ગુજરાતીઓ સાહસિક નથી, એના જેવું બીજું કોઈ જુઠ્ઠાણું નથી!
પારિજાતનો પરિસંવાદ : ડૉ. કુમારપાળ દેસાઈ
સાહસિક યુવાનો વિચાર કરતા હતા કે, 'જે ધરતીએ મને આશરો આપ્યો એ ધરતીનાં મૂળ વતનીઓને મારાથી જાકારો કેમ અપાય ?'
કા મયાબ વેપા૨ીવૃત્તિ ધરાવતી ગુજરાતી પ્રજા સહેજે સાહસિક નથી એવું આળ મૂકનારાઓને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના યુવાનોના ખમીરવંતા ભૂતકાળની કોઈ જાણકારી હોતી નથી. હકીકતમાં ગુજરાતીઓએ પહેલાં સાહસ કર્યું છે અને પછી 'વ્યાપારે લક્ષ્મી'ના સૂત્ર મુજબ વ્યાપાર કરીને સફળતા હાંસલ કરી છે. ગજબની સાહિસકતાથી એમણે દેશ-દેશાવર ખેડયાં છે અને પછી એવા અગમ, અગોચર દેશમાં પણ ભારતની ધાર્મિક અને સાંસ્કારિક પરંપરા જાળવીને વ્યાપારમાં સફળતા હાંસલ કરી છે.
ગુજરાતી પ્રજા દુર્બળ કે ડરપોક છે એમ કહીને એના પર ફિટકાર વરસાવનારાઓ વર્ષો પહેલાં એકલે પંડે અજાણી દુનિયામાં અને સાવ જુદી પ્રજા અને પરિસ્થિતિ વચ્ચે સાહસ કરનારા એ કચ્છ-કાઠિયાવાડના ગુજરાતીઓને સદંતર ભૂલી ગયા છે. કલ્પના કરીએ કે આજથી સવાસો વર્ષ અગાઉ કોઈ સાવ નાનકડાં ગામડાંમાંથી દેશાવર ખેડવા માટે કોઈ યુવાન નીકળતો હોય! આ માટે કારણ એટલું કે એના ઘરની હાલત એના હૈયાને કોરી ખાતી હોય, એની આસપાસ ગરીબી ચોવીસે કલાક આંટા મારતી હોય, દુષ્કાળમાં અધિક માસની માફક કુટુંબમાં કોઈ લગ્ન કે મરણ આવે અને કેટલીય કોરી(રૂપિયા)નું દેવું થઈ જતું હોય. આવે સમયે કેટલાય યુવાનો અજાણી, અણદીઠી ભોમકા ખેડવા માટે નીકળતા હતા.
ઇતિહાસ ગવાહી આપે છે કે ઈ. સ. ૧૯૧૧ના વર્ષમાં પ્રેમચંદ વ્રજપાળ શાહે જામનગર પાસેના હાલારના પડાણા ગામથી નીકળીને આફ્રિકાની ધરતી પર પગ મૂક્યો અને જંગલમાં વસનારી એવી આફ્રિકન પ્રજાને માટે પહેલી વાર ઉદ્યોગ સ્થાપ્યો.
વિચાર કરીએ એ ચૌદ વર્ષનાં યુવાનનો કે જેણે દેશાવર ખેડતાં પહેલાં માંડ માંડ જામનગર શહેર જોયું હતું, એણે દૂર દેશાવર ખેડવાની હિંમત કરી. રોજેરોજ પગપાળા પ્રવાસ કરનારા કે બળદગાડામાં પ્રવાસ કરનારને લાંબી અને જોખમી સાગર સફર કરવાનો પહેલવહેલો વખત આવ્યો હતો. આવે સમયે માંડ માંડ ટિકિટનાં પૈસા ભેગા કરીને ગામ અને વતન છોડીને યુવાનો નીકળતા હતા.
એ સમય કચ્છ-કાઠિયાવાડ(આજનું સૌરાષ્ટ્ર)નાં ગામલોકો ભલે ગરીબ હતા, પણ ભાવનામાં ઉદાર હતા. એમના અંતરમાં વહાલનાં અજબગજબ ભાવો ઉભરાતા હતા. માતા વહાલસોયા દીકરાને વિદાય આપતી હોય, પરદેશ મોકલતી હોય અને પછી એના ખબરઅંતર ક્યારે મળશે એની ભીતી મનમાં સતાવતી હોય. બીજી બાજુ એના ઉજળા ભાવિની સોનેરી આશા મનમાં રમતી હોય. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે, પરંતુ જન્મભૂમિ છોડીને જનની પાસેથી વિદાય લેવાનો એ સમય કેવો કપરો હશે એની કલ્પના કરવી જોઈએ. મનમાં તો એટલું જ કે કુટુંબ પર ભરડો લઈને બેઠેલી ગરીબીની નાગચૂડમાંથી છુટાશે અને દેશાવર ફળશે, તો પોતાનું અને કુટુંબનું જીવન સુખી થશે.
એ જમાનામાં કચ્છ-કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)ના હિંમતબાજ યુવાનોએ સ્ટીમરમાં સફ૨ ક૨વાનાં પૈસા માંડ ભેગા કર્યા હોય ત્યાં વળી સ્ટીમરની હોટલમાં ભોજન લેવાની કલ્પના તો ક્યાંથી થાય ? એ દરિયાઈ મુસાફરીમાં ગોળપાપડી(સુખડી) અને ખીચડી બનાવવાનાં સીધુ-સામાન લીધા હોય. ભોજનમાં ખીચડી અને મીઠાઈમાં ગોળપાપડી. વળી કોઈ સાથી નાનકડી કડાઈ લાવ્યું હોય, તો કોઈ એક-બે તપેલી લાવ્યું હોય. બધા સાથે મળીને ખીચડી બનાવે અને ભોજન કરે. આપત્તિ સહુને એક કરી નાખતી.
સ્ટીમરના પ્રવાસમાં થોડા દિવસ તો સુખડી ભાવે, પરંતુ રોજેરોજ ખાવાથી ધીરે ધીરે અણગમો પેદા થાય. આવે સમયે સુખડીનો ભુક્કો કરીને પાણીમાં નાખીને શીરા જેવી બનાવે. સ્વાદ અને સ્વરૂપમાં થોડો ફેર કરીને ભોજનનો આનંદ માણે. સ્ટીમરનાં ખંડમાં રહેવું તો મોંઘું પડે એટલે રાત્રે ક્યાં તો સ્ટીમરનાં 'ડેક' પર સૂઈ જાય અથવા તો જ્યાં ક્યાંય જગા મળે ત્યાં ગોદડી પાથરીને સૂઈ જાય.
એ સમયે ભારતથી મોમ્બાસા પહોંચતા પંદરેક દિવસ લાગતા. સફર ઘણી લાંબી અને જોખમી. સ્ટીમર સતત ડોલતી રહેતી હતી. કેટલાકને તો ખૂબ ચક્કર આવે. કોઈને પેટમાં ગરબડ લાગે. કોઈને વોમિટ થાય. કેટલાક પ્રવાસી તો સૂતાં સૂતાં જ દિવસોનાં દિવસો પસાર કરતા હતા. પહેલાં ત્રણેક દિવસ સુધી તો મોટા ભાગના પ્રવાસીઓ સ્ટીમરમાં ઊભા થઈને ચાલવાની હિંમત ન કરે. સ્ટીમર ખૂબ ડોલતી હોય તેથી સહુને ચક્કર આવતાં હોય. એમાં દરિયો તોફાની હોય ત્યારે તો સ્ટીમરમાં ખાટલામાં સૂતા હોય, તે પણ નીચે પડી જાય. વળી આમતેમ ઊછળતી સ્ટીમર વખતે સાવધાની ન રાખે, તો દરિયામાં ફેંકાઈ જાય. આ સ્ટીમર કોલસાથી ચાલતી હોવાથી પ્રવાસીઓનાં કપડાં પર કોલસી જામી જતી. વળી થર્ડ ક્લાસની ટિકિટ હોય, તેથી સ્ટીમરમાં બીજે હરીફરી શકાય નહીં. ઉપર આકાશ અને આસપાસ પાણી એ જ આખી દુનિયા.
પાણી તો માત્ર પીવા પૂરતું થોડું જ મળતું હતું. એમાં વળી સ્નાન ક૨વાની તો વાત જ ક્યાં ? શરીર તો ખારા પાણીથી લૂછી નાખવાનું. દરિયો તોફાને ચઢે તો આવી બને. રસોઈ બનાવવાની તો વાત દૂર રહી, પણ દરિયામાં ફેંકાઈ ન જવાય તેનું ઘ્યાન રાખવું પડે. ૧૯૧૦ની આસપાસ આવી સ્ટીમરમાં બહુ ઓછો સામાન લઈ જવાની છૂટ હતી. એમાં કચ્છ-કાઠિયાવાડથી નીકળેલાં કિશોરો પાસે પતરાનાં ટ્રંકમાં એક-બે જોડી કપડાં હોય અને ઓઢવા-પાથરવા માટે એક- બે ગોદડાં હોય. સ્ટીમરની આ સફર પછી મોમ્બાસા ટાપુ પર પગ મૂકતા અવનવો રોમાંચ થતો. ભારતથી નીકળેલી સ્ટીમરમાં જે કચ્છ-કાઠિયાવાડના ગુજરાતી સાહસિકો હોય તે મોમ્બાસા બંદરની દીવાદાંડી જોઈને આનંદ પામતા અને આફ્રિકા પહોંચવાના પોતાના અંતરની અભિલાષા પૂરી થઈ, એનો સંતોષ અનુભવતા. એ સમયે પૂર્વ આફ્રિકામાં પ્રવેશ કરવાને માટે શાંત દરિયાકિનારો ધરાવતું મોમ્બાસા એક મહત્ત્વનું પ્રવેશસ્થાન ગણાતું હતું. એ જમાનામાં આફ્રિકા 'અંધારિયા ખંડ' તરીકે ઓળખાતું હતું અને એના મૂળ વતનીઓ આફ્રિકનો માત્ર જંગલી જાતિનો જ દરજ્જો ધરાવતા હતા.
આતિથ્ય તો ગુજરાતીઓનું. એ જમાનો પણ રાખ-૨ખાપતનો હતો. કેટલાંક હિંદીઓ એકલપંડે દેશાવર ખેડવા માટે નીકળી પડતા. એમને અહીં કોઈ ઓળખાણ પીછાન ન હોય, ત્યારે આવી વ્યક્તિને એની કોમનો માણસ પોતાને ઘેર લઈ જતા.
૧૯૧૦ની આસપાસનાં એ જમાનામાં મોમ્બાસામાં હિંદના કાયદા, હિંદનું ચલણ અને હિંદની ટપાલની ટિકિટ વપરાતી હતી. ભારતથી કપડાંભેર આવેલા માનવીને મદદનો હાથ આપી ઊભો કરનારા પરગજુ ગુજરાતીઓ પણ ત્યાં વસતા હતા. કેશવજી રામજી કરીને એક સજ્જન માત્ર પોતાની ખોજા કોમ પ્રત્યે જ નહીં, કિંતુ તમામ કોમ તરફ આદર ધરાવતા હતા અને તેઓ જેની સાથે કશીય ઓળખાણ ન હોય તેમને પણ કામધંધો અપાવવામાં મદદરૂપ થતા હતા.
મોમ્બાસામાં એ સમયે 'ઇન્ડિયન બઝાર' હતું, જે આજે 'પિગોટ પ્લેસ' તરીકે જાણીતું છે. એ સમયે પતરાનાં મકાન હતાં. કેટલાંક માટીની કાચી દિવાલનાં મકાન પર મકુટી(નાળિયેરનાં પાનનું છાપરું) હોય અને તેમાં ચેરનાં લાકડાં વાપર્યાં હોય. અહીં ભારતથી આવેલા કિશોરો પહેલાં કોઈ પેઢીએ નોકરી કે મજૂરી કરતા હતા. દિવસનાં સોળ સોળ કલાક પરસેવો પાડતા હતા. નોંધવા જેવું તો એ છે કે એમને આમ રોટલો મળી રહેતો, પણ ઓટલાની ફિકર નહોતી, કારણ એટલું જ કે દિવસે જે પેઢી કે દુકાનમાં કામ કરે, ત્યાં જ રાત્રે સૂઈ જાય. દુકાનમાં પૂરતા ગાદલાં ન હોય તો કાપડનાં તાકા પાથરીને સૂઈ જાય. એ સમયે એ જુવાનને શરૂઆતમાં માસિક દસ રૂપિયાનો પગાર મળતો હોય. પેઢીમાં કામ કરે અને એના પાછલા ભાગમાં રહેવાનું અને સૂવાનું.
સમય જતાં એ ગુજરાતીનું સાહસ ધીરે ધીરે રંગ લેતું હતું. થોડી મૂડી એકઠી થાય એટલે એ સમયે પોતાની પેઢી ખોલવાનો વિચાર કરતા. પાંચસો શિલિંગ થાય એટલે માનતા કે આપણે પોતીકો વેપાર કરીએ.
મોમ્બાસાની એ સમયની ભાષા કિકુયૂ. આ ભાષાનાં શબ્દોની જાણકારી મેળવવી પડે અને બનતું એવું કે યુરોપિયનો ભારતથી આવેલા અને અન્ય એશિયનો પાસે મજૂરી કરાવતા અને આફ્રિકનોને અણઘડ અને જંગલી માનીને માનવતા વિરોધી વર્તન કરીને ધુત્કારતા. આવે સમયે ગુજરાતીઓએ આફ્રિકનોને અંતરનાં આદરથી સ્વીકાર્યા, કારણ એટલું જ કે આ સાહસિક યુવાનો વિચાર કરતા હતા કે, 'જે ધરતીએ મને આશરો આપ્યો એ ધરતીનાં મૂળ વતનીઓને મારાથી જાકારો કેમ અપાય ?'
અને પછી આફ્રિકાની ધરતી પર આવેલા આ કચ્છ-કાઠિયાવાડના યુવાનો પોતાનો વેપાર વિસ્તારવા માટે અવનવા સાહસો કરવા લાગ્યા. કોણ કહે છે કે ગુજરાતીઓનું લોહી ઠંડુ હોય છે ? કઈ રીતે આફ્રિકાનાં અંધારિયા ખંડમાં કચ્છ-કાઠિયાવાડથી આવેલા હિંદુ, વોરા, ખોજા, મેમણ, જૈન ઓસવાળ વગેરેએ સાહસ અને હિંમતથી આફ્રિકા ખંડ ખોલી આપ્યો, તેની વીરતાભરી કથા કોઈ શૌર્યકથાથી સહેજે કમ નથી.
- ક્ષણનો સાક્ષાત્કાર
પરિવર્તન એ એક પડકાર છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ચીલાચાલુ જીવનને એક નિર્ધારિત રસ્તે વ્યતીત કરવાની આદત ધરાવતો હોય છે. એ રીતે જીવવું એ જ એનો આનંદ હોય છે અને એમાં જ એને પરમ સંતુષ્ટિ હોય છે. સતત એક ઘરેડમાં રહીને માનવી માત્ર વયથી જ નહીં, પણ વિચારથી ઘરડો થતો જાય છે. આવે સમયે એને કોઈ પરિવર્તનની વાત કરે, ત્યારે એનું મન એનો પ્રચંડ અને પ્રબળ પ્રતિકાર કરવા ટેવાયેલું હોય છે.
જો તમે તમારા જીવનની પ્રયોગશાળામાં પરિવર્તનને સમજી કે સ્વીકારી શકતા નથી, તો પાકે પાયે માની લેજો કે તમારી ક્ષમતાનું પૂર્ણવિરામ આવી ગયું છે. ફળદ્રૂપ ભૂમિમાં નાખેલું બીજ માત્ર એ ધરતીમાં જ ધરબાઈને રહેતું નથી, પરંતુ ધીમે ધીમે એ છોડ રૂપે વિકસે છે અને એના પર ઊગેલાં રંગબેરંગી સુવાસિત પુષ્પો આપણને મનભાવન સુગંધ આપતા હોય છે.
એક સાવ નાનકડાં ટેટામાંથી ધીરે ધીરે વિકસતા વિકસતા શીતળ છાંયડો આપતો વિશાળ વડ ઊગે છે અને ત્યાંય થંભવાને બદલે અનેક વડવાઈઓમાં વિસ્તરે છે. આમ પરિવર્તનનું ચક્ર સદાય ગતિશીલ હોય છે. પછી તે વિચારમાં, વાણીમાં, વ્યવહારમાં કે વ્યવસાયમાં હોય. જે પરિવર્તનનો પડકાર ઝીલે નહીં, તે સમય જતાં ઘડિયાળના કાંટા પાછા ફેરવે છે અને વીતી ગયેલા ભૂતકાળનો સમય બતાવે છે.