સાઈદેવીનું પ્રકૃતિ આંદોલન .
- આજકાલ - પ્રીતિ શાહ
- સાઈદેવીના મતે આ માત્ર નેચર વૉક નથી, પરંતુ એક આંદોલન છે. જેના દ્વારા પર્યાવરણનું સંરક્ષણનું મહત્ત્વ સમજાય અને આજીવન ટકાઉ ભવિષ્ય પર તેમની દ્રષ્ટિ રહે
ત મિળનાડુના શ્રીવિલ્લીપુથુરની બાજુમાં આવેલા રાજપલાયમ ગામમાં સાઈદેવી સંજીવીરાજાનો જન્મ થયો હતો. અહીં નજીકમાં જ ગ્રિજલ્ડ સ્કવીરલ વાઇલ્ડલાઇફ સેંક્ચુરી છે જે શ્રી વિલ્લિપુથુર વાઇલ્ડ લાઇફ તરીકે પણ ઓળખાય છે. સાઈદેવીની માતા સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને સાઈદેવીએ એ જ સ્કૂલમાં અભ્યાસ કર્યો. વીસ એકરમાં ફેલાયેલી આ સ્કૂલમાં વેકેશન દરમિયાન પણ તેની માતા સાથે જતી. એનું એક માત્ર કારણ હતું તેનો પ્રકૃતિપ્રેમ. તે સ્કૂલે જતી અને પછી કલાકો સુધી પક્ષીઓનું, જીવજંતુનું, કીડાઓનું નિરીક્ષણ કરતી. તેને ખિસકોલીની કેટલીક અલભ્ય પ્રજાતિ જોવા મળી. અનેક પ્રકારના જીવજંતુ ક્યાં રહે છે, શું ખાય છે, તે પોતાના રહેવા માટે કેવા દર બનાવે છે અને કઈ રીતે પોતાનું રક્ષણ કરે છે, તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતી હતી. દરજીડો પક્ષી પાંદડામાં જાળ ગૂંથીને કેવી નિપુણતાથી તેનું ઘર બનાવે છે તે જોવાની તો તેને ભારી મજા પડતી.
એના માતા-પિતાની ઇચ્છાથી ફાયનાન્સ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશે અભ્યાસ કરવા કોઇમ્બતૂર ગઈ, પરંતુ એનું મન તો સતત પોતાની એ વહાલી પ્રકૃતિ સાથે જોડાયેલું હતું, તેથી માતા-પિતાએ એને મનપસંદ કામ કરવા સંમતિ આપી. સાઈદેવીને હાથી વિશે ઊંડો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક સાથે કામ કરવાની તક મળતાં તે બઁગાલુરુ ગઈ. અહીં તેણે જોયું કે બઁગાલુરુમાં બાળકોની આસપાસ પ્રકૃતિ તો ઘણી હતી, પરંતુ તેમનામાં એને જાણવાની કે માણવાની રુચિ નહોતી. બાળકો પાસે તો એ માટે એટલો સમય પણ નથી. એણે બાળકો અને પ્રકૃતિ વચ્ચેના આ અંતરને ઘટાડવા માટે 'થિકેટ ટેલ્સ'ની રચના કરી, જે બાળકોને પ્રકૃતિ સાથે જોડવાના સેતુનું કામ કરે છે.
સાઈદેવીને લાગતું હતું કે તેણે પ્રકૃતિનો જે ભર્યો ભર્યો મનોરમ અનુભવ કર્યો છે અને આનંદ પ્રાપ્ત કર્યો છે, તે આ બાળકોને મળવો જોઈએ. સ્કૂલે જતાં બાળકોને પ્રકૃતિ સાથે કોઈ અનુબંધ નહોતો. તેમનામાં સહેજે જિજ્ઞાસા નહોતી. દરેક બાળકમાં પ્રશ્ન પૂછવાની અને જવાબ શોધવાની જિજ્ઞાસા હોવી જોઈએ, તેનો સદંતર અભાવ હતો. સાઈદેવીને વિજ્ઞાનનો કોઈ અનુભવ નહોતો તેમ છતાં એણે ઈ. સ. ૨૦૨૦માં કબ્બન પાર્કમાં બાળકો માટે 'ગેમીફાઇડ' વૉકનું આયોજન કર્યું. ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી સાત બાળકો ત્યાં પહોંચ્યા. તે બાળકોને 'કેમ?' અને 'કેવી રીતે?' જેવા પ્રશ્નો પૂછયા અને બાળકોને જ જવાબ શોધવા કહ્યું. તેમાં તેમને ખૂબ મજા આવી. મોટાભાગનાં બાળકોએ જાતે જ જવાબો શોધ્યા. તેમને પાર્કમાં ચલાવ્યા, વાર્તા કહી અને પર્યાવરણ વિશે સમજ આપી.
થિકેટ ટેલ્સનો મુખ્ય કાર્યક્રમ છે 'લર્ન એરાઉન્ડ નેચર', જેના અંતર્ગત તે ઓછી આવક ધરાવનાર પરિવારના છઠ્ઠાથી આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે એ કામ કરે છે. બગીચામાં ફરવું, ચર્ચા કરવી અને સમૂહમાં કામ કરવાના માધ્યમથી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સમજવામાં બાળકોને મદદ મળે છે અને મજા પણ આવે છે. આ વિષય પર તેઓ નાટક કરે છે, ઘણી વસ્તુઓ શોધે છે, 'સાપ બદલો લે છે?' એવા વિષય વખતે બાળકો સાપના માથાના આકારનું ઓરિગેમી માડલ બનાવે, કવિતા લખે અને મોજ-મસ્તી કરે. દર અઠવાડિયે એંશી મિનિટનો કાર્યક્રમ હોય છે, જે એક વર્ષ ચાલે છે. વૃક્ષની નીચે વાર્તા સાંભળવી, કચરો વીણી લેવો, જીવજંતુઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જેવી પ્રવૃત્તિથી ભીતરની ભાવનાઓનો વિકાસ થાય છે. પતંગિયાને પકડવા અને એને કેમેરામાં કંડારવા તેઓ ઉત્સુક હોય છે. વિદ્યાર્થીઓને શહેરમાં ગ્રીન કવરનું શું મહત્ત્વ છે તે સમજાય છે. ૧૯૭૩ અને ૨૦૧૧નો નકશો જોતાં તેમને પોતાના શહેરમાં ગ્રીન કવર કેટલું ઘટયું છે, તેનો ખ્યાલ આવે છે. ભૂગોળના જ્ઞાનની વૃદ્ધિ સાથે તેમને તેમની જવાબદારીનું ભાન થાય છે.
આજે થિકેટ ટેલ્સ બઁગાલુરુમાં પચાસ સ્કૂલ અને પચાસ બગીચા સાથે કામ કરે છે. તેમનો બીજો કાર્યક્રમ 'ગ્રીનજેન ઍક્સપ્લોરર્સ'નો છે જે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવે છે. થિકેટ ટેલ્સ સાથે એક જીવવિજ્ઞાની, એક વિજ્ઞાન કમ્યુનિકેટર અને એકેડેમિક ડિરેક્ટર કામ કરે છે. આ પ્રોગ્રામ ચલાવવા માટે તેઓ ફંડ એકત્ર કરે છે અને વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. સાઈદેવી સંજીવિરાજા કહે છે કે શરૂઆતમાં લોકોને શંકા હતી કે આવા કાર્યક્રમ કેવી રીતે ચાલશે? પરંતુ જેમ જેમ કામ થતું ગયું, તે કામના વીડિયો દર્શાવ્યા તો લોકો ધીમે ધીમે પ્રોત્સાહિત થતા ગયા. સાઈદેવી ભવિષ્ય માટે ફેલોશિપ અને ઈન-હાઉસ પ્રોગ્રામ વિશે વિચારી રહ્યા છે. તેઓ શિક્ષકોને પણ તાલીમ આપે છે. બાળકોના ચહેરા પર આનંદ એ વાતનો છે કે સાઈદેવી પુસ્તકમાંથી નથી શીખવતા. તેઓ જે જુએ છે તેનાથી શીખે છે. સાઈદેવીના મતે આ માત્ર નેચર વાક નથી, પરંતુ એક આંદોલન છે. જેના દ્વારા પર્યાવરણનું સંરક્ષણનું મહત્ત્વ સમજાય અને આજીવન ટકાઉ ભવિષ્ય પર તેમની દ્રષ્ટિ રહે.
- બાળકોને 'દત્તક' લેતો અમિત
- અમિત લાઠિયો આ કામ પુરસ્કાર માટે નહીં, પરંતુ આવાં બાળકો આત્મનિર્ભર બને અને પૈસાની લાલચમાં અપરાધની પ્રવૃત્તિઓમાં જોડાય નહીં તેના માટે કરે છે
વ્ય ક્તિના ચિત્તમાં કેટલીક ધારણાઓ કે માન્યતાઓ ખોટી રીતે ઘર કરી જાય છે. નાનું બાળક રડતું બંધ થાય તે માટે કે એ સમયસર વ્યવસ્થિત જમી લે તેને માટે માતા-પિતા તેને કહેતા હોય છે કે જો જમી લે, નહીં તો પોલીસને બોલાવીશ. આવા ડર સાથે બાળકોનો ઉછેર થતો જોવા મળે છે. જ્યારે આજે આને બદલે હરિયાણાના સોનીપતમાં અનેક બાળકો આવા કોઈ ડરને બદલે એક સોનેરી સ્વપ્ન સાથે જાગે છે. તેના કેન્દ્રમાં છે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અમિત લાઠિયા. સોનીપત જિલ્લાના લાઠ ગામના ગરીબ પરિવારમાં અમિતનો જન્મ થયેલો. પિતા ખેડૂત હતા અને મોટાભાઈ સ્ક્રેપ ડીલર તરીકે કામ કરતા. સ્કૂલના અભ્યાસકાળ સમયે તેની ઇચ્છા આંતરરાષ્ટ્રીય સ્તરે દોડની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની હતી. અંડર-૧૬ રાષ્ટ્રીય ટ્રેકમાં તેનું પ્રદર્શન સારું હતું અને ચારસો મીટર દોડમાં પ્રતિનિધિત્વ કરવાની ઇચ્છા હતી, પરંતુ ૨૦૦૮માં પિતાનું અચાનક અવસાન થવાથી તેનું સ્વપ્ન અધૂરું રહ્યું.
તે પોતાના ગામમાં પાછો આવ્યો અને તેણે વિચાર્યું કે પોલીસ બનીને દેશની સેવા કરીશ. તેને માટેની પરીક્ષાની તૈયારી કરવા કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવવા ગયો, ત્યારે ખબર પડી કે કોર્સની ફી ત્રણ હજાર રૂપિયા છે. આટલા પૈસા તો તેની પાસે હતા નહીં. તેણે ઘણા પાસે મદદ માગી, પણ કોઈએ મદદ ન કરી. તેથી તેણે ચાની દુકાન પર ચા વેચવાનું શરૂ કર્યું. ત્રણ મહિના કામ કર્યું અને ફીના પૈસા એકઠા કર્યા. કોચિંગ સેન્ટરના માલિકે તેને ચાની દુકાન પર કામ કરતા જોયો. તેની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને અમિતની ફી માફ કરી દીધી. ૨૦૧૦માં અમિતને દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી મળી ગઈ. હાલ દિલ્હીના રોહિણી વિસ્તારમાં મોબાઈલ ક્રાઈમ ટીમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં તેમણે અનેક બાળકોને અજીબોગરીબ કામ કરતા જોયા. એ દરેક બાળકમાં તેઓ પોતાની જાતને જોતા હતા. અમિત લાઠિયા આ બાળકો માટે કંઈક કરવા માગતા હતા, તેમણે વિચાર્યું કે જો તેઓ સરકારી નોકરી મેળવી શક્યા તો આ બાળકો કેમ ન મેળવી શકે?
અમિત લાઠિયાએ બાળકોના કલ્યાણ માટે ૨૦૧૨માં દસ વિદ્યાર્થીઓ સાથે પ્રથમ બેચ શરૂ કરી, જેમાંથી છ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી. તેને કારણે અમિત લાઠિયામાં આત્મવિશ્વાસ વધ્યો. તેઓ પોતાના પગારનો મોટાભાગનો ખર્ચ બાળકો માટે કરવા લાગ્યા. તેમણે ૧૪૦૦ સ્કવર ફીટના ચાર ફ્લટ ભાડે રાખ્યા. તેમાં ખુરશી, ટેબલ, પલંગ અને પુસ્તકાલય જેવી જરૂરી વસ્તુઓ વસાવી. તેઓ રોજ સોનીપતથી દિલ્હી આવે છે. જો તેમની નોકરીનો સમય રાતનો હોય તો તેઓ બાળકોને દિવસે ભણાવે છે અને જો તેમનો સમય દિવસનો હોય તો રાત્રે ભણાવે છે. ૨૦૧૨માં શરૂ કરેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં આશરે સાડા ત્રણસો ગરીબ, વંચિત અને અનાથ બાળકોને 'દત્તક' લીધા છે.
આ એવા બાળકો છે જે નાનપણથી મજબૂરીમાં કોઈ દુકાનમાં, લારી પર, વેઇટર તરીકે કે પેઇન્ટર તરીકે કામ કરતા હોય. તેમને માટે કોઈ પણ પ્રકારની ફી લીધા વિના રહેવાની, ભોજનની, શિક્ષણની વ્યવસ્થા કરી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું. સાડા ત્રણસો વિદ્યાર્થીઓમાંથી ૧૮૫ વિદ્યાર્થીઓ સ્ટાફ સિલેક્શન કમિશન - સંયુક્ત સ્નાતક સ્તરીય પરીક્ષા, હરિયાણા કર્મચારી સિલેક્શન આયોગ અને ચંડીગઢ પોલીસ આઈ.ટી. કોન્સ્ટેબલ ભરતી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. તેઓ બાળકોને માત્ર અભ્યાસ નથી કરાવતા, પરંતુ એમના સમગ્ર વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન આપે છે. જે બાળકો આવી પરીક્ષામાં સફળ ન થાય તેઓ પોતાના ગામમાં પરત ફરીને ખેતી સંભાળે છે. કેટલાક વિદ્યાર્થીઓને તેમણે ભારત સરકારના જુદા જુદા વિભાગોમાં ગ્રૂપ બી અને સી અધિકારીની નોકરી આપવામાં મદદ કરી છે.
અમિત લાઠિયાને તેમના આ કામમાં પરિવારજનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થયો છે. તેમના પત્ની મંજુ સોનીપતમાં ગણિતના પ્રોફેસર છે અને ઘરખર્ચમાં અને બાળકોને અભ્યાસ કરાવવામાં મદદ કરે છે. લગ્ન પહેલાં જ અમિતે મંજુને તેના જીવનના આ ઉદ્દેશ વિશે જણાવ્યું હતું અને તેમાં મદદ કરવાની મંજુએ ખુશીથી સંમતિ આપી હતી. આજે અમિત, મંજુ અને તે ઉપરાંત પાંચ સાથી અધિકારી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમિત સરને મદદ કરે છે. અમિત લાઠિયાના કામને જોઈને ઘણા લોકો તેમને આર્થિક સહાય કરે છે, પરંતુ તેઓ દર વર્ષે ત્રીસથી વધુ વિદ્યાર્થીઓને લઈ શકતા નથી. તેમની ઇચ્છા તો વધુ બાળકોને અભ્યાસ કરાવવાની છે અને તેના માટે પ્રયત્ન કરે છે. અત્યાર સુધીમાં તેમને ઘણા પુરસ્કાર મળ્યા છે, પરંતુ તેમના કહેવા પ્રમાણે તેઓ આ કામ પુરસ્કાર માટે નહીં, પરંતુ આવાં બાળકો આત્મનિર્ભર બને અને પૈસાની લાલચમાં અપરાધની પ્રવૃત્તિઓમાં જોડાય નહીં તેના માટે કરે છે.