Get The App

અષાઢ : મેઘરાજાની જાનમાં જાનૈયા થવાનો અવસર

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
અષાઢ : મેઘરાજાની જાનમાં જાનૈયા થવાનો અવસર 1 - image


- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

સૂર્યની હાજરીમાં ઘોર અંધારાની અનુભૂતિ અષાઢ કરાવે છે. વીજ ચમકારે અષાઢ આવે છે ત્યારે વરસાદ લાવે છે એમ કહેવાને બદલે ભગવાન ભોંય પર આવે છે એમ કહેવાનું વધારે ગમે છે. વરસાદ એ ઘટના નથી કૃપા છે. યંત્ર માનવ ક્ષિતિજે પ્હોંચીને પણ કુદરતી વરસાદ જેવો વરસાદ નથી વરસાવી શકતો, એટલે જ અષાઢ કૃપા છે. હરિ હેઠે ઉતરે અને જળસ્વરૂપે સૌની સંભાળ લે એ અકસ્માત નથી ઈશ્વરના અસ્તિત્વનું એક પ્રમાણ છે. ઈશ્વરમાં નહિ માનનારાઓને કાન પકડાવી ઈશ્વરને સ્વીકારવાની ફરજ પાડે છે વરસાદ! ઝીણા જળદોરાથી અનામ વસ્ત્ર ગણાય છે એનો પનો માપ્યો મપાતો નથી. નજરે પડે છે તાણા અને વાણા અદ્રશ્ય રહીને ગૂંથે છે વરસાદી વસ્ત્ર! એ જળવસ્ત્રના અનુપમ પોતને કોઈ પ્હોંચી શક્યું નથી. અષાઢ પાસે જે જળવસ્ત્રના વણાટની કળા છે એનું નામ છે કાવ્યકળા! કવિઓ વરસતા વરસાદને વિષય બનાવી કવિતા કરે છે પણ ખરેખર તો વરસતો વરસાદ પોતે જ કવિતા છે

એકલ દોગલ જીવની તૃષા ઠારે એ જળ, પણ સમગ્ર પૃથ્વી પરની તૃષા ઠારે એ મેઘ પૃથ્વીને થતો ઈશ્વરનો સાક્ષાત્કાર છે. વર્ષાને રાણી કહીને આપણે મૂલ્યને ઓછુ આંકીએ છીએ, એ તો છે પ્રભુની પટરાણી ઉર્ફે કૃપા... એ આવે છે ત્યારે એનાં પુનિત પગલાં પડતાંની સાથે જ માટીમાંથી સુગંધ પ્રસરે છે ટાઢક, હાશકારો, શીતળતા અને ધન્યતા જેવા શબ્દો એના આગમનને વધાવે છે. આપણે ઊલટભેર ગાઈએ છીએ.

વા વાયા ને વાદળ ઊમટયાં

ગોકુળમાં ટહુક્યા મોર

મળવા આવોને સુંદરવર શામળિયા!

ઈશ્વર અમથો ખખડીને ખોંખારો ખાય છે અથવા કોઈ અદમ્ય સ્મરણીય હેતની હેડકી ખાય છે - એને આપણે વાદળોનો ગડગડાટ કહીએ છીએ, અને તેઓ પાંપણ ઊંચકી નીચે નજર નાખે છે એને આપણે વીજળીનો કહીએ છીએ ચમકાર!

હરિના ઉચ્છવાસની ફૂંકને આપણે મયૂરનો ટહુકાર સમજીએ છીએ. ખેડેલા ખેતરોમાં ઝીલાતો વરસાદ એટલે ચુરમા કે કંસારમાં વાંકી થઈને ઠલવાની ઘીની વાઢી! આંગણધારે પડતાં ઘરનાં નેવાં જાણે જળવસ્ત્રનો પારદર્શક પડદો! ખુલ્લા ચોગાનમાં પડતો વરસાદ જાણે ખોબલે ખોબલે વેરાતો ભીનો ગુલાલ! વરસાદને એક રૂપ છે જ નહિ, એ બહુરૂપા છે ઈશ્વરની જેમ જ. વરસતા વરસાદમાં કાવ્ય અને સંગીતનો સંવાદ બેનમૂન હોય છે.

પ્રશ્ન થાય છે પ્રભુ પ્રવાહી થઈને કેમ આવતા હશે? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠની કાયામાં સૂર્યના તાપે જે વ્યાકુળતા જન્માવી છે એનો પ્રત્યુત્તર આપે છે પ્રભુ જળસ્વરૂપે! એ જળરાશિના આપણે પ્રભુનાં પદચિહ્નો કહેવાં જોઈએ. એ પગરવમાં છે મેઘમહેંક! સાચા પ્રેમનો સ્વીકાર કરવા, એકરાર કરવા અને તેનો પ્રચાર કરવા મેઘ જેટલું કોઈ સહાયક બની શક્યું નથી. કાલિદાસકૃત મેઘદૂત કાવ્ય છે શું? પ્રેમની સાચી હકીકત અથવા સાચા પ્રેમની સાચી વાતનો પ્રસાર કરવા માટે પ્રત્યાપન કરવા માટે કાલિદાસે મેઘનો દૂત તરીકેનો સહારો લીધો છે. અષાઢનાં વાદળોમાં નરી નિર્દોષતા હોય છે, તે વ્હાલ ભાળે ત્યાં વરસી પડે છે... એ વાદળો વિવિધ આકારે વિહરે છે. વિવિધ રંગે નાચે છે એ વૈવિધ્ય પણ ઐશ્વર્યનો પુરાવો છે. વાદળો પાસે કૌમાર્યની કુમાશ પણ છે ને યૌવનનું તોફાન પણ. દીર્ઘોદરી વાદળો આકાશના દરિયા છે નાના નાના! એ ભર્યાભર્યા વાદળોની કુમાશ જોઈને, રમત જોઈને સૂર્ય પણ ઘડીભર સંતાઈને એની નિર્દોષતાને નિહાળે છે! સૂર્યને શરમ આવે એવો એનો વિરાટ પ્રેમ પ્રલાપ છે - એટલે ઘડીભર સૂર્ય આંખો મીંચી દે છે... આપણે એ પ્રેમાલાપને 'વાદળો ગાજ્યાં' એમ કહીને વર્ષાને વધાવીએ છીએ.

વરસાદ આવે છે એમ કહેવા કરતાં અષાઢ આવ્યો એમ કહેવાથી અષાઢનું ગૌરવ વધે છે. મેઘરાજાએ પૃથ્વી ઉપર મહેર કરવા માટે અષાઢ ઉપર કેમ પસંદગી ઢોળી હશે? અષાઢ જ ઈશ્વરની કૃપા ઝીલનારો પ્રથમ માસ છે!

દિશાઓ અંધ થઈ જાય એવાં તોફાનો સાથે આંધીઓ આવે આકાશનું રૂપ બદલાય, વાદળો તોફાની લાગવા માંડે. સમગ્ર પૃથ્વીની કાયામાં શોખ પડે ત્યારે સમજી લેવાનું હવે અષાઢનાં પગલાં સંભળાઈ રહ્યાં છે... જોતજોતામાં સૂરજ દિવસે આથમી જાય એવું લાગે, પવન ભુવાના જુસ્સાની જેમ ધુણવા માંડે, મયૂર સ્વાગત ગીતો લલકારે અને ચાતક ચાંચ પ્હોળી કરીને આકાશ તરફ મીટ માંડે... મેઘ સવારી આવી પ્હોંચે છે. વાયુને માથે મેઘ કે મેઘને માથે વાયુ! જબ્બર સંતાકૂકડી રમાતી ભળાય છે. મેઘવર્ષા શરૂ થાય છે ત્યારે તો રતિરાગની તૃપ્તિનાં બધાં જ ચિત્રો ઝાંખાં થઈ જાય એવાં દ્રશ્યો સર્જાય છે ! ધરાના મન ચોકખાં, ખુલ્લાં, પવિત્ર થઈ જાય છે. સૌ સજીવોના અંતરમાં નવો ઝગમગાટ ચમકે છે. એ ચમકમાં જ આપણને તૃપ્તિના ઓડકારો સંભળાવા માંડે છે. અંધારું આકાશનું કે અષાઢનું? વીજળી વાદળની કે અષાઢની? નિરુત્તરી આવા પ્રશ્નો લઈ આવતી પ્રથમ વર્ષા - અષાઢી જ હોય છે. પૃથ્વી ઉપર એ પાવનકારી પ્રવેશ કરીને સજીવોને ધન્યતા બક્ષે છે અને પત્થરો, ઢેફાં જેવા નિર્જીવ પદાર્થોનો ગર્વ પળમાં ઓગાળી નાખે છે. તદાકાર થવાની તાલીમ મેઘ પાસેથી લેવા જેવી છે. ભલભલી સખ્તાઈ-કઠણાઈને કૂણા કરવાની ક્ષમતા જેટલી મેઘ પાસે છે એટલી બીજા કોઈ પાસે ભાગ્યે જ હશે! સ્થિતિ-પરિસ્થિતિઓમાં પલટા આણવાની એ ગુંજાશ પણ ધરાવે છે. ધરાને ફળવતી બનાવે છે. વૃક્ષોને તે આનંદિત કરીને ડોલાવે છે - બોલાવે છે. મેઘરાજાનો વરઘોડો જ્યારે પૃથ્વી ઉપર આવતો હોય ત્યારે છત્રી કે રેઇનકોટ વગર એને તંતોતંત નિહાળવો જોઈએ... માણવો જોઈએ. મેઘરાજાની જાનના જાનૈયા થવાનો આ એક રૂડો અવસર છે અષાઢ! આવો, આપણે અષાઢનાં ઓવારણાં લઈએ.

Tags :