Get The App

આપણે ઘોષ સાંભળ્યા વિના પ્રતિઘોષ આપીએ છીએ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
આપણે ઘોષ સાંભળ્યા વિના પ્રતિઘોષ આપીએ છીએ 1 - image


- લેન્ડસ્કેપ - સુભાષ ભટ્ટ

ભારતીય ચિત્ત્ત સર્જક અને સાધક બન્ને છે. પરમ કલા, કલાકાર અને કૃતિ કેવા હોય છે તેના આદર્શો, મૂલ્યોની યાદી આપણી પાસે સદીઓથી છે. પણ તેવા  જીવન દ્રષ્ટાંતો હવે  દુર્લભ છે. કદાચ સમકાલીન યુગ વધુને વધુ બાહરી અને બહિર્મુખી બની રહ્યો છે. આપણે બહાર સૌને જવાબ આપવામાં વ્યસ્ત અને મસ્ત છીએ તેથી જાતની પીડા અને પ્રશ્નો વિશે બેખબર છીએ. આપણને પ્રતિક્રિયા દેવાની ઉતાવળ છે પણ પ્રક્રિયામાંથી પસાર થવાની તૈયારી નથી. આજે તો તેવા કલાકારો લુપ્ત થયેલ સ્વર્ગીય પંખી જેવા લાગે છે. આવો, આવી જ એક અલૌકિક સાધક-સર્જક  ચેતનાના દર્શન કરીએ; તબલા સમ્રાટ સ્વ. પંડિત સામતા પ્રસાદજી કે ગુદઈ મહારાજ (ઇ.સ ૧૯૨૧-૧૯૯૪). તેઓ જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ તેમના પિતા પંડિત હરીસુંદર (બચ્ચા મિશ્રા) નિર્વાણ પામ્યા હતા. તેથી  તેમની માતાએ તેમને ઉછેર્યા. વિધવા માતાએ પાંચ બાળકોને ઉછેર્યા- સંસ્કાર આપ્યા. માતા સવારે ચાર વાગ્યે સામતા પ્રસાદને ઉઠાડીને કહેતી 'બેટા જાગી જા. આ સમયે દેવતાઓ વિદ્યા વહેંચવા નીકળે છે.' દિવાના ઉજાસમાં દીકરો તબલા નો રીયાઝ કરે અને મા સોપારી કાપતાં-દિવસના ચાર આના લેખે. ઘરમાં જ વાગ્દેવીનું નાનું મંદિર ત્યાં સામતા પ્રસાદે  બનારસ ઘરાનાનો લય-તાલ અને પવિત્ર જીવનનો સુર અને સ્વર સાધ્યા. તેમ છતાં ઈ.સ ૧૯૪૨ના પ્રયાગના અખિલ ભારતીય સંગીત સમારોહમાં તેની સાથે સંગત કરવા કોઈ તૈયાર ન'તું. ખેર.. અભાવના ઉજાસમાં કરેલી તેમની સંગીત સાધના ફળી. કાળક્રમે તેમણે પં. રવિશંકર અને ઉસ્તાદ બિસ્મિલ્લાખાન જેવા સાથે સંગત કરી, અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું. અરે, બપ્પી લહેરી, આર.ડી. બર્મન જેવા તો શિષ્યો થયા. વિશ્વમાં તેમના તબલાંનો ગડગડાટ સંભળાયો. સંગીત નાટક અકાદમી, પદ્મશ્રી, પદ્મભૂષણ જેવા સન્માનો પણ તેઓ પામ્યા. લાગલગાટ છ દાયકા તેમના તબલાં વાગતા રહ્યા. જયારે પુણેમાં હદયરોગનો હુમલો થયો ત્યારે પણ તેઓ  રીયાઝ કરતા હતાં.

હિન્દી સર્જક શ્રી વ્યોમેશ શુક્લે તેમને કાશીમાં જ સહજ-સરળ સ્વરૂપે જોયા છે; રીક્ષામાં, લુંગી-કુર્તામાં, લેકટોજનના ડબ્બામાં પરચુરણ લઈને ફરતા, કબીર ચૌરાની હોસ્પીટલ પાસે જમીન પર બેસીને  ખુલ્લામાં વાળ કપાવતા, નિયમિત મંદિરે જતાં, માછલી-પંખીને દાણા દેતાં, પશુને ચારો નાખતા વગેરે. શ્રી વ્યોમેશ શુક્લ લખે છે આવા સર્જકો સહજતામાં સર્જકતા અને સાધારણતામાં મહાનતા છુપાવી શકે છે. કદાચ, આવુ સર્જન માત્ર મન-બુધ્ધિ-ઈન્દ્રીયોને નહીં આત્માને પણ સ્પર્શે છે.

Tags :