Get The App

તારા પોતાના માટે પણ સમય કાઢ .

Updated: Apr 5th, 2025

GS TEAM

Google News
Google News
તારા પોતાના માટે પણ સમય કાઢ                                       . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'દીકરી, ક્યારેક તારા માટે પણ સમય કાઢ. બધાને ભાવતું અને બધાને ગમતું આખી જિંદગી કરવાનું જ છે. એકાદ દિવસ આપણા પોતાના માટે પણ હોવો જોઈએ'

'અ ઠવાડિયામાં એક દિવસ પરાણે મળે છે તેમાં પણ એટલા બધા કામ હોય છે કે, સમજાતું નથી કે શું કરવું. ઘણી વખત દિવસ પસાર થઈ જાય છે ત્યાં સુધી પરવારી રહેવાતું નથી અને પાછો સોમવાર આવી જાય છે. જિંદગી કેવી જાય છે તેની ખબર જ પડતી નથી.' - ખ્યાતીએ ફોન ઉપર કોઈની સાથે વાત કરવા દરમિયાન બળાપો કાઢ્યો અને તેની વાત તેના સાસુના કાને પડી.

'આજે શનિવાર છે એટલે કેતન આવીને મોડી રાત સુધી ટીવી જોશે. બેડરૂમમાં ટીવી ચાલુ હોય એટલે આપણને ઉંઘ આવે નહીં અને પછી તે મજાથી ઉંઘી જાય તે સવારે ૧૧-૧૨ વાગ્યે જાગે. છોકરાઓ તેમના રૂમમાં ધમાલ કરે અને પછી મોડા જાગે. સાસુ-સસરાને કંઈ ખાસ કામ હોય નહીં એટલે તેઓ વહેલા જાગે પણ અહીંયા આસપાસ બહાર ક્યાંય જવા જેવું નથી એટલે જાગીને ઘરમાં જ આંટાફેરા કરે. એ લોકો જાગી ગયા હોય તો મારે થોડી ઉંઘી રહેવાય.' - ખ્યાતીએ ફરીથી કહ્યું.

'તને ખબર છે, કોરોના વખતે બંનેને અમદાવાદથી બેંગ્લોર બોલાવી તો લીધા પણ હવે બધા ફસાઈ ગયા છે. બા-બાપુજીએ અહીંયા ખાસ ફાવતું નથી અને ગામડે કશું રહ્યું નથી. અઠવાડિયા દરમિયાન કેતન અને છોકરાઓ તેમા રૂટિનમાં વ્યસ્ત હોય અને મારે વર્ક ફ્રોમ હોમ ચાલે એટલે હું આખો દિવસ પરિવાર અને કામ બંનેની વચ્ચે અટવાયેલી હોઉં. તેમાંય રવિવાર આવે એટલે મારા સિવાયના બધાને રવિવાર હોય પણ મારે ન હોય. માણસ ક્યાં સુધી ખેંચ્યા કરે. મને ખરેખર સમજાતું નથી કે શું કરવું.' - ખ્યાતીએ કહ્યું અને તેના સાસુ દરવાજાની બહાર ઊભા ઊભા બધું જ સાંભળતા હતા. તેઓ આ વાત સાંભળીને પોતાના રૂમમાં જતા રહ્યા.

'મમ્મી, સાંજે જમવાનું શું બનાવવું છે, તમે કહેતા હોવ તો ભાજી-પાઉં કરી દઉં. તમને ઘણા સમયથી ઈચ્છા હતી. આજે સાંજે મારે કામ નથી તો હું થોડી ફ્રી છું. તમે પપ્પાને પુછી જૂઓ.' - ખ્યાતીએ કિચનમાંથી બુમ મારતા કહ્યું.

'ના બેટા, તને અગવડ પડે. તું એક કામ કર, ખિચડી બનાવી દે. બધાને ચાલી જશે. આપણે કંઈ ભાજીપાઉં ખાવા નથી.' - સાસુએ જવાબ આપ્યો.

'ઘણા વખતે સાંજે તું ફ્રી થઈ છે. રહેવા દે તારે કંઈ મહેનત કરવી નથી. કાલે રવિવાર છે, આ લોકો તારી પાસે જાતભાતનું બનાવડાવશે. આજે થોડો આરામ કરી લે. ખિચડી બનાવી દે.' - ખ્યાતીના સસરાએ પણ કહ્યું અને ખ્યાતીએ તેમની વાત માની લીધી.

ખ્યાતીએ ફોન ઉપર વાત કરી હતી તેવું જ થયું. ડિનર કર્યા બાદ કેતન રૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો. તેના સાસુ-સસરા પોતાના રૂમમાં અને બાળકો પોતાના રૂમમાં જતા રહ્યા. ખ્યાતીએ થોડો સમય લેપટોપ ઉપર પોતાનું નેક્સ્ટ વીકનું શિડયુલ સેટ કર્યું અને પછી બેડ ઉપર લંબાવી દીધું. કેતન ટીવી જોતો હતો એટલે તેને ઉંઘ ન આવી તે સ્વાભાવિક હતું.

સવારે તે જાગી અને ઘડિયાળમાં જોયું તો આઠ વાગી ગયા હતા. તે દોડીને બાથરૂમમાં ગઈ અને અડધો કલાકમાં તો પરવારીને રસોડામાં આવી તો ગેસ ઉપર ચા મુકાયેલી હતી અને બાજુમાં કુકર ગોઠવાયેલું હતું. ખ્યાતી રસોડામાં ગઈ અને ત્યાં જ કુકરની સીટી વાગવા લાગી. ખ્યાતી ચા ઉપર નજર કરીને સીધી જ બહાર ડ્રોઈંગરૂમની બાલ્કની તરફ દોડી.

'બેટા થોડું ધીમે. આજે રજા છે. તારે દોડાદોડ કરવાની જરૂર નથી. ચા થઈ જવા આવી છે અને બટેકા બફાય છે. આજે નાસ્તામાં બટેકા પૌઆ બનાવી દે. મેં પૌઆ પણ કાઢીને રાખ્યા છે અને ડુંગળી પણ સમારીને રાખી છે. તારા સસરા પૂજા કરે છે. થોડીવારમાં આવશે એટલે નાસ્તો માગશે. બાકીનું જોઈ લે.' - ખ્યાતીના સાસુએ કહ્યું અને ખ્યાતીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

અડધો કલાકમાં તેણે ચા નાસ્તો તૈયાર કરી લીધો અને ત્યાં જ તેના સસરા ડાઈનિંગ ટેબલ પર આવીને ગોઠવાયા.

'બેટા, પેલા ત્રણ લોકો ક્યાં છે. કેમ હજી નાસ્તાના ટેબલ ઉપર આવ્યા નથી.'' - ખ્યાતીના સસરા બોલ્યા.

'પપ્પાજી, આજે રજા છે તો ત્રણેય મોડા જાગશે. કેતન તો ત્રણ વાગ્યા સુધી ટીવી જોતા હતા. મને નથી લાગતું કે ૧૨ પહેલાં જાગે.' - ખ્યાતીએ જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને સસરા ઊભા થયા અને ખ્યાતીના બેડરૂમ પાસે જઈને બુમ મારી... 'કેતન... એ કેતન...'

'હા પપ્પા... શું થયું...' - કેતને પણ ઉંઘમાં જ જવાબ આપ્યો.

'ચા-નાસ્તો રેડી છે. પંદર મિનિટમાં છોકરાઓને લઈને ડાઈનિંગ ટેબલ ઉપર આવી જજે. ટાઈમ ચુકી જશો તો કોઈને સવારનો નાસ્તો કે ચા નહીં મળે.' - ખ્યાતીના સસરા આવું બોલીને પાછા ખુરશીમાં ગોઠવાઈ ગયા. ખરેખર પંદર મિનિટમાં તો કેતન અને બંને છોકરાઓ આવીને ખુરશીઓમાં ગોઠવાઈ ગયા. આ જોઈને ખ્યાતીના ચહેરા ઉપર સ્મિત દોડી આવ્યું.

બધાને ચા-નાસ્તો કર્યો પછી ખ્યાતીએ બધું સમેટયું અને કેતન છાપુ લઈને સોફા ઉપર ગોઠવાયો. છોકરાઓ ટીવી ચાલુ કરીને બેઠા. બા અને દાદા બાલ્કનીમાં ગોઠવાયા. લગભગ અડધો કલાક થયો અને ત્યાં લન્ચ માટે ચર્ચા ચાલુ થઈ.

કેતન, માનસી અને લક્ષ્ય દ્વારા જાતભાતની ફરમાઈશો કરવામાં આવતી હતી. તેમની વાતો સાંભળીને ખ્યાતીની સાસુ રૂમમાં આવ્યા. તેમણે પેલા ત્રણેય સામે જોયું અને પછી ખ્યાતીને બુમ મારી.

'ખ્યાતી, મગની છુટી દાળ, કઢી અને ભાત બનાવી દે. શાક આ લોકોને જે ભાવતું હોય તે બનાવી દેજે. સવારે તારા સસરાએ કહ્યું હતું કે કઢી-ભાત ખાવા છે એટલે મેં દાળ પલાળી રાખી છે અને ભાત ઓરી દીધા છે.' - મમ્મીએ આપેલા આદેશને ખ્યાતી, કેતન અને બંને બાળકો સાંભળી રહ્યા.

'બા, યાર કઢી નથી ખાવી... પ્લીઝ બીજું કંઈક બનાવવાનું કહો ને.' - લક્ષ્ય બોલ્યો.

'મમ્મી... પ્લીઝ યાર. પુરણપોળી તો બનાવડાવવી હતી.' - કેતને થોડી નારાજગી સાથે કહ્યું.

'આજે રવિવાર છે. ખ્યાતીને થોડો આરામ આપો. ગુરૂવારે પુનમ છે, સાંજે હું પુરણપોળી બનાવીશ. માનસી આપણને મેગી અને પાસ્તા ખાવાના શોખ હોય તો બનાવતા શીખી જવાનું. તૈયાર પેકેટો મળે જ છે. કંઈ ના આવડતું હોય તો યુટયુબમાં જોઈને બનાવવાનું શીખી લેવાનું. આખો દિવસ વીડિયો જોઈને ખી..ખી.. ખી..ખી કરવા કરતા કંઈક નવું શીખો.' - દાદીએ બધાને ઘમરોળી કાઢ્યા. બધાએ દાદીના આદેશ પ્રમાણે લન્ચ કરવું પડયું.

'દીકરી, આ ફિલ્મની બે ટિકિટો છે. તું અને કેતન જોઈ આવજો. સાંજે ચાર વાગ્યાનો શો છે. મેં તને ટિકિટ વોટ્સઅપ કરી દીધી છે.' - સસરાજીએ ફોન બતાવતા કહ્યું. ખ્યાતીએ આશ્ચર્ય સાથે ફોન હાથમાં લઈને જોયું તો વોટ્સએપ ઉપર ખરેખર બે ટિકિટ આવી હતી.

'પપ્પા, અત્યારે ફિલ્મ જોવા જવાનું. સાંજે જમવાનું શું બનાવવું છે. તમે લોકો નક્કી કરો તો હું તૈયારી કરીને જાઉં.' - ખ્યાતીએ કહ્યું.

'અત્યારે કંઈ નક્કી થાય એમ નથી. કઢી વધી છે એટલે તારા સસરા તો ખીચડી જ ખાશે. એમના માટે ખિચડી બનાવવી જ પડશે. આપણા માટે ભાખરી-શાક બનાવી દઈશું. તમે જઈ આવો બધી તૈયારી થઈ જશે.' - ખ્યાતીના સાસુ બોલ્યા. ખ્યાતી ખુશ થઈ ગઈ.

સાંજે ખ્યાતી અને કેતન ફિલ્મ જોવા ગયા. ત્યાં પોપકોર્ન અને કોલ્ડડ્રિંકની મજા કરી. ઘણા દિવસે બંને સાથે બહાર નીકળ્યા અને ખ્યાતીને ખરેખર સારું લાગ્યું. તે ઘરે આવતા આવતા ફ્રેશ થઈ ગઈ હતી. સાંજે ફિલ્મ પુરી થઈ અને બંને ઘરે આવ્યા. ઘરમાં સાવ અંધારું હતું. બંનેને ખ્યાલ ન આવ્યો કે ઘરમાં શું થઈ રહ્યું છે.

ખ્યાતીએ ઘરમાં આમ તેમ જોયું તો કોઈ દેખાયું નહીં. તેને લાગ્યું કે, મમ્મી-પપ્પા નીચે બગીચામાં હશે અને છોકરાઓ મિત્રો સાથે હશે. બંને પોતાના રૂમમાં ગયા અને ફ્રેશ થઈને બહાર આવ્યા. તેઓ સોફા ઉપર ગોઠવાયા ત્યાં જ છોકરાઓ અને મમ્મી-પપ્પા આવી ગયા.

'મમ્મી ચાલો હું ભાખરી અને શાક બનાવી દઉં. તમે તો ખિચડી પણ મુકી નથી. પપ્પા શું ખાવાના છે. 

ખિચડી પણ બનાવી દેવી છે ને.' - ખ્યાતીએ રસોડામાં જઈને પાણીના ગ્લાસ ભરી આવતા કહ્યું.

'બેટા તું બેસી જા. તારા જેવી છોકરીઓ ખુબ જ હેરાન થતી હોય છે. તારી સાસુ પણ ખુબ જ હેરાન થતી હતી. તમે લોકોને જેટલી સવલતો આપશો તેટલી તે વધારે માગશે.' - ખ્યાતીના સસરાએ કહ્યું.

'હવે આ બધું છોડી દે અને જમવા ચાલ.' - ખ્યાતીના સાસુ બોલ્યા.

'એટલે' - ખ્યાતીએ આશ્ચર્યથી કહ્યું.

માનસીએ ડાઈનિંગ ટેબલ ઉપરથી લાઈટ ચાલુ કરી. ડાઈનિંગ ટેબલ ઉપર બધું જ ગોઠવેલું હતું. લસણીયા બટેકાનું શાક, સેવ ટામેટાનું શાક, જાડા લોટની કડક ભાખરી, ઘી-ગોળ અને મસાલા ખિચડી અને વઘારેલું દહીં.

'મમ્મી આ તો...' - ખ્યાતીના અવાજમાં લાગણીની ભીનાશ ભળી.

'દીકરી, ક્યારેક તારા માટે પણ સમય કાઢ. બધાને ભાવતું અને બધાને ગમતું આખી જિંદગી કરવાનું જ છે. એકાદ દિવસ આપણા પોતાના માટે પણ હોવો જોઈએ. આજનો દિવસ તારો હતો.' - સાસુ બોલ્યા અને ખ્યાતી લાગણીથી તેમને ભેટી પડી.

Tags :