Get The App

એક દશકામાં પહેલી વખત કરોડપતિ ભારતીયોનું વિદેશગમન ઘટયું

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
એક દશકામાં પહેલી વખત કરોડપતિ ભારતીયોનું વિદેશગમન ઘટયું 1 - image


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

વિદેશમાં સ્થાઈ થવાનો ભારતીયોનો ક્રેઝ દાયકાઓ જૂનો છે. એમાંય ગુજરાતીઓ તો દાયકાઓથી દરિયાઈ માર્ગે વિદેશોમાં વેપાર કરતા આવ્યા છે. ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે ભણવા માટે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન જતા હતા. એ ટ્રેન્ડ પછીથી પૂરજોશમાં વધ્યો. આઝાદી પછીય તેજસ્વી યુવક-યુવતીઓ બ્રિટન-અમેરિકા ભણીને ત્યાં સ્થાઈ થવાનું પસંદ કરતાં હતાં.

ભારતની સરખામણીએ વિદેશમાં નોકરી-ધંધાની તકો વધુ હોવાથી ૨૦મી સદીના છેલ્લાં બે દશકામાં પણ ભારતીય સ્ટૂડન્ટ્સ અને પ્રોફેશનલ્સમાં વિદેશમાં વસવાટ કરવાનું વલણ ઉત્તરોત્તર વધતું જોવા મળ્યું. એમાંય વળી કરોડપતિઓ-અબજોપતિઓ પણ તક મળ્યે વિદેશમાં રોકાણ કરીને સ્થળાંતર કરવા માંડયા. દેશમાં બદલાતી આર્થિક-રાજકીય-સામાજિક પરિસ્થિતિને જોઈને ધનવાનો ૨૧મી સદીમાં પણ વિદેશમાં વસવાટને પ્રાયોરિટી આપે છે. ભારતમાં અમેરિકા-ચીનની સરખામણીએ ધનવાનો ઝડપભેર વધી રહ્યાં છે. લખપતિઓમાંથી વર્ષે હજારો નાગરિકો કરોડપતિઓ બને છે, પરંતુ તેમને કરોડપતિ બન્યાં પછી દેશમાં રહેવાનું ગમતું નથી.

છેલ્લાં દશકામાં ધનપતિઓનું દેશ છોડવાનું વલણ 72 ટકા વધ્યું

ભારતમાં આમ તો વર્ષોથી નાગરિકો ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશમાં વસવાનું પસંદ કરતા આવ્યાં છે, પરંતુ છેલ્લાં એક દશકામાં ધનપતિઓ વિદેશગમન કરતા હોય એ ટ્રેન્ડ ૭૨ ટકા વધ્યો. ૨૧મી સદીના ભારતમાં અનેક તકો સર્જાતા અનેક લખપતિઓ કરોડપતિઓ બન્યા, પરંતુ તેમને ભારત કરતાં અમેરિકા-બ્રિટન-કેનેડા-ઓસ્ટ્રેલિયા-યુએઈ જેવા દેશોમાં રોકાણ કરીને વસવાનું વધારે પસંદ પડયું. ૨૦૧૪થી ૨૦૨૪ના દશકામાં આ ટ્રેન્ડ ખૂબ ખીલ્યો.

દેશમાં 10 લાખથી વધુ કરોડપતિઓ

અલગ અલગ અહેવાલોનું માનીએ તો દેશમાં કરોડપતિઓની સંખ્યા ૧૦ લાખથી વધુ છે. દેશની કુલ વસતિમાંથી ૧૦ લાખ લોકોની વ્યક્તિગત સંપત્તિ એક કરોડ કે તેથી વધુ છે. એમાંય વળી પાંચ કરોડથી વધુ સંપત્તિ હોય એવા નાગરિકોની સંખ્યા ૩.૧૦ લાખથી વધુ છે. ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૫માં હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ એટલે કે ૫-૧૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા નાગરિકોની સંખ્યા ૨,૩૪,૦૦૦ હતી. કરોડપતિઓની સંખ્યાના મામલે ભારત અમેરિકા-ચીનથી ઘણું પાછળ છે. અમેરિકા પાસે ૨.૨ કરોડથી વધુ કરોડપતિઓ છે, તો ચીનમાં ૬૦ લાખ કરોડપતિઓ રહે છે.

ભારત - અબજોપતિઓનો સર્જક દેશ

અમેરિકા-ચીનમાં ભારતની સરખામણીએ ભલે કરોડપતિઓ વધારે હોય, પરંતુ કરોડપતિઓના સર્જનમાં અત્યારે ભારતનો ગ્રોથ આ બંનેથી ઘણો વધારે છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર હોવાથી દેશમાં સાયન્સ-ટેકનોલોજી-ઉર્જા-સ્પેસ સાયન્સ-સર્વિસ સેક્ટર-મેન્યુફેક્ચરિંગ સહિતના અનેક ક્ષેત્રોમાં તકો સર્જાઈ છે. પરિણામે રોકાણકારોની સંપત્તિ ઝડપભેર વધી રહી છે. ભારતમાં કરોડપતિ-અબજોપતિઓના સર્જનમાં ૫.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એનાથી સારું ચિત્ર એ છે કે આ ધનપતિઓની સંપત્તિમાં ૮.૮ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. જોકે, ભારત માટે કરોડપતિઓને દેશમાં રોકી રાખવાનું અત્યાર સુધી સૌથી મુશ્કેલ કામ રહ્યું છે.

બ્રિટનની ડૂબતી નૌકામાંથી કૂદી રહેલા કરોડપતિઓ

ભારતમાં પરિસ્થિતિ થોડી સુધરી છે, તેની સામે સોને કી ચિડિયા ભારતને એક સમયે બેફામ લૂંટનારા બ્રિટનની સ્થિતિ કફોડી થઈ રહી છે. બ્રિટનનું અર્થતંત્ર અગાઉ ક્યારેય ન હતું એટલું મંદ છે. છેલ્લાં પાંચ વડાપ્રધાનો તેને પાટા પર લાવી શક્યા નથી. બ્રિટનમાં ધનવાનો પર વધુ ટેક્સ ઝીંકવાનું શરૂ થયું છે. બ્રિટનના અર્થતંત્રની નૌકા ડૂબતી જોઈને ધનપતિઓનો વિશ્વાસ ડગમગી ગયો છે. બ્રિટનમાંથી જ એક વર્ષમાં ૧૬,૫૦૦ કરોડપતિઓ વિદેશમાં સ્થાઈ થયા છે. બ્રિટનના નાગરિકો અમેરિકા જવાનું પસંદ કરી રહ્યાં છે. આ ક્રમમાં બીજા ક્રમે ચીન છે. ચીનમાં પારદર્શક વ્યવસ્થા નથી. ગમે તે ઉદ્યોગપતિ પર ગમે ત્યારે તવાઈ આવી શકે છે. ચીનમાં રહેવામાં પારાવાર જોખમ છે એ સમજી ચૂકેલા કરોડપતિઓ સદ્ધર થાય કે તુરંત જ દેશ છોડવાનું પસંદ કરે છે. તેના કારણે ચીનના ૭૮૦૦ કરોડપતિઓએ એક વર્ષમાં દેશ છોડી દીધો છે.

દુનિયામાં વર્ષે સરેરાશ દોઢ લાખ કરોડપતિઓનું સ્થળાંતર

દુનિયામાં દર વર્ષે સરેરાશ દોઢેક લાખ કરોડપતિઓ પોતાનો દેશ છોડે છે. એ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશોના કરોડપતિઓ અમેરિકા-કેનેડા-બ્રિટન જેવા દેશોમાં જવાનું પસંદ કરે છે. તો અમેરિકા જેવા દેશના ધનપતિઓ પણ સરકારની પૉલિસી, વિદેશમાં તકો, સુખાકારી, હેપીનેસ ઈન્ડેક્ષ વગેરે જોઈને યુરોપના નાના દેશોમાં જઈને શાંતિથી જીવન વિતાવવાનું પસંદ કરે છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૧.૪૨ કરોડપતિઓએ પોતાનો દેશ છોડયો હતો. ૨૦૨૬માં તો આ આંકડો વધીને ૧.૬૬ લાખે પહોંચી જાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.

- વિશ્વમાં બદલાતી પરિસ્થિતિ બાદ ધનકુબેરોનો ભારત પર વિશ્વાસ વધ્યો

- કરોડપતિઓ પોતાનો દેશ છોડીને વિદેશ વસ્યા (એક વર્ષમાં વૈશ્વિક)

 - (૨૦૧૪-૨૦૨૪) - ૭૨%

૨૦૧૪થી ૨૦૨૪ સુધીમાં ધનપતિઓનું દેશ છોડવાનું વલણ ૭૨ ટકા વધ્યું હતું ઃ ૧૦ વર્ષ બાદ પહેલી વખત ઘટાડો નોંધાયો

દશકા પછી પહેલી વખત ચિત્ર બદલાયું

હેનલે પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશનના રિપોર્ટનું માનીએ તો ૨૦૨૩માં ૫૧૦૦ કરોડપતિ ભારતીયો વિદેશ જઈને વસ્યા હતા. ૨૦૨૪માં ૪૩૦૦ ભારતીય કરોડપતિઓએ વિદેશમાં જઈને રહેવાનું પસંદ કર્યું હતું. ગયા વર્ષે એમાં ૮૦૦ ધનપતિઓનો ઘટાડો થયો હતો. ૨૦૨૫ના વર્ષમાં પણ આ ઘટાડો શરૂ રહ્યો હતો. ૨૦૨૫ના વર્ષમાં ૩૫૦૦ કરોડપતિઓએ દેશ છોડયો હતો. આ આંકડો ઘણો મોટો છે, છતાં ગત વર્ષની સરખામણીએ ૮૦૦ કરોડપતિઓ ઓછા છે. જો બે વર્ષના આંકડાં જોઈએ તો ૧૬૦૦ કરોડપતિએ વિદેશમાં જવાને બદલે દેશમાં રહી જવાનું પસંદ કર્યું હતું.

વિદેશગમન ઘટવા પાછળનું કારણ

દુનિયાના જે દેશો પર ધનપતિઓને વિશ્વાસ હતો એ દેશમાં ભારતીયો વિરૂદ્ધ હેટક્રાઈમમાં છેલ્લાં એક જ દશકામાં ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. અમેરિકામાં ૨૦૧૬માં ટ્રમ્પ સત્તામાં આવ્યા તે પછીથી ચાર વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓ, વિદેશી પ્રોફેશનલ્સને નિશાન બનાવવાનું વધ્યું હતું. એની સીધી અસર દુનિયા આખીમાં પડી હતી. યુરોપમાં પણ ભારતીયો સહિત એશિયન્સ પર હુમલા વધ્યા છે. યુરોપ આખામાં જમણેરી યાને કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટીઓનો ઉદય થયો હોવાથી સરકારી પૉલિસીમાં પરિવર્તન આવ્યું છે. વળી, યુદ્ધોની પરિસ્થિતિ સર્જાઈ હોવાથી ૨૦૨૨ પછી ધનપતિઓનું વલણ બદલાયું છે. બીજી તરફ ભારતનું વિકસતું અર્થતંત્ર અનેક તકો સર્જી રહ્યું છે. વિજ્ઞાાન-ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણ-નોકરીની તકો વધી છે. આ કારણે કરોડપતિઓનો વિશ્વાસ થોડો દૃઢ બન્યો છે.

દેશ છોડીને જતાં કરોડપતિઓની કુલ સંપત્તિ

૧૦ વર્ષ પહેલાંનું ઉદાહરણ જોઈએ તો સમજાય કે ધનકુબેરોનું વિદેશગમન ધીમે ધીમે ઘટી રહ્યું છે. ૨૦૧૬ પહેલાં તો દર વર્ષે ૬૦૦૦થી વધુ કરોડપતિઓ વિદેશ ચાલ્યા જતા હતા. ૨૧મી સદીના ૧૫ વર્ષમાં ૬૧,૦૦૦ કરોડપતિઓએ ભારત છોડીને વિદેશમાં વસવાનું પસંદ કર્યું હતું. એ સરેરાશ ૪૦૦૦થી વધુ હતી. એની તુલનામાં પહેલી વખત કરોડપતિઓના વિદેશગમનનો આંકડો સરેરાશથી પણ નીચો ગયો છે. તેમ છતાં એક જ વર્ષમાં જે ૩૫૦૦ કરોડપતિઓ વિદેશમાં જઈ વસ્યા છે તેમની કુલ સંપત્તિ ૨૬.૨ અબજ ડોલર (અંદાજે ૨૨,૧૮,૫૮,૦૦,૦૦,૦૦૦ રૂપિયા)થી વધુ છે. આ આંકડો ઘણો મોટો કહેવાય. જો આ ધનવાનો ભારતમાં રહે તો તેમના માતબર રોકાણનો લાભ દેશને મળી શકે. ભારતે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. આ પરિસ્થિતિમાં દેશમાં કમાઈને વિદેશમાં રોકાણ કરીને સ્થાઈ થતાં કરોડપતિઓને દેશમાં જ યોગ્ય વાતાવરણ આપવું પડશે. તેમનો વિશ્વાસ ભારતના અર્થતંત્ર પર જેટલો વધશે એટલો દેશને લાંબાંગાળે ફાયદો થશે.

કરોડપતિઓનો પસંદીદા દેશ

દુનિયાભરના દેશોમાંથી વર્ષે દોઢેક લાખ કરોડપતિઓ સ્થળાંતર કરે છે. આ ધનકુબેરો જે દેશમાં જવાને પ્રાથમિકતા આપે છે એ દેસ છે યુનાઈટેડ આરબ એમિરેટ્સ-યુએઈ. જગતના ૯૮,૦૦૦ ધનપતિઓએ યુએઈમાં રોકાણ કરીને વસવાટ કરવાનું પસંદ કર્યું છે. યુએઈમાં ટૂરિઝમ, ટેકનોલોજી, પેટ્રોલિયમ જેવા ક્ષેત્રોમાં રોકાણની ખૂબ તકો છે. આ ક્ષેત્રોમાં રોકાણ કરીને ધનપતિઓ સંપત્તિમાં ઝડપભેર વૃદ્ધિ કરી શકે છે. તે કારણે દેશ છોડી દેતા દુનિયાના દોઢ લાખ કરોડપતિઓમાંથી એક લાખ જેટલાં તો યુએઈ આવી જાય છે. અમેરિકા ૧૦,૦૦૦ કરોડપતિઓ માટે લાલજાજમ બિછાવે છે. ધનકુબેરોને ટેક્સમાંથી મુક્તિ આપતા મોનાકો, માલ્ટા, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ જેવા દેશો પણ વર્ષે હજારોની સંખ્યામાં કરોડપતિઓને આવકારે છે અને તેમનું રોકાણ મેળવે છે.

દેશ છોડીને વિદેશમાં સ્થાઈ થયેલા કરોડપતિઓની સંયુક્ત સંપત્તિ 

૨૬.૨ અબજ ડોલર

ભારતીય કરોડપતિઓનું વિદેશગમન

૨૦૨૩-૨૪ - ૪૩૦૦

૨૦૨૪-૨૫ - ૩૫૦૦

- એક વર્ષમાં ૮૦૦નો ઘટાડો


Tags :