સ્ત્રી પર 'ઘરેલું હિંસા' થવા પાછળનાં આઠ કારણો
- એક જ દે ચિનગારી-શશિન્
- સ્ત્રીની આંખમાંથી રાવણો અને દુર્યોધનોને ભસ્મીભૂત કરનાર 'અગ્નિ' પ્રગટવો જોઈએ. સ્ત્રીને સમાજ પાસે 'પૂજા'ની નહીં પણ ઉચિત ગૌરવની અપેક્ષા છે, કારણ કે એ 'ગ્લેમરનો આર્ટિકલ' નથી
એ ક તરફ ગાર્ગી, લોપામુદ્રા, માહિષ્મતી જેવી વિદુષી નારીઓની કથાઓ મળે છે તો બીજી તરફ સ્ત્રીને 'અબળા' કહી એના વ્યક્તિત્વનું અવમૂલ્યન પણ કરાયું છે. સ્ત્રીઓ વિશેના પ્રયુક્ત શબ્દોમાં પણ સ્ત્રીનું ગૌરવ પ્રગટ થતું નથી. 'સુન્દરી' શબ્દ સુ + ઉન્દ ઉપરથી બન્યો છે. જે પોતાના સૌંદર્યથી પુરુષને પુગળાવે, કવિત કરે તે 'સુંદરી'. શું સૌંદર્ય એ જ એક માત્ર સ્ત્રીની ઓળખાણ છે? નારી શબ્દનું મૂળ 'નૃ' ધાતુ છે, જે 'નાચવાનો' ભાવ વ્યક્ત કરે છે. જે નાચે અને પુરુષને નચાવે તે નારી? 'મહિલા' શબ્દ 'મહ' ઉપરથી બન્યો છે. 'મહ' એટલે માનનીય, આદરણીય. પણ આ શબ્દ કેવળ 'શિક્ષિત' કે ઉચ્ચ ગણાતા ખાનદાનની ભાવના વ્યક્ત કરે છે. કોઈ શાકવાળી, દાતણ વેચનારી કે મજૂર બાઈને 'મહિલા' કહી ક્યારેય સંબોધો છો? બસ કે ટ્રેઈનમાં પોતાની બેઠક પાસે જગા હોય છતાં કોઈ આવી શ્રમજીવી નારીને જગા આપવાનો ઉત્સાહ દેખાડે છે? નારીના સમગ્ર વ્યક્તિત્વને ગૌરવ પ્રતિધ્વનિત કરે એવા શબ્દની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે.
'પઉમ ચરિત્ર'માં સ્વયંભૂદેવે નારીના નામનાં કેટકેટલાં અર્થઘટન આપ્યાં છે : ''સ્ત્રી મનનું વિદારણ (હણવું) કરે છે એટલે એને 'દારા' કહે છે. એ 'વનિતા' એટલા માટે કહેવાય છે કે શરીરને 'જખ્મી' કરે છે. એને 'ગણિકા' એટલા માટે કહેવામાં આવે છે કે તે 'ધન' 'ગણાવી' લે છે. 'દયિતા' એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ પુરુષના 'દૈવ'ને છીનવી લે છે. એ ત્રણ પ્રકારે શત્રુ હોય છે એટલે 'તીમયી' કહેવામાં આવે છે. 'ધન્યા' એટલા માટે કહેવાય છે કે તે અપકાર કરીને, બિનવફાદારી દાખવીને માણસને કષ્ટ પહોંચાડે છે. 'જાયા' એટલા માટે કહેવાય છે કે તે પુરુષોની 'યારી' કરે છે, 'જાર' કર્મમાં ફસાવે છે. સ્ત્રી ધરતી માટે 'મારી' છે એટલે તેને 'કુમારી' કહેવામાં આવે છે. નર તેના રતિથી તૃપ્ત થતો નથી માટે તેને નારી કહે છે! નારીનું આવું હળહળતું અપમાન? પ્રાચીન ભક્તો-સંતોએ પણ નારીને 'ભાંડવામાં' બાકી નથી રાખ્યું. એને 'ઠગિની', 'માયા', 'મારની અધિકારી', પુરુષને પોતાના પડછાયા માત્રથી સાપની જેમ 'અંધ' બનાવનારી કહીને વગોવણી કરવામાં કશી કસર રાખી નથી! એક તરફ સ્ત્રીને 'માતા' કે દેવી કહેવી અને બીજી તરફ 'કામ'ના આધારે તેનું અવમૂલ્યન કરવું એ પાપ છે. સ્ત્રીનું હૃદય એ વાસનાનું રંગમંચ નહીં, પણ શાન્તિનું મહામંદિર છે. સ્ત્રી એની 'શક્તિ'ને કારણે નહીં પણ 'સહનશક્તિ'ને કારણે સજાપાત્ર બનાવાઈ છે. જે સમાજ નારીની વીરતા, સાહસ, સેવા, ત્યાગ અને ઉદારતાની કદર નથી કરતો એ સમાજ 'કાયર' જ ગણાય. પત્નીની કે સ્ત્રીની આચાર સંહિતા વિશે ઢગલાબંધ લખાયું છે, પણ પુરુષને 'પૂજ્યત્વ' અને દેવત્વના ઉચ્ચ સિંહાસન પર બેસાડીને નારી પર 'પતિવ્રતા'પણાનો આદર્શ થોપી દેવામાં આવ્યો છે. 'વેણુબંધ' નિબંધમાં રામધારીસિંહ 'દિનકરે ઉચિત જ કહ્યું છે કે સ્ત્રી માત્ર 'નર'ને રિઝવવા અથવા પ્રેરણા આપવા માટે બનાવવામાં નથી આવી પણ જીવનયજ્ઞામાં તેનો પણ બરાબરીનો ભાગ છે, અને એ ભાગ માત્ર ઘર પૂરતો જ મર્યાદિત નથી, બહાર પર પણ તેનો અધિકાર છે.
જેને પુરુષ પોતાનું ક્ષેત્ર માને છે તે નારીનું પણ કર્મક્ષેત્ર છે. 'ઝાંસી કી રાની'માં વૃંદાવનલાલ વર્માએ સ્ત્રીને જાતે આત્મરક્ષક બનવાનું સૂચન કરતાં એટલે જ કહ્યું હતું કે સ્ત્રીઓ એક વખત દ્રઢતાનું બખ્તર ધારણ કરી લે, પછી આખી દુનિયામાં એવો કોઈ પણ નહીં હોય કે જે તેને લૂંટી શકે! બંગાળી કવિ કાજી નરરુલ્લાએે સ્ત્રીની મહાનતાને કેવા સુંદર શબ્દોમાં બિરદાવી છે : ''સંસારમાં જેટજેટલી મોટી-મોટી જીતો થઈ છે, મોટાં-મોટાં આક્રમણો થયાં છે, એ બધાંને મહાન બનાવ્યાં છે, માતાઓએ, બહેનોએ અને પત્નીના ત્યાગે. કયા યુદ્ધમાં કેટલા વીરોએ પોતાનું રક્ત સિંચ્યું, એ તો ઈતિહાસમાં નોંધાયું છે પરંતુ તેની સરખામણીમાં એ નથી લખાયું કે કેટલી સ્ત્રીએ પોતાના સૌભાગ્યનું દાન કર્યું છે, કેટલી માતાઓએ પોતાના કાળજાના કટકા સમાન પુત્રનું બલિદાન આપ્યું છે, કેટલી બહેનોએ પોતાની સેવાઓ સમર્પિત કરી છે. કાજી નરરુલ્લાઅ એમ પણ ઉમેર્યું કે પુરુષ પાસે હૃદય નહોતું, નારીએ પોતાનું અડધું હૃદય આપીને તેને મનુષ્ય બનાવ્યો. એટલે જ કહેવાયું છે કે સૌથી વધુ સુખી રાષ્ટ્રોની જેમ સૌથી અધિક સુખોનો ઈતિહાસ નથી લખાયો. કેવળ શાબ્દિક અંજલિ સ્ત્રીઓને ખપશે નહીં - મૈથિલીશરણ ગુપ્તના શબ્દોવાળી.
''અબલા જીવન હાય તુમ્હારી
યહી કહાની,
આંચલે મેં હૈ દૂધ ઔર
આંખાં મેં પાની''
સ્ત્રીની આંખને હવે રડવાનું નહીં પોસાય, એની આંખમાંથી હવે રાવણો
અને દુર્યોધનને ભસ્મીભૂત કરનાર 'અગ્નિ' પ્રગટવો જોઈએ. સ્ત્રીને સમાજ પાસે પૂજાની ઝંખના નથી, પણ સમાજ પાસે ઉચિત ગૌરવની અપેક્ષા છે.
નારીએ પુરુષને સમકક્ષ બનવાની વાત કરવી એ પરોક્ષ રીતે પુરુષને પોતાના કરતાં ઊંચો માનવાની વાત છે. નારી પુરુષને સમકક્ષ નહીં પણ પુરુષ કરતાં વેંત ઊંચેરી છે. માતૃત્વનું વરદાન એને આપોઆપ આકાશની ઊંચાઈએ પહોંચાડે છે.
સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીએ પોતે જ સશક્ત બનવું પડશે, તનથી, મનથી, શિક્ષણથી, આર્થિક સ્વાવલંબનથી. માત્ર પોતે જ નહીં પણ નિરક્ષરતા, ગરીબી અને લાચારીગ્રસ્ત અનેક નારીઓની 'ત્રાતા' અને 'વિધાતા' બનવું પડશે. એ માટે માત્ર 'રાજકારણ' નહીં, પ્રદર્શન પ્રિયતા નહીં પણ સાચા અર્થમાં સેવાકરણ જ સ્ત્રીને સક્ષમ બનાવી શકશે.
'આપણા હાથમાં ભારતનું ભાવિ'માં સ્ત્રીઓની ઉન્નતિ સંદર્ભે સ્વામી વિવેકાનંદનું સ્ત્રી ગૌરવની યશગાથા છે. ''યુરોપથી એકાએક ધસી આવેલાં નિંદાનાં પૂર અને એને પરિણામે આપણામાં ઉદ્ભવેલી વિરોધ જોવાની વૃત્તિઓને કારણે આપણે સ્ત્રીઓની અસમાનતાના વિચારને જલ્દી શરણે થવું જોઈએ નહીં. સૈકાઓથી સંયોગો એવા ઉભા થયા છે કે આપણા પર સ્ત્રીઓના સંરક્ષણની જવાબદારી આવી પડી છે. સાચી દ્રષ્ટિએ જોનારને આપણી રુઢિઓમાં આ જાતનાં સંરક્ષણનું જ મહત્વ દેખાશે.
સ્ત્રી પુરુષ કરતાં ઊતરતી છે એવું નહીં જ દેખાય. આપણી પ્રાચીન કાળની તપોવનની વિદ્યાપીઠોમાં કિશોર-કિશોરીને સમાન કોટિનાં માનવામાં આવતાં, એથી બીજું સમાનતાનું દ્રષ્ટાન્ત શું આપી શકાય? આપણાં સંસ્કૃત નાટકો વાંચો - શાકુંતલ વાંચો ને પછી કહો કે ટેનિસનનાં 'પ્રિન્સેસ'માંથી આપણને કાંઈ શીખવાની જરૂર ખરી? વેદમાં પારંગત એવા હજારો બ્રાહ્મણોની સભામાં ગાર્ગીએ પ્રગલ્ભતાથી યાજ્ઞાવલ્ક્યને બ્રહ્મ સંબંધમાં ચર્ચા કરવાને આહ્વાન આપ્યું હતું. શિક્ષણ પ્રચાર-પ્રસાર છતાં સ્ત્રીઓ પરની 'ઘરેલું' હિંસા વકરી રહી છે. લેખિકા આશા શ્રીવાસ્તવે તેનાં ૮ (આઠ) કારણો જણાવ્યાં છે.
(૧) આર્થિક તનાવ (૨) તનાવગ્રસ્ત યૌન સંબંધ (૩) પ્રેમલગ્નો પછી રોમાંસ ઘટીં જવો (૪) જીવન સ્તરમાં આવેલાં આકસ્મિક પરિવર્તન (૫) કોઈપણ વ્યક્તિની આત્મ-અભિવ્યક્તિને કચડી નાખવી (૬) ઉછેરની ઢબ અને બચપણનું વાતાવરણ (૭) યુગલો દ્વારા પોતાની જવાબદારીઓમાંથી પલાયન (૮) સંબંધીઓ દ્વારા ઉશ્કેરાટ.
જે રીતે ધારાવાહિકો, જાહેરખબરો અને ચલચિત્રોમાં સ્ત્રીઓનું ચિત્રણ થઈ રહ્યું છે એ જોતાં કોઈને અવશ્ય એવું માનવાને કારણ મળે કે સ્ત્રીઓ 'ગ્લેમર આર્ટિકલ' છે જેને રૂપાળી દેખાડીને ખિસ્સુ ગરમ કરી શકાય છે. મહિલા 'દીન' (ગરીબ) ન રહે એ માટે મહિલાઓ કમર કસે એ સાચા 'મહિલા દિન'ની ઉજવણી.