Get The App

પ્રતિકૂળતા એ જ પરમાત્માને પામવાનો માર્ગ

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

Updated: Feb 6th, 2021

GS TEAM

Google News
Google News

- સંયમ એટલે સંસારની પ્રવૃત્તિથી નિવૃત્તથી લઈને પ્રભુની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું અને એ રીતે જોઈએ તો સાધુતા એ આશ્ચર્ય છે, તો યુવાવયે લેવાતો સંયમ એ પરમ આશ્ચર્ય છે

પ્રતિકૂળતા એ જ પરમાત્માને પામવાનો માર્ગ 1 - image

જ ગતનું એક આશ્ચર્ય છે જૈન સાધુતા. જે સાધુતામાં ત્રણ બાબતો હોય છે. એક છે સંબંધોનો ત્યાગ એટલે કે અલિપ્ત દશામાં જીવવું. મળવું પણ ભળવું નહીં. જીવનમાં જલકમલવત્ રહેવું અને આવી રીતે સંસારના સર્વસંબંધોનો ધીરે ધીરે ત્યાગ કરીને પ્રભુના પંથે આગળ વધવું. બીજા અર્થમાં કહીએ તો જેમ જેમ એ જગતના સંબંધો વિશે વિશેષ વિચાર કરીએ, તો લાગે છે કે સાંસારિક સંબંધો સત્યથી સાધકને કેટલા બધા દૂર રાખે છે. ક્યારેક એમાં સત્યને બદલે અસત્યની ઉપાસના જોવા મળે છે. ક્યારેક એ સંબંધોમાં દ્વેષવૃત્તિ કે લોભવૃત્તિ જોવા મળે છે. એ સંબંધોની સાથે રાગ ભળી જાય છે અને એને દૂષિત કરે છે અને એમાં દ્વેષ પ્રવેશે છે એટલે એ વધુ પ્રદૂષિત થાય છે. આથી જેમ સંસાર સાથેના સંબંધો ગાઢ, તેમ સત્ય સાથેનું અંતર વધારે. કમનસીબે વ્યક્તિ સાંસારિક સંબંધોને જ સર્વસ્વ માને છે. એમાં જ રચ્યોપચ્યો રહે છે અને એ જ સંબંધ પર બીજા સંબંધોની ગાંઠ સતત લગાવતો રહે છે. ધીરે ધીરે એનું જીવન આ સંબંધોમાં વહેંચાઈ જાય છે અને પછી જીવનમાં માત્ર સંબંધો જ રહે છે, જીવન રહેતું નથી ત્યાગમય જીવનથી તો એ ઘણો દૂર રહે છે. હકીકત એ છે કે જ્યાં સુધી સંબંધોનો ત્યાગ થતો નથી, ત્યાં સુધી સત્યનો તાગ મળતો નહીં.

ભગવાન મહાવીર જયારે રાજકુમાર વર્ધમાન તરીકે ગૃહસ્થાવસ્થામાં હતા, ત્યારે એમને સંસારના સુખની કોઈ કમી નહોતી. માતા અને પિતા ઉચ્ચ ચારિત્રશીલ અને સુખસંપન્ન હતા. રાજકુમાર વર્ધમાનને એમના મોટાભાઈ નંદિવર્ધનનો અપાર સ્નેહ મળ્યો હતો. જે સમયે નાનાભાઈ અને મોટાભાઈ વચ્ચે રાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ ચાલતો હોય, એવા સમયે એમની વચ્ચે અતૂટ સંવાદ હતો. પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શના એમના અંદરના ભાવોને જાણનારા હતા. આમ સર્વ વાતે સંસારનું સુખ એમને પ્રાપ્ત થયું હતું, પરંતુ તેઓ એકાંતના પંથે ચાલી નીકળ્યા હતા.

આથી જ ભગવાન મહાવીરના આ ચરિત્રનું ઉદાહરણ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ દર્શાવે છે કે પ્રથમ જ્ઞાાનથી જાણી લો, પછી જ દર્શનથી સ્વીકારી લો, ચારિત્રથી કરવા જેવું કરી લો અને તપ દ્વારા અશુદ્ધિથી મુક્ત થઈ જાવ. સાધનાનો આ જ માર્ગ છે, જે મોક્ષ સુધી લઈ જાય છે. અને સંયમ એ જ્ઞાાન, દર્શન, ચારિત્ર અને તપની સાધના છે.

આ સંદર્ભમાં તેઓ કહે છે કે પહેલા સંબંધોનો ત્યાગ કરો, પછી સુખનો ત્યાગ કરો અને ત્યારબાદ 'સ્વ'નું ધ્યાન કરો. જેમ જેમ સંબંધોનો ત્યાગ થશે, તેમ તેમ સાંસારિક સંબંધોને સત્ય માનવાની ભૂલની સમજ આવતી જશે. એ પછી સત્યના બીજ વાવીને ભ્રમની દુનિયાથી મુક્ત થશે. જ્યારે તેઓના કહેવા પ્રમાણે સુખનો ત્યાગ એટલે અનુકૂળતાનો ત્યાગ અને પ્રતિકૂળતાનો સ્વીકાર. આજનું ક્ષણિક સુખ અંતે તો દુઃખમાં જ પરિણમે છે. સુખબુદ્ધિ જ ધર્મઆરાધનામાં બાધક બને છે. પ્રતિકૂળતા એ પરમાત્માને પામવાનો માર્ગ છે. જ્યારે 'સ્વ'નું ધ્યાન એટલે અન્ય સર્વથી ડિસકનેક્ટ થઈ સ્વ. સાથે કનેક્ટ થવાની પ્રોસેસ છે. ધ્યાન એ આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા છે. ઇન્દ્રિયોને શૂન્ય કરી ઇન્દ્રિયાતીત બતાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ધ્યાન એ સ્વયંને મળવાનો માર્ગ છે.

વ્યક્તિનો સ્વભાવ એના ભૂતકાળના સંસ્કારો અને વર્તમાનના સંયોગોને આધારિત હોય છે. જે ભૂતકાળના સંસ્કારો દૂર થાય, તો જ ભવિષ્યને માટે સમ્યક સ્વભાવ સર્જાય. સામાન્ય રીતે વ્યક્તિમાં સદૈવ અતીત અને આજ વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. જેણે પ્રભુના પંથે જઈ સંયમમાં જોડાવાનું મન થયું, એનો અર્થ જ એ કે એનો ભૂતકાળ પ્રભુમય હતો. આ સંદર્ભમાં તેઓ તેમની આગવી હૃદયસ્પર્શી અને આત્મલક્ષી દ્રષ્ટિથી સમજાવે છે કે તમે તમારી જાતનું અવલોકન કરશો અને તમારા સ્વભાવની અનુપ્રેક્ષા કરશો ત્યારે તરત તમારું ભૂતકાળનું જીવન સમજાઈ જશે.

આત્મવિશ્લેષણ દ્વારા તમારા સ્વભાવને માટે ભૂતકાળ સાથેનું એનું જોડાણ વિચારો. તમારા ભૂતકાળને જાતિસ્મરણ દ્વારા જાણો અને ખ્યાલ આવશે કે તમારા ભૂતકાળમાં જન્મેલી વૃત્તિ જે ઉંડે ઉંડે તમારામાં પડેલી છે તે જ, તમારા સ્વભાવ સ્વરૂપે પ્રગટ થાય છે. આપણે અત્યારે જે કંઈ છીએ, તેના પર વર્તમાન ભવના વાતાવરણ અને ગયા ભવના આવરણોની અસર હોય છે. જો ગયા ભવના આવરણો દૂર થઈ જાય, તો સ્વભાવ સમ્યક્ થઈ જાય. અત્યારે ભૂતકાળના સંસ્કારોને તમારા પર સાંઇઠ ટકા પ્રભાવ પાડે છે અને વર્તમાનની અસર ચાલીસ ટકા છે, તો હવે એને બદલીને ભૂતકાળની ચાલીસ ટકા અને વર્તમાનકાળની સાંઇઠ ટકા કરવાની છે. સંયમ સાધનાના આ વિશિષ્ટ પ્રયોગને દર્શાવતા રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિજી કહે છે કે ભૂતકાળની વીસ ટકા સ્મૃતિઓને તમે ડિલિટ કરી નાખો અને વર્તમાનની ૨૦ ટકા સત્યની સ્મૃતિઓને વધારો.

આમ કરવું એનું નામ જ ધર્મ છે. આ જ અનાદિ વૃત્તિઓને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. વ્યક્તિમાં આદિ અને અનાદિ એમ બે વૃત્તિઓ નિહિત છે. આદિ વૃત્તિ એટલે આદત. આદત પાડવાની હોતી નથી, પણ પડી જાય છે. અને અનાદિ વૃત્તિ એટલે સંસ્કાર જે જન્મોજન્મના હોય છે. આવા આદત અને સંસ્કારને ઓળખવા અને તે ઓળખીને શુદ્ધ કરવા તેનું નામ જ સંયમ. જેમ કે ભોજન વગેરે વૃત્તિ એ અનાદિ વૃત્તિ છે. કારણ કે ભૂતકાળના અનંત જન્મોમાં આપણે ભોજન લીધું છે. જ્યારે ધર્મની વૃત્તિ આદિ અને અનાદિ બંને હોઈ શકે છે અને ત્યારે એ અનાદિ વૃત્તિને શુદ્ધ કરવાની પ્રક્રિયા એનું નામ ધર્મ. આપણા ભૂતકાળની જથ્થાબંધ સ્મૃતિઓને એક પછી એક હટાવી દઈને અને વર્તમાનની પોઝિટીવ સ્મૃતિઓને વધારતા જઈએ. આવી પોઝિટીવ મેમરીઝ આવતા ભવમાં સાથે આવે અને ભવિષ્યમાં પણ ભવ્ય બની જાય.

સંયમ એ તો એક યુદ્ધ જેવું છે અને એ આત્મા જ્યારે પ્રભુ જેવી સાધના કરવામાં કે પ્રભુ જેવા બનવાનો પુરુષાર્થ કરે છે. ત્યારે એક તરફ આટલા વર્ષોના એના સંસારના સંબંધો, એકબીજા પ્રત્યેની લાગણીઓ વ્યક્તિઓ પ્રત્યેનો સ્નેહ, સુખશીલતાની ખેવના અને અનુકૂળતાઓનું આકર્ષણ રહેલું હોય છે. તો બીજી તરફ પ્રભુ પ્રત્યેનો અપ્રતિમ ભાવ, સાચા હૃદયની ભક્તિ, દ્રઢ શ્રદ્ધા, અહોભાવ તરફ એનો અંતરાત્મા ખેંચાતો હોય છે. આમ સાધુતા એટલે શું ? સંયમ એટલે શું ? સંયમ એટલે સંસારની પ્રવૃત્તિથી નિવૃત્તથી લઈને પ્રભુની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું અને એ રીતે જોઈએ તો સાધુતા એ આશ્ચર્ય છે, તો યુવાવયે લેવાતો સંયમ એ પરમ આશ્ચર્ય છે.

આગામી ચૌદમી ફેબુ્રઆરીએ તીર્થંકર પરમાત્મા ભગવાન નેમિનાથની પવિત્ર ભૂમિ પર શ્રી નમ્રમુનિજીના સાનિધ્યમાં નવ- નવ આત્માઓ એક સાથે સંયમધર્મનો સ્વીકાર કરે છે ત્યારે એ પંથે જનારા આઠ બહેનો અને એક ભાઈ પર દ્રષ્ટિપાત કરીએ તો આશ્ચર્ય સિવાય બીજું કશું ન અનુભવાય. ૯૧ ટકા માર્કસ સાથે આઇ.ટી. એન્જિનિયરિંગ પાસ કરનાર મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરાએ માત્ર પાંચ વર્ષની વયે સામયિક, પ્રતિક્રમણ કંઠસ્થ કરી દીધા હતા, જે એમના પૂર્વભવના સંસ્કારોના સાક્ષી છે અને એ પછી અલ્પ સમયમાં જ સવાસો ગાથા અને જૈનાગમ શ્રી સુખવિપાક સૂત્ર કંઠસ્થ કરી લીધા અને અત્યારે પ્રભુ મહાવીરની પ્રથમ દેશના ધરાવતા શ્રી આચારાંગ સૂત્ર કંઠસ્થ કરી રહ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે એક સમયે એમના મનમાં ભારતીય વાયુદળ કે નૌકાદળમાં જોડાવાની ઇચ્છા હતી, પરંતુ ધીરે ધીરે જીવન વિશેનું ચિંતન શરૂ થતા એમનો આસપાસની બાબતોમાંથી લગાવ ઓછો થતો ગયો. અને દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. એમના કહેવા પ્રમાણે દીક્ષા એટલે કષાયનું મૃત્યુ. દીક્ષા એટલે નવા વ્યક્તિત્વનો જન્મ અને જે સ્વ સાથે પરના હિત, શ્રેય અને કલ્યાણને કાજે વિચારતો હોય તે.

એક સમયે મુમુક્ષુ ફેનિલકુમારમાં અત્યંત ભોજનપ્રિયતા હતી. જો બરાબર વાનગી ન થઈ હોય તો અકળાઈ ઉઠતા. પરંતુ જ્યારથી એમણે આ સાધક જીવનની શરૂઆત કરી, ત્યારે સમજાયું કે સંયમને માર્ગે જનારે પોતાના શોખ, રસ કે સ્વાદને પોષવા માટે નહીં, પણ સંયમ સાધના ટકાવવા માટે ભોજન લેવાનું છે.

આવી રીતે જે નવ દીક્ષાર્થીઓ છે એમણે પોતાના મનોભાવો પ્રગટ કર્યા છે. આ દીક્ષાર્થીઓમાં કોઈ એમ.બી.એ., કોઈ કમ્પ્યુટર એન્જિનિયર, કોઈ બી.કોમ. કે બી.એ. જેવી પદવી ધરાવે છે પણ એમણે સહુએ સંયમ સ્વીકારવાની ભાવના પ્રગટ કરીને કહ્યું કે ગુરુની આજ્ઞાા એ જ મારો શ્વાસ હશે અને એમની આજ્ઞાા જ અમને સિદ્ધત્વમાં પહોંચાડશે એવો અમારો વિશ્વાસ છે.

Tags :