણ આવા નારી દૈત્યોની પૂજા થાય છે અને તેમાં હરિતી અને ડાકિનીની પૂજા કરવામાં આવે છે. આમાં હરિતીને કિશિમોજીનના નામે અને ડાકિની (ડાકણ)ની એના મૂળ નામે પૂજા થાય છે. ભારતમાં નવનિધિના ભંડારી તરીકે અને દેવોના કોષાધ્યાક્ષ તરીકે કુબેરનો ઉલ્લેખ છે. મહાદેવના મિત્ર અને યક્ષોના રાજા એવા કુબેર ભારતીય પરંપરામાં મુખ્ય દેવોમાંના એક દેવ મનાય છે. જાપાનમાં કુબેર સંપત્તિને બદલે સદ્ભાગ્યના દેવ તરીકે ઓળખાય છે. એની ઉપાસના એ નસીબના દેવ તરીકે કરવામાં આવે છે અને કુબેરને જાપાની લોકો 'બિશમાન' કહે છે. જાપાનના સામંતશાહી યુગમાં આ કુબેરની પૂજા એ યોદ્ધાઓને માટે વિજય અપાવનારી ગણાતી હતી.
નોંઘપાત્ર બાબત એ છે કે જાપાનના બૌદ્ધધર્મની જેમ એના શિન્તો ધર્મ પર પણ ભારતીય વિચારસરણીનો પ્રભાવ જોવા મળે છે. ટોકિયોના ડાઉનટાઉનમાં વસતા લોકો શિન્તો ધર્મના 'સુજેન' એટલે કે જળદેવની પૂજા કરે છે. જે ભારતમાં વરુણદેવ તરીકે ઓળખાય છે. બૌદ્ધ ધર્મના કીર્તિ મંદિરોમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલાં લોકોએ તેની ઓળખ આપી અને શિન્તો ધર્મમાં માનનારાઓએ એનો સ્વીકાર કર્યો. આવી શિન્તો ધર્મ પર પડેલાં ભારતીય પ્રભાવની વિગતો એટલી જ રસપ્રદ અને સંશોધનાત્મક છે, જે હવે પછી ક્યારેય જોઈશું.
મનઝરૂખો
પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલે પોતાની સંઘર્ષગાથા અને સફળતાની વાત કરી, ત્યારે શ્રોતાજનોએ અપૂર્વ રોમાંચ અનુભવ્યો. એ પછી સીએટલે એમના વકતવ્ય દરમિયાન જ ખિસ્સામાંથી પાંચસો ડોલરની નોટ કાઢી અને શ્રોતાજનોને પૂછ્યું,
'આ નોટ હું જમીન પર ફેંકી દઉં તો તે લેવા માટે કેટલા લોકો પોતાની જગ્યાએથી ઉભા થઈને દોડીને આગળ આવશે ?'
બધા શ્રોતાઓએ પોતાનો હાથ ઊંચો કર્યો. એ પછી એમણે નોટને વાળીને ટેબલ પર ચડીને પૂછ્યું, 'હવે, આવી વળેલી નોટને લેવા માટે કેટલા લોકો આવશે !'
બધાએ હાથ ઊંચો કર્યો. એ પછી એમણે સહુના આશ્ચર્ય વચ્ચે એ નોટને હથેળીમાં લઈને થોડી મસળી નાખી અને કહ્યું,
'કેટલા લોકો આવી નોટ લેવા તૈયાર થશે ?' અને બધાએ તૈયારી બતાવી.
એ પરથી સીએટલે શ્રોતાઓને કહ્યું, 'જેમ નોટ દબાયેલી હોય, વાળેલી હોય કે એને થોડી કચડી નાખી હોય. તો પણ એ એની કિંમત ગુમાવતી નથી. એ જ રીતે તમારે જીવનમાં સફળ થવા માટે તમામ તૈયારી કરવી જોઈએ. સફળતાના માર્ગે એવો પણ સમય આવે કે જ્યારે લોકો તમારી નિંદા કરે. તમને એવી રીતે પણ દબાવવાનો પ્રયત્ન કરે કે જેથી તમે હતોત્સાહી થઈ જાવ. કોઈક તમને કચડી કે મસળી નાખવાનો પ્રયત્ન પણ કરે, પરંતુ ભીતરથી મજબૂત અને ઇમાનદાર વ્યક્તિ આ નોટની જેમ હંમેશાં કીમતી જ બની રહેશે.'
પોતાની વાતનું સમાપન કરતાં આ પ્રસિદ્ધ ઉદ્યોગપતિએ કહ્યું, 'જેનું મનોબળ મજબૂત છે, એ જીવનમાં જરૂર કંઈક હાંસલ કરી શકશે અને આ જ મારી કામયાબીનું રહસ્ય છે.' શ્રોતાજનો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલની વાતથી અત્યંત પ્રભાવિત થઈ ગયા.
ક્ષણનો સાક્ષાત્કાર
જીવનમાં અવ્યવસ્થા, અંધાધૂંધી અને હતાશા આવે છે શા માટે ? એનું કારણ એટલું જ કે વ્યક્તિ જે લક્ષ્ય રાખે, તેની સાથે એની ઇચ્છાનો તાલમેલ હોતો નથી. વાસ્તવમાં પોતાની આંતરિક લાગણી, ભાવના અને ઇચ્છાને પારખ્યા સિવાય લક્ષ્ય નિર્ધારણ કરનાર નિષ્ફળ જાય છે. આથી જ બાણાવલી અર્જુન પાસે મત્સ્યવેધ કરવો એ એનું લક્ષ હતું અને એ લક્ષ્યની પાછળ એને સિદ્ધ કરવાની ઇચ્છા અને એ માટેનો અદમ્ય ઉત્સાહ હતો, પરંતુ બને છે એવું કે ઘણીવાર ઇચ્છા એક બાજુ જતી હોય છે અને લક્ષ્ય બીજી બાજુ સામા છેડે રહેલું હોય છે.
મનમાં ઇચ્છા હોય કે જીવનમાંથી ભૌતિક વસ્તુ ઘટાડવી, પરિગ્રહ ઓછો કરવો અને સુખ, શાંતિમય ચેનભર્યુ જીવન ગાળવું, પરંતુ એવામાં એ વ્યક્તિ કોઈ રાજકારણી કે ધનપતિને જુએ અને પછી એકાએક નક્કી કરે કે મારે તો આના જેવા જ બનવું છે ! એનું આવું લક્ષ્ય થોડા જ સમયમાં ભાંગી જાય છે. ઇચ્છા લેખક બનવાની હોય અને લક્ષ્ય રાખો ડોક્ટર બનવાનું, તો શું થાય ? આવે સમયે તમારે તમારી ઇચ્છા મને કમને દબાવવી પડશે. ક્યારેક એ ઇચ્છા તમારી સામે બંડ પોકારે તો એને ખામોશ કરવી પડશે. એવું પણ બનશે કે તમારી ઇચ્છા અધૂરી રહે અને લક્ષ્યસાધનામાં વિફળતા મળે.
જો સમાજસેવાની ઇચ્છા હોય તો સામાજિક સંગઠન સાથે જોડાવવું જોઈએ. કોઈ રાજકીય પક્ષ સાથે નહીં. કલાકાર બનવાની ઇચ્છા હોય અને લક્ષ્ય શેરબ્રોક્ર બનવાનું હોય, તો નિષ્ફળતા જ હાથ લાગવાની. ધનુષ પર ઇચ્છાનું તીર ચડાવીને લક્ષ્ય સિદ્ધ કરવું જોઈએ અને તેને માટે પહેલાં આંતરિક ઉર્જાને જાણીને પોતાની ઇચ્છા સેવવી અને પછી એ પ્રકારનું લક્ષ્ય રાખવું. આ ઇચ્છા અને લક્ષ્યની વચ્ચે જરૂર છે ઉત્સાહની. ઇચ્છા કરવાથી કે માત્ર લક્ષ રાખવાથી કશું સિદ્ધ થતું નથી.