- આજકાલ-પ્રીતિ શાહ
- જેન્સી કહે છે કે પદ પર પહોંચવા માટે ખૂબ સહન કરવું પડયું છે. તે સમાજને અને પરિવારજનોને વિનંતી કરીને કહેવા માગે છે કે, 'ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે જુદું વર્તન ન કરો.
ત મિલનાડુના તિરુવલ્લૂર જિલ્લાના તિરુત્તની નામના નાનકડા ગામમાં જેન્સીનો જન્મ થયો હતો. આમ તો તેનુું શરીર છોકરાનું હતું, પરંતુ તે અંદરથી એના મનમાં બધી રીતે છોકરીઓ જેવી લાગણી અને અનુભૂતિ ધરાવતી હતી. નાનપણથી જ તેને છોકરીઓની સોબત સારી લાગતી, છોકરીઓ સાથે વાતચીત કરવી - આ બધું તેના માટે સાહજિક હતું. કોઈએ તેને આમ કરવા પ્રોત્સાહિત નહોતી કરી, કિંતુ એને કુદરતી રીતે જ છોકરીઓ પ્રત્યે આકર્ષણ રહેતું. શરૂઆતમાં તો પરિવારનું તેના પર ધ્યાન ન ગયું, પરંતુ પાડોશીઓની અને સમાજના અન્ય લોકોની ફરિયાદ આવવા લાગી, ત્યારે માતા-પિતાનું એ તરફ ધ્યાન ગયું. માતા-પિતા અને પરિવારજનોએ જેન્સી સાથે કડક વલણ અપનાવ્યું. તેમને તો છોકરો કે છોકરી સિવાય ત્રીજી કોઈ જેન્ડર મંજૂર જ નહોતી.
એક વખત એની મજાક ઉડાડવાની કે તેની ઉપેક્ષા કરવાનું શરૂ થયું અને તે પછી એ સતત વધતું રહ્યું. જેન્સીને સ્કૂલના વર્ગમાં પણ છેલ્લી પાટલીએ બેસાડવામાં આવતી. કોઈ પણ લાઇનમાં છેલ્લે ઊભી રાખવામાં આવતી. કોઈ છોકરો તેની સાથે વાત નહોતો કરતો, કારણ કે તેમના મનમાં એવો ડર પેસી ગયો હતો કે જો જેન્સી સાથે તે વાત કરશે, તો શિક્ષક તેને ઠપકો આપશે. ઉપેક્ષિત જેન્સીએ અભ્યાસમાં મન પરોવ્યું અને પુસ્તકો તેનો સહારો બન્યાં. નાની ઉંમરમાં જ એને અહેસાસ થવા લાગ્યો કે પુસ્તકો કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ મિત્ર નથી. અભ્યાસમાં તેજસ્વી હતી તેથી પરીક્ષાનું પરિણામ સારું આવવા લાગ્યું. દરેક ધોરણમાં તે પ્રથમ નંબરે પાસ થવા લાગી. લગાતાર સારા પરિણામને કારણે શિક્ષકોનો તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો, એટલું જ નહીં, પણ જે લોકો તેની આવી અલગ ઓળખને કારણે મજાક-મશ્કરી કરતા હતા, તેઓ હવે તેની સાથે સારી રીતે વાત કરવા લાગ્યા.
શિક્ષકો અને અન્ય સહાધ્યાયીઓમાં આવેલું થોડું પરિવર્તન પણ જેન્સી માટે અત્યંત આનંદદાયક અને સુખદ હતું. પરિણામે જેન્સીને એટલું સમજાઈ ગયું કે પરિવારજનો, ગામના લોકો કે સામાજિક દબાણ સામે શિક્ષણ દ્વારા જ અવાજ ઉઠાવી શકશે. તેથી તે મન દઈને અભ્યાસ કરવા લાગી અને સખત મહેનત કરવા લાગી, પરંતુ અંગ્રેજી ભાષામાં એને ખૂબ તકલીફ પડતી હતી. જેન્સી જે સરકારી હાઈસ્કલૂમાં અભ્યાસ કરતી હતી, ત્યાં અંગ્રેજી વિષયના શિક્ષકોની નિમણૂક થતી, પરંતુ તે શિક્ષકો ત્યાં લાંબો સમય ટકતા નહીં. તેથી અન્ય બાળકોની જેમ જેન્સી પણ અંગ્રેજીનો અભ્યાસ જાતે કરવા લાગી. હવે તો તે એટલું સમજી ચૂકી હતી કે અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે અને તે એને ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવશે. વળી બારમા ધોરણનું પરિણામ આવ્યું, તેમાં એને સૌથી ઓછા માર્ક અંગ્રેજી ભાષામાં આવ્યા હતા તેથી હવે તે શીખવા માટે દ્રઢ નિશ્ચયી બની.
હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો થતાં જ જેન્સીએ ચેન્નાઈની ડૉ. આંબેડકર ગવર્નમેન્ટ આર્ટ્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને અંગ્રેજી ભાષા-સાહિત્યના વિષયની પસંદગી કરી. પુખ્ત ઉંમરની જેન્સી હવે પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હતી. તે એક પુરુષના શરીરમાં સ્ત્રી તરીકે જીવતાં, એવો દેખાવ કરતાં કરતાં થાકી ગઈ હતી. તે પોતાની મૂળ ઓળખ મેળવવા વ્યાકુળ હતી, પરંતુ તેને ખાતરી હતી કે પરિવારજનો એને સાથ નહીં આપે અને પૈસા વગર કંઈ થઈ શકશે નહીં, તેથી પહેલાં કારકિર્દી બનાવવી પડશે. આવી પરિસ્થિતિ વચ્ચે પ્રોફેસરોનો સહકાર, કૉલેજનું સ્વતંત્ર વાતાવરણ અને તેની મહેનતને કારણે તેણે ઇતિહાસ રચ્યો. તમિલનાડુમાં પ્રથમ વાર કોઈ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવીને સ્નાતક બન્યો અને એ રીતે એમ.એ.માં પણ જેન્સીએ ગોલ્ડ મેડલ મેળવ્યો. આગળ એમ.ફિલ.માં અભ્યાસ કરતી વખતે તેણે પોતાની મૂળ ઓળખ સાથે જીવન જીવવાનું નક્કી કર્યું. બાળકોને ટયૂશન આપ્યું, એંકરિંગ કર્યું, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું - આ બધામાંથી સર્જરી કરાવી શકે તેટલા પૈસા મેળવ્યા અને સર્જરી કરાવી તે છોકરી બની.
સર્જરી કરાવ્યા પછી તેણે તેની માતા અને બહેનને જણાવ્યું કે તે હવે તેનો દીકરો અને ભાઈ નથી, પરંતુ દીકરી અને બહેન છે. તેના પરિવારને આંચકો લાગ્યો, પરંતુ તેઓ તેના ભવિષ્ય વિશે ચિંતિત નહોતા.અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં પીએચ.ડી. કરીને પ્રતિષ્ઠિત લોયેલા કાલેજમાં વ્યાખ્યાતા તરીકે પોતાની કાબેલિયતથી પસંદગી પામી. તમિલનાડુમાં આ પદ પર પહોંચનારી એ પહેલી મહિલા છે. મુખ્યમંત્રીએ ખૂબ પ્રશંસા કરી અભિનંદન આપ્યા અને મુલાકાત માટે બોલાવી. વિદ્યાર્થીઓ પણ ડા. એન. જેન્સીથી ખુશ છે. ડા. એન. જેન્સી કહે છે કે આ પદ પર પહોંચવા માટે ખૂબ સહન કરવું પડયું છે. તે સમાજને અને પરિવારજનોને વિનંતી કરીને કહેવા માગે છે કે, 'ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે જુદું વર્તન ન કરો. તેને શિક્ષિત કરો. તમે કુદરતને સ્વીકારો છો તો પછી કુદરતના જ અંશ એવા અમને કેમ નથી સ્વીકારતા?'
નિવૃત્તિની વિદ્યાર્થી સંસદ
ના સિકના સાવ નાના ગામ ગુલવંચમાં ખેડૂત પિતાને ત્યાં નિવૃત્તિ સોમનાથ આવ્હાડનો જન્મ થયો. ગુલવંચની આસપાસના બડાગાંવ અને પિપરીમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરીને પૂણેની સિંહગઢ કૉલેજ ઑફ એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો અને મિકેનિકલ એન્જિનીયર બન્યા. મિત્રની સલાહથી મહારાષ્ટ્ર લોકસેવા આયોગની તૈયારી કરી અને સેલ્સ અધિકારી બન્યા. નિવૃત્તિ સોમનાથ આવ્હાડે આઈ.એ.એસ. બનવાનું નક્કી કર્યું અને નોકરીની સાથે તેની તૈયારી શરૂ કરી, યુપીએસસીની પરીક્ષા આપી, સતત ત્રણ વાર નિષ્ફળતા મળી, પરંતુ હાર ન માનતા પોતાનો પ્રયાસ ચાલુ રાખ્યો. અંતે સફળતા મળી અને તેમાં ૭૦૬મી રેન્ક મળતા ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં નોકરી મળી, પરંતુ તેમને લાગ્યું કે આ ક્ષેત્રમાં તેમને બહુ મજા નહીં આવે. જનતા સાથે જોડાવું હોય. સ્કૂલો, હોસ્પિટલ, આંગણવાડીમાં સુધારા કરવા હોય, ખેડૂતોની સમસ્યા હલ કરવી હોય તો આઈ.એ.એસ. બનવું જોઈએ, તેથી પાંચમી વાર પરીક્ષા આપી અને ૧૬૬મા રેન્ક સાથે તે પાસ થયા અને ૨૦૨૧માં આઈ.એ.એસ. બનવાનું સ્વપ્ન સાકાર થયું.
રાજસ્થાન કેડરના આઈ.એ.એસ. બનતા તેમને સૌપ્રથમ બાડમેરમાં નોકરી મળી. તેઓ કહે છે કે બાડમેર અને જેસલમેરમાં રહેવું તે આઈ.એ.એસ. બનવા કરતાં પણ મુશ્કેલ છે. આ પ્રદેશમાં આત્મહત્યાનું પ્રમાણ ઊંચું હોવાથી તેના મૂળ કારણને જાણીને એક અભિયાન ચલાવ્યું. તેઓ લોકોને સાથે લઈને કામ કરે છે. તેઓ માને છે કે આવનારી પેઢી ભારતના જાગૃત નાગરિક બને. તેને બંધારણની ખબર હોય. તેમનાં સ્વપ્નાં મોટાં હોય અને નાની નાની વાતોથી મૂંઝાય નહીં. તેઓ રાજસ્થાનના ધોલપુર જિલ્લા પરિષદના સી.ઈ.ઓ. છે.
નિવૃત્તિ સોમનાથે જોયું કે સ્કૂલના પાઠયપુસ્તકો પર પ્રથમ પૃષ્ઠ પર ભારતના બંધારણની પ્રસ્તાવના હોય છે, જેમાં ભારતીય નાગરિકના મૌલિક અધિકારો અને કર્તવ્યનો ઉલ્લેખ હોય છે. તેમાં આપણા લોકતંત્રનો આત્મા વસે છે, પરંતુ તેને ઉચિત મહત્ત્વ આપવામાં આવતું નથી. તેમના કાર્યાલય પાસે ચૌધરી સ્કૂલ હતી અને તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી. દસ-બાર સ્કૂલોની મુલાકાત બાદ પુસ્તકનું પ્રથમ પાનું અભિયાનનો જન્મ થયો, જેને ચંદ્રજ્યોતિ અભિયાન નામ આપવામાં આવ્યું. આના દ્વારા તેઓ યુવાનોના મનમાં તેને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સવારની પ્રાર્થનાસભામાં બંધારણની પ્રસ્તાવનાનો પાઠ શરૂ કરવામાં આવ્યો. આશરે બસોથી વધુ રાજ્યશાસ્ત્રના શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષણનીતિ અનુરૂપ તાલીમ આપી, જેથી તેઓને વર્ગમાં ચર્ચા દરમિયાન બંધારણના સિદ્ધાંતોને સામેલ કરવામાં મદદ મળે. તેમના જિલ્લા પરિષદ કાર્યાલયની દીવાલો પર બંધારણસભા, બંધારણના નિર્માણમાં કોણ સભ્યો હતા, નાગરિકોના મૌલિક અધિકારો અને ફરજ શું છે, કેટલાક પ્રેરણાદાયક ઉદ્ધરણો વગેરે લખેલું છે. કેટલીક સ્કૂલોમાં બાળકો મોનીટરને ચૂંટે છે. તે ઉપરાંત પોતાની બાલસંસદ માટે મત આપે છે. તે પછી આરોગ્ય મંત્રી, શિક્ષણમંત્રી અને સ્વચ્છતા મંત્રી પણ બનાવાય છે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેઓ કામ કરે છે.
ભારતમાં કરોડો લોકોએ પોતાના અભ્યાસ દરમિયાન પુસ્તકના પ્રથમ પાના પરની આ પ્રસ્તાવના વાંચી હોય, પરંતુ તેની ઉપેક્ષા કરીને પ્રથમ પ્રકરણથી અભ્યાસ કરવાનું અને કરાવવાનું વલણ રહ્યું છે. પ્રાર્થનાસભામાં પ્રસ્તાવના વાંચનથી પાંચમા ધોરણના બાળકો હવે શિક્ષકોને પૂછે છે કે બિનસાંપ્રદાયિકતા, બંધુત્વ, ન્યાય, સમાનતા એટલે શું? બાલસંસદ દ્વારા ધ્વજવંદનનું આયોજન થાય છે. મંત્રીઓને તેની જવાબદારી સોંપાય છે. જેમકે સ્વચ્છતામંત્રીએ સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું હોય છે. લોકશાહીમાં નાગરિકોએ તેમના હક્ક અને અધિકારો વિશે જાગૃત રહેવાનું છે. સિસ્ટમ સામે માત્ર ફરિયાદ કરવાથી નહીં ચાલે. તેમણે પણ ફરજ નિભાવવી પડશે. આ વિચારબીજ તેઓ વિદ્યાર્થીઓના મનમાં વાવવા માગે છે. તે જ તેને સાચો નાગરિક બનાવશે.
નિવૃત્તિ આવ્હાડે જોયું કે જે સરકારી બિલ્ડિંગો વપરાયા વિનાના હતા કે ક્યાંક તો તેનો ઉપયોગ ઘાસચારો મૂકવા માટે કરવામાં આવ્યો હતો. આ જગ્યાઓમાં પુસ્તકાલયો શરૂ કર્યા. અઠ્ઠાવીસ પુસ્તકાલયોમાંથી આજે અઢાર પુસ્તકાલયો શરૂ થઈ ગયા છે. જે સોલર પાવરથી ચાલે છે. પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, સ્માર્ટ ટી.વી., કમ્પ્યૂટર, ટેબલેટ, પાઠયપુસ્તક સિવાયનાં પુસ્તકો - આ બધી સગવડો પુસ્તકાલયમાં આપવામાં આવી છે અને તેનું શિક્ષકો, નિવૃત્ત આચાર્યો, પંચાયતના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા સંચાલન થાય છે. અહીં બંધારણ ક્લબ અંતર્ગત પ્રસ્તાવના અંગે ચર્ચાઓ યોજાય છે. ગ્રામસભાનું આયોજન થાય છે. સોચ, સમજ, સંકલ્પ, સક્રિયતા અને સમાવિષ્ટતા અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે. જે બાળકો બોલતાં નહોતા તે આત્મવિશ્વાસથી બોલતા થયા, ચર્ચા કરતા થયા અને પ્રશ્નો પૂછતાં થયા. આજે ધોલપુર જિલ્લાની સાડા ત્રણસો સ્કૂલમાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ બાલસંસદ, ચર્ચાસભા, ગ્રામસભા, બંધારણ ક્લબના માધ્યમથી, લોકતંત્ર, શાસન અને નાગરિકની જવાબદારીના સિદ્ધાંતો સમજે છે. 'કુછ નહીં હોગા'થી શરૂ થયેલા આ અભિયાનમાં સમુદાયની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળે છે. નિવૃત્તિ સોમનાથ માને છે કે તમે લોકો સાથે પ્રેમથી વાત કરો, તેની સમસ્યાને સાંભળો અને કોઈ પણ ભેદભાવ વગર જનતાના સેવક બનીને રહો તો સફળતા મળે જ છે. તેમની ઇચ્છા તો જિલ્લા કક્ષાની હરીફાઈ દ્વારા પચાસ વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેમને નવી દિલ્હીની સંસદ બતાવવાની છે.


