Get The App

શૂરા સાત હજાર .

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
શૂરા સાત હજાર                                      . 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

ઇ. સ. પૂર્વે ૪૮૦ની આ વાત. પર્શિયાનો સમ્રાટ ઝરક્સીસ પહેલો, વિરાટ સેના એકઠી કરીને ગ્રીસ જીતવા નીકળ્યો. તે સમયનો ઇતિહાસકાર હીરોડોટસ લખે છે કે તેનું સૈન્ય ચોવીસ લાખનું હતું, પણ આજના વિદ્વાનો માને છે કે બે લાખનું હશે. તેનો સામનો કરવા ગ્રીસના નગર રાજ્યો- સ્પાર્ટા, થીબ્સ, થેસ્પિયા વગેરે-નું સૈન્ય નીકળ્યું. ગ્રીસના સૈનિકો હતા માત્ર સાત હજાર! તેમનો સરદાર હતો સ્પાર્ટાનો રાજા લિયોનિડસ. ફક્ત આટલા યોદ્ધા વિરાટ સૈન્યને ખાળી ન શકે, તે લિયોનિડ જાણતો હતો; માટે જેના દીકરા જીવતા હોય તેવા જ યોદ્ધા પસંદ કરવામાં આવ્યા. દક્ષિણ ગ્રીસ પર હુમલો કરવા પર્શિયાના સૈન્યે થર્મોપોલીના સાંકડા ઘાટમાંથી પસાર થવું પડે. લિયોનિડના શૂરા સાત હજાર તે માર્ગ રોકીને ઊભા. એક ગ્રીક સૈનિકે ફરિયાદ કરી, 'દુશ્મનની બાણવર્ષાથી સૂરજ ઢંકાઈ જાય છે!' 'સારું ને,' લિયોનિડસે ઉત્તર વાળ્યો, 'આપણે છાંયડામાં લડી શકીશું.' ઝરક્સીસે દૂત સાથે પત્ર મોકલ્યો, 'તમારા હથિયારો સોંપી દો!' લિયોનિડસે જવાબ વાળ્યો, 'આવો અને લઈ જાઓ!' ઝરક્સીસે ચાર દિવસ રાહ જોઈ કે ગ્રીસનું સૈન્ય પીછેહઠ કરે છે કે નહિ. પાંચમે દિવસે તેણે આક્રમણ કર્યું.

ખુલ્લા મેદાનના યુદ્ધમાં તો ગ્રીસનું નાનું સૈન્ય ટકી ન શકે. સાંકડા માર્ગ પર હજી વિશાળ સૈન્યને ખાળી શકાય. પહોળી ઢાલ અને લાંબા ભાલા સાથે જોડાજોડ ઊભા રહેલા ગ્રીસના સૈનિકોએ અભેદ્ય દીવાલ રચી દીધી. ઝરક્સીસે ૫૦૦૦ તીરંદાજોને બાણ ચલાવવાનો હુકમ કર્યો. બાણ ગ્રીસના સૈનિકોની ઢાલ અને બખ્તર સામે હેઠાં પડયાં. પછી સમ્રાટે દસ હજાર સૈનિકો મોકલ્યા. ગ્રીસના સૈનિકોના ભાલા વધુ લાંબા હતા, ઢાલનું કદ વધુ મોટું હતું, તેઓ માતૃભૂમિના રક્ષણ માટે ઝનૂનપૂર્વક લડતા હતા. દરેક નગરના સૈનિકોની ટુકડી અલગ રખાઈ હતી. અમુક સમયને અંતરે આગલી હરોળના સૈનિકો બદલવામાં આવતા જેથી વિશ્રામ મળે. પહેલો હુમલો કરનારા પર્શિયન બધા કપાઈ મૂવા તે સામે માત્ર બે કે ત્રણ સ્પાર્ટન શહીદ થયા. હવે ઝરક્સીસે પોતાના શ્રેષ્ઠ સૈનિક દળને ('ઇમ્મોર્ટલ્સ') મોકલ્યું;  તેમની પણ એ જ વલે થઈ. સ્પાર્ટાના સૈનિકો પીછેહઠનો દેખાવ કરી એકાએક સામે ધસતા અને શત્રુનો સંહાર કરતા. પોતાના સૈન્યમાં હાહાકાર મચતો જોઈ સમ્રાટ ત્રણ વાર તો આસનેથી ઊભો થઈ ગયો. બીજે દિવસે સવારે પણ આમ ચાલ્યું.

ઝરક્સીસ મૂંઝાયો. ત્યાં તેનો સિતારો ચમક્યો. એફિઆલ્ટિસ નામના ગ્રીક માણસે સમ્રાટને જાણ કરી કે ટેકરીના માર્ગે લિયોનિડસ પર પાછળથી હુમલો કરી શકાય છે. એફિઆલ્ટિસે દેશદ્રોહ શું કામ કર્યો? તેને ઇનામની લાલચ હતી. ઇનામ તો ન મળ્યું, ઉપરથી જીવનભર નાસતા-સંતાતા ફરવું પડયું. ઝરક્સીસે ૨૦૦૦૦ સૈનિકોને ટેકરી રસ્તે મોકલ્યા. પોતે ઘેરાઈ જવાનો છે એ જાણીને લિયોનિડસે જાહેર કર્યું કે તે સ્પાર્ટાના ૩૦૦ સૈનિકો સાથે રાખીને મરણ પર્યંત લડશે પણ બાકીનાએ પીછેહઠ કરવી. આમ છતાં થેસ્પિયાના ૭૦૦ અને થીબ્સના ૪૦૦ યોદ્ધા માથે કફન બાંધીને સાથે ઊભા. હવે ખુલ્લા મેદાનમાં લડવા સિવાય બીજો ઉપાય નહોતો. ગ્રીસના યોદ્ધા લડયા, ભાલાથી, તે તૂટયા ત્યારે ટૂંકી તલવારથી, પછી હાથથી અને દાંતથી. આ સંગ્રામમાં ઝરક્સીસના બે ભાઈ ખપી ગયા, લિયોનિડસ પણ બાણથી વિંધાઈને વીરગતિ પામ્યો. થર્મોપોલી પર બે હજાર ગ્રીક સૈનિક મર્યા, પણ વીસ હજાર શત્રુઓને મારતા ગયા. ૧૯૩૯માં થર્મોપોલીની કોલોનસ ટેકરીનું ઉત્ખનન કરતાં મોટી સંખ્યામાં કાંસાનાં બાણનાં ફળાં મળી આવ્યાં હતાં.

આ લડાઈમાં પર્શિયાનો વિજય થયો, તેણે આગળ વધીને ગ્રીસના અમુક પ્રદેશો જીતી લીધા. જોકે ત્યાર પછી સમુદ્ર-યુદ્ધમાં પર્શિયા હાર્યું અને તેણે ગ્રીસમાંથી પીછેહઠ કરવી પડી.

યુગે યુગે યુદ્ધો ચાલતાં રહે છે. પર્શિયાએ ગ્રીસ પર આક્રમણ કર્યું હતું, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. પર્શિયાના બે લાખ સૈનિકો સામે ગ્રીસના માત્ર સાત હજાર હતા. રશિયાના સાડા આઠ લાખ સામે યુક્રેનના અઢી લાખ છે. પર્શિયા પાસે વીસેક હજારનું અશ્વદળ હતું, ગ્રીસ પાસે હતું જ નહિ. રશિયાના ચાર હજાર યુદ્ધવિમાનોની સામે યુક્રેનના માત્ર ચારસો છે. રશિયાની વસ્તી ચૌદ કરોડથી વધુ તો યુક્રેનની ચાર કરોડથી ઓછી. રશિયાનું રાષ્ટ્રીય ઉત્પાદન બે હજાર બિલિયન ડોલર તો યુક્રેનનું બસો બિલિયન ડોલર.

બધી રીતે રશિયા વધુ તાકતવર છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં આક્રમણ કરતી વખતે રશિયા ધારતું હશે કે યુક્રેન અઠવાડિયામાં ધૂળચાટતું થઈ જશે. તેવું ન થયું. યુક્રેન પોતાની સ્વતંત્રતા જાળવવા મોટો ભોગ આપી રહ્યું છે. ગ્રીસ હાર્યું તેના અઢી હજાર વર્ષ પછી પણ એના શૂરા સાત હજારને દુનિયા યાદ કરે છે. થર્મોપોલીમાં સ્પાર્ટાના ૩૦૦ શહીદોની ખાંભી પર કોતરવામાં આવ્યું છે, 'અહીંથી પસાર થતા હે રાહદારી, સ્પાર્ટા જઈને કહેજો કે અમે વચન પાળ્યું.' સમીપે લિયોનિડસની કાંસાની પ્રતિમા મુકાઈ છે, જેની નીચે તેનો ખુમારીભર્યો પડકાર કોતરાયો છે, 'આવો અને લઈ જાઓ!' ગ્રીસના બહાદુરો વિશે કાવ્યો રચાયાં છે, ચિત્રો ચિતરાયાં છે, ચિત્રપટોનું નિર્માણ થયું છે.

સદીઓ પછી, કોના શૌર્ય વિશે ચર્ચાઓ ચાલતી હશે? રશિયાના કે યુક્રેનના?