Get The App

મેનેજમેન્ટમાં વિસ્તરણ, સંકોચનનો સિલસિલો

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
મેનેજમેન્ટમાં વિસ્તરણ, સંકોચનનો સિલસિલો 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- દરેક ક્ષેત્રમાં વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા ચાલતી રહે છે. કલા-સાહિત્યના ક્ષેત્રમાં વિસ્તરણ વરદાન સમાન છે

- બ્રહ્માંડનું સતત વિસ્તરણ થાય છે. એ જ મેથડ મેનેજમેન્ટમાં લાગુ પડે છે. સંકોચન અને વિસ્તરણ મેનેજમેન્ટ અને અર્થકારણનો અભિન્ન હિસ્સો છે

મા નવસમાજની દરેક ક્ષેત્રમાં ખૂબી અને ખામી જોવા મળે છે. માનવસમાજની જો કોઈ સૌથી અગત્યની ખામી અને ખૂબી હોય તો તે વિસ્તરણ (એકસ્પાન્સન)ની છે. દરેક કંપનીની મેનેજમેન્ટ જો તે વિકાસલક્ષી હોય તો તેનું એક મુખ્ય લક્ષણ પોતાની કોઈ પ્રોડક્ટ કે પ્રોડક્ટસના બજારનું વિસ્તરણ કરવાનું છે. તે માટે કંપની જાહેરાતોનો મારો ચલાવે છે તેમજ ગીફ્ટ કુપન્સ, ઈન્સ્ટન્ટ ડીસ્કાઉન્ડ, ક્રીસમસ કે દીવાલી સેલ્સ કે સરળ હપ્તા પદ્ધતિની તેમજ લાંબી વોરન્ટી કે ગેરન્ટીની ઓફર કરે છે. કેટલીક ઓફર તો એવી લલચામણી હોય છે કે દુકાન ખુલે તે પહેલાં જ ગ્રાહકોની લાઈન લાગે છે. બજાર વિસ્તરણની ઘેલછા ઘણી કંપનીઓને બરબાદ પણ કરી શકે છે પરંતુ એ ભૂલશો નહીં કે માનવસમાજનું અતિ ઉપયોગી અને અતિનુકશાનકારક પાસુ વિસ્તરણની ઘેલછા છે. જગતની લગભગ તમામ શરૂઆતની સફળ કંપનીઓ લોકલ (સ્થાનિક)માંથી રીજીઓનલ, રીજીઓનલમાંથી નેશનલ અને નેશનલમાંથી મલ્ટીનેશનલ અને મલ્ટીનેશનલમાંથી ગ્લોબલ બની જાય છે. અમેરીકાની જીલેટ કંપની, કોકોકોલા કંપની, ગુગલ, એક જમાનામાં જાપાનની શેઓટા અને જૂના જમાનામાં અમેરીકાની ફોર્ડ મલ્ટીનેશનલમાંથી ગ્લોબલ બની ગઈ તેની પાછળ તેનું કુશળ મેનેજમેન્ટ હતું. લોકલ માનસીકતાવાળી કંપની રીજીઓનલ કે નેશનલ બની શકતી નથી. જે કંપની એમ જાહેર કરે કે અમારી પ્રોડક્ટમાં ખામી હશે તો તેને પાછી નહીં લઈએ અથવા તેને અમારા નહીં પણ તમારા ખર્ચે રીપેર કરી આપીશું તે કંપની લોકલમાંથી રીજીઓનલ બને તેની શક્યતા ઓછી છે. પ્રોડક્ટ ખામીવાળી ના હોય તેમ છતાં કોઈ કંપની એમ કહે કે તમે લીધેલો માલ અમે પાછો નહીં લઈએ તો તે પ્રકારની માનસીકતા હવેના જમાનામાં ના ચાલે. મલ્ટીનેશનલ કંપનીઓ ગ્લોબલ બની જાય તેને માટેની વ્યૂહરચનાનું ઘડતર ઘણા ઓછા સીઈઓને આવડે છે. જાપાનની ટોઓટા કાર કેમ એક જમાનામાં જગતભરમાં ફેલાઈ ગઈ અને અમેરીકાના કારણે ભારકો પણ જાપાનીસ હરીફાઈથી ગભરાઈ ગયા જ્યારે એમ્બેસેડર કાર ભારતમાં પણ લોકપ્રિય ના થઈ શકી તેના કારણે સ્વયં સ્પષ્ટ છે.

મેનેજમેન્ટ યુનિવર્સલ એટલે કે જગવ્યાપી ગણાય છે. કુટુંબનું, રાષ્ટ્રનું, અર્થકારણનું, રાજકારણનું, ફાયનાન્સનું અને ખુદ પોતાનું સેલ્ફ મેનેજમેન્ટ જોઈએ જ. રીલીજીયસ ઈન્સ્ટીટયુટન્સનું પણ મેનેજમેન્ટ જોઈએ અને સરકાર સારા મેનેજમેન્ટ વિના હારી જાય છે કે તૂટી પડે છે. પરંતુ, મેનેજમેન્ટના પાંચ મુખ્ય કામો ખૂબ જ ચીવટ માંગી લે છે. આ કામો નીચે મુજબ છે. ૧) પ્લાનીંગ-શોર્ટ ટર્મ, મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ પ્લાનીંગ અને ડીસીસન મેકીંગ ૨) ઓર્ગેનાઇઝીંગ એટલે કે વ્યવસ્થાતંત્રની રચના કરવી. કંપની ઉત્તરોત્તર વેચાણ વધારે પરંતુ વ્યવસ્થાતંત્રમાં બદલી ના કરે, મેનેજમેન્ટનું પાવર સ્ટ્રકચર ના બદલે તો તે સ્થગિત થઈ જાય છે. ૩) ડાયરેકટીંગ ઃ આ કામ ઘણુ કઠિન છે તે માટે તમારે કામ કરનારાઓના વલણો અને કુશળતાઓનો તથા ખૂબીઓ ખામીઓનો અભ્યાસ કરવો પડે. ડાયરેડીંગમાં સૌથી અગત્યના બે કામો ઓટીવેટીંગ અને પ્રોવાઈડીંગ લીડરશીપ છે. મેનેજ રીયલ લીડરશીપ જુદા જુદા સંયોગો પ્રમાણે ડીક્ટેટરશીપવાળી એટલે કે એકાધીકારવાદી પણ હોઈ શકે, લોકશાહીના સિદ્ધાંત મુજબ ચાલતી પણ હોઈ શકે કે સ્વચ્છંદલક્ષી પણ હોઈ શકે. અલબત્ત હવે તો જમાનો પાર્ટીસીપેટીવ લીડરશીપ અને ટીમવર્કનો આવ્યો છે. મેનેજમેન્ટનું એક ચોથુ અગત્યનું ફન્કશન વર્કજૂથના કંટ્રોલનું છે. કન્ટ્રોલ એટલે દબાવી દેવું કે અંકુશ મુકવા તેવો અર્થ મેનેજમેન્ટમાં થતો નથી. મેનેજમેન્ટમાં કન્ટ્રોલ એટલે જે કામગીરી થઈ રહી છે તેનું મોનીટરીંગ કરવું, વારંવાર ફીડબેક લેવો અને અપેક્ષા મુજબ કામ ના થતું હોય - કામગીરી નબળી હોય કે કામ બહુ જ ધીમું થતું હોય કે ઉત્પાદનમાં ક્વોલીટી કન્ટ્રોલના ઠેકાણા ના હોય તો તે અંગે સુધારાત્મક પગલા લેવા. આપણી ઘણી સરકારી એજન્સીઓમાં ખૂબ નબળા કન્ટ્રોલ્સ હોય છે. છેક છેલ્લે ખબર પડે કે આપણે ધારેલું ૫૦ ટકા કામ પણ થયું નથી અથવા આપણા બજેટમાંથી ૨૦ ટકા પૈસા લાંચરૂપે ચવાઈ ગયા છે.

મેનેજમેન્ટ ઉપરાંત અર્થકારણ અને રાજકારણમાં વિસ્તરણ ચાલ્યા જ કરે છે. અમુક વિસ્તરણો લાભદાયી તો અમુક વિસ્તરણો વિનાશકારી હોય છે. પશ્ચિમ જગતના યુરોપીયન દેશો જેમ કે ઈંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ, હોલેંડ વગેરેએ આફ્રીકા અને એશીયાના દેશો પર કબજો લઈને તેમને લૂંટી લીધા. આ શાહીવાદી વિસ્તરણ માનવજાત માટે અત્યંત શોષક હતું. અત્યારે ટ્રમ્પ કેનેડાને અમેરીકામાં ભેળવી દેવા માગે છે, પનામા દેશ કે પછી પનામાની નહેર પચાવી પાડવા માગે છે અને ગ્રીનલેન્ડને પણ અમેરીકામાં ભેળવી દેવા માગે છે. ચીને તીબેટનો પ્રદેશ ખૂંચવી લીધો છે અને ભારતનો પ્રદેશ પણ ખૂંચવી લેવા સતત પ્રયત્નશીલ રહે છે. રશિયા યુક્રેનને ખૂંચવી લેવા માગે છે. પાકિસ્તાન ભારતના કાશ્મીર પર કબજો મેળવવા માંગે છે. માઓવાદીઓ જેને નક્ષલવાદીઓ કહેવાય છે તેઓ હિંસક લૂંટફાટ દ્વારા બસ્તર જીલ્લા પર અને તેની સાથે જોડાયેલી અન્ય વિસ્તારો પર કબજો જમાવવા માંગે છે. કેનેડામાં રહેતા અમુક શીખો ભારતમાંથી પંજાબને મુક્ત કરીને ખાલીસ્તાની દેશ રચવા માગે છે. ટ્રમ્પ સમગ્ર જગત પર એકચક્રી રાજ કરવા માગે છે. વિસ્તારવાદી માનસનું સૌથી ક્રૂર સ્વરૂપ શાહીવાદ (ઈમ્પીટીબોલિઝમ) હતું જે માનવસમાજ માટે કલંકરૂપ હતું તે વાત ફરીફરીને યાદ કરવા જેવી છે. જેમ રાજકારણમાં ભૌગોલિક વિસ્તરણ વિષકારી છે તેમ ધર્મમાં પણ વિસ્તરણ અને તે પણ બળજબરીથી કરેલું વિસ્તરણ વિષકારી છે. વિસ્તરણની મહત્વાકાંક્ષા કલા અને સાહિત્યના ક્ષેત્ર માટે વરદાન સમાન છે. એક ચિત્રકાર, ડાન્સર, ફીલ્મ પ્રોડયુસર, સાહિત્યકાર, મ્યુઝીશીયન, કવિ, નવલકથાકાર પોતાની કલા દ્વારા જગતભરમાં ફેલાઈ જાય અને દરેક રાષ્ટ્ર તેને પોતાનો માને તે પ્રકારનું વિસ્તરણ ઇચ્છાવા યોગ્ય છે. તે ઉપરાંત કેટલાક ભાગલાકારી કે વિઘટનકારી બનાવો જગત માટે આશીર્વાદરૂપ થઈ શકે છે. સોવિયેટ રશિયાનું ૧૯૯૧માં વિઘટન થતાં તેનાથી નવ રાષ્ટ્રો સ્વતંત્ર થઈ ગયા તે વાત આવકારદાયક હતી. પાકિસ્તાનમાં બાંગ્લાદેશ છૂટો પડીને એક સ્વતંત્ર દેશ બન્યો તે એક સારૂ પગલું હતું. જગતની ઘણી કંપનીઓમાં મર્જર્સ, એકવીઝીશન્સની વિસ્તારવાદી કામગીરી ચાલે છે તે મોટે ભાગે આવકારદાયક હોય છે. જગતમાં વિસ્તારવાદી અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ ચાલ્યા જ કરે છે. જગતના દરેક ધર્મના બે કે વધુ ભાગો પડી ગયા છે. 

ટૂંકમાં, વિશ્વમાં રાજકારણ, અર્થકારણ અને ધર્મોમાં વિસ્તારવાદી અને ભાગલાવાદી પરિબળ સતત ચાલ્યા કરે છે. જગતમાં જે રીતે વિસ્તરણ થાય છે એમ મેનેજમેન્ટમાં પણ વિસ્તરણ થાય છે. વિસ્તરણ છે ત્યાં ક્યારેક ને ક્યારેક સંકોચન પણ થાય છે. અમુક કંપનીઓ ઘણાં પ્રોજેક્ટ સમેટી લે છે. અમુક કંપનીઓ કર્મચારીઓ ઘટાડીને જૂના યુનિટ બંધ કરે છે. પછી ફરીથી કોઈ નવા યુનિટ માટે કર્મચારીઓની ભરતી થાય છે. આ રીતે મેનેજમેન્ટમાં સંકોચન-વિસ્તરણ ચાલ્યા કરતી પ્રક્રિયા છે.

સંકોચન એટલે પણ જરૂરી છે, કારણ કે સંકોચન થયા પછી ઘણી કંપનીઓ નવેસરથી વિસ્તરણની પ્રક્રિયા કરે છે. એ જ રીતે ધર્મોમાં કે રાજકારણમાં કે અર્થકારણ પણ થાય છે. રાજકારણમાં સંકોચન થાય કે કોઈ પાર્ટી સતત નિષ્ફળ નીવડે તો બીજી પાર્ટી માટે તક સર્જાય છે, અથવા તો એ જ પાર્ટી નવી રીતે પ્રયાસો કરીને વિસ્તરણ કરે છે. ધાર્મિક સંસ્થાઓમાં પણ આ પદ્ધતિ લાગુ પડતી હોય છે. વિજ્ઞાાન કહે છે કે બ્રહ્માંડનું સતત વિસ્તરણ થાય છે. એ જ મેથડ મેનેજમેન્ટમાં લાગુ પડે છે. સંકોચન અને વિસ્તરણ મેનેજમેન્ટ અને અર્થકારણનો અભિન્ન હિસ્સો છે.