Get The App

કોન્ટ્રાક્ટ મેરેજ કરવા છે .

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
કોન્ટ્રાક્ટ મેરેજ કરવા છે                                      . 1 - image


- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ

- 'મારી પણ એટલી જ શરત છે કે, અમે દહેજ લઈશું નહીં અને ભવિષ્યમાં કદાચ છૂટા પડવાનું આવે તો હું તને એલિમની પણ આપીશ નહીં....'

'મા ધવ આ કેતા છે. કેતા સોફ્ટવેર એન્જિનિયર છે અને એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. તારો બાયોડેટા જે મેટ્રિમોની સાઈટમાં મુક્યો હતો તેમાંથી કેતાના પરિવારનો જવાબ આવ્યો હતો. આપણે લોકોએ આવતા શનિવારે સાંજે કેતાના ઘરે જવાનું છે. આપણી પાસે વચ્ચે દસ દિવસ છે તો બીજી બે-ત્રણ છોકરીઓને મળતા આવીશું.' - દેવકીબેને પોતાના પુત્રને જણાવ્યું.

'ઓલ રાઈટ મોમ. તું કહીશ તેના ઘરે જઈશું અને તું કહીશ એટલી છોકરીઓ જોઈશું. આ વખતે હું તારા લગ્નનું સપનું પૂરું કરવા જ ઈન્ડિયા આવ્યો છું. લગ્ન હું મારી શરતે કરીશ. પસંદગી ખાલી મારા માટે બાકી રાખજે.' - માધવે કહ્યું અને દેવકીબેન મલકાઈ ગયા.

'એ માવડીયા, બધું તારી મમ્મીનું જ કરવાનું છે કે, મારા માટે પણ કંઈક કરવાનું છે તારે.' - અશ્વિનભાઈએ હસતા હસતા કહ્યું.

'પપ્પા, આવું ના બોલશો. પહેલાં તમારું સપનું પૂરું કર્યું છે. તમારી ઈચ્છા હતી કે, હું કાર્ડિયાક સર્જન બનું અને તે હું બની ગયો અને તમારી ઈચ્છા પ્રમાણે યુએસમાં પ્રેક્ટિસ પણ કરું છું. મમ્મીઓને તો પરણાવવાનું અને પછી અમારા સંતાનો લાવવાના જ સપના હોય છે. હવે મમ્મીનો વારો છે.' - માધવે પણ મસ્તીમાં જવાબ આપ્યો અને ત્રણેય હસી પડયા.

માધવને અમેરિકાથી આવ્યાને હજી તો ત્રણ જ દિવસ થયા હતા અને દેવકીબેને આ વખતે તો છોકરીઓની લાઈન લગાવી હતી. એક પછી એક માગા જોવાનું નક્કી કરી રાખ્યું હતું. દેવકીબેનને હરખ પણ હોય જ ને. પેટે પાટા બાંધીને માધવને ડોક્ટર બનાવ્યો હતો. માધવની મહેનત અને ઠાકરની મહેરબાની હતી કે એમબીબીએસથી શરૂ કરીને સર્જરીનો અભ્યાસ ફ્રી સીટમાં થઈ ગયો. ત્યારબાદ અમેરિકામાં સરસ મજાની પ્રેક્ટિસ પણ મળી ગઈ. આજે પાંચ વર્ષે અમેરિકામાં માધવનું નામ ચાલતું થઈ ગયું છે. આવા દીકરા માટે છોકરીઓની લાઈન લાગે તે સ્વાભાવિક છે. 

દેવકીબેન, અશ્વિનભાઈ અને માધવ એક પરિવારને ત્યાં પહોંચ્યા. પરિવારે તેમને આવકાર્યા અને થોડીવારમાં માધવે તેમની દીકરી વિશ્વા સાથે વાત કરવાની રજૂઆત કરી.

'તો તમે લગ્ન પછી કેવી જિંદગીની કલ્પના કરો છો. તમારો પરિવાર કેવો હોવો જોઈએ.' - માધવે સવાલ કર્યો.

'છોકરો મારી બધી જ વાત માનવો જોઈએ. હું અમારો પરિવાર સારી રીતે રહે તેની ચિંતા કરીશ. હા હું જોબ નહીં છોડું. બાકીની વ્યવસ્થા આપણે ગોઠવી દઈશું. તમારા માતા-પિતા તો ઈન્ડિયામાં જ રહેવાના છે એટલે મને ચિંતા નથી. મારા મમ્મી-પપ્પા ક્યારેક આવતા રહેશે.' - વિશ્વાએ કહ્યું.

'વેરી ગુડ. આ વાંચી લો. મારી પણ કંઈક આવી ઈચ્છા છે.' - માધવે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને આપ્યો. વિશ્વાએ કાગળ વાંચ્યો અને જગ્યા ઉપરથી ઊભી થઈ ગઈ. તેની પાસે કાગળમાં લખેલી બાબતોના કોઈ જવાબ જ નહોતા.

'થેંક્યુ. મને જવાબ મળી ગયો.' - માધવે કાગળ પાછો લઈને ખિસ્સામાં મૂક્યો અને રૂમમાંથી બહાર આવ્યો અને તેણે મમ્મી-પપ્પાને ઘરે જવા માટે કહ્યું. કોઈને કશું જ સમજાયું નહીં.

'માધવ તું જણાવીશ કે, આપણે કેમ એકાએક ત્યાંથી નીકળી ગયા. કેવી સરસ નમણી છોકરી હતી. તમે એવી તો શું વાત કરી કે તું ઘરે જવા ઉતાવળો થઈ ગયો.' - દેવકીબેને ગાડીમાં બેસતા જ કહ્યું.

'મમ્મી, છોકરી સરસ હતી, ભણેલી હતી પણ... તેને જે સંબંધ રાખવા હતા તેમાં માત્ર તે અને તેના માતા-પિતા જ હતા. આપણે તો ક્યાંય હતા જ નહીં. તેનો વર, તેનું ઘર, તેના બાળકો, તેના માતા-પિતા બધું જ હતું પણ હું ક્યાંય નહોતો. તમે ક્યાંય નહોતા. મને આવી છોકરીમાં રસ નથી.' - માધવે કહ્યું અને દેવકીબેન તથા અશ્વિનભાઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.

વિશ્વાને ઘરે ગયા બાદ લગભગ ત્રણ-ચાર છોકરીને મળવાનું વારા ફરતી ગોઠવવામાં આવ્યું. તેમાંય સોનલ સાથેનો સંવાદ તો કદાચ માધવ અને તેના પરિવાર માટે ખૂબ જ આઘાતજનક હતો.

સોનલ અને તેનો પરિવાર એક હોટેલમાં લન્ચ ડેટ ઉપર માધવ અને તેના પરિવારને મળ્યો હતો.

'માધવ તારી પાસે યુએસમાં અપાર્ટમેન્ટ છે કે, બંગલો છે કે નાનકડું ઘર છે.' - સોનલે સામેથી જ સવાલ કર્યો. 

'હાલમાં એક મકાનમાં રહું છું અને બંગલો બની રહ્યો છે. લગભગ એકાદ વર્ષમાં તૈયાર થઈ જશે. હાલમાં પણ જે ઘર છે તે મારા અને મારા પરિવાર માટે પર્યાપ્ત છે.' - માધવે જવાબ આપ્યો.

'વેરી ગુડ. તારી મન્થલી ઈન્કમ કેવી છે. તું મારા ખર્ચા એફોર્ડ કરી શકીશ. હું અત્યારે મહિને ૫૦ હજાર જેટલી રકમ માત્ર મારી પાછળ ખર્ચ કરું છું. કદાચ લગ્ન પછી તેમાં વધારો થશે પણ બંધ તો નહીં જ થાય. તને ફાવશે?' - સોનલે કહ્યું.

'મારા માટે આ રકમ ખાસ મોટી નથી. મને લાગે છે કે, તું જે કમાય છે તેના કરતા વધારે ખર્ચો કરે છે. મારા મતે તું જે કંપનીમાં જોબ કરે છે તે તને ૩૦-૩૫ હજારથી વધારે નહીં આપતી હોય. બાકીનો ખર્ચ તમારા પિતા ઉપાડે છે તે સારી બાબત છે. એક વ્યક્તિ પોતાની પાછળ ૫૦ હજાર વાપરે તે મારા મતે તો ક્રિમિનલ વેસ્ટ છે. મને લાગે છે કે, આપણે આ સંબંધમાં ન જોડાવું જોઈએ. તને લક્ઝરી અને નેસેસિટીનો તફાવત જ નથી ખબર. કદાચ તારા પરિવારે તને શિખવ્યું નથી અથવા તો તમે શિખવા માગતા નથી. મને આવા લોકો સાથે ફાવતું નથી. હું નથી ઈચ્છતો કે મારી કરકસર અને તારી સ્વચ્છંદતા દરરોજ ટકરાય. થેંક્સ ફોર ધ મિટિંગ. એન્ડ બિલ ઓન મી.' - માધવે જવાબ આપ્યો અને સોનલ તથા તેનો પરિવાર વિસ્મય પામ્યો. માધવે વેઈટરને બોલાવીને પૈસા આપ્યા અને ટિપ આપીને નીકળી ગયો.

આવી રીતે છોકરીઓ સાથે માધવનું અને માધવ સાથે છોકરીઓનું એન્કાઉન્ટર ચાલતું રહ્યું અને આખરે દેવકીબહેન જેની રાહ જોતા હતા એ કેતાના ઘરે જવાનો અવસર આવી ગયો.

'ભાઈ આજે તારી શરતો અને વિચારો થોડા સાચવી રાખજે. પહેલાં છોકરીને મળજે, સમજજે, વાત કરજે અને પછી તારી શરતો મુકજે અથવા તેને કંઈ પુછજે. તારી તલવારો તરત વિંઝવાનું શરૂ ના કરી દઈશ. મને આ છોકરી પસંદ છે.' - દેવકીબેને કેતાના ઘરમાં જતા પહેલાં જ વોર્નિંગ આપી દીધી. માધવે સસ્મિત સ્વીકારી લીધી.

તેઓ ઘરમાં ગયા. અશ્વિનભાઈ, દેવકીબેન અને માધવ સોફામાં ગોઠવાયા. તેમની સામે કેતા, તેના મમ્મી-પપ્પા ગોઠવાયા અને વાતચીતનો દૌર શરૂ થયો. કેતાની વાત કરવાની લઢણ, તેની ભાષા, તેનો અવાજ બધું જ  સરસ હતું. તે સંવેદનશીલ છોકરી હોય તેમ લાગતું હતું. માધવને થોડી નવાઈ લાગી અને દેવકીબેનને થોડો હાશકારો થયો. આ વાતચીત અને નાસ્તાપાણી વચ્ચે કેતા બોલી, 'માધવ મારે તમને એક વાત કરવી છે.'

'હા, બોલો. અહીંયા વાત કરવી છે કે, બહાર જવું છે કે તમારા રૂમમાં. મને જરાય વાંધો નથી.' - માધવે કહ્યું. કેતાએ તરત જ પોતાની પાસે રહેલું એક કાગળ માધવ સામે ધરી દીધું. માધવ મલકાઈ ગયો અને દેવકીબેને અનાયાસ લમણે હાથ દીધો. માધવે પણ સામે એક કાગળ કેતાના હાથમાં મુકી દીધો. બંનેએ એકબીજાના કાગળ વાંચ્યા અને હસી પડયા.

'માધવ મારી એટલી જ શરત છે કે, અમે દહેજ નહીં આપીએ અને હું લગ્ન પછી પણ નોકરી કરીશ. આપણે ક્યારેય પરિવારથી છૂટા નહીં પડીએ. કાયમ આપણા મા-બાપ આપણી સાથે જ રહેવા જોઈએ.' - કેતાએ કહ્યું.

'મારી પણ એટલી જ શરત છે કે, અમે દહેજ લઈશું નહીં અને ભવિષ્યમાં કદાચ છૂટા પડવાનું આવે તો હું તને એલિમની પણ આપીશ નહીં. હું માનું છું કે, આપણે બંને જોબ કરીશું તો એક એકાઉન્ટ મારું હશે, એક એકાઉન્ટ તારું હશે અને એક એકાઉન્ટ આપણું હશે, જેમાંથી સમાન રીતે ઘરના તમામ ખર્ચ ભોગવવામાં આવશે. આપણે જે બચાવીશું તે આપણું પોતાનું ફંડ હશે. તેના ઉપર અન્ય વ્યક્તિ અધિકાર નહીં કરી શકે. જે વ્યક્તિ  પ્રેમથી આપે તે સ્વીકારીશું. હું મારા પરિવારને છોડીશ નહીં અને તારા પરિવારને અન્યાય કરીશ નહીં. તેના માટે કોન્ટ્રાક્ટ મેરેજ કરવા પડશે.' - માધવ બોલ્યો.

'મને મંજૂર છે.' - કેતા બોલી.

'મને પણ તારી શરતો મંજૂર છે.' - માધવ બોલ્યો. 

'તો ચાલો પછી તમારી શરતોના આધારે કોન્ટ્રાક્ટ મેરેજ કરી દઈએ. અમે લોકો તો છૂટા થઈએ.' - કેતા અને માધવના માતા-પિતા બોલી ઉઠયા અને તમામના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

Tags :