Get The App

આયુષ શેટ્ટી : ભારતીય બેડમિંટનના નવા ઉદયમાન સિતારાની રોચક સફર

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
આયુષ શેટ્ટી : ભારતીય બેડમિંટનના નવા ઉદયમાન સિતારાની રોચક સફર 1 - image


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- કર્ણાટકના 20 વર્ષના યુવા ખેલાડીએ યુએસ ઓપન જીતવાની સાથે વર્લ્ડ બેડમિંટનમાં આગવી ઓળખ ઉભી કરી છે

સફળતાની તલાશમાં સતત પ્રયત્નશીલ રહેનારને જ તે હાંસલ થઈ શકે છે. માત્ર થોડી મહેનત બાદ જો સફળતા ન મળે તો હતાશ થઈને પ્રયત્ન છોડી દેનાર ને કશું પ્રાપ્ત થઈ શકતું નથી, પણ પોતાની પ્રતિભા ને સતત પડકારો ઝીલવા માટે તૈયાર કરતા રહેવાનું ફળ ઘણું મોટું અને દુનિયાને અચંબિત કરનારું બની રહે છે. આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ધુરંધર ખેલાડીઓની વચ્ચે પોતાની ઓળખ ઉભી કરવા મહેનત કરી રહેલા આયુષ શેટ્ટીએ પણ અમેરિકામાં યોજાયેલી યુએસ સુપર ૩૦૦ બેડમિંટન ટુર્નામેન્ટ જીતીને આગવો ઈતિહાસ રચી દીધો છે. 

માત્ર ૨૦ વર્ષની ઊંમર ધરાવતા આયુષ શેટ્ટીએ યુએસ ઓપન જીતી તેની સાથે જ બેડમિંટનની વર્લ્ડ ટૂર ઈવેન્ટમાં ભારતના કોઈ પુરુષ ખેલાડીએ વિદેશમાં સિંગલ્સ ટુર્નામેન્ટ જીતી હોય તેવી અનોખી ઘટના બે વર્ષ બાદ બની હતી. છેલ્લે ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેને ૨૦૨૩માં કેનેડા ઓપન ટુર્નામેન્ટ જીતી હતી. આ સાથે છેલ્લા કેટલાક સમયથી ભારતીય બેડમિંટનના આકાશમાં છવાયેલા વાદળો દુર થયા હતા. તેની સાથે એક નવા સિતારાનો પણ ઉદય થયો છે. 

બાસ્કેટબોલના ખેલાડી જેવી છ ફૂટ ને ચાર ઈંચ ઊંચાઈ ધરાવતા આયુષના ક્રોસકોર્ટ સ્ટ્રોક જબરજસ્ત છે. ખાસ કરીને બેસલાઈન તરફ આવતા શટલ પર તેના પાવરફૂલ સ્મેશ સ્ટ્રોક લાજવાબ હોય છે. તેનો જ પ્રભાવ યુએસ ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં જોવા મળ્યો, જ્યાં તેણે વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠો ક્રમ ધરાવતા ચોઉ ટિઈન ચેનને સેમિફાઈનલમાં હરાવતા મેજર અપસેટ સર્જ્યો હતો. ત્યાર બાદ તેણે ફાઈનલમાં કેનેડાના તેના કરતા હાયર રેન્ક ધરાવતા બ્રાયન યાન્ગને પરાજીત કરીને કારકિર્દીનું સૌપ્રથમ ટાઈટલ હાંસલ કર્યું હતુ. 

આયુષની સફળતાએ ભારતીય બેડમિંટનમાં નવો ઉજાસ પાથર્યો છે. વિશ્વના ટોચના ક્રમાંકિત ખેલાડી તરીકેનું ગૌરવ મેળવી ચૂકેલો અને વર્લ્ડ ચેમ્પિયનશિપનો સિલ્વર મેડાલીસ્ટ કિદામ્બી શ્રીકાંત તેમ જ એચ. એસ. પ્રનોયની કારકિર્દી હવે અસ્તાચળે છે. વળી, વન્ડરકિડ તરીકેની ઓળખ ધરાવતો લક્ષ્ય સેન હાલમાં તેની ચમક ગુમાવી ચૂકેલો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય બેડમિંટને આયુષ તરફ આશાભરી મીટ માંડી છે. 

આક્રમક રમતની સાથે સાથે બેડમિંટન કોર્ટ પર જબરજસ્ત પ્રભુત્વ ધરાવતા આયુષની કારકિર્દીની શરુઆત ધમાકેદાર થઈ છે. તેની પાછળ તેના પરિવારે પણ ઘણો ભોગ આપ્યો છે. કર્ણાટકના ઉડુપી જિલ્લામાં આવેલા કારકાલા નજીકના સાનૂર જિલ્લામાં રહેતા રામપ્રકાશ અને શલ્મિલી શેટ્ટીના પરિવારમાં પ્રથમ સંતાન તરીકે આયુષનો જન્મ ત્રીજી મે, ૨૦૦૫ના રોજ થયો હતો. રામપ્રકાશ શેટ્ટી બિઝનેસમેન હતા અને તેઓને બેડમિંટનનો ભારે શોખ. તેઓ ઘરની પાછળ આવેલા વાડામાં બેડમિંટન રમતાં અને તેમની આ રમત તરફ નાનપણથી જ આયુષ આકર્ષાયો હતો અને તે ઘરમાં જ પિતાની સાથે રમતો. 

પિતાના પગલે બેડમિંટન રમવાનું શરુ કરતાં આયુષે ઘરના વાડામાં જ પિતા પાસેથી કોચિંગ મેળવ્યું અને ત્યાર બાદ ઉડુપીમાં યોજાયેલા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં જીત હાંસલ કરી. આ પછી રામપ્રકાશ તેમના પુત્રને નજીક ઓવેલા મેંગાલુરુમાં કેટલીક ટુર્નામેન્ટસ રમવા લઈ ગયા, જ્યાં પણ આયુષે ટોચના ત્રણ ખેલાડીઓમાં રહેવામાં સફળતા મેળવી. કોઈ પણ પ્રકારના કોચિંગ વિના જ  આયુષે મેળવેલી સફળતાના કારણે તેના માતા-પિતા વિચારતા થઈ ગયા. તેમણે નક્કી કર્યું કે, આયુષને બેડમિંટનમાં આગળ વધવા માટેની તકો પૂરી પાડવી જોઈએ, કારણ કે તેનામાં એક રમતવીર તરીકેના કુદરતી ગુણો હતા. 

આયુષની સાથે રમતાં એક ખેલાડીના પિતાએ તેમને સલાહ આપી કે, તેેને નજીકના મોટા સેન્ટરમાં કોચિંગમાં મુકો તો તેનાથી તેની રમત પણ સુધરશે અને તેની પ્રતિભાને વધુ નિખાર મળશે. રામપ્રકાશે તેને બેંગાલુરુમાં વધુ સારી તાલીમ મળે તે માટે મોકલવાનું નક્કી કર્યું. માત્ર ૧૨ વર્ષની ઉંમરે આયુષ તેની માતા શલ્મિલી અને નાની બહેન આદ્યાની સાથે પોતાનું ઘર છોડીને બેંગાલુરમાં આવીને વસ્યા. જ્યાં તેની બેડમિંટન ખેલાડી તરીકેની કારકિર્દી શરુ થઈ. શરુઆતમાં જુદી-જુદી જગ્યાએ કોચિંગ મેળવ્યા બાદ આયુષ જ્યારે ધોરણ ૧૦માં આવ્યો, ત્યારે તેને પ્રકાશ પદુકોણેની એકેડમીમાં તાલીમ માટેે મુકવામાં આવ્યો.

પરિવારના સંઘર્ષનો અહેસાસ ધરાવતા આયુષે બેેડમિંટન કોર્ટમાં પરસેવો પાડવામાં ક્યારેય પાછું વળીને જોયું સુદ્ધા નથી. બેંગાલુરુમાં વિમલ કુમાર અને સાગર ચોપડા જેવા જાણીતા કોચીસના માર્ગદર્શનમાં આયુષની પ્રતિભાનો ચમકારો દિવસે દિવસે વધવા લાગ્યો. પાંચ વર્ષની સખત મહેનતના કારણે તેણે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં તેની પ્રતિભાનો ચમકારો દેખાડવા માંડયો. જોકે ભારતીય બેડમિંટનમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાના કારણે તે ઝડપથી પોતાની આગવી ઓળખ ઉભી કરી ન શક્યો. આમ છતાં તેણે પ્રયાસો જારી રાખ્યા. પરિવારના સમર્થનને કારણે પણ તેને મુશ્કેલ પરિસ્થિતિની સામે લડવાનો જુસ્સો પણ મળતો. તેણે જુનિયર સ્તરની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યોે અને આશાસ્પદ ભવિષ્યનો ચમકારો પણ દેખાડયો.

આખરે ૧૮ વર્ષની વયેે તેણે ભારતની જુનિયર બેડમિંટન ટીમમાં સ્થાન મળ્યું અને તેણે અમેરિકાના સ્પોકેેનમાં રમાયેલી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરતાં સેમિ ફાઈનલ સુુધીની સફર ખેડી. આ ચેમ્પિયનશિપમાં બિનક્રમાંકિત ખેલાડી તરીકે ઉતરેલા આયુષ શેટ્ટીએ અપસેટની હારમાળા સર્જી હતી અને આખરે કાંસ્ય સફળતા મેળવી હતી. તેની સફળતાની વિશેષતા એ હતી કે, વર્ષ ૨૦૨૩ની એ વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભારતને એકમાત્ર ચંદ્રક મળ્યો હતો અને તે આયુષે મેળવેલો કાંસ્ય ચંદ્રક હતો. 

આંતરરાષ્ટ્રીય સ્તરની જુનિયર ચેમ્પિયનશિપની સફળતા બાદ તેના આત્મવિશ્વાસમાં વધારો થયો અને તે વર્ષથી તેણે સિનિયર ઓપન બેડમિંટનમાં ભાગ લેવાનું શરુ કર્યું. તેણે ઓડિશા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં તેમજ બહેરિન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ફાઈનલ સુધીની સફર ખેડતા રનરઅપ તરીકેનો ખિતાબ હાંસલ કર્યોે. સફળતાથી થોડા માટે વંચિત રહી જવા છતાં તેણે વધુ મહેનત કરવાનું શરુ કર્યું અને સતત સ્પર્ધામાં ભાગ લેવાનું જારી રાખ્યું. 

લી ચોંગ વેઈ જેવા ખેલાડીના જોરદાર ફેન એવા આયુષની આક્રમક રમતથી વિશ્વના ઘણા ખેલાડીઓ પ્રભાવિત થયા. તેણે ભારતના દિગ્ગજ ખેલાડી કિદામ્બી શ્રીકાંત અને સિંગાપોરના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન લોહ કેન યેવ જેવા ધુરંધરને પણ મહાત આપી. આ દરમિયાન જ ઓલિમ્પિકમાં બેવડાં ગોલ્ડ મેડલ જીતનારા સુપરસ્ટાર ડેનિશ ખેલાડી એક્સલેસને તેના પ્રેક્ટિસ પાર્ટનર તરીકે આયુષની પસંદગી કરી. આયુષ પહેલેથી એક્સલેસનની આક્રમક રમતનો જબરજસ્ત ફેન હતો. જોકે એક્સલેસન સાથેની પ્રેક્ટિસ દરમિયાન તેને અહેસાસ થયો કે, ડેનિશ ખેલાડીનું ડિફે્ન્સ ખુબ જ મજબુત છે. સફળતા મેળવવા માટે હંમેશા આક્રમણ જ ફળતું નથી, ઘણી વેળા મજબુત ડિફેન્સ પણ મેચનું પાસું પલ્ટી નાંખે છે અને બસ આ જ સમજણથી તેની રમતમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું. 

આયુષે તેના ડિફેન્સ પર સખત મહેનત કરવાની શરુ કરી અને તેનું પરિણામ હવે દુનિયાને જોવા મળી રહ્યું છે. ભારતીય બેેડમિંટનમાં આયુષની સિદ્ધિ અત્યંત મહત્વની છે અને આગળ જતાં તે ભારતીય બેડમિંટનને નવી ઊંચાઈ પર પહોંચાશે તેમ બેડમિંટન જગતના ધુરંધરો માની રહ્યા છે. 


Tags :