જાગૃત ચેતનાથી સિદ્ધ યોગીના અસંભવિત લાગતા ચમત્કારો
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- કોઈ ઘટના ચમત્કાર એટલા માટે છે કે કુદરતના કોઈ અજ્ઞાત નિયમથી તે બની હોય છે. તેને સમજવા આપણું જ્ઞાન ઓછું, અધૂરું, મર્યાદિત પ્રમાણનું જ હોય
- ચ મત્કાર એટલે એવી ઘટના કે પ્રક્રિયા જે કુદરતના સર્વ સામાન્ય નિયમો અનુસાર અસંભવ કે અવિશ્વસનીય લાગે. એવું બને એટલે એને લોકો દૈવી અને અલૌકિક શક્તિનું પરિણામ માને. અધ્યાત્મ અને યોગના ક્ષેત્રમાં ચેતના ઉચ્ચતર આયામમાં પ્રવેશે એટલે સહજ રીતે વારંવાર ચમત્કારો બને. ધર્મશાસ્ત્રી, તત્ત્વચિંતક, જેમના લેખને વેસ્ટર્ન ફિલોસોફી અને વેસ્ટર્ન ક્રિસ્યિયાનિટીના વિકાસને ગહનતાથી પ્રભાવિત કર્યો, જેમને પેટ્રિસ્ટિક સમયમાં લેટિન ચર્ચના સર્વાધિક મહત્ત્વપૂર્ણ ચર્ચ ફાધરના રૂપે જોવામાં આવે છે તે સેન્ટ ઓગસ્ટિન ઓફ હિપ્પો (Saint Augustine of Hippo) એ ચમત્કાર વિશે સરસ વાત હતી - Miracles are not contrary to nature, but only contrary to what we know about nature: ચમત્કારો કુદરતની વિરૂદ્ધ નથી હોતા, પણ માત્ર એટલું જ કે આપણે કુદરત વિશે જેટલું જાણ્યું છે એની વિરુદ્ધ છે.
સેન્ટ ઓગસ્ટિન અને સ્પિનોઝાએ ચમત્કારિક ઘટનાઓ વિશે જે સિદ્ધાંતો રજૂ કર્યા એને તત્ત્વચિંતક વિલિયમ વાલિસેલા (Valicella) એ ચમત્કારોનો જ્ઞાનાત્મક સિદ્ધાંત (Epistemic Teory of Miracles) એવું નામ આપી સમજાવ્યું કે કોઈ ઘટના કુદરતની વિરુદ્ધ હોતી જ નથી. મહાન સ્કોટિશ તત્ત્વચિંતક, ઈતિહાસકાર અને લેખક ડેવિડ હયુમ જેને 'કુદરતના અફર નિયમો' કહે છે એનું આમાં ઉલ્લંઘન થતું નથી. કોઈ ઘટના ચમત્કાર એટલા માટે છે કે કુદરતના કોઈ અજ્ઞાત નિયમથી તે બની હોય છે. તેને સમજવા આપણું જ્ઞાન ઓછું, અધૂરું, મર્યાદિત પ્રમાણનું જ હોય. એપિસ્ટેમિક શબ્દ ગ્રીક શબ્દ એપિસ્ટેમી પરથી બન્યો છે જેનો અર્થ થાય છે - સુપ્રતિષ્ઠિત જ્ઞાન (Well-founded knowledge).
સ્વામી વિવેકાનંદે લખ્યું છે - સામાન્ય વ્યક્તિઓની ચેતના અને મનની ફ્રિકવન્સી સૂક્ષ્મ સત્તાથી અલગ હોય છે એટલે તે એને જોઈ શકતા નથી જ્યારે પ્રાણોનું કંપન બન્ને વચ્ચે એક સરખું થઈ જાય છે ત્યારે દિવ્ય જગતનું દર્શન થાય છે. આ ચમત્કાર જેવું લાગે છે. પરિવર્તિત ચેતના (Altered State of Mind and Consciousness) અસંભવને સંભવ બનાવે તેવી ચમત્કારિક સ્થિતિનું નિર્માણ કરી દે છે. જર્મનીના ભૌતિક વિજ્ઞાની પ્રો. જોલનરે 'ચતુર્થ આયામ' પર ગહન સંશોધનો કર્યા તેને આધારે તે કહે છે કે ત્રિ-આયામી અવકાશ (three diamensional space) માં જે કાર્યો કરવા અઘરાં કે અસંભવ છે તે ચતુર્થ આયામી અવકાશમાં સહેલાઈથી કરી શકાય છે. માનો કે કોઈ દોરીના બન્ને છેડા કોઈ વસ્તુ સાથે બાંધી દીધા પછી એને છોડયા વગર કે વચ્ચેથી એને તોડયા વગર એમાં ગાંઠ મારવી શકય છે ? આપણા દ્વિ-પરિમાણી અને ત્રિપરિમાણી જગતમાં આ શક્ય નથી પણ ચતુર્થ પરિમાણ (Fourth Diamension) માં પ્રવેશ્યા પછી આ બાબત શક્ય છે એવું ભૌતિક વિજ્ઞાનીઓ કહે છે આપણે કપડાં કે રબરના બનેલાં મોજાને અવળા કે સવળાં કરી શકીએ છીએ પણ ધાતુના દડાને અવળા કે સવળા કરી શકતાં નથી. પણ ચતુર્થ આયામમાં એવું કરી શકવું સંભવ
બને છે.
ભારતના તંત્રયોગના તજજ્ઞા, પદ્મવિભૂષણથી સન્માનિત પ્રકાંડ પંડિત ગોપીનાથ કવિરાજના ગુરુ સિદ્ધયોગી વિશુદ્ધાનંદ પરમહંસ (૧૮૫૩-૧૯૩૭) સૂર્યવિજ્ઞાન, ચંદ્રવિજ્ઞાન, નક્ષત્રવિજ્ઞાન, ક્ષણ વિજ્ઞાન જેવા ગૂઢ વિજ્ઞાન થકી ચતુર્થ આયામમાં પ્રવેશી આવા અનેક ચમત્કારો કરતા હતા. તે કહેતા હતા કે યોગ પણ એક વિજ્ઞાન છે, માત્ર પ્રણાલીનો ભેદ છે. યોગમાર્ગમાં વિજ્ઞાન અને વિજ્ઞાન માર્ગમાં યોગ એકબીજાના સહાયક છે. તેમણે આ ગૂઢ વિજ્ઞાનોનું જ્ઞાન ગ્રહણ કરી અકલ્પ્ય યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તે અનેકવાર એ બતાવતા પણ હતા. ચેતનાની મહાશક્તિમાં, યોગશક્તિમાં અને ઈશ્વર તથા ધર્મ પરત્વે શ્રદ્ધા ઉત્પન્ન કરવા અને લોકકલ્યાણને માટે તે યોગ સિદ્ધિઓના અભૂતપૂર્વ, અદ્ભુત ચમત્કારો કરતા હતા.
એકવાર એમના એક ભક્તે એની તૂટી ગયેલી રુદ્રાક્ષની માળા શાસ્ત્રોક્ત રીતે ફરી બનાવી આપવા એમને આપી. વિશુદ્ધાનંદજીએ એને હથેળીમાં રાખી, મુઠ્ઠી બંધ કરી હવામાં ત્રણ-ચાર વાર હાથ વીંઝ્યો. પછી મુઠ્ઠી ખોલીને તે માળા તેમના ભક્તને આપી દીધી. તેણે જોયું તો અનેક જગ્યાએથી તૂટી ગયેલી માળા સરસ રીતે ગૂંથાઈને આખી થઈ ગઈ હતી. એકવાર એક સંન્યાસીએ તેના તૂટેલા શિવલિંગના ટુકડા તેમને આપી તે જોડી આપવા વિનંતી કરી હતી. તેમણે તે શિવલિંગના ટુકડાઓ પર હાથ રાખી તેને સંઘટન પ્રક્રિયાથી પળભરમાં આખું-અખંડ કરી દીધું હતું.
સિદ્ધયોગી વિશુદ્ધાનંદ પરમહંસની પરીક્ષા કરવા એક રેશનાલિસ્ટ આવ્યો ત્યારે તેમણે એક અસંભવ લાગે તેવો ચમત્કાર કરી બતાવ્યો હતો. તેણે પોતાના હાથે લખેલો એક કાગળ પૂરેપૂરો સળગાવી એની રાખને મસળીને એનો બારીક ભૂકો કરી એ વિશુદ્ધાનંદજીને આપી હતી. તેણે અનેક લોકોની હાજરીમાં એવું આહવાન કર્યું હતું કે તે તેમની યોગશક્તિથી એ રાખમાંથી પહેલાં હતો તેવો કાગળ પુનઃ પ્રક્ટ કરી બતાવે. વિશુદ્ધાનંદજીએ તેને હથેળીમાં રાખીને તેના પર તેમના લેન્સથી સૂર્યના કિરણો પ્રક્ષિપ્ત કરી અજ્ઞાત મંત્રોનું ઉચ્ચારણ કરવા માંડયું હતું. થોડીવારમાં એ રાખમાંથી કાગળ બનવા માંડયો હતો. થોડી પળોમાં તો એ જ કાગળ એના લખનારના પોતાના અક્ષરો યુક્ત મૂળ લખાણ સાથે પહેલાં જેવો હતો એવો પ્રગટ થઈ ગયો હતો. આ વ્યક્તિગત કે સામૂહિક નજરબંધી નથી એ સાબિત કરવા તે તેના માલિકને આપી દેવામાં આવ્યો હતો જે તેણે જીવનભર સાચવી રાખ્યો હતો. વિશુદ્ધાનંદ પરમહંસ સૂર્ય વિજ્ઞાનથી એક પદાર્થનું બીજા પદાર્થ રૂપે પણ કાયમી રૂપાંતરણ કરી બતાવતા હતા. કિવન્સ કોલેજના પ્રાધ્યાપક અભયચરણ સાન્યાલ, પદ્મવિભૂષણ પંડિત ગોપીનાથ કવિરાજ, બ્રિટિશ પત્રકાર અને લેખક પોલ બ્રન્ટન, અનેક લબ્ધ પ્રતિષ્ઠિત મહાન વ્યક્તિઓ અને યોગસાધકોની ઉપસ્થિતિમાં તેમણે અસંભવ કહેવાય તેવાં ચમત્કારો કરી બતાવ્યા હતા.