- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- માનવીના જીવનમાં અનેકવાર અકલ્પ્ય કહેવાય એવી રહસ્યમય ઘટનાઓ બને છે. તે વિચિત્ર સંજોગોનો શિકાર બની જાય છે. કોઈ અજ્ઞાત કારણોથી તે મુસીબતોથી ઘેરાઈ જાય છે...
'મજ્જત્વમ્ભસિ યાતુ મેરુશિખરં શત્રૂન્જયત્વાહવે
વાણિજ્ય કૃષિ સેવનાદિ સકલા વિદ્યા: કલા: શિક્ષતુ ।
આકાશં સકલં પ્રયાતુ ખગવત્કૃત્વા પ્રયત્નં પર
નો।ભાવ્યં ભવતીહ કર્મવશતો ભાવ્યસ્ય નાશ: કુત: ।।
ભલે જળમાં ડુબો, મેરુ પર્વતના શિખર પર જાઓ, રણમેદાનમાં શત્રુઓને હણો, વ્યાપાર, કૃષિ અને સેવાની સર્વ વિદ્યા અને કલા શીખો અને ખૂબ પ્રયત્ન કરી પક્ષીની જેમ આકાશમાં ઊડો પણ કર્મયોગે જે નથી થવાનું તે થશે નહીં અને જે થવાનું છે તે થયા વિનાય રહેશે નહીં.'
માનવીના જીવનમાં અનેકવાર અકલ્પ્ય કહેવાય એવી રહસ્યમય ઘટનાઓ બને છે. તે વિચિત્ર સંજોગોનો શિકાર બની જાય છે. કોઈ અજ્ઞાત કારણોથી તે મુસીબતોથી ઘેરાઈ જાય છે. એમાંય કોઈ વાર એવું બની જાય છે કે તે એ મરણતોલ મુસીબતમાંથી છેલ્લી ઘડીે બચી જાય છે. તે વખતે તેને એવું પણ લાગે છે કે તેનું બચવું શક્ય જ નહોતું, પણ કાંઈક અજ્ઞાત શક્તિએ તેને બચાવ્યો. કેવળ યોગાનુયોગ બનેલા સંયોગોથી છેલ્લી ઘડીએ અપ્રત્યાશિત રીતે એકોક સહાય મળી જાય એ સંભવિત નથી. એ કોઈ દૈવી, અલૌકિક શક્તિ થકી જ પ્રાપ્ત થઈ હોય એવું માનવું જ પડે.
અમોરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહેતી કેથેલિન મેકકોઈન નામની ગૃહિણીના જીવનમાં દુર્ઘટનાની પરંપરા સર્જાતી પણ તે કોઈ દૈવી શક્તિની સહાયથી અદ્ભુત રીતે આબાદ બચી જતી હતી. કેથેલિન ૯ વર્ષની હતી ત્યારે એક સ્ટીમર અકસ્માતમાં સપડાઈ હતી. તેની સાથેના બીજા બાળકો એ સ્ટીમારમાં લાગેલી આગમાં બળી ગયા હતા પણ તે એકલી જ જીવતી રહી હતી. તે પછી તેને નડેલા કાર અકસ્માત, વિમાન અકસ્માત અને રેલવે અકસ્માતોમાં પણ સાધારણ ઇજા કે મોટેભાગે તો સહેજ પણ ઇજા વગર બચી જતી હતી. તેને એવો અનુભવ થતો કે કોઈ અદ્રશ્ય શક્તિ કે દૈવી વ્યક્તિ તેની સાથે સતત રહે છે અને સંકટની પરાકાષ્ઠાના સમયે અંતિમ પળોમાં તેને ચમત્કારિક રીતે બચાવી લે છે. તેને એ દૈવી મદદ કરનાર વ્યક્તિનો અશરીરી અહેસાસ થતો. આવી અનેક ઘટનાઓ બની હતી એટલે એવી પ્રબળ શ્રદ્ધા ઉત્પન થતી કે ગમે તેવી મુશ્કેલી આવવા છતાં તે વ્યક્તિ તેને અંતે બચાવી લેશે.
ચીનના બેઈજિંગ શહેરની હુઆંગ નામની મહિલા પણ આ રીતે અનેકવાર મોતના મુખમાંથી બહાર આવી ગઈ હતી. તે કિશોર વયની હતી ત્યારે શાળાના કેટલાક શિક્ષકો અને બીજા બાળકો સાથે પિકનિક પર જઈ રહી હતી. માર્ગમાં તેની બસને અકસ્માત નડયો. તેની બસ એક ટ્રક સાથે અથડાઈને ખાડામાં જઈને પડી. અકસ્માતમાં માત્ર બે જ વ્યક્તિઓ જીવીત રહી. એક બસ ડ્રાઈવર અને બીજી હુઆંગ. ઇ.સ. ૧૯૬૦માં એકવાર તે બેઈજિંગથી શાંઘાઈ હવાઈ માર્ગે જઈ રહી હતી. તે વખતે તેના એરોપ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી ઉત્પન્ન થી જવાથી એના એન્જિનમાં આગ લાગી અને તે સળગવા લાગ્યં. સળગતું વિમાન સડકની ધાર પાસેના એક ખેતરમાં પડયું. વિમાનના બધા જ યાત્રીઓ શ્વાસ ગૂંગળાઈ જવાથી મરણ પામ્યા. હુઆંગને વિમાનમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તે મૂર્છિત દશામાં હતી. પણ સદ્ભાગ્યે દૈવી સહાયથી તે ભાનમાં આવી ગઈ અને જીવી ગઈ.
ઇ.સ. ૧૯૬૨માં તે મસ્તિષ્કીય સંશોધન માટે રશિયા ગઈ. એ જ દિવસે તે યુક્રેનના કાળા સમુદ્રના તટ પર આવેલી એક હોટેલમાં રાત્રિના સમુદ્રનો આનંદ લઈ રહી હતી. ત્યાં જ એક વાવાઝોડું આવ્યું. તે ભયંકર વાવાઝોડામાં અનેક લોકો મરી ગયા. હોટલની ચારે બાજુએ પાણી ભરાઈ ગયું. પછી તે પાણીમાં ડૂબી અને ઉપર-નીચે થવા લાગી. ત્યાં જ એના હાથમાં લાકડાની કોઈ મોટી વસ્તુ આવી ગઈ. તેના સહારે તે બહાર આવી ગઈ અને તરતી રહી. પછી સેનાની હોડીએ રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધી. ૧૯૬૪ની એક સાંજે તે તેની મિત્રના લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં ગઈ હતી ત્યાં તેણે જે ફિશ ખાધી તે વિષાક્ત થઈ ગયેલી હતી. ફુડ પોઈઝન થવાથી ઘણાનું મરણ થઈ ગયું અને કેટલાક ગંભીર રીતે બીમાર પણ થઈ ગયા. હુઆંગને પણ તેની અસર થઈ, પણ તેના પ્રાણ બચી ગયા.
થોડા થોડા સમયના અંતરે હુઆંગ પર મુસીબતોનો મારો તો થતો જ રહેતો હતો. એક દિવસ તે તેની ત્રણ સખીઓ સાથે ટેક્સીમાં બેસીને તેના ઘેર આવી રહી હતી. ગરમીના દિવસો હતા. ડ્રાઈવરને ટેક્સી ચલાવતા ચલાવતા એક ઝોકું આવી ગયું. તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો. ટેક્સી સડકની ધાર પાસે ઉગેલા એક વૃક્ષ સાથે ટકરાઈ ગઈ. ડ્રાઈવરનું તો ઘટનાસ્થળ પર જ મરણ થઈ ગયું. હુઆંગની ત્રણેય મિત્રો પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેમનું ય મરણ થઈ ગયું. હુઆંગને થોડી ઇજા થઈ. તેના હાથનું એક હાડકું તૂટી ગયું પણ તે અત્યંત આશ્ચર્ય પમાય એ રીતે બચી ગઈ.
આ ઘટનાને બની એ પછી માંડ થોડા દિવસો વીત્યા હશે અને ત્યાં પાછી બીજી દુર્ઘટના બની. એક દિવસ તે રસ્તો ઓળંગીને તેની કોલેજ તરફ પગપાળા જઈ રહી હતી ત્યારે ઝડપથી જઈ રહેલી એક કારે તેને ટક્કર મારી. તે રસ્તા પર દૂર જઈને પટકાઈ ગઈ. આ જોઈને રસ્તા પર રહેલા લોકો દોડીને તેની પાસે પહોંચી ગયા. તેમને લાગ્યું કે અકસ્માતનો ભોગ બનેલી યુવતી ચોક્કસ મરી જ ગઈ હશે. પણ તેમણે તેની પાસે જઈને જોયું તો તે જીવતી-જાગતી હતી ! તે ઊભી થઈને ચાલવા પણ લાગી. ચાલતાં ખબર પડી કે તેના ડાબા પગના હાડકાને પડવાથી સાધારણ ઇજા થઈ હતી.
તે પછી હુઆંગે જે વાત કરી તે ભારે વિસ્મય ઉપજાવે તેવી હતી. આ અકસ્માતમાં તેનો બચાવ કેવી રીતે થયો તેનું રહસ્યોદ્ધાટન કરતી તેણે જણાવ્યું હતું - 'કાર મારી તરફ ધસસતી આવી રહી હતી ત્યારે કંઈ અપ્રત્યાશિત બની ગયું હતું. મને કંઈ ખબર પડે તે પહેલાં કોઈએ મને ધક્કો મારીને દૂર હડસેલી દીધી હતી તેને લીધે જ હું પડી ગઈ હતી. તે પડવાથી મારા ડાબા પગના હાડકાને સામાન્ય ઇજા હતી. કાર તો મારા શરીરને બિલકુલ અડકી જ નહોતી. જો માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતી એ કાર મને અથડાઈ હોત તો મારું બચવું જરા પણ સંભવ નહોતું. પણ મને કાયમ સહાય કરનાર મારા અદ્રશ્ય દૈવી મદદગારે આ વખતે પણ મને બચાવી લીધી હતી.'


