Get The App

મદનાસુર : મા બગલામુખીનાં પ્રાગટય માટે જવાબદાર દૈત્ય!

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
મદનાસુર : મા બગલામુખીનાં પ્રાગટય માટે જવાબદાર દૈત્ય! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- સદ્ બુદ્ધિ અને ભક્તિ થકી મનમાં પરિવર્તન આવે, તો તેનો પહેલોવહેલો પ્રભાવ વાણી ઉપર દેખાઈ આવે છે. રોચક વાત એ છે કે વાણી થકી જ દુશ્મનો પણ ઊભા થાય છે

દ સ તાંત્રિક મહાવિદ્યાઓનાં પ્રાગટયની મૂળ કથા આમ તો દેવી મા સતી સાથે જોડાયેલી છે. મહાદેવ દ્વારા એમને દક્ષ પ્રજાપતિના યજ્ઞામાં સમાવિષ્ટ થવા માટેની મનાઈ ફરમાવવામાં આવતાં તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયાં અને એમણે મહાવિદ્યા સ્વરૂપ ધારણ કર્યું. સતીનાં ક્રોધાવતારથી ગભરાયેલાં મહાદેવે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ જે દિશામાં પ્રસ્થાન કરે ત્યાં એક-એક મહાવિદ્યાનું પ્રાગટય થઈ જતું. આમ કરતાં કરતાં દસેય દિશાઓમાં વિભિન્ન દસ સ્વરૂપો પ્રગટ થયાં, જે ઓળખાયાં મહાવિદ્યા - મા કાલી, તારા, મહાત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, ત્રિપુરભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાત્મિકા - તરીકે!

આ સિવાય પ્રત્યેક મહાવિદ્યાની પોતપોતાની પ્રાગટય-કથા પણ શાોમાંથી મળી આવે છે. જ્યારે દેવીની ઈચ્છાશક્તિ પ્રબળ થઈ, ત્યારે ત્યારે તેમણે સમય-સમયાંતરે સાકાર સ્વરૂપમાં પ્રગટ થવાનું યોગ્ય માન્યું. આવી જ એક ઘટના હતી, મા બગલામુખીનાં પ્રાગટયની!

આદિકાળમાં મદનાસુર નામે એક દૈત્ય થઈ ગયો. તેણે ત્રિલોકમાં આધિપત્ય જમાવી લીધું. સમસ્ત પ્રજાગણ તેનાથી ત્રસ્ત હતાં. તેનો અહંકાર, લોભ-લાલચ, કામ, મદ અને મોહ એટલાં પ્રબળ હતાં કે તેને સ્વાર્થ સિવાય બીજું કશું દેખાતું જ નહોતું. એ સમયે દેવતાગણ દેવી મા પાસે પહોંચ્યાં. એમની પ્રાર્થનાથી મા લલિતા મહાત્રિપુરસુંદરીએ આઠમી મહાવિદ્યા - બગલામુખી - નું સાકાર સ્વરૂપ ધારણ કરવાનું વચન આપ્યું. એમના મહાતેજમાંથી પ્રાગટય થયું, મા બગલામુખીનું! જેમનો વર્ણ પીતાંબર હતો. નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં પ્રગટ થઈને દેવી મા બગલામુખીએ મદનાસુરનો સંહાર કર્યો.

આજની તારીખે મા બગલામુખીનું પૌરાણિક સ્વરૂપ શાસ્ત્રોમાં જોઈએ, તો સમજાય કે તેઓ મદનાસુરની જીભ કાપી રહ્યાં છે. વાસ્તવમાં આ ચિત્ર સિમ્બોલિક અર્થાત્ રૂપક છે. અત્પ્રકારની કથા જણાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય હંમેશાથી મનુષ્યની ભીતર રહેલાં વિકારોને દૂર કરવાનો હોય છે. દૈત્ય મદનાસુરનાં નામને ધ્યાનથી સમજીએ તો, 'મદ' તેનો એક અભિન્ન ભાગ છે. માણસ જ્યારે મદ અર્થાત્ ગર્વીલો-અહંકારી બની જાય, ત્યારે સ્વાભાવિક રીતે સર્વપ્રથમ તેની વાણીમાં એ મદનો નશો વર્તાઈ આવે.

અહંકારનું સૌથી પહેલું લક્ષણ વાણીનું ખરાબ થવું એ છે. માણસ ઘડીભરમાં બીજાનું અપમાન કરી નાખતાં અચકાય નહીં. સારા-નરસાનું ભાન રાખ્યા વિના આડેધડ વાણીનો પ્રયોગ કરીને અન્યોને શાબ્દિક હાનિ પહોંચાડતો રહે. નરી વાસ્તવિકતા છે કે ઘણી વખત શબ્દોનાં ઘા એટલા તીવ્ર હોય છે કે તેની સામે શારીરિક ઈજા તો નગણ્ય જણાય! આથી, આપણે ત્યાં કલમને તલવાર કરતાં પણ વધુ ધારદાર માનવામાં આવી છે. શબ્દોમાં એ તાકાત છે કે ભલભલા સામ્રાજ્યો ડગમગાવી દે!

મદનાસુરની જીભ પકડી રાખવા પાછળનું તાત્પર્ય તેના અહંકાર અથવા મદને નિયંત્રણમાં રાખવાની ઘટના છે. દૈવીય શક્તિ જ્યારે જીવનમાં પ્રગટ થાય અને એમના આશીર્વાદ પ્રાપ્ત થવાની શરૂઆત થાય, ત્યારે વ્યક્તિ સર્વપ્રથમ તો બોલવા પ્રત્યે સભાન બને. અન્યોનાં હૃદયમાં પણ એ જ દેવી મા બિરાજમાન છે, જે સ્વયંના અંતરમનમાં છે એ વાસ્તવિકતાનો બોધ થવાની શરૂઆત થાય. બસ, એ ક્ષણથી જ પરિવર્તનનો આરંભ થાય. દેવી મા બગલામુખીનાં નામમાં રહેલો 'મુખી' શબ્દ આનો જ દ્યોતક છે.

સારાંશ એ છે કે વાણી થકી હૃદયનાં ઘા ભરી શકવા પણ સંભવ છે અને કોઈકને જીવનભરનો આઘાત આપવો પણ! સદ્ બુદ્ધિ અને ભક્તિ થકી મનમાં પરિવર્તન આવે, તો તેનો પહેલોવહેલો પ્રભાવ વાણી ઉપર દેખાઈ આવે છે. રોચક વાત એ છે કે વાણી થકી જ દુશ્મનો પણ ઊભા થાય છે. દ્રૌપદીનું માત્ર એક વિધાન 'આંધળાનો પુત્ર આંધળો' થકી દુર્યોધન તેનો શત્રુ બન્યો અને મહાભારતને સ્વયં શ્રીકૃષ્ણ પણ રોકી ન શક્યાં. કેવળ શત્રુનાશ જેવાં સ્વાર્થપૂર્ણ ધ્યેય સાથે મા બગલામુખીનો હવન કરનારા અબૂધોએ આ વાસ્તવિકતા સમજવાની જરૂર છે. મા બગલામુખી વાસ્તવમાં જીભ ઉપર નિયંત્રણ લાવીને આંતરિક શત્રુઓનો નાશ કરે છે. મદ-મોહ-માત્સર્ય-લોભ-લાલચ-ઘૃણા-અહંકાર-કામ-વાસના જેવા શત્રુઓનો ઉછેર થતાં રોકે છે અને સાધકને દિવ્યભાવમાં લઈ જાય છે. કારણ કે, સ્મરણ રહે! સાધકો માટે કામવાસનાથી ઉપર ઊઠવું તો સહેલું છે, પણ રુદ્રગ્રંથિ અર્થાત્ સ્વયંના વિકારો તથા નકારાત્મક વૃત્તિઓથી ઉપર ઊઠવા માટે તો દૈવીય કૃપા જ જોઈએ.