Get The App

સિદ્ધિની અતિશયોક્તિ .

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
સિદ્ધિની અતિશયોક્તિ                                   . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

આ પણે વિચિત્ર છીએ; એક છાપરાં નીચે સાથે શ્વાસ લે છે તેની સાથે એકાદ શબ્દની આપ-લે નથી કરતા અને હજારો માઈલ દૂર છે-ઓળખતા પણ નથી તેને 'મિસ-યુ' કહીએ છીએ, સેંકડો વખત. કદાચ, બાહ્ય જગતથી ડરેલાં અને પલાયન કરેલાં વર્ચ્યુઅલ બનતા હશે. ફેસ ટુ ફેસ સંવાદ માટેની ઈચ્છા અને નિષ્ઠા નથી તેવા લોકો સ્ક્રીન પાછળ સંતાતા હશે. મનોવિજ્ઞાન હવે શંકા કરે છે કે ફેસબુકથી ડિપ્રેેશન આવે છે કે ડીપ્રેસ્ડ લોકો ફેસબુક પર આવે છે? આજની માનવ સભ્યતા ટેક્નો-સ્ટ્રેસ્ડ  છે, તેને મહિનામાં એક દિવસના ટેક-બ્રેકની જરૂર છે. જેમ વર્ષાઋતુના દરેક વરસાદમાં નાહવાની જરૂર નથી તેવી જ રીતે બધા ઓનલાઈન મિત્રોના દરેક સુખ દુ:ખ જાણવાની-વાંચવાની જરૂર નથી. જે ઓફલાઈન સંબંધો-મિત્રો આપણી સાથે-પાસે રહે છે તે તેમનો ગુનો નથી. ખરી વાત તો એ છે કે જીવન અને જગતને માત્ર શબ્દોથી સમજ્યા કરવાની જ જરૂર નથી. આપણને ભ્રમ છે કે મને વિઝીટ કરે છે-મને જાણે છે તે મને પ્રેમ કરે છે.

મનોવિજ્ઞાન આ અવસ્થાને આઈ-ડિસઓર્ડર ગણે છે. આત્મરતિ કે આત્મમુગ્ધતામાં  વ્યક્તિ સ્વયંને બ્રહ્માંડનું મધ્યબિંદુ સમજવા લાગે છે. પ્રશંસા તેમની જીવન-ઔષધિ  બની જાય છે. હું અપૂર્વ, અનન્ય અને અસામાન્ય છું અને બાકીનું આખું જગત મારી બ્લ્યુ-ટીક છે તેવા ભ્રમમાં રહે છે. આવા  સેલ્ફ પ્રમોટરનો ખોરાક  તેના ફોલોવર્સની સંખ્યા છે. આખા વિશ્વમાં સિદ્ધિની અતિશયોક્તિ, ટેલેન્ટસનો ઘોંઘાટ, પ્રશસ્તિની ભૂખ, ઝળહળાટની તરસ અમાપ બની ગઈ  છે. 

ટેકનોલોજીએ વ્યક્તિ થવાની અસંખ્ય રીતો  આપી  પણ વ્યક્ત કરાય તેવા અનુભવો ન આપ્યા, અફલાતૂન મોબાઈલ આપ્યા પણ ક્યાં અને ક્યારે ન વાપરવા તેનું મેન્યુઅલ ન આપ્યું. ઓનલાઈન મૂલ્યવાન છે તે પામવા માટે ઓફ-લાઈન ક્યારે થવું તે ન શીખવ્યુ. તથાગત કહેતા 'પ્રજ્ઞાનો પ્રારંભ મારા સુખ અને દુ:ખનું કારણ હું છું તે સમજવું.' 

આ કેપિટલ 'આઈ' એક પાવક વર્તુળ છે તે :

ચીસ નથી સાદ છે,

સંઘર્ષ નથી સંવાદ છે, 

અથડામણ નથી આવકાર છે,

ખોલી નથી ખલક છે,

ટાપુ નથી સાગર છે,

એકલવાયુ વૃક્ષ નથી પણ અપરંપાર અરણ્ય છે. 

આપણી પાસે બેહદ સ્વાતંત્ર્ય છે-બેહિસાબ પસંદગીઓ છે. ચાલો સમજીએ કે  એકલવાયા વૃક્ષ કરતા અસંખ્ય વૃક્ષો વધુ બળવાન છે. વનમાં વધુ ભેજ સચવાય છે. વાવાઝોડામાં એક-મેક થકી વધુ ટકી જવાય છે, ફળદ્રુપતા અકબંધ રહે છે. સૌના મૂળ અ-તુટ સાનિધ્યમાં રહે છે અને હા, દરેકની ઓળખ અ-ખંડ રહે છે. - વૃક્ષની કોઈ બ્લુટીક નથી બનતું કે બનાવતું.