Get The App

વલ્લભભાઈમાં માતૃત્વની ભાવનાના નૈસર્ગિક મૂળિયાં નડિયાદમાં નંખાયા

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈમાં માતૃત્વની ભાવનાના નૈસર્ગિક મૂળિયાં નડિયાદમાં નંખાયા 1 - image


- સરદાર @150 - હસિત મહેતા

- વલ્લભભાઈના આવા સંવેદનશીલ અને માતૃત્વની ભીની ભીની લાગણી જેવા સ્વભાવનો અનુભવ તો ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો. ગાંધીજી માનતા હતા કે વલ્લભભાઈમાં આ જાતની માતૃવૃત્તિ નૈસર્ગિક હતી

વલ્લભભાઈ મેટ્રિક પાસ થયા, પછી વકીલાતના અભ્યાસની તૈયારીઓ માટે થોડા મહિના બાકરોલ ગયા, ત્યાંથી પાછા નડિયાદ આવ્યા, એ ગાળે તેમણે એકીબેઠકે લાંબો વખત વાંચવાની શરૂઆત કરેલી, એ જ ગાળે તેમણે એકચિત્તે લેખનની ટેવ પાડેલી,એ જ ગાળે તેમણે કોર્ટરૂમમાં થતી ઉલટતપાસનું પ્રેક્ટિકલ શિક્ષણ મેળવેલું,એ જ ગાળે તેમણે વાંચવાની ઝડપ વધારેલી,એ ગાળે સારલેખનની નોટ્સ લખવાનો મહાવરો વિક્સાવ્યો હતો. કારણ કે તેમની સામે ઓછા સમયે, ઓછી સગવડે, ઓછા ખર્ચે વકીલાતની પરીક્ષા પાસ કરવાનો કપરો પડકાર મોં વકાસીને ઉભો હતો.

નડિયાદમાં તેમણે શાળામિત્ર કાશીભાઈ શામળભાઈના ઘરની મેડીએ રહીને અભ્યાસ શરૂ કર્યો હતો. આ કાશીભાઈ નડિયાદમાં વલ્લભભાઈની શાળામાં જ ભણતા હતા, એ જ ગર્વમેન્ટ ઈંગ્લીશ હાઈસ્કૂલમાં ૩૦-૧૧-૧૮૯૪એ, પાંચમી અંગ્રેજીના વર્ગમાં તેઓ દાખલ થયા હતા. તેમનો શાળાનો જનરલ રજીસ્ટર નંબર ૨૨૯૩૭ હતો.

પરંતુ બન્યું એવું કે એ જ વર્ષોમાં, ૧૮૯૮-૯૯માં, મિત્ર કાશીભાઈના પિતાજી શામળભાઈનું અચાનક અવસાન થયું. આથી શામળભાઈના પરમ મિત્ર ડુંગરભાઈએ આ બે યુવનો, કાશીભાઈ અને વલ્લભભાઈની પૂરતી સારસંભાળની જવાબદારી વણકહ્યે ઉપાડી લીધી.

આ ડુંગરભાઈ એટલે ડુંગરભાઈ મૂળજીભાઈ પટેલ. નડિયાદના પાટીદારી વિસ્તાર કાકરખાડના ચોરા પાસેની નાનકડી ખડકીના વતની, અને શહેરના ખ્યાતનામ વકીલ હતા. પરંતુ અચાનક તેમના પત્ની ૬ મહિનાનું બાળક મૂકીને દેવલોક પામ્યા. આ વાતની જાણ વલ્લભભાઈને થઈ. તેમને થયું કે જે ડુંગરભાઈ માત્ર મિત્રધર્મ સમજીને અમારી સારસંભાળ રાખે છે, એમના પરિવારમાં આવી પડેલી આપત્તિ સમયે તેમની પડખે ઉભા રહેવું જોઈએ. આ વિચારે વલ્લભભાઈ પેલા બાળકને સગી મા જેવા વાત્સલ્યથી ઉછેરવા લાગ્યા. 

જરા વિચારીએ, ૨૨ વર્ષની ભરજુવાનીએ, બાળઉછેરના અનુભવ વગર, પોતાની કોઈ ફરજ ન હોવા છતાં, વલ્લભભાઈ આ નાનકડા બાળકની જાણે કે મા જ બની ગયા. દિવસે તો ઠીક, રાતે પણ તેઓ બાળકને પોતાની પાસે જ સુવાડે. તેને છાનો રાખવા ખભે થાબડતાં થાબડતાં આંટા મારે. એની સાફસૂફી કરે અને દૂધ પણ પીવડાવે. એ છોકરો એટલે રામભાઈ ડુંગરભાઈ પટેલ, જે પાછળથી બોરસદ કોર્ટમાં લાંબો સમય કારકૂની કરી આવ્યાં હતા. પરંતુ બાળપણે તો તેઓ સગી માની ખોટ સામે વલ્લભભાઈ જેવા ભાવિ મહાપુરુષના વાત્સલ્યભર્યા ઉછેરના આસામી બન્યા હતા.

આ રામભાઈ અને તેમના પિતા ડુંગરભાઈ મૂળજીભાઈ વિશેની એક રસપ્રદ ઘટના છે. બનેલું એવું કે ડુંગરભાઈ પરણેલાં હતા, એમને એક જ દીકરી હતી. એટલે પાટીદારી મિજાજ મુજબ વંશવેલો જાળવવા દિકરો તો જોઈએ જ, પરંતુ આવા દબાણોને મૂળજીભાઈ તાબે થયેલાં નહીં. પરંતુ અચાનક મિત્રો સાથે વાતોની ચડસાચડસીમાં તેઓ કોઈક શરત હારી ગયાં, અને તેમને બોરસદ નજીકના વાલવોડની મહિલા સાથે બીજું લગ્ન કરવું પડેલું. જેમાં એક દીકરો, નામે આ રામભાઈનો જન્મ થયો. પરંતુ છ જ મહિનામાં રામભાઈના માનું અવસાન થતાં તેઓ નમાયા બન્યાં. છેક ૮૫ વર્ર્ષે, ઈ.સ.૨૦૦૩માં અવસાન પામેલાં રામભાઈ પોતાના પૌત્ર દિલીપભાઈ રમણિકભાઈ પટેલ (USA)ને કહેતાં ગયેલાં કે વલ્લભભાઈ પટેલે પોતાનો ઉછેર કેવી સરસ રીતે કર્યો હતો. રામભાઈ જીવનના ૧૫ વર્ષ સુધી નડિયાદના દેસાઈવગા વિસ્તારમાં જ ઉછર્યા હતા, તેમના એ મજબૂત ઉછેરના પાયા વલ્લભભાઈએ નાંખ્યા હતા. તેમના અમેરિકી પૌત્ર દિલીપભાઈ દાદાજીની આ વાતો આજે બહુ રસપૂર્વક વાગોળી શકે છે.

વલ્લભભાઈના આવા સંવેદનશીલ અને માતૃત્વની ભીની ભીની લાગણી જેવા સ્વભાવનો અનુભવ તો ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો. ગાંધીજી માનતા હતા કે વલ્લભભાઈમાં આ જાતની માતૃવૃત્તિ નૈસર્ગિક હતી. ઈ.સ.૧૯૩૨-૩૩માં જ્યારે ગાંધીજી પુનાની યરવડા જેલમાં હતા, ત્યારે 'સરદાર મારી મા બન્યા છે' એ મતલબનું રટણ તેમણે અનેકવાર મહાદેવભાઈ દેસાઈને કહેલું છે, અને મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં એ લખેલું પણ છે. એવી જ રીતે ૧૯૪૧ની યરવડા જેલમાં પણ વલ્લભભાઈ સહુને કાળજીપૂર્વક દૂધ-છાશ પીવડાવતા હતા. ઈ.સ.૧૯૩૦ની ૭મી માર્ચે વલ્લભભાઈની ધરપકડ ગોરી સરકારે કરેલી. બોરસદ તાલુકાના રાસ ગામેથી, દાંડીકૂચની જાગૃતિ માટેનું ભાષણ આપતી વખતે. એ જેલમાં પણ વલ્લભભાઈએ રસોઈ રાંધવા માટે ઘરેથી બે તપેલીઓ મંગાવેલી અને સહુ સાથીઓને તેઓ પ્રેમપૂર્વક જમાડતા પણ ખરાં. કઠોર મુખમુદ્રાવાળા વલ્લભભાઈના હૃદયમાં માતૃત્વની આવી વાત્સલ્યભાવના પણ હતી, એ નોંધનીય નથી શું??

Tags :