- આજકાલ-પ્રીતિ શાહ
- સૃષ્ટિએ જોયું કે સ્ત્રીઓ ભણે છે, પણ નોકરી નથી કરતી. નોકરી કરે છે, પણ આર્થિક સ્વતંત્રતા નથી. તેણે એ સમજાવ્યું કે લગ્ન સફળ કે નિષ્ફળ જાય, પરંતુ તમારું શિક્ષણ અને નોકરી તમને નિશ્ચિત રીતે ઉજ્જ્વળ ભવિષ્ય આપશે
દૂ ર દૂરના અંતરિયાળ ગામડાંઓ અને બહુજન સમાજ સાથે જીવંત સંપર્ક દ્વારા પોતાની વાત પહોંચાડવાનું એક પ્રબળ માધ્યમ પદયાત્રા છે. જાતીય હિંસા અને લૈંગિક અસમાનતા સામે લડત આપવાના અને આ સમસ્યા અંગે જનજાગૃતિ કરવાના લક્ષ્ય સાથે સૃષ્ટિ બક્ષીએ ૨૦૧૭માં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની પદયાત્રા કરી હતી. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલી સૃષ્ટિનો ઉછેર અત્યંત સુરક્ષિત વાતાવરણમાં થયો. એનું કારણ એ હતું કે તે એક સૈનિક પરિવારમાં જન્મી હતી. બહારની દુનિયા કેવી છે તેનો એને કોઈ અંદાજ નહોતો, પરંતુ એ જ્યારે ચૌદ વર્ષની હતી, ત્યારે સ્કૂલના મિત્રો સાથે ફિલ્મ જોવાની પહેલીવાર માતા-પિતાએ મંજૂરી આપી હતી. પ્રથમવાર મળેલી આઝાદીથી તે ખૂબ ખુશ હતી, પરંતુ ભરચક થિયેટરમાં એ પોતાની સીટ પર પહોંચે તે પહેલાં જ અંધારાનો લાભ લઈને અજાણ્યા માણસે એની છેડતી કરી. સૃષ્ટિ કંઈ વિચારે તે પહેલાં તો તે ગાયબ થઈ ગયો. એક ચીસ સાથે એ થિયેટરની બહાર દોડી ગઈ.
આ ઘટનાની એના મન પર એટલી ઊંડી અસર થઈ કે આખી રાત ઊંઘી ન શકી. એ ઘરની બહાર નીકળતા પણ ગભરાતી હતી. વિશ્વમાં મહિલાઓ સાથે ઉત્પીડનની ઘટના સૃષ્ટિને બેચેન બનાવી દેતી હતી. સૃષ્ટિનું નાનપણથી બહુરાષ્ટ્રીય કંપનીના સી.ઈ.ઓ. બનવાનું સ્વપ્ન હતું. ધીમે ધીમે અભ્યાસમાં મન પરોવાઈ ગયું. ૨૦૦૪માં દહેરાદૂનની સેન્ટ જૉસેફ એકેડેમીમાંથી કોમર્સમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ૨૦૦૭માં માસ મીડિયામાં સ્નાતકની ડિગ્રી મેળવી. હૈદરાબાદની ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમ.બી.એ. કર્યું અને આઈ.ટી.સી. જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં એની પસંદગી પણ થઈ ગઈ. અહીંથી કૉલકાતા અને ત્યારબાદ મુંબઈની રેડ બુલ કંપનીમાં બ્રાન્ડ મેનેજર બની. સૃષ્ટિ ૨૦૧૪માં લગ્ન કરીને હોંગકોંગ ગઈ અને વિશાળ અનુભવને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર એવી સૃષ્ટિને ત્યાં પણ તરત નોકરી મળી ગઈ.
દુનિયાના જુદા જુદા દેશોમાંથી હોંગકોંગમાં આવતા લોકો સાથે સૃષ્ટિને હળવામળવાનું થતું. દરેક વ્યક્તિની ભારત વિશેની એક અલગ ધારણા હતી. એ બધા ભારત આવવા માગતા હતા. કોઈ તાજમહેલ જોવા માગતા હતા તો કોઈ યોગ વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હતા, પરંતુ સહુના મનમાં ભારતીય પુરુષો વિશેનો ખ્યાલ તદ્દન ખરાબ હતો. તેઓ માનતા હતા કે ભારતના પુરુષો 'દુષ્કર્મી' પ્રકૃતિના હોય છે. આ વાત સૃષ્ટિથી સહન નહોતી થતી. તે કહેતી કે બળાત્કારની ઘટનાઓ તો દુનિયાના દરેક દેશમાં બને છે, પરંતુ ભારતથી વારંવાર આવતા આવા સમાચારોને કારણે તેને શરમ અનુભવવી પડતી હતી. આવી મન:સ્થિતિમાં રહેતી સૃષ્ટિને ભારતમાં બનેલી એક ઘટનાએ હચમચાવી દીધી. ૨૦૧૬ના જુલાઈ માસમાં નોઈડામાં રહેતો પરિવાર પોતાની ગાડીમાં શાહજહાંપુર જઈ રહ્યો હતો, ત્યારે બુલંદશહરના દોસ્તપુર ગામ પાસે ડાકુઓએ પરિવારને લૂંટયો તો ખરો, પરંતુ ગાડીમાં બેઠેલી બે મહિલાઓ પર બળાત્કાર કર્યો. એમાંથી એક તો માત્ર તેર વર્ષની કિશોરી હતી. આ ઘટનાની સૃષ્ટિના મન પર એવી અસર થઈ કે તેણે નક્કી કર્યું કે ભારત જઈને સ્ત્રીઓને જાગૃત કરવી.
હોંગકોંગની સાઠ લાખની નોકરી છોડીને એણે ભારત આવવાની તૈયારી શરૂ કરી દીધી. ઘણા લોકોએ એને મજાકમાં કહ્યું કે તે કંઈ નહીં કરી શકે. નિષ્ફળ જ જશે. ભારતમાં પિતૃસત્તાક સમાજ છે, તેથી તેમાં પરિવર્તન કોઈ કાળે નહીં આવે, પરંતુ એના પતિએ ઉત્સાહ વધારતા તેને કહ્યું કે તે જે નક્કી કર્યું છે તે કરી બતાવ. તે ભારત આવી. આ ક્ષેત્રે એનો કોઈ અનુભવ નહોતો. પ્રથમ તો પોતાની જાતને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવી. મસલ્સ રીપેર થેરપી શીખી. પિતા સાથે બેસીને પદયાત્રાનો નકશો તૈયાર કર્યો અને ૨૦૧૭ની ૧૫મી સપ્ટેમ્બરે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા શરૂ કરી. એની સાથે રોજ અનેક લોકો જોડાતા ગયા. ૩૮૦૦ કિમી.ની પદયાત્રા ૨૩૦ દિવસમાં પૂરી કરી. બાર રાજ્યોમાં મળીને આશરે એક લાખ સ્ત્રીઓને મળી અને એકસોથી વધારે વર્કશોપનું આયોજન કર્યું. મહિલાઓ પર થતી હિંસાના કારણોને જાણ્યા. એ અંગે જાગૃતિની વાત કરી. પોતાની વર્કશોપમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ડિજિટલ અને આર્થિક સાક્ષરતા પર ભાર મૂક્યો. સ્ત્રીઓને પોતાના અધિકારો વિશે જાણવું જોઈએ અને ઘરમાં લૈંગિક સમાનતા રાખવા સમજાવ્યું.
સૃષ્ટિએ જોયું કે સ્ત્રીઓ ભણે છે, પણ નોકરી નથી કરતી. તેણે એ સમજાવ્યું કે લગ્ન સફળ કે નિષ્ફળ જાય, પરંતુ તમારું શિક્ષણ અને નોકરી તમને નિશ્ચિત રીતે ઉજ્જ્વળ ભવિષ્ય આપશે. એની પદયાત્રાએ એને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. મહારાણી એલિઝાબેથ અને સંયુક્ત રાષ્ટ્રએ એને સન્માનિત કરી. એની આ પદયાત્રાને વિમેન ઑફ માય બિલિયન નામની ડૉક્યુમેન્ટરી દ્વારા દર્શાવવામાં આવી. ૨૦૨૧માં રજૂ કરવામાં આવેલી આ ડૉકયુમેન્ટરીને ૧૪થી વધુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવી. જર્મનીમાં ૨૦૨૨ના સપ્ટેમ્બર માસમાં યોજાયેલ ગ્લોબલ વીક ટૂ એક્ટ ફાર એસડીજીના સમાપન સમયે આયોજિત એક સમારોહમાં ૨૦૨૨ના ચેન્જમેકર ઍવૉર્ડથી સન્માનવામાં આવી. આ ઍવૉર્ડ માટે વૈશ્વિક સ્તરે દોઢસો દેશોમાંથી ત્રણ હજાર વ્યક્તિઓએ નામાંકનપત્ર ભર્યા હતા, તેમાંથી સૃષ્ટિની પસંદગી કરવામાં આવી. સૃષ્ટિ કહે છે કે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' મહત્ત્વપૂર્ણ છે, પરંતુ 'બેટે કો સમજાઓ' એટલું જ, કદાચ એનાથી વધુ મહત્ત્વનું છે. મને ખબર નથી કે આનાથી કેટલી વ્યક્તિમાં પરિવર્તન આવશે. મેં તો બીજ વાવ્યા છે, પરિવર્તન માટે રાહ જોઈશ.
મેંગ્રોવનું રક્ષાકવચ
કેરળમાં વારંવાર આવતાં પૂરને રોકવામાં એ મદદરૂપ થાય છે. સમુદ્ર કે નદી કિનારાનું ધોવાણ થતું રોકે છે. કુદરતી આપત્તિઓ જેમ કે આંધી, ચક્રવાત, સુનામી કે તોફાનના સમયે તે મેંગ્રોવ રક્ષણનું કામ કરે છે
પ ર્યાવરણ, જલવાયુ પરિવર્તન અને પૃથ્વી પરથી ઘટતી હરિયાળીની ચિંતા વચ્ચે ઘણી વ્યક્તિઓ વિચારે છે કે એને બચાવવા માટે વ્યક્તિ પોતે એકલો શું કરી શકે ? ઘણી વ્યક્તિને આ અંગે કંઈક કાર્ય કરવાની ઇચ્છા હોય છે, પરંતુ એમને કંઈ સૂઝતું નથી. એ સહુને એક સામાન્ય માછીમાર રાજનના જીવનમાંથી ઘણું શીખવા મળશે. કેરળના કન્નૂર જિલ્લામાં પઝાયંગડી પાસે થાવમમાં રહેતા રાજન છેલ્લાં ચાળીસ વર્ષથી મેંગ્રોવને ઉગાડવાનું, સંરક્ષિત કરવાનું, બચાવવાનું અને પુનર્સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે, તેથી સહુ તેમને કંડલ રાજન તરીકે ઓળખે છે, કારણ કે મલયાલમ ભાષામાં કંડલનો અર્થ મેંગ્રોવ થાય છે. ૫૮ વર્ષના રાજન રોજ સવારે પોતાની નાનકડી નાવ લઈને નદીમાં માછલી પકડવા નીકળી પડે છે. તે સમયે થોડો સમય મેંગ્રોવની સંભાળ લેવાનું ભૂલતા નથી.
એક માછીમાર તરીકે તેઓ આ હરિયાળીનું મહત્ત્વ સમજે છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી હરિયાળી ઘટી રહી છે. આ ક્ષેત્રમાં એમણે એમના જીવનમાં મેંગ્રોવની આશરે બાવીસ પ્રજાતિઓ જોઈ છેે, પરંતુ આજે તેમાંની ઘણી ખરી રહી નથી. પ્રોન અને અનાજની ખેતીને માટે મેંગ્રોવને મોટા પ્રમાણમાં કાપી નાખવામાં આવે છે. એ જોઈને એમને એટલું દુ:ખ થાય છે કે તેઓ બની શકે એટલા વધારેમાં વધારે મેંગ્રોવના છોડ વાવે છે, કારણ કે આ મેંગ્રોવ એ માછલી, કરચલા, પ્રોન, સમુદ્રની અને સમુદ્ર સિવાયની ઘણી પ્રજાતિઓ માટે બ્રીડિંગનું સ્થળ છે. તેના દ્વારા ઈકોેસિસ્ટમ પણ જળવાઈ રહે છે. છીછરા મેંગ્રોવ એ નદીકિનારે ભેજવાળી જગ્યાએ થતા જીવજંતુઓ માટે છત્રનું કામ કરે છે અને તેને કારણે પક્ષીઓ પણ ત્યાં આવે છે. તેઓ નાના હતા ત્યારથી મેંગ્રોવના છોડ વાવે છે. અત્યાર સુધીમાં કેટલા છોડ વાવ્યા, તેની કોઈ ગણતરી રાખી નથી.
ઈકોસિસ્ટમને સારી રાખવામાં તેમજ ક્લાઈમેટ ચેન્જનું નિયમન કરવામાં મેંગ્રોવ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેરળ સરકારની ફીશરી ડિપાર્ટમેન્ટની વેબસાઇટના આંકડા મુજબ એક સમયે સિત્તેર હજાર હેક્ટરમાં મેંગ્રોવ હતા, જે આજે ઘટીને ૧૯૪૨ હેક્ટરમાં જ રહ્યા છે. કન્નૂરના વનસંરક્ષક વિનોદકુમારના કહેવા પ્રમાણે તો પહેલા અડધો ભાગ સરકારનો રહેતો અને બાકીનો અડધો ભાગ લોકો વ્યક્તિગત રીતે તેમાં રોકાણ કરતા હતા, પરંતુ મેંગ્રોવનો વિસ્તાર ઘટી રહ્યો છે. અડધાથી વધુ વિસ્તાર લોકોના હાથમાં છે, જેથી તેનું સંરક્ષણ કરવામાં મુશ્કેલી પડે છે. મેંગ્રોવના છોડ લગાવવામાં ઘણી મુશ્કેલીઓ છે તેમ છતાં રાજને ક્યારેય હાર માની નથી. તેઓ શક્ય તેટલો પ્રયાસ કરવામાં પાછી પાની કરે તેમ નથી. એમનો વ્યવસાય તો માછલી પકડવાનો છે, પરંતુ મેંગ્રોવની પ્રજાતિઓ શોધવી, તેના બીજ કે છોડ લાવવા, તેને લાયક જમીન શોધવી અને તેમાં વાવવા અને તે પછી એની બરાબર સંભાળ લેવી આ બધો એમનો શોખ બની ગયો છે.
મેંગ્રોવના ફાયદા સમજાવતાં તેઓ કહે છે કે કેરળમાં વારંવાર આવતાં પૂરને રોકવામાં એ મદદરૂપ થાય છે. સમુદ્ર કે નદી કિનારાનું ધોવાણ થતું રોકે છે. કુદરતી આપત્તિઓ જેમ કે આંધી, ચક્રવાત, સુનામી કે તોફાનના સમયે તે મેંગ્રોવ રક્ષણનું કામ કરે છે. આ ઉપરાંત તેનામાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, જેનો દવા બનાવવામાં ઉપયોગ થઈ શકે. આટલા ફાયદાકારક મેંગ્રોવને લોકો ખેતી, જલીય ખેતી, નિર્માણ અને વિકાસ પરિયોજનાના નામે નષ્ટ કરે છે. જમીનમાલિકોને મેંગ્રોવને બચાવવામાં સહેજે રસ નથી, કારણ કે તેનાથી તેમને આર્થિક રીતે ખાસ કોઈ ફાયદો થતો નથી. તેઓ જેમાંથી આવક થાય તેવી ખેતી કરવા માટે મેંગ્રોવનો નાશ કરે છે. અન્ય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સબસીડી આપે છે. તેને કારણે પણ જમીનદારોને મેંગ્રોવને ઉગાડવામાં કે સંરક્ષણ કરવામાં રસ નથી. બીજી બાજુ કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન અંતર્ગત રહેલા મેંગ્રોવ ક્ષેત્રો માટે કાયદાઓ છે, પરંતુ તેનો અમલ કરાવવો અત્યંત મુશ્કેલ હોય છે.
જ્યારે કોઈ મેંગ્રોવ કાપીને કાયદાનું ઉલ્લંઘન કરે અને રાજનને એની ખબર પડે તો તેઓ ખામોશ રહીને બેસી રહેતા નથી. આ અંગે વન અધિકારીઓને તેઓ જાણ કરે છે. તેમની આવી કામગીરી સામે લોકો નારાજ થઈને રાજનનો વિરોધ પણ કરે છે. રાજન મેંગ્રોવની સાથે સાથે કોઈ વૃક્ષછેદન થતું હોય તો તેની પણ જાણકારી આપે છે અને વૃક્ષ સંરક્ષણ કાયદા અંતર્ગત કાર્યવાહી કરીને વૃક્ષને કાપતાં અટકાવે છે. મેંગ્રોવ મેન ઑફ ધ કેરાલા તરીકે ઓળખાતા રાજને ૨૦૦૭માં પોતાના ઘરમાં મેંગ્રોવની એક નાની નર્સરી શરૂ કરી છે. એમાં કુટ્ટીકંડલ, ઉપુટ્ટી, ઉજુથાની કંડલ, પ્રંથન કંડલ જેવી પાંચ જુદી જુદી જાતના આશરે પાંચ હજાર છોડ છે. જે લોકો એની પાસે છોડ લેવા આવે છે તેને તે છોડ આપવાની સાથે તેની સંભાળ કેવી રીતે લેવી તે સમજાવે છે. તેમણે ક્લબ, સ્કૂલ, કૉલેજ, સંસ્થાઓ અને વનવિભાગ સાથે ઘણું કામ કર્યું છે અને હજારો છોડ આપ્યા છે. માછીમાર તરીકે કામ કરતાં રાજનના માથે થોડું દેવું છે, પરંતુ મેંગ્રોવના છોડમાંથી કમાણી કરવાનો હેતુ નથી, લોકો એક છોડના જેટલા પૈસા આપે તેટલા તે લઈ લે છે. સામાન્ય વ્યક્તિને તેના અસામાન્ય કામ માટે અપાતો પીવી થમ્પી મેમોરિયલ ઍવૉર્ડ મેળવનાર રાજન માટે આ કામ ક્યારેય આસાન નથી રહ્યું, પરંતુ મેંગ્રોવનું સંરક્ષણ કરવું તે એના જીવનનું લક્ષ્ય બની ગયું છે.


