Get The App

નક્સલીઓના વિસ્ફોટમાં પગ ગુમાવનાર તોમાન કુમાર પેરા તીરંદાજીમાં વિશ્વ વિજેતા

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
નક્સલીઓના વિસ્ફોટમાં પગ ગુમાવનાર તોમાન કુમાર પેરા તીરંદાજીમાં વિશ્વ વિજેતા 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- 30 વર્ષના સીઆરપીએફના જવાને માત્ર ત્રણ જ વર્ષની તાલીમ બાદ પોતાની પ્રતિભાના ચમકારાથી આખી દુનિયાને ચકિત કરી દીધી

હોં સલો મેં છુપી હોતી હૈ, કામીયાબી અંદાઝ મેં બસી હોતી હૈ. - સફળતા માટે ક્યારેય કોઈ ચોક્કસ માપદંડ કે રોડમેપ હોતો નથી. અડગ મનોબળ અને સતત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ગમે તેવા દુર્ગમ રસ્તા પર આસાનીથી પાર કરીને શિખર સુધી પહોંચી શકાય છે. આ જ કારણે વિવિધ ક્ષેેત્રોમાં ટોચનું સ્થાન હાંસલ કરનારા દરેકની સફર જુદા-જુદા પડકારો અને મુશ્કેલીઓથી ભરેલી જોવા મળે છે. જોકે, ગમે તેવી સ્થિતિમાં પણ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે ઝઝૂમતા રહેવાના જઝ્બાને સહારે જ અવકાશી ઊંચાઈને હાંસલ કરવી પણ શક્ય બની રહે છે. ઘણી વેળા તો જન-સામાન્યમાં વિશિષ્ટ તરી આવતા અને શારીરિક રીતે રોજિંદી જિંદગીમાં પણ સંઘર્ષ કરનારા દિવ્યાંગો જ્યારે તેમની પ્રતિભાને - સર્વાંગો કરતાં ચઢિયાતી સાબિત કરે છે, ત્યારે નવો ઈતિહાસ રચાય છે. 

વિશ્વના રમતજગતમાં ભારતીય પ્રતિભાનો ચમકારો બુલંદ થવા માંડયો છે. તેની સાથે સાથે દિવ્યાંગ એથ્લીટ્સ એટલે કે પેરા-એથ્લીટ્સની સફળતા તો નવા કીર્તિમાન સર્જી રહી છે. ઓલિમ્પિક સહિતના વૈશ્વિક રમતોત્સવમાં ભારતના સર્વાંગ ખેલાડીઓની સરખામણીમાં દિવ્યાંગ ખેલાડીઓ, તેમના માટે યોજાતા પેેરાલિમ્પિક્સ સહિતના રમતોત્સવોમાં મોટી સંખ્યામાં ચંદ્રકોનો ખડકલો કરી રહ્યા છે અને આ જ કારણે ભારતીય રમત જગતમાં પેરા એથ્લીટ્સનું મહત્વ હવે ખુબ જ વધી ગયું છે. પેરા એથ્લેટિક્સથી માંડીને પેરા તીરંદાજીમાં ભારત પાસે વર્લ્ડ ચેમ્પિયન પેરા એથ્લીટ્સની ભરમાર જોવા મળી રહી છે. 

સાઉથ કોરિયામાં સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલે પેેરા તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં બે સુવર્ણ, બે રજતની સાથે સાથે એક કાંસ્ય એમ કુલ મળીને પાંચ ચંદ્રકો જીતી બતાવ્યા હતા. બંને હાથ ન ધરાવતી ભારતની શીતલ દેવીએ વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ જીતનારી વિશ્વની સૌપ્રથમ મહિલા તીરંદાજ તરીકેનું ગૌરવ મેળવતા ઈતિહાસ રચી દીધો. પગથી ધનુષ પકડીને શીતલ તેના માથા અને ખભાનો ઉપયોગ કરીને નિશાન તાકવામાં કુશળ છે. શીતલની અભૂતપૂર્વ સફળતાએ દેશ-દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. જોકે શીતલની સાથેે સાથે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને તોમાન કુમારે બીજો સુવર્ણચંદ્રક અપાવ્યો - તેના તરફ જૂજ વ્યક્તિઓનું ધ્યાન ગયું હતુ. 

૩૦ વર્ષના તોમાન કુમારે કમ્પાઉન્ડ તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી, જે પેરા તીરંદાજીના ઈતિહાસનો ભારતનો વ્યક્તિગત પુરુષ કેટેગરીનો સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક હતો. આંતરરાષ્ટ્રીય પેરા તીરંદાજીમાં હજુ ચાલુ વર્ષ (૨૦૨૫)ના પ્રારંભે જ ડગ માંડનારા તોમાનની પાસે અનુભવની કમી ચોક્કસ હતી, પણ તે આત્મવિશ્વાસથી છલોછલ હતો. ભારતના અર્ધસૈન્ય દળના જવાનમાં તનાવની વચ્ચે પણ ટકી રહેવાનો અને પોતાના લક્ષ્યને હાંસલ કરવાનો કુનેહ હોય તે સ્વાભાવિક છે અને તેનો જ પરિચય તેણે સાઉથ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ પેરા તીરંંદાજીમાં દેખાડયો.

તેણે રોમાનિયા, જાપાન, અમેરિકાની સાથે સાથે ભારતના તેના કરતાં અનુભવી તીરંદાજોને પછડાટ આપતાં સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી અને તેની આ ડ્રીમ રનમાં તેને ભાગ્યનો પણ સાથ મળ્યો. પેરા તીરંદાજીમાં ભારતની ઓળખ સમાન રાકેશ કુમારની સામે તોમાનનો મુકાબલો હતો. રાકેશ અગાઉ પેરાલિમ્પિકથી લઈને વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપ અને એશિયન પેરા ગેમ્સમાં ચંદ્રક જીતી ચૂક્યા હતા.આ કારણે નવા-સવા તોમાનની જીતવાની આશા ખુબ જ ઓછી હતી. જોકે, ફાઈનલની શરુઆતમાં તોમાને સરસાઈ મેળવી અને ત્યાર બાદ રાકેશના ધનુષમાં તકનીકી ક્ષતિ સર્જાઈ અને આ કારણે તેને સ્પર્ધા છોડવી પડી અને તોમાને વ્યક્તિગત પુરુષોની સ્પર્ધામાં ઐતિહાસિક ચંદ્રક જીતી બતાવ્યો. 

તોમાનની સિદ્ધિની વિશેેષતા એ છે કે, તેની કારકિર્દીની આ માત્ર ચોથી જ આંતરરારાષ્ટ્રીય સ્પર્ધા હતી, જેમાં તેણે પહેલા જ ચંદ્રક તરીકે સુવર્ણ હાંસલ કર્યો હતો. અગાઉ ચેક રિપબ્લીકમાં યોજાયેલા યુરોપીયન પેરા તીરંદાજી કપમાં તે ચોથા ક્રમે રહ્યો હતો. યોગાનુંયોગ ત્યારે સેમિ ફાઈનલમાં તે ભારતના શ્યામ સુંદર સ્વામી સામે હાર્યો હતો અને ત્યાર બાદ રાકેશ કુમાર સામેની કાંસ્ય ચંદ્રક માટેની મેચમાં પરાજીત થતાં ચોથા ક્રમે રહ્યો હતો. જોકે તેણે વર્લ્ડ પેેરા તીરંદાજીની સેમિ ફાઈનલમાં શ્યામ સુંદર સ્વામીને અને ફાઈનલમાં રાકેેશ કુુમારની સામે જીત હાંસલ કરતાં પોતાની પ્રતિભાનો ચમકારો દુનિયાને દેખાડી દીધો છે. 

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ કે જે સીઆરપીએફ તરીકેની ઓળખ ધરાવે છે, તેમાં એક જવાન તરીકે જોડાયેલા તોમાન કુમારે દેશની અંદર શાંતિ સ્થાપવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી દીધી હતી. તેઓ વિવિધ રમતો રમવાની સાથે સાથે પોતાની ફિટનેસ માટે સજાગ હતા. આ જ કારણે તેઓ સીઆરપીએફની મુશ્કેલ પરીક્ષામાં પણ પાસ થયા હતા. તેઓ ૨૬ વર્ષની ઊંમરે સીઆરપીએફમાં જોડાયા હતા અને દેશના વિવિધ વિસ્તારોમાં ફરજ સંભાળી હતી. 

સીઆરપીએફમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા તોમાનની ટુકડીને નકસલ પ્રભાવિત છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નિયુક્તિ આપવામાં આવી. જ્યાં ફેબુ્રઆરી- ૨૦૨૨માં સીઆરપીએફના જવાનો અને નકસલીઓ વચ્ચે સીધો જ ટકરાવ થઈ ગયો. બંને તરફથી ગોળીબાર થયો અને આ દરમિયાન જ નક્સલીઓએ કરેલા આઈઈડી (ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) વિસ્ફોટમાં તોમાન કુમાર ખુબ જ ગંભીર રીતે ઘવાયા. તેમના ડાબા પગમાં આ વિસ્ફોટને કારણે ખુબ જ નુકસાન થયું. આખરે હોસ્પીટલમાં તબીબોએ તેમનો જીવ બચાવવા માટે ડાબો પગ કાપવાનો નિર્ણય લીધો. 

તોમાનની જિંદગી આ ઘટના પછી એકદમ બદલાઈ ગઈ. જાણે તેમને નવેસરથી શરુઆત કરવાની હોય તેમ લાગ્યું. આ દરમિયાન જ તેમને સીઆરપીએફના દિવ્યાંગો માટેના એક સશક્તિકરણ સેન્ટરમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સેન્ટરમાં તોમાનને તેમના જેવા જ અન્ય ઘાયલ સાથીઓ મળ્યા અને તેમણે જિંદગીને નવેસરથી - નવા અંદાજમાં ઢાળવાનો દ્રઢ નિર્ધાર કર્યો. આ સેન્ટરમાં સીઆરપીએફના દિવ્યાંગ બનેલા જવાનોને વિવિધ ક્ષેત્રોનું પ્રશિક્ષણ અપાતું, તોમાને તેમાં તીરંદાજી પર પસંદગી ઉતારી. 

કંઈક કરી બતાવવાનું ઝનૂન તો તેમનામાં પહેલેથી જ હતુ અને તેમાંય સીઆરપીએફના જવાન તરીકે કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારવાના પાઠ તેઓ શીખ્યા હતા. તેમની આ જ દ્રઢ ઈચ્છાશક્તિ અને મક્કમતાએ તેમને પેરા તીરંદાજીમાં સફળતા અપાવવા માંડી. સ્થાનિક સ્પર્ધાઓના અનુભવ અને નિષ્ણાત કોચીસના માર્ગદર્શનને કારણે તેમની પ્રતિભામાં આગવો નિખાર આવવા લાગ્યો. હવે તેમનું સમગ્ર ધ્યાન માત્ર પેરા તીરંદાજી થકી એક નવી ઓળખ ઉભી કરવા તરફ હતુ. તોમાને સ્થાનિક લેવલની સ્પર્ધાઓમાં સફળતા મેળવવા માંડી અને એકાદ વર્ષ (૨૦૨૪)ના અભ્યાસ અને તાલીમને સહારે તો તેણે સીઆરપીએફની રાષ્ટ્રીય સ્તરની પેરા તીરંદાજીની ટીમમાં સ્થાન મેળવી લીધું. 

રાષ્ટ્રીય સ્તરની પેરા તીરંદાજીમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરનારા તોમાનને ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. વૈશ્વિક સ્તરની તાલીમ અને માર્ગદર્શનને કારણે તેની રમતમાં જબરજસ્ત સુધારો થયો. ભારતીય ટીમ તરફથી તેણે ઈટાલીમાં યોજાયેલા યુરોપીયન પેરા કપમાં પ્રથમ વખત ભાગ લીધો અને સાતમો ક્રમ મેળવ્યો હતો. આ પછી ચીનમાં પેરા એશિયન ચેમ્પિયનશિપમાં પણ તેણે નોંધપાત્ર દેખાવ કર્યો હતો. આ પછી કારકિર્દીની ચોથી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ - વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક હાંસલ કરનારા તોમાનની નજર હવે નવી ઊંચાઈઓ સર કરવા તરફ છે. જોકે તેણે આ સુવર્ણની સાથે ભારતીય પેેરા તીરંદાજીમાં નવા સિતારાનો ઉદયનો ઉદ્ધોષ કરી દીધો છે.