છેતરામણી જિંદગી સામે સંસ્કારો જીત્યાં
- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- શું 'ડોલરિયો' દેશ ભારતીય સંસ્કૃતિ માટે પડકારરૂપ છે? જેણે ન જ બદલાવું હોય તેને કોણ બદલાવી શકે? સંગતે ભારતીયતા જાળવી અને પચાવી
શે ઠ કુલીનકુમારની એકની એક દીકરી સંગત, અસ્તિત્વ સાથે લગ્ન કરીને અમેરિકા ગઈ છે. શરૂઆતમાં તો સંગત અઠવાડિયામાં એકવાર વાત તો અચૂક કરતી હતી. પણ ધીરે ધીરે તેના ફોન આવવાના ઓછા થઇ ગયા. આજે દસ મહિનાનાં વહાણાં વાયા પણ સંગતનો એકપણ ફોન આવ્યો નથી. કુલીનકુમારે ધારણા કરી લીધી હતી કે સંગત પોતાના પિતાને ભૂલી ગઇ છે અને પોતાનામાં જ મસ્ત છે.
ત્યાં જ બંગલા આગળ એક ટેક્સી આવીને ઊભી રહી. કુલીનકુમાર અમેરિકાથી આવેલી સંગત સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. તેમણે બૂમ મારી ઃ ''અરે ગૌરીબેન, જુઓ તો ખરાં, મારી દીકરી સંગત આવી છે.'' કુલીનકુમાર સંગતના બદલાયેલા સ્વરૂપને જોઈ આઘાત અનુભવે છે. આઝાદ રહેવાની બાંગ પોકારતી મારી સંગતની આવી દશા! મોજ-મસ્તીમાં માનનારી, આધુનિક ફેશનેબલ વસ્ત્રોમાં હંમેશા સજ્જ રહેનારી, જિદ્દી, ઘમંડી મારી...સંગત...આટલી બધી બદલાઈ ગઈ...? હંમેશા જીન્સ પહેરીને ઘૂમતી મારી સંગત આજે મેલાં-ઘેલાં જૂના વસ્ત્રો પહેરીને વિદેશથી પાછી આવી છે! એની આંખમાંથી નીતરતા સાત્વિક ભાવ, સૌમ્ય ચહેરો, વાણીમાં મૃદુતા અને માધુર્ય, વ્યવહારમાં ઠાવકાઈ અને ઠરેલપણું જે હું ઇચ્છતો હતો તેવો ફેરફાર એકાએક ક્યાંથી આવ્યો? શું અસ્તિત્વ સાથે રહીને સંગત બદલાઈ ગઈ? આવા અનેક વિચારો એક સાથે કુલીનકુમારના મનમાં ઉદ્ભવ્યા હતા અને તેઓ ચિંતામાં પડી ગયા હતા.
સંગતનો નિસ્તેજ અને ઉદાસ ચહેરો જોઇ ગૌરીમાસી રડવા લાગ્યાં. એટલે કુલીનકુમારે કહ્યુંઃ ''ગૌરીબેન, સંગતને અંદર ઘરમાં તો આવવા દો. એના માટે પીવાનું પાણી લઈ આવો. એનો સામાન પણ એના રૂમમાં મૂકી દો. ચાલો, જલ્દી-જલ્દી બધું કરો.''
ગૌરીમાસી આંખો લૂછીને કામે વળગે છે. સંગત કુલીનકુમારની લાડકી એકની એક દીકરી. સંગત દસ વર્ષની હતી ત્યારથી ગૌરીબેન કુલીનકુમારને ત્યાં કામ પર રહ્યા હતાં. ચંચળ અને મસ્તીખોર સંગત ગૌરીબેનના નાકમાં દમ લાવી દેતી હતી. તેની પાછળ પાછળ જમવાની થાળી લઇને ગૌરીબેન તેને કોળિયા ભરાવતાં હતાં. ઠરીને બેસે તો એ સંગત શાની? સંગત બહુ જ નાની હતી ત્યારે તેનાં મમ્મી ઇશાદેવીનો સ્વર્ગવાસ થઇ ગયો હતો. તે સમજણી થઇ ત્યારથી ગૌરીબેન જ તેની સંભાળ રાખતાં હતાં. સંગત તોફાની અને નટખટ હતી પણ લાગણીશીલ પણ એટલી જ હતી. તે પોતાના માટે શોપિંગ કરવા જતી ત્યારે ગૌરીમાસીને ભૂલતી નહોતી. તેમની જરૂરિયાતની વસ્તુઓ નવી સાડી, ચંપલ, પર્સ જેવી નાની મોટી વસ્તુઓ અચૂક લાવતી હતી. આમ ગૌરીમાસી અને સંગતનો સંબંધ લાગણીનો હતો, નોકર-માલિકનો નહીં.
જોતજોતામાં સંગતનો અભ્યાસ પૂરો થઇ ગયો. સંગતે એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેના માટે સારાં સારાં ઘરનાં માંગા પણ આવવા માંડયા. સંગત ક્યાંય પણ છોકરો જોવા જાય ત્યારે ગૌરીમાસીને પોતાની સાથે અચૂક લઇ જતી હતી.
એવામાં કુલીનકુમારના ખાસ મિત્ર અનીષકુમારનો દીકરો અસ્તિત્વ અમેરિકાથી લગ્ન કરવા ભારત આવ્યો હતો. અનીષકુમાર તેમના પુત્ર અસ્તિત્વને લઇને કુલીનકુમારનાં બંગલે આવ્યા હતા. ગોરોવાન, વિશાળ લલાટ, છ ફૂટની ઊંચાઈ, રૂઆબદાર વેશભૂષા અને મોં પર મગરૂબી ઝલકતી હતી. ગૌરીમાસીએ મનોમન કલ્પના કરી લીધી. સંગત અને અસ્તિત્વની જોડી કેવી સુંદર લાગશે?
અસ્તિત્વનો રાજકુમાર જેવો ઠસ્સો જોઈ કુલીનકુમાર પણ અંજાઈ ગયા હતાં. કુલીનકુમારને અસ્તિત્વ બોલચાલ પરથી ઘમંડી અને જિદ્દી લાગતો હતો પણ સંગત પણ ક્યાં ઓછી તોફાની હતી! તેઓએ વિચાર કર્યો કે અનિષકુમારના ઘરમાં પૈસાની ખોટ નથી એટલે સંગતને પણ તેઓ મોજશોખમાં રાખી શકશે. એવા ખ્યાલ સાથે કુલીનકુમાર અસ્તિત્વ સાથે સંગતના લગ્ન માટે તૈયાર થઇ ગયા હતા.
અસ્તિત્વ આત્મકેન્દ્રી હતો. વિનંતી શબ્દ તેના શબ્દકોશની બહારનો હતો. ગૌરીમાસીને અસ્તિત્વનું આવું વર્તન ગમતું નહોતું. તેમને થતાં હતું કે, 'શા માટે અસ્તિત્વના માતા-પિતાએ તેને ભારતીય સંસ્કારોનું મહત્વ નહીં સમજાવ્યું હોય? જીવનમાં માત્ર પૈસાને જ મહત્વ આપવું સારું કહેવાય? અમારી સંગત ભલે મનમોજી છે, પણ મોટાંને માન આપવું ઘરનાં અન્ય સભ્યોનો ખ્યાલ રાખવો આ બધું તો સંગત સારી રીતે જાણે છે. અમારી સંગત તો બિચારી નિર્દોષ અને સરળ છે. અટપટી દુનિયાની ખટપટી ચાલથી સાવ અજાણ. લગ્ન પછી એનું શું થશે? આમ ગૌરીમાસાના મનમાં જુદા-જુદા વિચારો ધોળાયા કરતાં હતાં.
પણ જ્યારે સંગતે લગ્ન કરીને અસ્તિત્વ સાથે અમેરિકામાં સેટલ થવાનો ધડાકો કર્યો ત્યારે ઘરનાં સૌને આંચકો લાગ્યો. પણ સંગતે લગ્ન માટે એક શરત મૂકી હતી કે તે અમેરિકામાં સેટ થઇ ગયા પછી તેના પપ્પા કુલીનકુમાર અને ગૌરીમાસીને પણ અમેરિકા આવવું પડશે.
પંદર જ દિવસમાં અસ્તિત્વ સાથે સંગતના ધામધૂમથી લગ્ન થઇ ગયાં હતાં અને લગ્ન પછી બે જ દિવસમાં અસ્તિત્વ અમેરિકા જવા ઊપડી ગયો હતો. ત્યારબાદ એક મહિના પછી સંગતે ન્યૂયોર્ક એરપોર્ટ પર પગ મૂક્યો, બધું જ અજાણ્યું. એરપોર્ટની બધી જ ઔપચારિકતા પતાવી સંગત બહાર નીકળી. એની નજર સ્વાગત માટે આવેલા ટોળામાં અસ્તિત્વને શોધતી હતી. પણ અસ્તિત્વ નજરે ન પડયો. ત્યાં એની નજર 'વેલકમ સંગત' લખેલા પાટિયા પર પડી. પત્નીના સ્વાગત માટે પણ પ્રતિનિધિ? સંગતના મનમાં પ્રશ્ન સળવળ્યો. એટલામાં સંગતના નામનું બોર્ડ લઇને આવેલા ડ્રાઇવરે સંગતને કહ્યું 'હું આપને અસ્તિત્વ સરના ઘરે લઇ જવા આવ્યો છું. અસ્તિત્વ સર બિઝનેસ ટૂર પર
ગયા છે.'
સંગતના ઉત્સાહ અને ઉમંગ પર પાણી ફરી વળ્યું. કેવો છે પોતાનો પતિ? લગ્ન પછી પ્રથમવાર પોતાની પાસે આવનાર પત્નીનું એને કોઇ મૂલ્ય નથી? શું પરદેશમાં રહેનારને મન પત્ની કરતાં ડોલરનું મૂલ્ય વધારે હોય છે?
સંગત મોંઘીદાટ કારમાં બેઠી, પણ દામ્પત્ય જીવનના આરંભના પહેલા પગલે જ પોતાની હાર! સંગત હચમચી ઊઠી હતી. એક ભવ્ય એપાર્ટમેન્ટ પાસે કાર થોભી.
એક લેડી એટેન્ડન્ટ બહાર આવી 'વેલકમ' કરી સંગતને ડ્રોઇંગરૂમમાં લઇ ગઈ. ડ્રોઇંગરૂમની દીવાલો પર અસ્તિત્વના જાતજાતની સ્ટાઇલમાં પડાવેલા ફોટા હતાં. પણ સંગત સાથેના લગ્નોત્સવનો એકપણ ફોટો ક્યાંય જોવા ન મળ્યો. સંગત દુઃખી થઇ ગઇ. અમેરિકા પહોંચ્યા પછી સંગતે સૌપ્રથમ ગૌરીમાસી જોડે વાત કરી પછી પોતાના પપ્પા કુલીનકુમાર સાથે વાત કરી.
ત્રણ દિવસ પછી અસ્તિત્વ બિઝનેસ ટૂર પરથી આવી ગયો. ''ઓકે સંગત તું આવી ગઈ? લેડી એટેન્ડેન્ટે તને અહીંની રીતભાત શીખવાડી કે નહીં? અહીં ભારતની જેમ મોટે મોટેથી બોલવાનો, પાંચ ઘર સાંભળે એવા અવાજે ટીવી ચાલુ રાખવાનો કે ચા સબડકા સાથે પીવાનો રિવાજ નથી. તારે ઘણું બધું 'કન્ટ્રીપણું' ભૂલવું પડશે. અને હા મારા તરફની અપેક્ષાઓને પણ કાબૂમાં રાખવાની તારે આદત કેળવી લેવી પડશે. ભારતની જેમ પત્નીપણાની મનસ્વી અધિકારપ્રિયતા અહીંના પતિઓ સાંખી લેતા નથી. ઇન્ડિયન વુમનની જેમ હું પતિભક્તિમાં માનતો નથી. પતિ જમે પછી જ જમવું, પતિની રાહ જોઈ ભૂખ્યા બેસી રહેવું...એવા બધા જુનવાણી ખ્યાલો તારા મનમાં હોય તો કાઢી નાખજે. આ તો અમેરિકા છે. મોજશોખ, વૈભવ જે બધું તને ગમે છે, તે બધું જ તને મળશે સિવાય કે....''
સંગત અસ્તિત્વ સામે ટગર-ટગર જોઈ રહી. ભારતમાં કોઇનો એ શબ્દ પણ નહીં સાંખનાર સંગત મૌન રહી. અહીં તો પતિના પગલાંમાં ભાવિ દામ્પત્યનો આગોતરો અણસાર સંગતને મળી ગયો હતો.
''લીસા, મેં લંચ બહાર પતાવી દીધું છે. એટલે સંગતને જે ખાવું હોય તે બનાવી આપજે. એ દેશી ભાખરી શાક માગે તો ઘસીને ના પાડી દેજે. બ્રેડ સાથે દૂધ આપી દેજે. હું થાકેલો છું એટલે આરામ માટે બેડરૂમમાં જાઉં છું.''
સંગત બધું આશ્ચર્યપૂર્વક સાંભળી રહી હતી. દામ્પત્ય રંગીન હોવાનાં કે સંગીન હોવાનાં કશાં જ એંધાણ વરતાયા નહીં. વડીલોની વધુ પડતી શ્રધ્ધા માથે ચઢાવનાર યુવક-યુવતીઓનું જીવતર કદાચ આમ જ ઝેર બનતું હશે?
અસ્તિત્વ ક્યાં, કયો બિઝનેસ કરે છે, તે ક્યારે ઘેર આવશે તે પૂછવાની સંગતને છૂટ નહોતી. અસ્તિત્વ મોટેભાગે મોડી રાતે આવતો અને તે પણ ડિનર બહાર પતાવીને જ.
એક દિવસ સંગતે અસ્તિત્વના વિચિત્ર અને અસહ્ય વર્તનનો વિરોધ કર્યો, ત્યારે અસ્તિત્વએ સંભળાવી દીધું ઃ ''જો સંગત, અહીં તારું પત્નીપણું બતાવવા આવી હોય તો તું ભૂલી જજે, કે હું તારી બીકથી મારી લાઇફસ્ટાઇલ ચેઇન્જ કરીશ. તેં મારી પર ગુસ્સો કર્યો એટલે સજારૂપે હવે તું ઘરમાં જ બેસી રહે. હું ક્યાંય તારી જોબ માટે તને મદદ નહીં કરું. બેઠી-બેઠી ખાઈશ એટલે તને મારી કીંમત સમજાશે.''
અસ્તિત્વએ માન્યું હતું કે, સંગત ભારતીય સંસ્કાર ધરાવે છે એટલે પડયું પાનું નિભાવી લેતાં શીખ જશે. થાકીને સંગતે પોતાના સસરા અનીષકુમાર આગળ પોતાનું હૈયું ઠાલવ્યું. પણ તેમણેય કહ્યું ઃ ''જો, સંગત, તારે જુનવાણી તો છોડવાં જ પડશે. અમે અસ્તિત્વને સમજાવવાની કડાકૂટમાં નહિ પડીએ. તારી મેરેજલાઇફ કેવી રીતે બચાવવી એ તારે નક્કી કરવાનું છે.''
બીજી જ ક્ષણે સંગતમાં સ્વમાન જાગ્યું. એણે સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો. ત્યારે કુલીનકુમાર એમ માનતાં હતા કે સંગત અમેરિકાના રંગમાં રંગાઈ ગઈ છે અને તેના પપ્પાને ભૂલી ગઈ છે.
પરંતુ સંગત માટે ગૌરીમાસી બહુ ચિંતિત હતાં. તે સંગતને બરાબર ઓળખતા હતા. સંગત પોતાના પપ્પાને ભૂલી જાય અને પોતે અમેરિકામાં લહેર કરે એ વાત ગૌરીમાસીના માન્યામાં આવતી નહોતી. એમને ખાતરી થઇ ગઇ હતી કે સંગત કોઈ મુસીબતમાં છે.
અને ગૌરીમાસીની ધારણા સાચી પડી. એક દિવસ વહેલી સવારે સંગત પોતાના પિતાના બંગલે આવી ચઢી. અસ્તિત્વનો મુદ્દો એટલો બધો અટપટો હતો કે વાતનો આરંભ કેવી રીતે કરવો તે સંગતને સમજાતું નહોતુ. તેના ઓચિંતા આગમન વિષે કારણ તો પપ્પાને જણાવવું જરૂરી હતું.
સંગતની પીડા ગૌરીમાસી સમજી ગયા હતા. તેમણે સંગતનો સંકોચ દૂર કરવા કુલીનકુમારને કહ્યું ઃ ''મોટા શેઠ, મારી ભૂલ છે. સંગતે મને ભારત પાછા ફરવાનો ફોન કર્યો હતો પણ આપને સરપ્રાઇઝ આપવાનું હતું એટલે મેં ના કહ્યું. માફ કરજો.'' સંગતને જિંદગીએ છેતરી છે. એમ કહેવાને બદલે એમ કહો કે સંગત જીતી છે અને સંસ્કારો તેણે પચાવ્યા છે.