- હિતા મહેતા
- 'હા, વકીલ સાહેબ હજુ વધુ પૈસા જોઈએ તો લઈ લો પણ દલીલ એવી કરજો કે તે છૂટે નહીં ક્યારેય... હદ કરી હવે.... નોકર તો માલિકને બચાવવા વચ્ચે પડયો...
'કો ન્ગ્રેચ્યુલેશન્સ મજમુદાર સાહેબ આખરે તમે કરી દેખાડયું.' 'હવે બધા વકીલો તમારી પાસેથી પડતર પ્રશ્નોના ઉકેલની અપેક્ષા રાખે છે.'
આઈસ્ક્રીમની ચમચી મોંમાં મુકતા વકીલ હાથી બોલ્યા
'અરે એમાં સરને કંઈ કહેવાનું હોય? ગંૂચને ઉકેલવાની તો સાહેબને સારી હથરોટી છે.' એડવોકેટ જોબનપુત્રાએ આંખ મિચકારતા કહ્યું.
'ડોન્ટ વરી. બધું થઈ જશે, સ્ટેપ બાય સ્ટેપ.' સંજય મજબુદાર બધાને હૈયા ધારણા આપતા હતા
લોયર્સ બિલ્ડીંગના ટોપ ફ્લોરના હોલમાં પાર્ટી જામી હતી. પાર્ટી એટલે આઈસ્ક્રીમ પાર્ટી અને પાર્ટી હતી સિનિયર એડવોકેટ સંજય મજમુદાર તરફથી કારણકે બાર એસોસિએશનમાં તેઓ બહુમતીથી ચૂંટાયા હતા.
અગ્યાર વાગે બધી ઓફિસ ધમધમવા માંડે તે પહેલા કાળા કોટ વાળા અનેક સિનિયર્સ અને જુનિયર્સ વકીલોનો મેળાવડો જામ્યો હતો. હરીફ પેનલને ધોબી પછાડ હાર આપી સિનિયર એડવોકેટ સંજય મજમુદાર આ ચૂંટણી જીતી ગયા હતા એ બહુ મોટી વાત હતી.
એડવોકેટ સંજય મજમુદારે છેલ્લા પાંચ વર્ષથી જે પેનલ જીતતી હતી તેને ટક્કર આપી હતી.
સામાન્ય રીતે કોઈપણ પાર્ટી આવી રીતે જ થ્રો થતી. અગિયાર પહેલા બધા હોલમાં ભેગા થઈ આઇસ્ક્રીમ ખાઈ પોત પોતાના કામે ચડી જતા.
બિલ્ડીંગમાં નાની મોટી એકસો પચાસ જેટલી ઓફિસો હતી જ્યાંથી નાના મોટા વકીલો કાયદાની ગૂંચો ઉકેલતા અને અનેક કોયડાઓ સોલ્વ કરવા માટે સજ્જ થતા. આ ટોળામાં હરીફો પણ હતા અને મિત્રો પણ હતા.
દરેક અભિનંદન આપી ધીમે ધીમે વિખરાતા ગયા. સંજય મજમુદારે ઘડિયાળ તરફ જોયું.
'હજુ પંદર મિનિટની વાર છે, યાર ચાલો થોડીવાર ગપસપ કરીએ.. એક કપ ઓર લગાવીએ.' બીજા આઈસ્ક્રીમનો ઓર્ડર આપીએ તેણે તેના મિત્ર એડવોકેટ ભાનુદીપ વર્મા અને સૂર્યકુમારને કહ્યું.
ત્રણેય મિત્રોની મંડળી જામી. ફરી આઈસ્ક્રીમ ખવાતો રહ્યો.
'યાર તીર તો તે મોટું માર્યું પણ જોજે આગમાં પગ રાખ્યો છે.'
જીવનની અડધી સદીએ પહોંચવા આવેલ એડવોકેટ મજમુદારનો ગૌર ચહેરો, માથા પર વાળ ઓછા થવાથી ઓર પ્રભાવશાળી લાગતો હતો, આંખોમાં એક ગહનતા હતી જેમાં અનેક ગુઢ રહસ્યો છુપાયેલા હોય તેવો ભાસ થતો હતો. પ્રચંડ પુરુષાર્થ અને કાબેલિયતથી અત્યારે ક્રાઈમમાં તેની સારી હાથરોટી બેસી ગઈ હતી અને આ કાળા કોટના જંગલમાં તેમણે પોતાનું એક આગવું સ્થાન ઊભું
કર્યું હતું.
તેની દલીલની જાળમાં ફસાઈ તરફડતા અસીલને જોઈ તેને મજા આવતી. તેને ચેમ્પિયન બનવામાં રસ હતો કોઈ પણ રીતે
'યાર એ સંજય છે સંજય. છેલ્લા દસ વર્ષમાં એ એક પણ કેસ હાર્યો છે?' સંજયના ચહેરા ઉપર ગૌરવપૂર્ણ સ્મિત આવી ગયું.
'મોટી નોટ છે આપણો દોસ્ત. અમુક તો તારા પરમેનેન્ટ ક્લાયન્ટ છે નહીં?'
'યાર તને તેની ઈર્ષા આવે છે તારી સામે પણ તે કદી હાર્યો નથી એટલે?' ભાનુદિપ સૂર્યકુમારને ધબ્બો મારતા બોલ્યો અને ત્રણેય ખડખડાટ હસી પડયા.
કંઈ જવાબ આપે તે પહેલા સંજય મજમુદારના મોબાઇલની રીંગ વાગી.
'લ્યો નામ લીધું ને એક પરમેનેન્ટ ક્લાયન્ટનો ફોન...'
બધાના ચહેરા પર પ્રશ્નાર્થ હતો.
'ગ્રીષ્મા દેવી... ઇન્ડસ્ટ્રીયાલીસ્ટની પત્ની અને પાંચસો કરોડની માલકીન.' સંજયના કપાળે સળ પડી.
'ઓહ, પેલા કુલીનની માં એમ કહો ને... બડે બાપકી બિગડી ઔલાદ.' સૂર્ય કુમારના સ્વરમાં ઉપાલંભ હતો.
'હમ્મ... બે દિવસ પહેલાના છાપામાં વાંચ્યું હતું એટલે ગણતરી તો હતી જ કે ગમે ત્યારે તેનો ફોન આવશે.'
'હાસ્તો, છાશવારે ટંટા ફસાદ કરતા દીકરાને આજે ફરીથી તારે બચાવવાનો હશે ને.'
'ચાલો.' વાત ટૂંકાવી સંજયે ટીશ્યુ પેપરથી મો લૂછી રીસ્ટ વોચ પર નજર કરતા કહ્યું અગ્યાર થયા, સાડા અગ્યારે તો એ આવે છે. મારે થોડું રિસર્ચ પણ કરવું પડશે ને.'
ઓકે બેસ્ટ ઓફ લક કહીં ત્રણેય મિત્રો છૂટા પડયા.
સંજય મજમુદાર ઝડપથી બીજા ફ્લોર પરની તેની વિશાળ ઓફિસે પહોંચ્યા. પ્યૂન તથા જુનિયર એડવોકેટ્સનો સ્ટાફ આવી ગયો હતો. ઓફિસમાં તે સંપૂર્ણ શિસ્તના આગ્રહી રહેતા અને દરેક સ્ટાફ મેમ્બર તેની કડપથી ડરતા.
તેઓ ચેમ્બરમાં પ્રવેશ્યા.
તેમની ચેમ્બરની એક દીવાલ તેમને મળેલ સન્માન પત્રો અને એવોર્ડ્સથી શોભતી હતી. બીજી દીવાલે આખો પુસ્તકોથી શોભતો શોકેસ હતો. એ સી ની ઠંડકથી ચેમ્બરમાં શીતળતા હતી.
પોતાની ચેર પર બેસી ઝડપથી એક પછી એક વર્તમાન પત્રો ઉથલાવવા લાગ્યા. જોકે સવારે ઉઠી પહેલું કામ તેમનું વર્તમાન પત્રો વાંચવાનું રહેતું. એક પ્રતિષ્ઠિત એડવોકેટ તરીકે શહેર, રાજ્ય અને દેશમાં બનતી દરેક ઘટનાની ખબર હોવી જોઈએ તેમ તેઓ માનતા. અને ઓફિસે આવી ફરી એકવાર નજર કરી લેતા. સવારે જ આ સમાચાર તરફ તેમનું ધ્યાન ગયું હતું.. પણ અત્યારે બારીકાઈથી ફરી એકવાર જોવું જરૂરી હતું.
-- જાણીતા ઇન્ડસ્ટ્ર્રિયાલિસ્ટ દલાલ એન્ડ કંપનીના માલિક યશવંત દલાલના પુત્રએ નોકરના માથામાં ફ્લાવર પોટ મારતા તેને માથામાં ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તે ઉદ્યોગપતિના પુત્રની થયેલી ધરપકડ. નોકરની હાલત ગંભીર....
સંજય મજમુદાર આ સમાચારને તાકી રહ્યા. છેલ્લા આઠ વર્ષથી ગ્રીષ્મા દેવી તેમના ક્લાયન્ટ હતા. દર ચાર પાંચ મહિને દીકરા કુલીને કઇને કંઈ ગુના પાત્ર કામ કર્યું જ હોય. ક્યારેક રસ્તા પર મારામારી તો ક્યારેક બેટ ધોકા લઈ કાચ ફોડવા તો ક્યારેક ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ તો ક્યારેક નશીલા ડ્રગના સેવનનો કેસ તો ક્યારેક પ્રમાણમાં ગંભીર ગુના અને હર વખત તેની મમ્મી ગ્રીષ્મા દેવી નોટોની થપ્પી લઈને હાજર થઈ જતી સંજયની ઓફિસમાં અને દર વખતે સંજય પૈસા વેરી કેસને બુઠ્ઠો કરી નાખતા અને દર વખતે કુલીન માથાના વાળને હાથથી ઝટકો દેતો મર્સિડિજ કારમાં બેસી વટથી રવાના થઈ જતો.
જરૂરથી અનેક ગણા રૂપિયાની થપ્પી આગળ સંજય આંખ આડા કાન કરતા. એવું નહોતું પણ યશવંત તેમનો મિત્ર હતો અને તેની આવી હાલતમાં પોતાનાથી થાય એટલી મદદરૂપ થવાની તેમની ફરજ પણ હતી વળી ગ્રીષ્મા દેવી તેને આ માટે સંતોષકારક રૂપિયા પણ આપતા હતા. આમ પણ તેનું પ્રોફેશન પણ એ જ હતું ને... પોતાના ક્લાયન્ટને નિર્દોષ સાબિત કરવા.
પણ સંજયને સમજાતું નહીં કે માતૃત્વની આંખ ઉપર આવો પાટો હોઈ શકે? દીકરાના કરતુત ઉપર કેટલી વાર ઢાકપીછોડો કરશે? કેટલી વાર નોટોની થપ્પી લઈને મારી ઓફિસના પગથિયાં ચડશે?
આજથી પંદર વર્ષ પહેલા ગ્રીષ્મા દેવીના પતિ યશવંત દલાલને પેરેલિસિસનો એટેક આવ્યો હતો. ત્યારથી તેઓ વ્હીલ ચેર ઉપર હતા અને ત્યારે તો માંડ દીકરો દસેક વર્ષનો હતો. લોખંડી સ્ત્રી ગ્રીષ્મા દેવીએ આખું દલાલ અમ્પાયર સંભાળ્યું તથા દીકરાને પણ ઉછેર્યો પણ પાંચ વર્ષે ખોટનો એકનો એક દીકરો હાથથી ગયો હતો.
આંધળી પુત્ર ભક્તિ તેને ઊંડીને ઊંડી ગર્તામાં ધકેલે છે એ તેને કેમ નહીં સમજાતું હોય?
ગ્રીષ્મા દેવીનો સંઘર્ષ તેમણે નજીકથી જોયો હતો અને તેનું ધૂંધળું ભવિષ્ય પણ તેમને નજરે દેખાતું હતું. દુ:ખ પણ થતું હતું ગ્રીષ્મા દેવી માટે અને ચિંતા પણ હતી કે આટલી મહેનતથી ઊભું કરેલ આ અમ્પાયર આ હાથથી ગયેલ છોકરો કેમ સંભાળશે..તેના જાકુબીના ધંધા વધતાં જતાં હતા.
એક ઊંડો શ્વાસ લીધો સંજયે.
અત્યંત પ્રભાવશાળી અને અતિ સુંદર ગ્રીષ્મા દેવીએ પોતાની જાત નીચોવી પતિના બિઝનેસ અમ્પાયરને અકબંધ રાખ્યો હતો ત્રણસોનો સ્ટાફ ધરાવતી ફેક્ટરીમાં તેની નજર બહાર કઈ ન રહેતું એટલી કુશળતાથી તેણે ધંધો સંભાળ્યો હતો પણ સંજયને સમજાતું નહોતું કે આ વાત તેની નજર બહાર કેમ રહે છે કે પછી નજર અંદાજ થાય છે.
કદાચ પરિવાર અને બિઝનેસ વચ્ચે સંતુલનમાં ગોથું ખાઈ ગયા આટલા હોશિયાર હોવા છતાં ગ્રીષ્મા દેવી. વ્હીલ ચેર પર પરવશ જીવન જીવતા યશવંતરાય ખપ પૂરતું તૂટક તૂટક બોલી કામ ચલાવી શકતા. અને ઘણી વાર ગ્રીષ્મા દેવી પતિનું ધંધાકીય માર્ગદર્શન પણ લેતા. ગ્રીષ્મા દેવી પતિનું પૂરતું માન જળવાય એ રીતે તેમની સંભાળ પણ લેતા અલબત્ત સ્ટાફ દ્વારા. પણ દીકરો.....
કદાચ ચમચાઓથી ઘેરાયેલ દીકરો ખરાબ સંગતનો ભોગ બન્યો હતો.
ત્યાર પ્યુને જાણ કરી કે મેડમ મળવા આવ્યા છે.
'આવવા દે અંદર.'
તેઓ કાચની ચેમ્બરમાંથી દૂરથી ચાલ્યા આવતા ગ્રીષ્માદેવીને જોઈ રહ્યા. કોઈ કહે પચ્ચીસ વર્ષના દીકરાની માં છે? મોટી બહેન જેવા લાગે-- તેવો ગણગણ્યા
પાંચ ફૂટ પાંચ ઇંચ હાઈટ, સુડોળ નમણો ચહેરો, ગૌરવર્ણ, ગળામાં ઝૂલતું મોટું હીરાનું પેન્ડન્ટ અને સફેદ જાયવાળું પોનીટેલ, કાંડે બ્રાન્ડેડ ઘડિયાળ અને હાથમાં
ક્યુટ પર્સ.
'યસ ભાભી વેલકમ.'
સહેજ સ્મિત સાથે ઉભા થઈ સંજયે હાથ જોડયા.
ગ્રીષ્મા દેવીએ પણ હાથ જોડયા અને સામેની ચેર પર બેઠા.
એસીમાં પણ તેમના કપાળે પરસેવાના બુંદ બાજી ગયા હતા.
સંજયે રીમોટ લઈ કુલીંગ ફાસ્ટ કર્યું. પ્યૂન પાણીની નાની-નાની બોટલો મૂકી ગયો.
'કેમ છો સંજયભાઈ? અભિનંદન, બાર એસોસિએશનના પ્રમુખ થવા બદલ.'
'થેન્ક્યુ ભાભી, ચાલ્યા કરે આવું બધુ. પ્રગતિ તો જીવનનો ક્રમ છે.'
'હમમ, પણ ધ્યાન રાખજો, આ પ્રગતિ ખાંડાની ધાર જેવી છે. ધાર વાગે પણ નહીં પણ ચાલવાનું
પણ ખરું.'
'સાચી વાત.'
'મેં પેપરમાં વાચ્યું.' મૂળ વાત પર આવતા સંજય બોલ્યા 'આ દર વખતે સાક્ષીને ફોડવા અને પૈસા ખવડાવવા એ અઘરું થતું જાય છે ભાભી. એમાં પણ આ વખતે જે જજ છે તેની પાસે આ ત્રીજી વાર કેસ આવે છે. તેઓ પણ સમજી જાય છે કે પુરાવા સાથે ચેડા થયા છે એટલે એ વધુ કડક બને છે. અને ભાભી, યશવંતના દોસ્ત તરીકે સલાહ આપું છુ કે ક્યાં સુધી? ક્યાં સુધી દીકરાને છાવરતા રહેશો?'
ગ્રીષ્મા દેવીના કપાળે પહેલી વાર સળ પડી.
તેઓ થોડી વાર શૂન્ય થયા હોય તેમ દૂર સુધી તાકી રહ્યા અને એક ઊંડો નિસાસો નાખ્યો જે સંજયને પણ હૃદયપુર સુધી સ્પર્શી ગયો.
'બિચારી એક લાચાર માં કરી પણ શું શકે?' તેઓ મનોમન બબડયા.
ચૂપચાપ તેણે પર્સમાંથી પાંચસો પાંચસોની થપ્પી કાઢી. આ વખતે થપ્પીની ઊંચાઈ વધારે હતી.
થપ્પી ટેબલ પર મુક્તા તેમના હાથ સ્હેજ ધ્રૂજ્યા.
'આ છેલ્લી વાર ભાઈ.'
જોકે દર વખતે આમ બોલતું તેની બંનેને ખબર હતી.
જો કે છેલ્લા થોડા વર્ષથી સંજયને આવી થપ્પી આકર્ષી શકતી નહોતી એટલી ઊંચાઈએ તે પહોંચી ગયા હતા. તેના માટે આવી થપ્પીઓ રોજનું થઈ ગયું હતું એટલી ધીકતી પ્રેક્ટિસ થઈ ગઈ હતી. વાત સંબંધની હતી.
'કઈ વાંધો નહિ ભાભી, તમે ચિંતા ન કરો. આ તો અમસ્તું તમને કહ્યું.' પછી ડ્રોઅરમાંથી પેપર કાઢી કંઈક નોંધ ટપકાવવા તેમણે પેન હાથમાં લીધી..
'મેં પેપરમાં વાંચ્યું કે ઘરનોકરને ફ્લાવર પોટ માથામાં માર્યું અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. કોઈ સાક્ષી?' માથું નીચું કરી કઈ ટપકાવતા ટપકાવતા સંજયે પૃચ્છા કરી.
'હું પોતે.'
સંજય હસી પડયા. 'તો તો કોઈ ચિંતા નથી. નોકરને તો ફરિયાદ ન કરવા સમજાવી લઈએ' બોલતા તેમના અવાજમાં ઉચાટ ભળ્યો. 'અત્યારે હાલત ગંભીર છે, જો તે મરી જાય તો તકલીફ.'
ધીમેથી ગ્રીષ્મા દેવીએ પર્સ ખોલ્યું અને થપ્પીની સાઈઝ વધી.
'ના સંજયભાઈ તમે ઊંધું સમજ્યા આ વખતે તેને છોડાવવા નહીં આ રકમ તમને એટલા માટે આપું છું કે આ વખતે તે છૂટવો ન જોઈએ કોઈ કાળે છૂટવો ન જોઈએ. અઘરામાં અઘરી સજા કરો એને.' તેઓ હાફતા હતા.
'હા, વકીલ સાહેબ હજુ વધુ પૈસા જોઈએ તો લઈ લો પણ દલીલ એવી કરજો કે તે છૂટે નહીં ક્યારેય... હદ કરી હવે.... નોકર તો માલિકને બચાવવા વચ્ચે પડયો... તે ફ્લાવર પોટ તેણે નોકરને નહીં પોતાના બાપ પર ઉગામ્યું હતું. એના બાપ ઉપર હાથ ઉગામ્યો? સગા બાપ પર... જેની હું સાક્ષી છુ. લખો ભાઈ સાક્ષીમાં મારું નામ, કોઈ લાલચ કે ધમકીથી ફરી ન જાય તેવા સાક્ષી.. બસ હવે બહુ બધું ધ્વસ્ત થઈ ગયું સંજયભાઈ હવે તે છૂટવો ન જોઈએ. હવે તેને સજા થવી જ જોઈએ.'


