અહંકાર અને આસક્તિથી તિલસ્મી દુનિયામાં તમે જીવો છો ?
- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
- વિદ્યા, વિત્ત (ધન) અને શક્તિનો પરોપકાર કાજે ઉપયોગ કરો. હકીકતમાં તો આનાથી જ માનવીનો સાચો માપદંડ મળી રહે છે.
- 'આ જીવલોકમાં પોતાના સ્વાર્થ માટે ક્યો માણસ નથી જીવતો ? પરંતુ પરોપકાર માટે જે જીવે છે, એ જ સાચું જીવે છે.
- પરોપકારની ભાવનાથી વ્યક્તિ પોતે વ્યક્તિ મટી સમષ્ટિનું એક અંગ બની જાય છે. જો આપણી પાસે શિક્ષણ પામવાની ક્ષમતા હોય તો સમગ્ર પ્રકૃતિમાંથી જીવનસંદેશ પ્રાપ્ત થાય છે
સા ધકના જીવનમાં ઘાતક અને વિનાશકારી બનતો અહંકાર અને મમત્વભાવ માનવજીવનને ગ્રસી જાય છે. અહંકાર કોનામાં હોતો નથી ? પરંતુ એ અહંકાર જ્યારે બીજાના હ્ય્દય પર આઘાત કરે, અન્યના મનમાં શુળ કે કાંટો ભોંકે કે પછી શીલ, સત્ય અને નિષ્પાપપણાની સામે બાથ ભીડે, ત્યારે એ અહંકાર પ્રચંડ, ભયાવહ રૂપ ધારણ કરે છે. સાધકને માટે તો પોતાની ભીતરમાં પેઠેલા એ અહંકારની ઓળખ એ સાધનામાર્ગનું પહેલું પગથિયું છે. એની ઓળખ વિના બધાં જપ, તપ, કર્મકાંડ, અવળે રસ્તે ચાલ્યા જશે અને એનો કોઈ આત્મિક લાભ સાંપડશે નહીં. જીવનમાં વ્યાપ્ત એવી અહંકાર અને આસક્તિની આપણે પોતે જ સર્જેલી ભ્રમણામાંથી મુક્ત થવા માટે આંતરિક પુરુષાર્થ જરૂરી છે.
પેલું દ્રષ્ટાંત યાદ આવશે કે એક સાધુ ગાયને દોરીને લઈ જતો હોય છે અને એ એમ માનતો હોય છે કે હું ગાયને દોરીને લઈ જાઉં છું, પણ હકીકતમાં તો ગાય સાધુને દોરતી હોય છે. એ જ રીતે આપણે વિચારવું જોઈએ કે શું આપણા જીવનનું સુકાન આપણા હાથમાં છે કે પછી બહારની દુનિયામાં કે અન્ય વ્યક્તિઓ પાસે છે ? બાહ્યજગતને પોતીકું પ્રબળ આકર્ષણ હોય છે, તો એ બાહ્યજગતના આકર્ષણની પ્રાપ્તિ જ આપણા જીવનનું અંતિમ ધ્યેય તો નથી બની ગયું ને ! કારણ કે સ્વ-જીવનનું સૂત્ર બહાર હશે, તો એ સૂત્રનો નિયામક પણ બહાર હશે. જીવનનું સૂત્ર જો તમારી પાસે હશે, તો એ જીવનના ઘડનારા તમે સ્વયં હશો. જો તપ, જપ કે સાધના બહાર બતાવવા માટે યા સિદ્ધિ, પ્રસિદ્ધિ કે ધનપ્રાપ્તિ માટે કરશો, તો પછી એ સઘળું બહાર જ રહેશે. ન એનું પુણ્ય પ્રાપ્ત થશે કે ન એનાથી શાંતિ લાધશે. મોક્ષની વાત તો દૂર રહી !
આનો મર્મ એ કે સઘળી ધર્મપ્રક્રિયાઓ તમારા દ્વારા ચાલતી હોય છે, પણ તમારા હ્ય્દય સાથે એની નિસ્બત હોતી નથી. હાથમાં જપમાળા હશે, પણ મનમાં બીજાને દેખાડવાનો ભાવ હશે. ચિત્ત પરોવ્યા વિના ધર્મક્રિયાઓ કરતા હશો, પણ ચિત્તમાં તો ધાર્મિકતા દેખાડવાનો પ્રચંડ અભરખો કામ કરતો હશે. બહારનો અહંકાર તમારી આસક્તિ પર વીંટળાઈ વળે છે. આથી પહેલી વાત છે કે અહમ્ કે મમ્નો ત્યાગ. તમે તમારી પાસે આવો. તમારા ભીતરમાં જાવ. તમારા પોતાના આત્માના કેન્દ્રને સ્પર્શવાનો પ્રયત્ન કરો. આ વાત જરા બીજી રીતે કરીએ. આત્માના કેન્દ્રથી શરૂ કરીને જીવનની સર્વ પ્રવૃત્તિઓનો વિચાર કરો. એનું વિશ્લેષણ કરો અને એની પોતાના આત્મા વિશેની ઉપયોગીતા અંગે ચિંતન કરો.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું કે 'આત્માને રૂડું લાગે તેમ કરો' અને અહીં આપણે વિચારીશું કે મારા આત્માને રૂડું લાગે છે, એવું હું કશું કરું છું ખરો ? કે પછી પ્રબળ અહંકાર ને આંધળી આસક્તિમાં જીવું છું અને પછી આત્માના ચશ્માની તમારી બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય જગતને જુઓ. એની ઉપયોગીતાનો તમારા આત્મલાભની દ્રષ્ટિએ વિચાર કરો અને ખ્યાલ આવશે કે ઊભો કરેલો બહારનો સંસાર એ તો તમે જાતે જ સર્જેલી મિથ્યા માયાવી દુનિયા છે. પછી વિચાર કરો કે આ દુનિયાનો રચયિતા કોણ ? તો જ્ઞાત થશે કે તમે જ આ અહંકાર અને આસક્તિભરી માયાવી દુનિયા તમારી આસપાસ રચી છે અને તેમાં તમે ખુદ સપડાઈ ગયા છો !
એ પછીનું ત્રીજું પગથિયું એ આવશે કે આ માયાવી દુનિયાને કારણે હું સાધકજીવનથી કેટલો અળગો રહ્યો, સત્તા, સંપત્તિ, સિદ્ધિની દોટમાં હું કેટલું બધું બહાર દોડયો અને મળ્યું શું ? જાણતો હતો કે મૃત્યુ નિશ્ચિત છે અને આ બધું અનિશ્ચિત છે. આમ છતાં અનિશ્ચિતને નિશ્ચિત માનીને અને નિશ્ચિત મૃત્યુને અનિશ્ચિત માનીને કેટલી બધી વૃથા દોડધામ કરી !
ચોથે પગલે તમે વિચારશો કે આ અવિરત દોડધામથી શું પ્રાપ્ત થયું ? પહેલાં બેંક બેલેન્સ યાદ આવશે. તમારી પાસેના કંપનીઓના શેરનું સ્મરણ થશે, ફિક્સ ડિપોઝીટમાં નિશ્ચિતતા દેખાશે. સત્તામાં મરતબો લાગશે અને પછી સહેજ થોડો ઊંડો વિચાર કરીને જુઓ કે આ બધી બાબતો કેટલા બધા રાગદ્વેષનું કારણ બની ! એને કાજે કેટલા પ્રપંચો રચ્યા. એની પ્રાપ્તિ માટે જૂઠ, દંભ કે છળનો આશ્રય લીધો. મારી પોતાની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં મેં તિલસ્મી દુનિયા ખડી કરી, પરંતુ એ દુનિયા ખડી કરવા પાછળનો મારો આશય સાવ બનાવટી હતો. મારો આશય સાવ ખોટો હતો. બહારની ઝાકમઝાળભરી સિદ્ધિઓની દુનિયામાં જીવતા મેં વૃત્તિઓના ગ્લેન્સથી મારા ભીતરની તસવીર લેવા પ્રયત્ન કર્યો, તો સાવ શૂન્ય આવ્યું. તો પછી આ મેં રચેલા બાહ્યજગતે મને જ માયાના કેફમાં કેદ કર્યો. એને કારણે રાતદિવસ કેટલી ચિંતાઓ કરવી પડી, ઉજાગરા વેઠવા પડયા. અનિચ્છાએ ખુશામત કરવી પડી અને જરૂર પડે ખોટો પ્રચાર પણ કર્યો. આ બધાએ તો મારા જીવનને બેબાકળું બનાવી દીધું.
તમે જ્યારે મમત્વ અને અહમ્થી બાહ્યજગત જોઈ રહ્યા છો, ત્યારે તમે માત્ર પોતાને ગમતું જગત જ જોયું છે. સમગ્ર જગતને જોયું નથી. સમષ્ટિને જોઈ નથી. જો સમષ્ટિને જોવાનો તમે પ્રયાસ કર્યો હોત, તો તમને એક જુદો જ અનુભવ થયો હોત. તો તમારા જીવનની દ્રષ્ટિ બદલાઈ હોત. અત્યારસુધી તમે એવું માનતા હતા કે સત્તા એ જ સફળતા છે. સંપત્તિ એ જ સાધ્ય છે. સ્વાર્થ એ જ સર્વસ્વ છે અને બાહ્ય પ્રાપ્તિ એ જ જીવનનું પૂર્ણવિરામ છે. પણ જરા ખળખળ વહેતી નદી, હસતું વૃક્ષ કે દૂધ આપતી ગાયને જોઈને થોડી પ્રેરણા લીધી હોત તો કેવું થાત ? તો જ પેલા સંસ્કૃત શ્લોકની માફક સમજાયું હોત
હ્ય્ેઊં્પ્રી(ફશ્નલ્યદ્વયંઋશઊંવ્દ્વ્ય ઝ્ર (ફશ્નેં। ઊં્ઝ્રશ્નથ
હ્લઝછ હ્લઝ્યહ્લદ્વ્ઝ્પ્રહૃ પ્ય (ફશ્નેં। િં (ફશ્નેં। ળળ
'આ જીવલોકમાં પોતાના સ્વાર્થ માટે ક્યો માણસ નથી જીવતો ? પરંતુ પરોપકાર માટે જે જીવે છે, એ જ સાચું જીવે છે.
વહેતી નદી જોઈને એ વિચારશે કે એની વહેતી જલધારા મને અવિરત કર્મયોગની પ્રેરણા આપે છે. એનું શુદ્ધ પાણી, પશુ પંખી, માનવ અનેકને નવજીવન બક્ષે છે. એમ કહેવાય છે કે જે ગામમાં નદી ન હોય, એ ગામમાં વસવું હિતકર નથી. આમ વહેતી નદી અન્યના પરોપકાર કાજે પોતાનું જલ આપતી હોય છે, એના પાણીથી તૃષા છીપાય, ખેતી થાય, વૃક્ષો ઊગે અને શીતળતા પ્રસરે. એવી જ રીતે ગાયના પરોપકારીપણાને કારણે તો એને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને હસતા વૃક્ષને જોતાં જ માનવીનું મન પ્રસન્ન થઈ જાય છે. એ ગ્રીષ્મના બળબળતા તાપમાં છાંયડો આપે છે. મીઠાં ફળ આપે છે, જમીનની જાળવણી, વન્યસૃષ્ટિને પોષવાનું અને પર્યાવરણનું કામ કરવાની સાથોસાથ જાતે કાર્બન ડાયોક્સાઈડ લઈને જગતને પ્રાણવાયુ આપે છે.
બદલાની કશી આશા વિના આ વૃક્ષનાં મૂળિયાં અને પાનમાંથી ઔષધ બને છે, એનાં પુષ્પો અને પર્ણો પૂજાની સામગ્રી બને છે. એનાં ફળો માનવીને ઉદરતૃપ્તિ ઉપરાંત શક્તિ અર્પે છે. એનો છાંયડો પથિકને માટે વિશ્રામસ્થળ બને છે. આ વૃક્ષ કદી કોઈ ઉપકારની આશા રાખતું નથી. બસ, એ તો પોતાની રીતે કામ કરે જાય છે. આથી જ સંત તુલસીદાસ ગાઈ ઊઠયા કે -
।ક્શ્નઝ, ઝ્યિંશ્નઝ, છિં।(ઝ્ર,
ટ્ટ્યપ્ર્ દ્ધઝયિં ઊંર્યં,
હ્લઝઊં્ઝપ્ર દ્વય દ્વ્ઝઙ્ઘલ ટ્ટ્ઝ્ય ષ્ેંઝપ્ય ર્યં
પરોપકારની ભાવનાથી વ્યક્તિ પોતે વ્યક્તિ મટી સમષ્ટિનું એક અંગ બની જાય છે. જો આપણી પાસે શિક્ષણ પામવાની ક્ષમતા હોય તો સમગ્ર પ્રકૃતિમાંથી જીવનસંદેશ પ્રાપ્ત થાય છે. આને માટે વ્યક્તિએ પોતાના અહંકાર પરની દ્રષ્ટિ ત્યજીને આંખ-કાન ખુલ્લા રાખી આ વિશ્વને જોવું, જાણવું અને માણવું જોઈએ. આથી જ ભારતીય સંસ્કૃતિએ વારંવાર કહ્યું છે કે વિદ્યા, વિત્ત (ધન) અને શક્તિનો પરોપકાર કાજે ઉપયોગ કરો. હકીકતમાં તો આનાથી જ માનવીનો સાચો માપદંડ મળી રહે છે.