પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો
- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
લોગઇન
કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, 'કુરાન',
ખ્રિસ્તીએ લખ્યું, 'બાઈબલ',
યહૂદીએ લખ્યું, 'ટોરાહ' ,
અને હિંદુએ લખ્યું, 'ગીતા' .
દરેકે પોતાનો જ શબ્દ સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક, તીવ્ર વેદનામાં કાગળે ચીસ પાડી-
બસ કરો, દખલ ન કરો,
રહેવા દો મને માત્ર, એક કોરો ટુકડો કાગળનો. - વિજય જોષી
એક રીતે જોવા જઈએ તો સમગ્ર માનવજાત પ્રારંભે કોરા કાગળનો ટુકડો હતી. સમય જતા માનવી પરસ્પર જોડાયા, કબીલાઓ બન્યા, સમાજો ગૂંથાયા, પ્રથાઓ રચાઈ, સંસ્કૃતિ સર્જાઈ, કલાના પગરણ થયાં અને માનવજાત વિકસતી ગઈ. આ વિકાસ દરેક ક્ષેત્રનો, દરેક પ્રદેશનો અલગ અલગ હતો. ક્યાંક ચિત્રોમાં, ક્યાંક ગ્રંથોમાં. તેમાં મૂળ ભાવ એક જ છે, એક માનવની બીજા માનવ પ્રત્યેની શ્રદ્ધા. એક જીવની બીજા જીવ પ્રત્યેની આસ્થા. એ આસ્થાના મૂળ ખૂબ ઊંડા છે. જેને આપણે પરમતત્ત્વ તરીકે જોઈએ છીએ તેની સાથે જોડાયેલાં છે. તે તત્ત્વ માત્ર એક ધર્મમાં નહીં, પ્રત્યેક સ્થાને, પ્રત્યેક જીવનમાં પ્રત્યેક વિચારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વણાયેલું છે.
આ આસ્થાનું નામ ક્યાંક બાઇબલ છે, ક્યાંક કુરાન તો ક્યાંક ગીતા. ગુજરાતીમાં કેટલું સરસ ભજન છે 'હરિ તારાં નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી.'
કાળક્રમે થયેલા મહાપુરુષોએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ક્યાંક કોઈ પયગંબર સ્વરૂપે પ્રગટયું અને રાહ ચીંધ્યો, ક્યાંક કોઈએ ઈસુ તરીકે દયાસાગર રચ્યો તો ક્યાંક મહાવીર, બુદ્ધ, કૃષ્ણ અને રામે માનવતાનો દીવો પ્રગટાવ્યો. ક્યાંક વળી પરંપરા, પ્રતિા, અને સત્યની શોધની જિજ્ઞાાસાએ સ્વયં ઈશ્વરનું રૂપ ધર્યું.
આમાં દરેકની અનુભૂતિ અલગ, સમજ નોખી, પણ આંતરિક તત્ત્વ તો એક જ છે. વર્ષો પહેલાં એક વાર્તા વાંચેલી. તે ધર્મ અને તેની વિવિધતા સમજવા બાબતે ખૂબ ઉપયોગી થાય તેવી છે. પાંચ અંધ માણસોને હાથી પાસે લઈ જવામાં આવ્યા. બધા હાથીને સ્પર્શીને તેનું વર્ણન કરવા લાગ્યા. એકે તેના વિશાળ પેટ પર હાથ ફેરવ્યો અને કહ્યું, હાથી મોટી દીવાલ જેવો છે. બીજાએ હળવેકથી પૂંછડું પકડયું અને કહ્યું, ના ભાઈ, હાથી તો પાતળા દોરડા જેવો છે. ત્રીજાના હાથમાં હાથીના કાન આવ્યા. તેણે કાન પકડીને કહ્યું, અરે મારા ભાઈઓ, મારું માનો, હાથી તો મોટા સૂપડા જેવો છે. ચોથાએ તેની સૂંઢ પકડી હતી, તેણે કહ્યું, ભાઈઓ, તમે બધા ખોટ્ટા. હાથી તો મોટી પાઇપ જેવો હોય છે. પાંચમાએ તેનો પગ પકડયો અને કહ્યું, ભાઈઓ, તમે બધા ગેરસમજમાં છો, ખોટી માન્યતા ન ફેલાવો. હાથી તો જાડા થાંભલા જેવો હોય છે. અને અત્યારે હું એને અનુભવી રહ્યો છું.
અહીંયાં તમે પરમ તત્ત્વને હાથી તરીકે જુઓ અને પાંચેય અંધને વિવિધ ધર્મ તરીકે. પાંચમાંથી એકેય ખોટા નથી, તેમની અનુભૂતિ પણ સાચી છે, પરંતુ તેમણે જે સ્થાનેથી હાથીને અનુભવ્યો તેનું સ્વરૂપ અલગ છે. એ પાંચેય અલગ અનુભવો અંતે તો એક જ હાથીના સ્પર્શથી ઉદભવ્યા હતા. જેમ એક જ પરમ તત્ત્વને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહુદી જેવા અલગ અલગ ધર્મથી પૂજવામાં આવે છે. આ બધાની અનુભૂતિ અલગ છે, ત્યાં સુધી વાંધો નથી. પણ પોતે જ સાચા છે તેવો આગ્રહ રાખે ત્યારે તકલીફ. અને ધર્મના નામે કેટલી હિંસા થઈ છે તે માનવજાત સદીઓથી જોતું આવ્યું છે. અહીં કવિ વિજય જોષીએ કાગળના પ્રતિક દ્વારા માણસના ચેતન મનનો પડઘો પાડયો છે. કાગળ એ માણસનું કોરું મન છે. જ્યાં દરેક સમાજ, વિચાર, સંસ્કૃતિ, પરંપરા, પ્રથા અને પંથ પોતાની છાપ મૂકે છે. જ્યારે દરેક વિચાર પોતાને જ સાચો માને, ત્યારે એ ચેતન મન તૂટે છે. આજે આપણો સમાજ પણ એવો જ છે 'ઓવરલોડેડ. વિવિધ આઇડિયોલોજીના વધારે પડતા ભારથી લદાયેલો. આજનું સૌથી મોટું 'સત્ય' છે અન્યના અલગપણાને આદર આપવો. પોતાનો જ કક્કો સાચો કરીને ઘર્ષણમાં સહભાગી થવા કરતા, કવિ કહે છે તેમ, કોરો કાગળ રહેવું સારું.
લોગઆઉટ
ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. - અમૃત ઘાયલ