- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- આત્મજ્ઞાનની પ્રાપ્તિનું ઉપનિષદ
- કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં કહ્યું છે, 'ન પ્રભા તરલં જ્યોતીરુદેતિ વસુધાલાત્' અર્થાત્ 'તેજથી દૈદીપ્યમાન વીજળી પૃથ્વીતળ પરથી ઉત્પન્ન થતી નથી.'
કે વું અનુપમ હતું એ વિ.સં. ૧૯૫૨નું વર્ષ. એના આસો સુદ એકમના દિવસે શ્રીમદ્ રાજચંદ્રજીએ 'મૂળ મારગ સાંભળો જિનનો રે'ની રચના કરે છે. એ પછી આસો સુદ બીજના દિવસે મરાઠી ભાષામાં લખેલા ગુજરાતીમાં દાસબોધનું વાંચન કરે છે અને એમાં રજૂ થયેલા વેદાંત તત્વદર્શનનું આલેખન જુએ છે. એ અંગે તેઓ નોંધે છે કે આત્માર્થ વિશેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં એથી ક્રમે કરીને સુલભતા થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રોના અંતે લિખિતાંગરૂપે જુદા જુદા શબ્દો મળે છે. ક્યાંક માત્ર ઁ, ક્યાંક સહજાત્મ સ્વરૂપે પ્રણામ, ક્યાંક લિખિતંગ રાયચંદના પ્રણામ વાંચશો, તો અહીં માત્ર ૨૯મા વર્ષે લખેલા પત્રનો અંત મંગળ છે અને તે 'તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથા વિધિ પ્રાપ્ત થાય' એમ લખે છે.
એ પછી આસો સુદ ત્રીજ અને શુક્રવારે આણંદથી 'આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે દક્ષિણ આફ્રિકાના ડરબર શહેરથી આવેલા (મહાત્મા ગાંધીજીના) કાગળનો ઉત્તર લખે છે.' અને એમાં અભક્ષ્યાદિ આહારની વાત કરે છે. બેરિસ્ટર એવા ગાંધીજીને ડરબન અબ્દુલ્લા નામના વેપારીએ બોલાવ્યા હતા, આથી મુસલમાન આદિના અન્નઆહાર ગ્રહણ કરવું કે નહીં તે વિશે ગાંધીજીની મૂંઝવણનો શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તર આપે છે.
એ પછી આસો વદ એકમ અને ગુરૂવારે નડિયાદમાં 'આત્મસિદ્ધિશાસ્ત્ર'ની રચના કરે છે અને જગતને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું ઉપનિષદ મળે છે. 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ની રચનામાં આત્મપ્રતીતિ, આત્મઅનુભવ અને આત્માનંદ એ ત્રણેનો સુભગ સમન્વય થયો છે. ૧૪૨ ગાથામાં સમગ્ર ષડ્દર્શનને આવરી લીધું, એટલું જ નહીં પણ વર્તમાન સ્થિતિ અને પ્રવર્તમાન આશંકાઓ એ બંને વિશે સહજમાં વાત કરી.
જે દિવસે નડિયાદમાં 'આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના થઈ, એ જ નડિયાદમાં નવેક દિવસ બાદ શ્રી લઘુરાજ સ્વામીને લખેલા પત્રમાં જાણે એનો મર્મ સંક્ષેપમાં આલેખે છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે, 'અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.' આથી જ છ પદના પત્રમાં આત્મા અને મોક્ષ વિશે લખ્યું છે તે સહજોદગારરૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કાવ્યસ્વરૂપે સૂચવે છે.
માનવી અનંત દુ:ખ પામ્યો એનું કારણ એ છે કે એણે એનો આત્મા જાણ્યો નહીં. એક આત્મા જાણે તો સર્વ જણાઈ જાય છે, (જે એગં જાણઈ, તે સવ્વં જાણઈ) પરંતુ માનવી આત્માન નહીં, તેની તૃષ્ણાને જાણે છે, એની લાલસાને જાણે છે. તૃષ્ણા અને લાલસાની જુગલબંધીને ભગવાન મહાવીર ઇંડામાંથી બગલી અને બગલીમાંથી ઇંડુ, જાણે મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ જન્મે છે એવું કહે છે. આ 'આત્મસિદ્ધિશાસ્ત્ર' કોઈ તર્કની ખોજ નથી, કોઈ ગ્રંથને સહારે કરેલી પ્રાપ્તિ નથી, પરંતુ આત્મજ્ઞાનની મૂર્તિસમા શ્રીમદ્ રાજચંદ્રજીના આત્માનુભાવને પ્રગટાવતી આત્મસિદ્ધિનું હૃદય છે. જગત આખું બે નેત્રોથી જુએ, પણ કોઈ વિરલ વિભૂતિ ત્રીજા નેત્રથી નિહાળતી હોય છે અને તેનો અનુભવ 'આત્મસિદ્ધિશાસ્ત્ર'માં થાય છે. અહીં કવિતા અને અધ્યાત્મ બંને એના ઉચ્ચ પલાંઠી વાળીને બેઠા છે. અને તેથી અંતરની ઊર્મિ આત્મજ્ઞાનના શિખર પર ચમકતા સૂર્યની પેઠે ઝળહળે છે.
જો કે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચાયું એમ કહેવું એ બરાબર નથી. સંત તુકારામનું વાક્ય, 'સંકલ્પાસી ધોકા, સહજ તે ઉત્તમ' સંકલ્પમાં દગો છે, જે સહજ છે તે ઉત્તમ છે. આ સહજ પ્રગટેલું શાસ્ત્ર છે. પોતાની પાસે સત્વ અને સત્યની ગુલાબી સુવાસ હોય, ત્યારે ગુલાબનું અત્તર લગાડવું શા માટે?
કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં કહ્યું છે, 'ન પ્રભા તરલં જ્યોતીરુદેતિ વસુધાલાત્' અર્થાત્ 'તેજથી દૈદીપ્યમાન વીજળી પૃથ્વીતળ પરથી ઉત્પન્ન થતી નથી.'
સત્ય એ જ સનાતન ધર્મ છે. જે સતતત્વનું દર્શન કરે એવા શ્રીમદ્ રાજચંદ્ર જ કહી શકે, 'તું ગમે તે ધર્મમાં માનતો હોય, તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ કે, જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.'
કોઈ ભગીરથને કાજે કૈલાસ પર રહેલા શિવની જટામાંથી ગંગાનું અવતરણ થયું, એ જ રીતે પરમ સખા શ્રી શ્રી સોભાગભાઈને કાજે શ્રીમદ્ રાજચંદ્રએ અવનિ પર આત્મસિદ્ધિશાસ્ત્રનું અમૃત રેલાવ્યું. એમાં કરુણા, કલ્યાણ અને કવિતાનો મહાસંગમ જોવા મળે છે. આત્મસિદ્ધિશાસ્ત્રની કરૂણા છે સમગ્ર માનવજાત પ્રત્યેની, એમાં કલ્યાણ છે સર્વધર્મ સમભાવ નહીં, પણ સર્વજીવ સમભાવનું અને એમાં કવિતા છે જે એવી તો હોઠ પર રમે કે હૃદયમાં એનું ગુંજારવ પળવાર પણ થોભે નહીં.
આપણે જોઈએ છીએ કે શાસ્ત્ર સંવાદના સાધનથી ઘણી વાર પ્રગટ થાય છે. અષ્ટાવક્ર બોલે તે જનકવિદેહી સાંભળે, તેમાંથી 'અષ્ટાવક્રગીતા' નું સર્જાય છે. કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યની વાણી વહે અને પરમાર્હત કુમારપાળ શ્રવણ કરે અને એમાંથી 'યોગશાસ્ત્ર'ની રચાય. મહાવીરસ્વામી દેશના આપે ને ગૌતમસ્વામી પૃચ્છા કરે, તેમાંથી ભગવતી સૂત્ર અને અન્ય આગમોમાં પ્રશ્નો અને ઉત્તર મળે. જ્યારે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચનામાં પરમ સખા સોભાગભાઈની અપ્રત્યક્ષ ઉપસ્થિતિ છે. તો બીજી બાજુ શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્તમાં લઘુરાજ સ્વામીની એ વિનંતી પણ હતી કે એમણે શ્રીમદ્ રાજચંદ્રજીને પત્ર લખીને વારંવાર વિનંતી કરી હતી કે 'સમક્તિ વિના દેહ છૂટી જશે તો મારું બધું એળે જશે.' અને એમનું હૈયું રડતું હતું. કારણ કે દિક્ષા ગ્રહણ કરી એના આચારોનું પાલન કર્યું, છતાં સમ્યક્ દર્શન (આત્મજ્ઞાન) થયું નહોતું.
સમાન ઘટના ક્યારેક વિચારમાં ડુબાડી દે છે. મુનિશ્રી લલ્લુજીએ સાંભળ્યું કે સૂરતના ઝવેરી લલ્લુભાઈ દસ-બાર મહિના બીમાર રહ્યા અને ત્યારબાદ એમનો દેહ છૂટી ગયો. મુનિ શ્રી લલ્લુજી સ્વયં દસ-બાર મહિનાથી બિમાર હતા. સમાન નામ ધરાવતા ઝવેરીની ઘટનાએ મુનિને ચિંતાતુર કરી મૂક્યા.
એમને ચિંતા થઈ કે આ દેહ છૂટી દશે તો શું ? સાધકને મૃત્યુનો ભય ન હોય, કિંતુ મૃત્યુ પૂર્વે જીવનમાં ઊર્ધ્વ સ્થિતિ પામવાની ફિકર હોય. આથી મુનિ શ્રી લલ્લુજીએ શ્રીમદ્ને પત્ર લખીને સમક્તિ આપવાની વિનંંતિ કરી. એના ઉત્તરરૂપે અનંત કૃપા કરી શ્રીમદે મુનિરાજને છ પદનો પત્ર લખ્યો. વળી એમ પણ જણાવ્યું કે દેહ છૂટવાનો ભય રાખવો યોગ્ય નથી.
શ્રીમદ્ સૂરત પધાર્યા ત્યારે આ છ પદના પત્રનું એમણે વિશેષ વિવેચન કરીને મુનિરાજને એનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો. આ પત્રનો મર્મ એવો હતો કે જીવનની યોગ્યતા હોય તો તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. શ્રીમદ્ મુનિરાજને આ છ પદનો પત્ર મુખપાઠ કરીને એનું ચિંતન-મનન કરવાની ભલામણ કરે છે.
શ્રીમદ્ના અધ્યાત્મજીવનના હૃદય સમી તત્વની ગંભીર વિચારણા આ છ પદના પત્રમાં મળે છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મના કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ પદોને મહાપ્રવચન ગણાવી તેના ઉપર નિરંતર ચિંતન, મનન અને પર્યેષણા કરવાની તેઓ ભલામણ કરતા હતા.
સમ્યક્દર્શનને રહેવાનું સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન એટલે આ છ પદનો પત્ર. આ પત્રમાં સૂત્રાત્મક શૈલીમાં આત્મા-તત્વની યથાર્થ ઓળખ આપવામાં આવી છે. છ પદને વિચારવાથી જીવ કઈ રીતે સમ્યક્દર્શન પામી શકે તેની સ્પષ્ટ અને ક્રમિક સમજ આમાંથી સાંપડે છે. સદ્ગુરૂ, સદ્ગુરૂની ભક્તિનું માહાત્મ્ય અને તેના દ્વારા થતી પ્રાપ્તિ દર્શાવીને આ પત્ર તેમણે પૂર્ણ કર્યો છે, આથી આ પત્ર અંગેનો પ્રતિભાવ આપતાં મુનિશ્રી લલ્લુજી કહે છે કે, 'જીવને યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે.'
અને તે સંદર્ભે શ્રીમદ્ રાજચંદ્રજીએ ષટ્પદનો પત્ર નં. ૪૯૩ લખ્યો, જેની કોપી સોભાગભાઈને મળી અને તેને પરિણામે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચનાની એક વિરલ ઘટના બની, જે વિશે હવે પછી જોઈશું.


