Get The App

હો સકે તો કિસી બેબસ કા સહારા બન! .

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
હો સકે તો કિસી બેબસ કા સહારા બન!                            . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- માનવીના હૃદયમાં સૌંદર્ય જગાડવા માટે કરુણા જરૂરી છે સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખુંદી વળીએ, તો પણ જો આપણી અંદરમાં કરુણા ન હોય તો એ પ્રાપ્ત થતી નથી

પા ણી બિંદુ રૂપે મળે, પાણી કુંડમાં મળે, પાણી ઝરણું, નદી, તળાવ કે સરોવ૨માં મળે, અને પાણી ઘૂઘવતા દરિયામાં દૃષ્ટિગોચર થાય. પાણી કેવું જુદાં જુદાં સ્વરૂપે અને જુદી જુદી ક્ષેત્રમર્યાદા વસતું હોય છે. 

જરા ગંભીર રીતે વિચારીએ તો ભાવનાઓનું પણ આવું જ છે. એક જ ભાવ જુદાં જુદાં રૂપે નજરે પડે. મૈત્રીની ભાવના બે વ્યક્તિ વચ્ચેના સંબંધથી વિકસીને સમગ્ર જડચેતન સૃષ્ટિના સંબંધ સુધી વિસ્તરે છે. આ મૈત્રી એટલે માનવીનો પુર્નજન્મ. બે મિત્રો વચ્ચેની મૈત્રી હોય, પતિ અને પત્ની વચ્ચેની મૈત્રી હોય કે પછી વ્યક્તિની પોતાનાં સગાં - સ્નેહીઓ સાથેની મૈત્રી હોય. એ જ વ્યક્તિને સમાન ભાવના ધરાવનારાઓ સાથે મૈત્રી હોય, અને એકસરખી વિચારધારા ધરાવનાર સાથે દોસ્તી હોય, પણ એથીય આગળ વધીને મૈત્રી વધુ વિસ્તાર સાધતી હોય છે. 

સ્વામી રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યોની સાથે નદીના કિનારા પરથી પસાર થતા હતા, ત્યારે એ એકાએક ચીસો પાડવા લાગે છે. એ આર્તસ્વરે ચીસ પાડે છે કે 'મને કોઈ મારે છે! મારી પીઠ પર કોઈ ચાબૂક ફટકારે છે!' એમની આસપાસ ઊભેલા અનુયાયીઓને આશ્ચર્ય થયું કે ગુરૂદેવની આસપાસ તો માત્ર એમના અંતેવાસીઓ ઉપસ્થિત છે અને તેઓ કંઈ પોતાના ગુરૂને મારે ખરા? આથી એક અનુયાયીએ પૂછયું, 'અરે! આપ આટલી બધી ચીસો કેમ પાડો છો? તમારી આજુબાજુ કોઈ નથી કે જે તમારી પીઠ પર ચાબૂક મારતું હોય. અમે તો સહુ તમારા અનુયાયીઓ છીએ' 

સ્વામી રામકૃષ્ણ પરમહંસે પહેરણ ઊંચુ કરીને પીઠ બતાવી, તો એના પર કોઈએ ચાબૂક પર ચાબૂક ફટકારી હોય, તેવા સોળ ઊઠી ગયા હતા. એમાંથી લોહીના ટશિયાં ફૂટયા હતા. 

આ જોઈને અનુયાયી વર્ગ વિચારમાં પડી ગયો, ત્યારે એમને જાણ થઈ કે સામા કિનારે આવેલા એક ખેતરમાં ખેતમજૂ૨ને જમીનદાર ચાબૂકથી ફટકારતો હતો. આનો અર્થ એ થયો કે આ સંતોનો ભાવ એવો વિસ્તૃત હતો કે સામા કિનારે બનતી ઘટનાનો એમના પર પ્રભાવ પડતો હતો. આવી જ રીતે સંતનો મૈત્રીભાવ એટલો વ્યાપક હોય છે કે એ સમાજ અને સૃષ્ટિનાં ઘણાં દુ:ખો પોતે સ્વીકારી લે છે. મહાયોગી આનંદઘન અને કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યના જીવનમાં પણ એવી કથાઓ મળે છે કે જેમા એમણે બીજાની વ્યાધિ કે બીજાનો તાવ પોતે સ્વીકારી લીધો હોય અને એને એમાંથી મુક્ત કર્યા હોય. વર્તમાનસમયમાં પૂજ્ય શ્રી મોટાના જીવનમાંથી પણ આવાં કેટલાક પ્રસંગો મળે છે, જેમણે બીજાનો રોગ સ્વયં સ્વીકારી લીધો હતો. 

આ મૈત્રીનો ભાવ માત્ર માણસ સુધી જ મર્યાદિત નથી. એ મૈત્રી સમગ્ર પ્રજા સુધી પણ વ્યાપી વળે છે. રશિયાના મહાન લોકનેતા લેનિને રશિયામાં મોટી ક્રાંતિ કરી. આ લોકનેતાએ પોતાની લાગણીશીલ પત્ની ક્રૂસ્પકાયા પર અદાલતમાં એક મુકદ્દમો દાખલ કર્યો હતો. વાત એવી બની હતી કે બીમાર લેનીનની સારવાર માટે એક મોંઘી દવાની જરૂ૨ હતી. લેનિને કહ્યું કે ગરીબોના નેતા એવા મને આ મોંઘી દવા પોસાય નહીં, આથી એણે એ દવા ખરીદવાનો ઇન્કાર કર્યો. આ પરિસ્થિતિથી ચિંતિત એવી લેનિનની પત્ની ક્રૂસ્પકાયાએ એમને બે-ત્રણ વાર વિનંતી કરી, પરંતુ લેનિને કહ્યું કે આ દેશમાં કેટલાય ગરીબો આ દવા લઈ શકતા નથી, તો પછી હું કઈ રીતે લઈ શકું? 

લેનિનની પત્નીએ આખરે એક ઉપાય શોધી કાઢયો અને ચા અને બિસ્કીટમાં ભેળવીને એ દવા આપવા લાગ્યા. એક વાર લેનિનને આની જાણ થઈ, ત્યારે એના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એની પત્નીને કહ્યું કે મને આવી મોંઘી દવા આપીને તમે શા માટે સામાન્ય નાગરિકોથી મને જુદો પાડયો? આ મારી સાથે કરેલી એક પ્રકારની છેતરપીંડી છે અને આને માટે લેનિને એની પત્ની પર મુકદ્દમો માંડયો અને અદાલતે ક્રૂસ્પકાયાને પતિની છેતરપીંડી કરવા માટે ત્રણ મહિનાની સજા ફટકારી, પણ સાથોસાથ એમ કહ્યું કે આમ કરીને એણે રશિયાના મૂલ્યવાન નેતાની અમૂલ્ય જિંદગી બચાવી છે, તેથી એમની એ સજા ભોગવવામાંથી મુક્તિ આપવામાં આવે છે, એટલું જ નહીં પણ રશિયા સદાય ક્રૂસ્પકાયાનું ઓશિંગણ રહેશે. આ ઘટનામાં નેતાનો પ્રજા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે અને એ રીતે એક પ્રકારની મૈત્રીની ભાવના દૃષ્ટિગોચર થાય છે. 

ભારતીય સંસ્કૃતિએ આ મૈત્રીભાવનો ઘણો મોટો વિકાસ સાધ્યો છે. એણે માત્ર માણસ સુધી જ મૈત્રીનો ભાવ મર્યાદિત રાખ્યો નથી. અબોલ પ્રાણીઓ તરફ પણ એનો મૈત્રીભાવ જોવા મળે છે. ભારતના ધર્મગ્રંથોમાં એવી અનેક કથાઓ મળે છે કે જ્યાં માનવી અને પ્રાણી વચ્ચે ગાઢ મૈત્રીભાવ હોય. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના ગાયની ઉપસ્થિતિ વિના અધૂરી લાગે છે. શિવની સાથે નંદી હોય અને વિષ્ણુ સાથે શેષનાગ હોય, સહજાનંદ સ્વામી સાથે માણકી ઘોડી હોય અને રાણાપ્રતાપ જેવા વીર પાસે ચેતક અશ્વ હોય, એ જ રીતે જૈન તીર્થંકરોનાં ચિહ્ન સાથે રૂષભ, સિંહ વગેરે હોય છે. 

આનો અર્થ જ એ છે કે ભારતીય પરંપરામાં મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ કોઈ વિરોધી પરિબળો નથી. મનુષ્યો બુદ્ધિશાળી હોવાથી પ્રાણીઓ કરતાં ચડિયાતા અને પ્રાણીઓ એનાં સેવક કે ગુલામ હોય એવી ભાવના નથી, બલકે મનુષ્યની સાથોસાથ પ્રાણીઓનું જગત રહેલું છે.

ચોથી સદીમાં થયેલા મહાન આચાર્ય ઉમાસ્વાતિજીએ 'તત્ત્વાર્થસૂત્ર' નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ એક અર્થમાં કહીએ તો જૈન ધર્મનો સંપૂર્ણ પરિચય આપનારો શાસ્ત્રગ્રંથ છે. આ મહાન ગ્રંથનું પહેલું વાક્ય છે 'પરસ્પરોપગ્રહો જીવાનામ્' એટલે કે જીવો પરસ્પરપર અવલંબિત હોય છે એનો અર્થ જ એ કે મનુષ્યનું જીવન કીડી પર અને કીડીનું જીવન મનુષ્ય પર નિર્ભર છે. આ બંને એટલે કે માનવ અને પ્રાણીનું સહઅસ્તિત્વ એટલા માટે જરૂરી છે કે બંને એકબીજા વિના ટકી શકે તેમ નથી. આજે પર્યાવરણવાદીઓ જે વાત કરે છે તે વાત વર્ષો પૂર્વે લખાયેલા આપણા પ્રાચીન ગ્રંથોમાં મળે છે. 

આ પ્રાચીનગ્રંથો માત્ર પ્રાણી સાથે જ નહીં, પણ પ્રકૃતિ સાથે મૈત્રીભાવ દાખવવાનું કહે છે. માણસ અને પ્રકૃતિ એ ભિન્ન નથી, એમ માનનારી આપણી સંસ્કૃતિએ સદાય પ્રકૃતિનાં તત્ત્વોનો આદર કર્યો છે. પ્રકૃતિનો વિનાશ કરવાને બદલે એના વિકાસની કલ્પના કરી છે. કવિ કાલિદાસ રચિત 'શાકુન્તલ' નાટકમાં સાસરે જતી શકુન્તલાને વૃક્ષો વસ્ત્રો આપે છે.

આ વર્ણન દર્શાવે છે કે પ્રકૃતિ એ આપણા મનુષ્યજીવનના અભિન્ન અંગ સમાન છે, આથી તો આગમગ્રંથો કહે છે કે પશુ અને પ્રકૃતિનો નાશ કરનાર વ્યક્તિ હકીકતમાં તો પોતાનો નાશ કરતી હોય છે. આમ આંતર પરિવર્તનનો પાયો એ મૈત્રી છે.

પહેલા હૃદયની વિશાળતા સધાય પછી મૈત્રીનો પ્રાદુર્ભાવ થાય. પહેલાં સ્વહિતના કુંડાળામાંથી માણસ બહાર નીકળે, પછી જ એ પરહિતનાં પ્રદેશમાં પગ મૂકી શકે છે. અને આંતર પરિવર્તનનું ખરું કામ ચિત્તને અંતર્મુખ કરવાનું છે અને તેનું પહેલું પગથિયું એ મૈત્રીભાવના છે. આ મૈત્રી સાથે કરૂણા જોડાયેલી છે.

એક સિક્કાની બે બાજુ જેવી મૈત્રી અને કરૂણા છે. મૈત્રી એ પ્રેમને વહેંચે છે, તો કરુણા એ વેદનાને ઓછી કરે છે. દુ:ખી જીવો તરફ કરુણાની ભાવના હોવી જરૂરી છે, કારણ કે કરુણા એ માત્ર બીજાના દુ:ખ, વેદના કે યાતનાને જોતી જ નથી, પરંતુ એને દૂર કરવાનો પ્રબળ પુરુષાર્થ કરે છે. આપણા ધર્મોએ અહિંસાનો મહિમા કર્યો છે, પરંતુ કરુણાની બાબતમાં ક્યારેક કચાશ દાખવી છે. હકીકતમાં કરુણા દ્વારા વ્યક્તિ બીજાની વેદના ઓછી કરીને પોતે પરમ આત્મસંતોષ પામી શકે છે. આથી જ એક ઉર્દૂ શાયરે કહ્યું છે :

હો સકે તો કિસી બેબસકા સહારા બન,

મૌજે તુફાન ન બન, ખામોશ કિનારા બન.'

માનવીના હૃદયમાં સૌંદર્ય જગાડવા માટે કરુણા જરૂરી છે અને આપણે જાણીએ છીએ કે સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખુંદી વળીએ, તો પણ જો આપણી અંદરમાં કરુણા ન હોય તો એ પ્રાપ્ત થતી નથી. આવી કરુણા અનેક સ્તરે રહેતી હોય છે. એ પોતાના દુ:ખી પડોશીને મદદ કરવા માટે આતુર હોય છે. 

એ કુદરતી આપત્તિમાં સપડાયેલા લોકોને ઉગારવા માટે દોડી જતી હોય છે. એ કરુણાના તાર દૂર દૂર દેશમાં આવેલા લોકોનાં દુ:ખો અને મુશ્કેલીઓ જાણીને રણઝણી ઊઠે છે. કચ્છમાં ધરતીકંપ થાય કે આફ્રિકાના દેશોમાં દુષ્કાળ આવે અને દુનિયાના સેવાભાવીઓ દોડી જાય છે તે કરુણાનાં ઉદાહરણ કહેવાય.

વ્યક્તિમાં જો કરુણા જાગ્રત થાય તો એ સામાન્ય માણસોના વાસ્તવિક દુ:ખની સમજ મેળવી શકે છે. માણસને પોતાની આસપાસના સમાજને સુખદુ:ખનો ખ્યાલ હોય છે, પરંતુ જ્યારે એ સમાજના, દેશના અને ગરીબોનાં દુ:ખો જુએ ત્યારે એને સાચી પરિસ્થિતિનું જ્ઞાન થાય છે. હૃદયમાં કરુણા હોય તો જ માનવીને આવો વિચાર આવે અને એ માનવી એવા દુ:ખી લોકોની મદદને માટે દોડી જાય અને આવી કરુણાની આગળ નિર્દયમાં નિર્દય વ્યક્તિ પણ દ્રવિત થઈ જાય છે. કરુણા કરીને વ્યક્તિ હકીકતમાં તો બીજા પર કરુણા કરતો નથી, બલકે પોતાની જાત પર ઉપકાર કરે છે. એ બીજાને મદદ કરીને સંતોષ અનુભવવાને બદલે પોતાના જીવનને કંઈક અંશે બીજાને મદદરૂપ બનાવીને સાર્થક કર્યાનો સંતોષ પામી શકે છે. જે વ્યક્તિ જીવનમાં કરુણા કરતી નથી, એનો જન્મ એળે ગયો એમ કહી શકાય.

મનઝરૂખો 

દરિયાકિનારે આવેલી ઊંચી ટેકરી પર ઝૂંપડીમાં રહેતો વૃદ્ધ હાગામુચી પ્રતિદિન નજર સામે હિલોળા લેતો સાગર આંખ ભરીને જોયા કરતો હતો.  બાળપણમાં દાદા-દાદી પાસેથી દરિયાલાલની કેટલીય કથાઓ સાંભળી હતી અને ત્યારથી દરિયો હાગામુચીના મનમાં વસી ગયો હતો.  

એક વાર વહેલી સવારે ટેકરી પરથી હાગામુચીએ દરિયા તરફ જોયું તો કોઈ મોટું દરિયાઈ તોફાન ધસમસતું આવતું હતું. બાળપણમાં દાદાએ કહેલી વાતનું સ્મરણ થયું. દરિયાનાં અતિ ઊંચે ઊછળતાં અને વેગથી ધસમસતાં આ વિનાશક મોજાંઓ તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો પર ફરી વળશે તો ? હવે કરવું શું?  હાગામુચીએ ટેકરી પરની પોતાની ઝૂંપડી પર આગ ચાંપી અને એ આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડવા લાગ્યા. તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડા જોઈને ટેકરી પર દોડી આવ્યા. બધા ખેડૂતો આગ ઓલવવા એકબીજાની મદદ કરવા માટે ટેકરી પર આવ્યા. આવીને એમણે આગથી ભડભડ સળગતી ઝૂંપડી જોઈ અને બાજુમાં નિરાંતે ઊભેલા હાગામુચીને જોયા.  હાગામુચીની નજર તો દરિયામાં ઊછળતાં અતિ પ્રચંડ મોજાંઓ પર હતી. બધાંને આશ્ચર્ય થયું કે પોતાની ઝૂંપડી ભડકે બળે છે અને હાગામુચી તો હાથ જોડીને ઊભા છે! હજી કશું પૂછવા માટે કોઈ એની પાસે પહોંચે, એ પહેલાં તો પ્રચંડ દરિયાઈ મોજાંઓ નીચેનાં ખેતરો પર ફરી વળ્યાં. હાગામુચીએ પોતાની ઝૂંપડી બાળીને દરિયાઈ પ્રલયમાંથી અનેકના જીવ બચાવી લીધા.