- સરદાર @150-હસિત મહેતા
- 'પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં તેમની ખૂબી રહેતી.
- ધીમે-ધીમે નહીં, પરંતુ ઝડપથી વલ્લભભાઈને બોરસદ ફાવી ગયું. અહીંની વકીલાતમાં પણ તેઓ દીવાની કેસો લેતાં જ નહીં. હિસાબી ઝીણવટ અને આંકડાઓની જંજાળમાં પડવાનું એમને ગમતું નહીં
વ લ્લભભાઈની ઊંચી પ્રતિભા તો જેમ નડિયાદ-કરમસદના વિદ્યાર્થીકાળે તેમ ગોધરા-બોરસદના વકીલાતકાળે પણ બંધાતી આવી હતી. જેમ તેમણે ગોધરામાં સફળ વકીલ તરીકે નામ કમાયું હતું, તેમ બોરસદમાં પણ તેઓ પોતાના અસીલને જીતાડવા માટે બહુ સુખ્યાત થયા હતા. અહીં તેમની કામ કરવાની પદ્ધતિ બીજા વકીલો કરતાં જુદી તરી આવતી. પોતે ફોજદારી વકીલ હોવા છતાં પોલીસ અમલદારો સાથે દોસ્તી કે સારાસારી રાખવામાં એ માનતા નહીં. લોકોને હેરાન કરનાર પોલીસ અમલદારો પ્રત્યે તેઓ હંમેશા કડક વલણ રાખતા. તેથી અમલદારો અને સરકારી વકીલો પણ વલ્લભભાઈથી બહુ સાવધ રહેતા. તેઓ ગમે તેવા કડક મૅજિસ્ટ્રેટની પણ સાડાબારી રાખતા નહીં. સામાન્ય વકીલો કરતાં હતા તેમ, મૅજિસ્ટ્રેટનો મિજાજ સાચવી લઈને કામ કઢાવી લેવાની એમની પ્રકૃત્તિ પણ નહીં અને ધીરજ પણ નહીં.
ઘણીવાર તો એવુંય બનતું કે જો કોઈ મૅજિસ્ટ્રેટ બીજા કોઈ વકીલને ધમકાવતા હોય કે તેમનું અપમાન કરતાં હોય, અને જો વલ્લભભાઈ તે સમયે હાજર હોય, તો બીજા વકીલ માટે થઈને પણ વલ્લભભાઈ મૅજિસ્ટ્રેટ જોડે બાખડી પડતાં, અને કાનૂની પદ્ધતિસર એમનો વિરોધ કરીને પોતાનું અને વકીલજાતનું ગૌરવ જાળવી લેતાં. આ રીતે મૅજિસ્ટ્રેટ સાથે સાચી વાતમાં બાખડી લેવાની ખુમારી તેમણે બોરસદની વકીલાત વખતે પણ અકબંધ રાખી હતી.
ધીમે-ધીમે નહીં, પરંતુ ઝડપથી વલ્લભભાઈને બોરસદ ફાવી ગયું. અહીંની વકીલાતમાં પણ તેઓ દીવાની કેસો લેતાં જ નહીં. હિસાબી ઝીણવટ અને આંકડાઓની જંજાળમાં પડવાનું એમને ગમતું નહીં. વળી દીવાની કેસોનો નિર્ણયમાં ઘણો વખત લાગે. એટલે વલ્લભભાઈએ બોરસદની વકીલાતમાં પણ ફોજદારી કેસો જ લડવાનું ચાલું રાખ્યું. એમાં તેમની આવડત સોળે કળાએ ખીલી ઉઠતી.
બોરસદમાં થોડા જ વખતમાં વલ્લભભાઈની વકીલાત ખૂબ જામી ગઈ, તેનું એક કારણ એ પણ ખરું કે તે સમયે આખા મુંબઈ ઈલાકામાં સૌથી વધારે ફોજદારી ગુના ખેડા જિલ્લામાં જ થતાં હતા. (ત્યારે બોરસદ ખેડા જિલ્લાનું એક તાલુકા મથક હતું) વળી અહીંના સહુ તાલુકા મથકો પૈકી સૌથી વધારે ફોજદારી ફરિયાદો બોરસદ કોર્ટમાં નોંધાતી હતી. આથી સરકારે અગ્રીમ કિસ્સા તરીકે અહીં (બોરસદમાં) એક ખાસ રેસિડેન્ટ ફર્સ્ટક્લાસ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરી હતી. આવા વાતાવરણમાં વલ્લભભાઈને ઝાઝી મુશ્કેલી નડી નહીં.
સરદારની વકીલાતમાં કાયદાની બારીકીઓની ઝીણી છણાવટ ના કરતાં તેમનું ઊંડુ વ્યવહારજ્ઞાન, માનવસ્વભાવની સૂક્ષ્મ પરખ, સાક્ષીની ઊલટતપાસની અજબ કુનેહ અને પુરાવાને છણવાની ભારે શક્તિ, એ ગુણોએ વધારે ભાગ લીધો છે. દીવાની કેસ તો તેઓ ભાગ્યે જ લેતાં. એ વિષે પૂછતાં તેમણે કહેલું: 'થોડા વખતમાં વધારેમાં વધારે કમાઈ શકાય એવા જ કેસો હું લેતો, દીવાની કેસો બહુ ઓછા અને તે પણ જેમાં કાયદાની ગલીકૂંચીઓમાં ઊતરવાનું હોય તેવા ન લઉં, પણ પુરાવાની સામે પુરાવા રજૂ કરવાના હોય અથવા સામા પક્ષના આખા પુરાવા ઉડાવી દેવાના હોય તેવા જ કેસો લેતો.'
વલ્લભભાઈના નજીકના સાથી શ્રી નરહરી પરીખે લખેલાં સરદાર ચરિત્રના પુસ્તકમાં નોંધાયું છે કે વલ્લભભાઈની વકીલપ્રતિભા કેટલી નોંખી, સટીક અને પોતાના અસીલને માટે ફાયદાકારક હતી. તેમણે લખ્યું છે કે....
'પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં તેમની ખૂબી રહેતી. આ કામ એટલી સુંદર રીતે તેઓ કરતા કે પુરાવા લેવાઈ ગયા પછી તેમને ઝાઝું દલીલ કરવાપણું રહેતું નહીં. કોર્ટમાં તેમની દલીલનાં ભાષણ બીજા વકીલોને મુકાબલે બહુ ટૂંકાં, સીધાં અને મુદ્દાસર થતાં. પ્રજાને ત્રાસ આપનારા પોલીસ અધિકારીઓ તથા વકીલોનું અપમાન કરનારા અને તેમને ધમકાવનારા મૅજિસ્ટ્રેટોને તેઓ પાંસરાદોર રાખતા. સરદાર જે કેસમાં વકીલ તરીકે આવે તેમાં કોર્ટને તેમ જ ફરિયાદ પક્ષના વકીલને બહુ સાવધ રહેવું પડતું.'
શ્રી રાજમોહન ગાંધીએ પણ 'સરદાર: એક સમર્પિત જીવન'માં વકીલ વલ્લભભાઈ વિશે લખ્યું છે કે.....
'બોરસદમાં વલ્લભભાઈના સમકાલીનો પાસેથી મેળવેલી માહિતીને આધારે પરીખે નોંધ્યું છે તેમ 'સાદી સમજ અને માનવસ્વભાવના જ્ઞાન'ના ગુણ વલ્લભભાઈને ભારે ઉપયોગી થઈ પડયા. વિઠ્ઠલભાઈ આગેવાનો જોડે અંગત સંબંધો જાળવતા અને પોલીસ ખાતામાં તેમની જબરી લાગવગ હતી. પણ વલ્લભભાઈ પોલીસ અમલદારો અને મજિસ્ટ્રેટોથી દૂર રહેતાં.'


