પ્રેમબંધ .
- 'પપ્પા, આ સંદૂક મારી પત્ની ગૌતમીએ દાટી હતી, અને તેનાથી થોડે દૂર બીજી સંદૂક મેં દાટી હતી..! આ બંને સંદૂકમાં મારી અને ગૌતમીની તસવીર હોવી જોઇએ....'
- ઈશ્વર અંચેલીકર
લ ગ્નની એનિવર્સરી એટલે જે ગાંઠ લગ્ન મંડપનાં યજ્ઞાકૂંડ સમક્ષ, અગ્નિની સાક્ષીએ, પુરોહિતોના મંત્રોચ્ચાર દ્વારા વર અને વહુએ એક વર્ષ પહેલાં બાંધી હતી, તે ગાંઠ હવે વધુ મજબૂત બની ગઈ છે. પતિ પત્નીએ એક વર્ષ પહેલાં સપ્તપદીના સાત ફેરા ફરી, પરસ્પરને આપેલાં વચનો, ફરીથી યાદ કરી, એ વચનોને દિલથી નીભાવવાનો નિર્ધાર, ફરીથી કરવાનો મોકો એટલે લગ્નની વર્ષગાંઠ! પતિ પત્નીએ હાથમાં હાથપરોવી, જે પ્રેમબંધ બાંધ્યો હતો, એને વધુ મજબૂત બનાવવાની એક તક, એટલે વર્ષાન્તે ઉજવવાનું, નૂતન પર્વ, એ વેડિંગ એનિવર્સરી!
આજે કપીશ અને તન્વિનાં લગ્નની વર્ષગાંઠ હતી. એ બન્ને વચ્ચેની ગાઢ પરિણય અને પરિણય પહેલાંનાં અનુરાગનાં મધુર ફોરમ વેરતાં કુસુમો એમણે બેખૂબી પોતાનાં આવાસમાં વેર્યાં છે. સાસુમા સાલવી અને શ્વસૂર મીલીન્દની સેવા કરતી તન્વિ, સૌને પ્રિય હતી. તન્વિને સખીઓ કહેતી કે, તન્વિ તું શા માટે એ ડોસાંની સેવાનાં ગધ્ધાવૈતરાં કરી કાયા ઘસે છે. આપણો ધર્મ તો પતિસેવા સુધી સીમીત હોવો જોઇએ. તારુ અનુકરણ કરવા જઇએ, તો મારું તો આવી બ..ને...! બે દીયર, બે નણદલ, સાસુ અને સસરા... અમારો પરિવાર તો એક વિશાળ વટવૃક્ષ સમાન છે! એમાં સસરા રહ્યા પંચાયત પ્રમુખ... જલસા કરવાના શોખીન...! હું તો મંદિર જવાનું બહાનુ કરી, સવારે નવ વાગ્યે નીકળી આવું છું અને સખીઓનાં ઘર ગણતી ગણતી જમવાનાં ટાઈમે પહોંચું છું. હું જાઉં, એટલે બપોરનું ભોજન સાસુમા બનાવી દે... અને કવિતાએ અન્ય સખીઓને હાથતાળી આપી...!
તન્વિને કવિતાની વાતો સાંભળી દુખ થતું, પરંતુ એ મન મનાવી લેતી હતી.
તન્વિની આજે વેડીંગ એનિવર્સરી હોવાથી, એ વહેલી સવારે ઉઠી ગઇ હતી. એક વર્ષનાં લગ્નકાળ દરમિયાન ઘરનાં સૌ સભ્યોની પસંદ ના પસંદ નો ખ્યાલ એને આવી ગયો હતો, એટલે એણે સૌની મનપસંદ ખાદ્યસામગ્રી તૈયાર કરી દીધી.
સવારે સાત વાગ્યે સૌ ઉઠી ચા પાણી કરવાં બેઠાં, ત્યારે તો તન્વિ પૂજાની થાળી તૈયાર કરી રહી હતી.
'તન્વિ આજે ઊંઘ નહીં આવી હતી, કે શું?' સાસુમા સાલવી બોલી.
'ના...મમ્મી...! એલાર્મ મૂક્યો હતો, એટલે ચાર વાગ્યે ઉઠી ગઈ હતી.' રાત્રે સૂતાં સૂતાં બા..ર... વાગી ગયા હતા અ..ને...એણે એના પતિ કપીશ તરફ માર્મિક નજર કરી, સ્મિત વેર્યું...અ...ને... કપીશે પણ આંખના પલકારા પાડી જાણે કહ્યું. 'હા...! હા...! ટોણો મા..ર.., તું...! જવાબ તને આજની રાત્રે પણ મળવાનો છે. ગત રાત્રીને અધૂરું એનિવર્સરી સેલીબ્રેસન તો સંપૂર્ણ કરવું પડશે ને...!'
ચા નાસ્તો પૂર્ણ કરી, સૌ ઉઠયાં; એટલે નોકરાણીની સાથે રહી તન્વિએ સાફસૂફી કરી, અને એ મંદિર જવા નીકળી. માર્ગમાં મુહબોલી નણદલ રાચી મળી. એણે તન્વિનો હાથ પકડી એને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા અર્પણ કરી.
'ચાલ રાચી... મંદિરે જઈએ.'
'હા...ભાભી...! એક મિનીટ આપો, મને...! હું પૂજાની થાળી લઇને આવું છું...' કહી રાચી ઘરમાં ગઈ, અ...ને..પળવારમાં પરત આવી ગઈ.. માર્ગમાં એ બોલી, 'ભાભી..., મારાં લગ્નની વાત ચાલે છે. ગઇકાલે કેટલાક લોકો અમારા ઘરે આવ્યા હતા...! તેઓ તમારા ગામની આસપાસનાં ગામનાં વતની છે... ચોક્કસ નામ મને યાદ નથી. અ...ને... ભાભી તે પરિવારનાં એક બુઝર્ગ માસીને મારાં કવિતાભાભીએ મારા ચરિત્રનું વર્ણન કરતાં કહ્યું હતું. 'અમારી રાચી તો બિલકુલ તમારા ગામનાં બાજુનાં ગામની તન્વિની જ ઝેરોક્ષ કોપી છે! અમારા વડદલા ગામમાં તો વહુની પસંદગી હોય, કે કન્યાદાન હોય, બધાં માટે તન્વિનો જ દાખલો આપવામાં આ...વે... છે... અ...ને એ ચા નાસ્તો લેવા કીચનમાં ગઈ હતી... એટલે હું પણ તેની પાછળ પાછળ કીચનમાં ગઈ હતી. તે પછી શું થયું, મને ખબર નથી...'
'રાચી, મંદિર આવી ગયું. ભગવાનને આ ફળ ચઢાવી, તું પ્રાર્થના કર, કે તને પ્રભુ કપીશભાઈ જેવો ભરથાર આપે.' તન્વિ બોલી.
'ભાભી, મારા બાપુ અને કપીશભાઈ આપણા ગામનાં ગોંદરે આવેલી બંજર જમીન જોવા જવાના છે. વડદલા ગામનાં ખંડીયેર ન જાને કેટલાયે વર્ષોનો ઇતિહાસ પોતાની ભીતર ભંડારી અજેય ઉભા છે. ખબર નહીં, કપીશ ભાઈને એ બધી જગ્યા પૈકી જૂની દહેરી પાસેની જગ્યામાં શું રસ પડયો છે. મારા બાપુ અને ગામનાં અન્ય સજ્જનો, એ બધી જગ્યા ખરીદી લઈ ત્યાં નવું નગર વસાવવાના છે, એવી વાત ચાલે છે.' રાચીએ કહ્યું.
'હસે...! પુરૂષોનાં કામમાં આપણે દખલ નહીં કરવાની હોય...
મંદિરની પૂજાવિધિ પતાવી, તન્વિન ઘરે આવી ત્યારે એનાં આવાસમાં બે ટાઈશૂટ વાળા ઓફિસરો અને કપીશ તથા મીલીન્દ પણ બેઠા હતા.'
તન્વિએ સૌ માટે ચા નાસ્તો તૈયાર કર્યો.
'સાહેબ, આ મારી પુત્રવધૂ... તન્વિ છે..! કપીશની ધર્મપત્ની.' મીલીન્દે પરિચય કરાવ્યો.
'સર...! આજે મારી વેડીંગ એનિવર્સરી છે. મારે એ જગ્યા તન્વિને લગ્નની ભેટ આપવી છે. કપીશ બોલ્યો.'
'પણ કપીશજી, ગામની મધ્યની મોકાની જગ્યા છોડી, તમે ગામનાં નાકે શું કામ જાવ છો..., એ સમજાતું નથી. ગામનાં અન્ય લોકો પણ આપની પાછળ પાછળ ચાલી રહ્યા છે...! સરકારને તો એ જમીન વેચી દેવામાં જ રસ છે. બલ્કે એ પણ મળશે. શરત એટલી કે તમારે સૌએ બધાં મકાન એક સરખા માપ અને નકશા પ્રમાણે બનાવવા પડશે...! ઇચ્છા હોય, તો મકાનની સાઇઝ નાની મોટી કરી શકશો...' મામલતદારે કહ્યું.
સમી સાંજ સુધીમાં ગામનાં સૌ લોકોએ પોત પોતાની જરૂરીયાત મુજબનાં પ્લોટ પસંદ કરી દીધા, અને અઠવાડીયામાં ટ્રેઝરી ખાતામાં તેની રકમ પણ ભરવાની તૈયારી કરી દીધી...!
વેડીંગ એનિવર્સરીની અમૂલ્ય ભેટ પત્નીનાં હાથમાં મૂકી કપીશે તન્વિને બિછાનામાં ખેંચી લીધી...! વીસ પચ્ચીસ મિનીટ સુધી બંને વૃક્ષની ફરતે વીંટળાયેલી વેલીઓની માફક વીંટળાઈ રહ્યાં...!
'કપીશ આપણો પ્રેમબંધ એક વર્ષ સુધી જેટલી મજબૂતી સાથે ખડો રહ્યો છે, એટલો મજબૂત હવે પછીનાં વર્ષોમાં રહેશે કે...?' અ..ને... તન્વિ કપીશનાં બાહુમાં લપેટાઈને રડી પડી...!
'શું થયું પગલી! આમ આનંદની ક્ષણોમાં રૂદન કરવાનું નહીં હોય!'
પરંતુ તન્વિ વધુને વધુ રડવા લાગી. ધીમે ધીમે એની આંખો ઘેરાવા લાગી...! કપીશે ધીમેથી એને સૂવડાવી દીધી, અને રેશમીચાદર ઓઢાવી કપીશ સ્વગત બોલ્યો...'આખો દિવસ દોડી દોડીને થાકી ગઈ લાગે છે. સવારે એ સ્વસ્થ થઇ જશે...'
કપીશ કરતાં તન્વિ કંઇક અલગ વિમાસણમાં ભેરવાઈ હતી. જ્યારથી એણે રાચી પાસે સાંભળ્યું હતું, કે ગામનાં ખંડીયેરવાળી જગ્યા...એનું મન ઉદાસીની આંધીમાં તણખલાંની જેમ ફંગોળાવા લાગ્યું હતું. કોઈ અકથ્ય વેદના એને સતાવતી હતી.
નિંદ્રાધીન તન્વિની બાજુમાં સૂતેલા કપીશે એક જૂનું પુસ્તક હાથમાં લીધું... એણે સાશ્ચર્ય સાથે પુસ્તકનાં બધાં પૃષ્ઠો ઉથલાવ્યાં...! પુસ્તક તો માત્ર સો પાનાનું હતું...! એ સ્વગત બોલ્યો...'તો હાલનું વડદલા તો માત્ર સો વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે. તે પહેલાં તો આ વડદલા તે બંજર ખંડીયેરોમાં વસતું હતું...! મેં તે જમીન ખરીદી લઈ, કંઇજ ખોટું કર્યું નથી. કદાચ મારા કોઇક પિતૃની જ પ્રેરણાથી જ હું એ જમીન તરફ લલચાયો હતો...! હું જ્યારે પણ એ જગ્યાએથી પસાર થતો હતો, ત્યારે ન જાને તે જર્જરીત દહેરી મને વારંવાર તેની નજીક ખેંચતી હતી.' વિચારોમાં ખોવાયેલા કપીશની આંખો ઘેરાવા લાગી, અને એ સૂઈ ગયો...
બે ત્રણ કલાક પછી તન્વિ ચીસ પાડી જાગી પડી...એ બિછાનામાં જ બેઠી થઇ ગઈ... બ...ચાવી...! અ...મંે...સૌ પલવારમાં અહીં દબાઈ મરીશું...! આખું ગામ તારાજગીની આગોસમાં લપેટાઈ જશે...! ઉઠ...સાગર! આપણે ભાગી જઈએ... નહીં તો ચોક્કસ મરીશું...'
તન્વિની ચીસ સાંભળીને કપીશ પણ જાગી ગયો... 'શું થયું..! શું બબડે છે, તું...!'
કંઇ નહીં કપીશ...! બુરૂં સ્વપ્ન જોયું મેં...! કપીશ. તું સૂઈ જા... હું પણ તારી સોડમાં સૂઈ જાઉં છું - તું મને તારી ગોદમાં છૂપાવી દેજે.' તન્વિ બોલી..
તન્વિને ઊંઘ તો આવી ગઈ, પરંતુ વહેલી પરોઢે, એનું એ જ સ્વપ્ન ફરીથી એના મનોપ્રદેશમાં ઝબક્યું. એ...સ્વસ્થ થઇને ઉઠી...નાહી ધોઇને તૈયાર થઇ મંદીરે આવી. પૂજાવિધી પૂર્ણ કરી, એ ઘરે આવી, ત્યારે સૌ ઉઠી ગયાં હતાં. એણે ઝડપથી ચા અને કાંદા પોહા તૈયાર કરી દીધા..
દિવસ આખો તન્વિ ઉદાસીનાં સમુદ્રમાં મોજાં બની ઘડીમાં કિનારે તો ઘડીમાં સાહીલની અંદર ફંગોળાયા કરી. એનું મન વારંવાર એને કદી રહ્યું હતું, 'તન્વિ બે બે વખત મેં તને સ્વપ્ન દ્વારા સજાગ કરી છે. હવે તારા કપીશને સજાગ કરવાની જવાબદારી તારી છે.'
તન્વિએ કપીશથી બંને સ્વપ્નોની વાત છૂપાવી રાખી છે. એણે એક યા બીજી દલીલ કરી, તેને સમજાવ્યો, પરંતુ તે તો એ જગ્યા ઉપર આલીશાન બંગલો બનાવી, તેમાં તન્વિનો ગૃહપ્રવેશ કરાવવા તૈયાર હતો. એમાં પણ અલ્પ મૂલ્યે જમીન મળતી હોય, સરકારી ગ્રાંટ મળતી હોય, તો શા માટે એનો લાભ નહીં લેવો...
ગામનાં ગોંદરે આવેલી જમીનમાં આજે શિલાન્યાસની વિધિ કરવાની હતી. મામલતદાર તલાટીએ સૌનાં હિસ્સે આવતી જમીનમાં હદ નિશાન કર્યાં હતાં, એટલે બધું કામ સરળ થઇ ગયું હતું.
રાજ્યનાં બાંધકામ ખાતાનાં મંત્રીએ નવા ગામની જૂની દહેરીવાળી જગ્યામાં પુરોહિતોનાં મંત્રોચ્ચાર વચ્ચે શિલાન્યાસ વિધી પૂર્ણ કરી દીધી. જૂના વડદલા ગામનાં આબાલવૃદ્ધ વડીલો પોતપોતાનાં પરિવાર સાથે હાજર રહ્યાં હતાં.
સાંજે સાત વાગ્યે પૂજાની પૂર્ણાહૂતી થઇ ગઈ, એટલે સૌ પ્રસાદી ભોજન લેવા બેઠા. કપીશે એક નેવું વર્ષનાં વૃદ્ધને પ્રશ્ન કર્યો...
'દાદા, આપ તો આ ગામનાં સૌથી વૃદ્ધ વડીલ છો. આપને જૂનું વડદલા યાદ હશે ને !' 'ના બેટા...! હું સમજમાં આવ્યો ત્યારથી આ બધા ખંડીયેર જેમના તેમ જોતો આવ્યો છું...! પણ એક વાત મને ઝાંખી ઝાંખી યાદ છે. મારા પિતા મને કહેતા કે આ ખંડીયેર વડદલાની જાહોજલાલી ઓછી ન હતી. ગાયકવાડી રાજ્યનો એ પરગણો હતો, આ મંદીર વાળી જગ્યામાં એક હવેલી હતી. આ મંદીર તે હવેલીમાં હતું. કહે છે, મુગલ બાદશાહની નજરે આ ગામ પડયું. પાપનો ભાર એટલો બધો વધી ગયોહતો કે ભૂમી માટે એનું વહન અસહ્ય બની ગયું હતું. આખર વિશાળ ધરતીકંપમાં બધું છીન્ન ભીન્ન થઇ ગયું હતું.'
બૂઝર્ગની વાત સાંભળી કપીશ પણ સ્વગત બોલ્યો... 'શું મને એ ખંડીયરો તરફ આજ સુધી ખેંચાણ થઇ રહ્યું હતું, તેની પાછળ આ...ધરતીકંપનું કોઇક રહસ્ય તો નહીં હોય ! શું જે સ્વપ્નમાંથી પત્ની ઝબકીને જાગી હતી, તે સ્વપ્ન પણ એને વર્ષો પહેલાંની ઘટનાનાં પરિઘમાં ખેંચી ગઈ હશે? ભલે તે સ્વપ્નનું રહસ્ય છૂપાવ્યું હોય શકે, પરંતુ જરૂર એની સ્મૃતિપટ ઉપર એવું કોઇક ચિત્ર રમી રહ્યું છે, કે જે એને પૂર્વજન્મ તરફ ખેંચી રહ્યું છે...પરંતુ બીજી ક્ષણે કપીશ સજાગ થઇ ગયો..'હું પણ ક્યાં એ ભોળી પત્નીની વાતો લઇને બેસી ગયો ! શરીરનાં નાશ થતાં જીવનનો અંત આવી જાય છે ! એ નવા જન્મ, નવા સંબંધો, લઇને ફરીથી આવે છે...' બીજી ક્ષણે કપીશને વિચાર આવ્યો...'ના...ના...! ગીતાજ્ઞાાન પણ ક્યાં અમર આત્મા અને એનાં અનેક જન્મની વાત કરતું નથી ! જે નાશવંત છે, એ છે, શરીર ! જે અમર છે, એ તો છે, આપણો આત્મા...'
'બેટા...કપીશ, તું અને તન્વી ઘરે જવા નીકળો હું પણ એકાદ કલાકમાં ઘરે પહોંચી જઈશ.'
મહાપૂજાને હવે એક હપ્તો થઇ ગયો. સૌ પોતપોતાના પ્લોટનાં રીડેવલપમેંટ પાછળ જોડાય ગયા હતા. કપીશનું કામ જરા ઢીલું પડયું હતું, કારણ મીલીન્દ બાપુએ કોઇક પંડીતના હાથે બંગલાનો શીલાન્યાસ કરાવવો હતો. આખરે એ દિવસ પણ આવી ગયો.
આ...જે...મહા એકાદશીનો પવિત્ર દિવસ હતો. પંડીતજીએ મંત્રોચ્ચાર કરી ત્રણ ઘા કરી જમીનમાં એક ખાડો ખોડયો અને એમાં સોપારી, નાગરવેલનું પાંદડું અને કુમકુમ અને સિક્કો રોપ્યાં...! એણે મીલીન્દને સંબોધી કહ્યું, 'મીલીન્દજી, ગમે એ થાય આ સોપારી, નાગરવેલનું પાંદડું એન કુમકુમ અને આ સિક્કો ક્યારેય અહીંથી દૂર કરશો નહીં. આ જગ્યા ઉપર આપનું કૂળમંદીર સ્થાપી એની પૂજા હંમેશ કરજો, સુખી થશો. આ..જે...દક્ષિણ દિશામાંથી જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, એ એક ડરામણો સંકેત છે...! મેં મંત્રોચ્ચાર દ્વારા આ ભૂમીને ભારમુક્ત કરી છે.' ખોદકામ શરૂ કર્યું...! મજૂરોનાં સામુહીક પ્રયત્ન અને કોન્ટ્રાકટરોની કુનેહનાં કારણે પ્લાન મુજબ એસ્કીવેસન ચાલતું હતું. અચાનક એક મજૂરે કપીશને બૂમ પાડી પાસે બોલાવ્યો...'કપીશજી, આ જગ્યા ઉપર ખોદકામ કરતાં, આ સંદૂક નીકળી છે. એ સંદૂક ખુલી રહી નથી...' મજૂરી બોલ્યો.
'શું વાત છે, કપીશ ? નજીક આવી મીલીન્દે પ્રશ્ન કર્યો.'
'પપ્પા...આ સંદૂક નીકળી... મને લાગે આજુબાજુમાં એક બીજી સંદુક પણ દટાઈ હશે...' કપીશ બોલ્યો.
'બીજી સંદૂક? તું કેવી રીતે આટલા આત્મવિશ્વાસ સાથે આ વાત કરે છે... ! મને કંઇ જ સમજાતું નથી.' મીલીન્દે કહ્યું.
'પપ્પા, આ સંદૂક મારી પત્ની ગૌતમીએ દાટી હતી, અને તેનાથી થોડે દૂર બીજી સંદૂક મેં દાટી હતી..! આ બંને સંદૂકમાં મારી અને ગૌતમીની તસવીર હોવી જોઇએ. ગૌતમીની ચુંદડી પણ હોવી જોઇએ.' કપીશ બોલ્યો.
'તું ઘરે જઇને આરામ કર ! પેલા મુનીજીની વાતો સાંભળી, તું વિચલીત થઇ ગયો છે...! અ..રે... બેટા.., આવી રીતે અર્ધપાગલ જેવી વાતો કરી તું મને પણ ચિંતાની આગમાં ધકેલી રહ્યો છે.' મીલીન્દ બોલ્યો.
'પપ્પા, આત્મા અમર છે. જેમ આપણે પુરાણા વસ્ત્રો ફેંકી નવાં પહેરીએ છીએ, જેમ સર્પ સમયાંતરે એની કાંચળી બદલે છે, એમ આત્મા પણ જૂનું ખોળીયું ત્યજી, નવું ધારણ કરે છે...! આત્મા ના તો આગથી બળે છે, ના તો પાણીથી ભીંજાય છે, ના તો વાયુથી વહી જાય છે, એ તો સનાતન સત્યરૂપે યુગો યુગો સુધી, આવ જાવ કર્યા કરે છે ! આપ, હું, સાલ્વી મમ્મી, પત્ની તન્વિ સૌનાં અનેક જન્મો અને અનેક મરણ થયાં છે ! ભવ ભવનાં બંધનો પૂર્ણ કરવા, આપણે આવીએ છીએ. જેમ વૃક્ષ ઉપર રાતભર વિસામો લેતાં પક્ષીઓ, પ્રભાતે ઉડી જાય છે; એમ આપણે પણ જગતરૂપી તરુવર છોડી ઉડી જઈએ છીએ. ખબર નથી, કયો જન્મ હશે, મારો, પણ હું અને ગૌતમી પતિ પત્ની રૂપે આ જગ્યા ઉપર વસતાં હતાં, એવી ભ્રાન્તી મને થઇ છે.' કપીશ વધુ બોલે ને પહેલાં એક મજૂર બોલ્યો...
'શેઠ, બીજી સંદૂક પણ મળી ગઈ...અ..ને... જુઓ બંને સંદૂકો મેં ખોલી પણ નાંખી છે.'
કપીશે બંને સંદૂકનો સામાન ખોલ્યો, અ...ને.. બધી તસવીર, જર્જરીત પત્રો વિગેરે બહાર કાઢ્યાં !
'કપીશ..., આ તસવીર તરફ નજર કર ! એમાં તો તું અને તન્વિ દેખાવ છો...' મીલીન્દે કહ્યું..
'એ તન્વિ નહીં, મારી ગૌતમી છે, અને હું તમારો કપીશ નહીં, સાગર છું. ! આ જુઓ તસવીર... એ મારા બાપુ છે...' અ..ને.. કપીશ ધુ્રસ્કાફાટ રડી પડયો.
આ દરમિયાન કપીશનાં પાડોશી રાઘવ સાથે તન્વિ પણ ત્યાં આવી પડી... એ કપીશ પાસે આવી બોલી, 'માફ કરી દે... મને કપીશ ! મારો જીવ રહ્યો નહીં. ગામમાં વાત વહેતી થઇ ગઈ છે. આપણી જગ્યાએથી બે સંદૂક નીકળી છે ! શું એ વાત સાચી છે...'
'હા, હું મારા કોઈ પૂર્વ જન્મનો સાગર અને તું તે જન્મની ગૌતમી...! આપણો અમર પ્રેમબંધ કેટલાંએ વર્ષોથી અતૂટ રહ્યો છે! જો આ તસ્વીર... અને આ ચુંદડી... યાદ આવે છે!' કપીશને અટકાવી તન્વી બોલી
'કપીશ, હું તો તે રાત્રે સ્વપ્નાવસ્થામાં આ બધું જોઈ ચૂકી છું...! મુગલાઈ સૈનિકોનાં ત્રાસથી આ ભૂમી અપવિત્ર બની હતી ! એ પોતે જ રસાતળ થઈ ગઈ હતી..! તે રાત્રે બે વખત એક જ સ્વપ્ન મને આવ્યું હતું ! બરાબર ખોદકામ કરશો, તો ઘરેણાં સિક્કા પણ મળશે..! મુગલાઈ સૈનિકોની લૂંટફાટથી ત્રાસી જઈ, મેં આપણા ઘરમાં એ દાટયાં હતાં.'
કપીશ સ્વરૂપ સાગર અને તન્વી સ્વરૂપ ગૌતમીનાં અમરપ્રેમની કહાણી સાંભળવા વૃક્ષોની ડાળીઓ ઉપર ઉડતાં વિહગો પણ ક્ષણભર થંભી ગયા. દક્ષિણથી વહી રહેલા વાયરો પણ થંભી ગયો! યાર્ડની ફરતે સલામત ઉભેલાં વૃક્ષોનાં પાંદડાં પણ ફટ ફટ વહી, આ બે પ્રેમીની કહાણી સાંભળવા નીચે આવી જાય છે. રખડતાં શ્વાન પણ થઇ રહેલાં ખોદકામનાં સાક્ષી બની. સમીપ આવી પાયામાં ડોકીયાં કરી. ડરીને દૂર હટી જાય છે! સાચું જ કહ્યું છે કોઇકે પ્રેમબંધ બાંધો તો એવી બાંધજો કે જે ક્યારેય તૂટી નહી શકે! તુફાનો આવશે અને જશે, પરંતુ પ્રેમબંધ અમર રહેશે!