- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'મમ્મીજી તમે સરસ દેખાઓ છો પણ હવે તમારું રૂપ અને ઠસ્સો રહ્યા નથી. સાડી તમને શોભે છે પણ તમારો ચહેરો હવે પહેલાં જેવો રહ્યો નથી...
'સં ગીતા આજે જમવામાં જરાય કચાશ રહેવી ન જોઈએ. રિદાનની બર્થ ડે આપણે પહેલી વખત ઘરે કરીએ છીએ. પપ્પાના ગયા પછી પાંચ વર્ષે ઘરમાં કોઈ પ્રસંગ થઈ રહ્યો છે. તું બધું જ ધ્યાન રાખજે. આખરે આપણી પ્રેસ્ટિજનો સવાલ છે.' - ચા પીતા પીતા ધર્મેશે પોતાની પત્નીને મોટા અવાજે કહ્યું.
'હા બધી જ તૈયારીઓ ચાલે છે. મહારાજ અને તેમની પત્ની આજે આખો દિવસ આપણા ઘરે જ છે. તારા કહ્યા પ્રમાણે પંજાબ ડિશ સૂપ ટુ ડેઝર્ટ રેડી કરાવી છે. ખાસ તો દામજી કંદોઈ પાસેથી મિનિ પુરણપોળી મંગાવી લીધી છે. આપણે ખાલી ઘીમાં શેકવાની જ છે. તું જરાય ચિંતા ન કરીશ.' - સંગીતાએ જવાબ આપ્યો અને ધર્મેશ મલકાઈ ગયો.
'મમ્મી, તમારાથી મદદ થાય તો કરજો બાકી થાકવાની જરૂર નથી. તમે તમારા રૂમમાં આરામ કરજો.' - ધર્મેશે સામે બેઠેલી પોતાની મમ્મીને આદેશ આપતા કહ્યું.
'મારા લાલાનો જન્મ દિવસ હોય અને હું આરામ કરું. મેં તેના માટે સ્પેશિયલ ખીર બનાવવાની તૈયારી કરી છે. તેને ભાવે છે તો હું મારા હાથે જ બનાવવાની છું.' - નિર્મલાબાએ કહ્યું અને ધર્મેશ હસી પડયો.
'ખરી છું મમ્મી તું. બધાની બધી જ બાબતો યાદ રાખે છે. તને ઠીક લાગે એ કરજે. સંગીતા મમ્મીનું પણ ધ્યાન રાખજે.' - ધર્મેશે ફરી કહ્યું.
'હા, તમે બપોરે આવી જજો અને દશરથને સાંજે કેક લેવા જવાનું એડ્રેશ સમજાવી દેજો. મહેમાન આવ્યા પછી તમે ક્યાંય બહાર જતા નહીં. તમારા ફ્રેન્ડ્સ હશે તેમને હું કેવી રીતે અટેન્ડ કરીશ.' - સંગીતાએ કહ્યું અને ધર્મેશે માત્ર માથું ધુણાવી હા પાડી.
ધર્મેશ ચા-નાસ્તો કરીને પોતાના રૂમમાં જતો રહ્યો અને થોડીવારમાં તૈયાર થઈને બહાર આવી ગયો. પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે સેવા-પૂજા કરીને ઓફિસ જવા નીકળી ગયો. નિર્મલાબેને પણ ખીરની તૈયારીઓ કરવા માટે રસોડા તરફ પ્રયાણ કર્યું અને સંગીતા રસોડામાંથી બહાર આવી ગઈ.
'મમ્મી, મારે બ્યુટીપાર્લર જવું છે તો તમે સહેજ મહારાજનું ધ્યાન રાખજો. હું પાછી આવી જઈશ પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. રિદાન કદાચ સ્કુલથી આવી જાય તો તેના માટે મેં ફ્રૂટ લાવી રાખ્યું છે. રેખાને કહેજો તે કટ કરીને રિદાનને આપી દેશે.' - સંગીતાએ કહ્યું અને નિર્મલાબેને માત્ર માથું હલાવી હા પાડી દીધી.
સંગીતા પણ થોડીવારમાં તૈયાર થઈને આવી અને બહાર પડેલા બે થેપલા ખાઈને બ્યુટીપાર્લર જવા રવાના થઈ ગઈ. નિર્મલાબેને શાંતિથી બેસીને નાસ્તો કર્યો અને પછી કાજુ, બદામ, પિસ્તા, ચારોળી, ઈલાઈચી વગેરેના ટુકડા કરવા બેસી ગયા. થોડીવારમાં બધું ટુકડા કરીને રસોડામાં ગયા અને દૂધ ઉકાળવા મુકી દીધું. મહારાજ બીજા ચુલા ઉપર બાકીની રસોઈ કરતો હતો.
બે- અઢી કલાક થયા ધીમા તાપે દૂધ ઉકાળીને નિર્મલાબાએ સરસ મજાનું ઘટ્ટ દુધ બનાવ્યું અને પછી તેમાં બાસમતી આખા ચોખા નાખ્યા. દૂધ અને ચોખા પાછા ઉકળવા લાગ્યા અને તેમાં સુકોમેવો નાખી દીધો. અડધો કલાકમાં તો રગડા જેવી ખીર તૈયાર થઈ ગઈ. મહારાજ તો નિર્મલાબાની ખીરના વખાણ કરતા થાકતા નહોતા.
'મહારાજ હવે જમવાની વ્યવસ્થા કરો. રેખા એક કામ કર મારી થાળી બહાર પિરસી દે અને તમે બંને પણ પહેલાં જમી લો. ત્યારબાદ પરવારીને અડધો કલાક આરામ કરજો. ફરી ચાર વાગ્યાથી આપણે કામમાં જોડાઈ જઈશું. મારી ક્યાંય જરૂર પડે તો કહેજો.' નિર્મલાબેન કહ્યું અને બહાર આવીને સોફા ઉપર ગોઠવાયા.
રેખા પાંચ મિનિટમાં તેમના માટે થાળી પિરસીને લાવી અને પાસેના કાચના ટેબલ ઉપર ગોઠવી આપી. નિર્મલાબેને આદત પ્રમાણે ટેબલ ઉપર છાપું ગોઠવ્યું અને બાજુમાં ભોજનની થાળી. અખબાર વાંચતા જાય અને ભોજન કરતા જાય. આ તેમનો દાયકાઓનો નિત્યક્રમ હતો. બપોરે ધર્મેશના પપ્પા નવનીતલાલ તો ફેક્ટરી ગયા હોય અને છોકરાઓ સ્કુલે એટલે ઘરમાં કોઈ હોય જ નહીં. રસોઈયાઓ રસોઈ કરીને જતા રહે અને કામવાળા કામ કરીને જતા રહે. નિર્મલાબેને ત્યારથી છાપુ વાંચતા વાંચતા ભોજન કરવાની આદત પાડી હતી.
નિર્મલાબેને ભોજન કર્યા પછી આદત પ્રમાણે ત્યાં સોફા ઉપર જ લંબાવી દીધું. રેખાએ થાળી લઈ લીધી, ટેબલ સાફ કરી દીધું અને પછી રેખા અને તેનો પતિ પણ રસોડામાં ભોજન કરીને થોડીવાર આરામ કરવા લાગ્યા. કલાક બાદ બંને જાગ્યા અને બાકીની રસોઈની તૈયારી શરૂ કરી દીધી. નિર્મલા બેન પણ ચા-પાણી કરીને પરવાર્યા અને પોતાના રૂમમાં જવા ઊભા થયા. લગભગ પાંચ વાગ્યા ત્યાં જ સંગીતા તૈયાર થઈને પરત આવી ગઈ.
'સંગીતા તું ખૂબ જ સુંદર લાગે છે. ઘણા વખતે તું સરસ તૈયાર થઈ છે. કાનની પાછળ કાળો ટીકો કરજે. તને નજર ન લાગે. રિદાનને પણ સુંદર તૈયાર કરજે.' - નિર્મલાબેને કહ્યું અને પોતાના રૂમમાં જતા રહ્યા. સંગીતા કંઈક બોલવા જતી હતી પણ તેઓ રૂમમાં જતા રહ્યા.
સંગીતાએ મહારાજને જરૂરી સુચના આપી અને રેખાને રસોડું સરખું કરવા તથા બહાર હોલમાં સાફસફાઈ કરવાનું કહી દીધું. સાફસફાઈ માટે કામીની અને તેની બહેન જસુ પણ આવ્યા હતા તેમણે આખું ઘર સાફ કર્યું અને પાર્ટી માટે લોન સાફ કરાવી દીધી. લાઈટિંગ અને ડેકોરેશન તો બહારના માણસને બોલાવીને કરાવી દીધું હતું એટલે તેની ચિંતા નહોતી.
લગભગ છ વાગ્યા અને રિદાન આવી ગયો. તે દાદીને મળવા તેમના રૂમમાં જતો હતો ત્યાં જ સંગીતાએ તેને અટકાવ્યો અને નહાઈને તૈયાર થવાનો આદેશ આપ્યો. રિદાન નિરાશ થઈને પોતાના રૂમમાં જતો રહ્યો.
થોડીવાર નિર્મલાબેન સરસ મજાની નવી સાડી પહેરીને બહાર આવ્યા અને સંગીતા તે જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગઈ.
'મમ્મીજી તમે સરસ દેખાઓ છો પણ હવે તમારું રૂપ અને ઠસ્સો રહ્યા નથી. સાડી તમને શોભે છે પણ તમારો ચહેરો હવે પહેલાં જેવો રહ્યો નથી. એસીડ પડયા બાદ તમારા ચહેરાની ચામડી ખરાબ થઈ ગઈ છે. મારું માનો તો તમારા રૂમમાં જ રહો. રિદાનના ફ્રેન્ડ્સ અને ધર્મેશના બિઝનેસ પાર્ટનર્સ અને ફ્રેન્ડ્સ તમને જોશે તો ખોટા સવાલો અને તર્ક-વિતર્કો થશે. પાર્ટી પૂરી થાય એટલે તમે બહાર આવી જજો. પ્લીઝ એ પહેલાં રૂમની બહાર પગ ના મુકતા.' - સંગીતાએ કહ્યું અને નિર્મલાબેન મનોમન રડી ઉઠયા.
બે વર્ષ પહેલાં ઘરની સાફસફાઈ દરમિયાન ઉપરના માળેથી એસિડની બોટલ નીચે પડી હતી જે નિર્મલાબેનના ચહેરા ઉપર જ ઢોળાઈ હતી. તેના કારણે તેમનો જમણી તરફનો ચહેરો, ગળું અને હાથ દાઝી ગયો હતો. સર્જરી કરીને તેમને બચાવી તો લેવાયા પણ પ્લાસ્ટિક સર્જરી થાય તેમ નહોતી. ડોક્ટરે ખાસ કહ્યું હતું કે, અન્નનળી ડેમેજ છે. તેમનું ગળું સુકાય નહીં તેનું ધ્યાન રાખજો. પાણી નહીં પીવે તો ગળુ સુકાઈ જશે અને શ્વાસ પણ રૃંધાઈ જશે. ત્યારથી નિર્મલાબેન ઘરમાં જ રહેતા હતા. પરિવારના લોકોને ઘટનાની ખબર હતી પણ બહારના લોકો જાણતા નહોતા તેથી નિર્મલાબેન બહાર જતા નહોતા.
સાડા છ વાગ્યે ધર્મેશ આવ્યો અને તે પણ નિત્યક્રમ પ્રમાણે મમ્મી પાસે જવા ગયો ત્યાં સંગીતાએ રોક્યો.
'મમ્મી અંદર જ છે. આજે બહાર બોલાવવાની જરૂર નથી. પાર્ટીમાં લોકો આવશે અને જોશે તો ખોટી ચર્ચા થશે. તારી ઈચ્છા છે કે લોકો કંઈ ખોટું વિચારે. ડિનરનો ટાઈમ થાય એટલે તું તેમના રૂમમાં જઈને ડિનર આપી આવજે એટલે તમારા મા-દીકરાની લાગણી સંતોષાઈ જશે. આપણી પાર્ટી પણ સચવાઈ જશે.' - સંગીતાએ કહ્યું. ધર્મેશને પણ વાત ઠીક લાગી એટલે તે બહાર વ્યવસ્થા જોવા જતો રહ્યો. સાત વાગ્યે પાર્ટી શરૂ થઈ. મહેમાનો આવ્યા, બર્થડે કેક કપાઈ, લોકોએ આનંદ કર્યો. ભોજન સમારંભ શરૂ થયો. બધા આનંદ કરતા હતા અને નિર્મલાબેન તેમના રૂમમાં નવનીતલાલની તસવીર સામે નજર સ્થિર કરીને ખુરશીમાં ગોઠવાયેલા હતા. લગભગ મોટાભાગના મહેમાનો જતા રહ્યા ત્યાં સાડા નવ વાગ્યે ધર્મેશ મમ્મીની થાળી પિરસીને તેમના રૂમમાં આપવા ગયો.
તેણે અંદર જઈને જોયું તો મમ્મી ખુરશી ઉપર સાવ સ્થિર થઈને બેઠા હતા. તેણે જઈને મમ્મીના માથે હાથ મુક્યો ત્યાં માથું જમણી તરફ ઢળી ગયું. તેણે મોટેથી ચીસ પાડી અને તેના હાથમાંથી થાળી પડી ગઈ.
તેની ચીસ સાંભળીને સંગીતા અને કેટલાક મહેમાન દોડી આવ્યા.
'આઈ એમ સોરી ધર્મેશ, શી ઈઝ નો મોર.' - નિર્મલાબેનનું ઓપરેશન કરનારા ડોક્ટરે તેમનો હાથ પકડીને કહ્યું. ધર્મેશે ડુંસકું ભરતા મમ્મીની બાજુના ટેબલ ઉપર નજર કરી તો પાણીની ખાલી બોટલ અને કાચનો ખાલી ગ્લાસ પડયો હતો. તેને સમજાઈ ગયું કે, ગળું સુકાયું હશે પણ તેને બહાર આવવાની ના પાડી હતી તેથી મમ્મી બહાર ન આવી અને અહીંયા જ... ધર્મેશ ચોધાર આંસુએ રડી પડયો. પોતાના દીકરીના જન્મદિવસે લોકો સામે દેખાડો કરવામાં પોતાની જનેતા ગુમાવી દીધી.


